- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બાળ-કેળવણીનો આ પણ એક પ્રકાર – અરૂણા પરમાર

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ અરૂણાબહેનનો (ઈસરો, અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ]

ઈ-મેઈલ, મિત્રો અને પરિચિતો સાથે સંપર્કમાં રહેવાનું એક અતિ ઉપયોગી માધ્યમ છે. એ ઉપરાંત ઈ-મેઈલ્સ દ્વારા મિત્રવર્તુળમાં રોજ-બ-રોજ જે સુંદર ‘સાહિત્ય’ ની આપ-લે થાય છે એને માટે તો આ માધ્યમનો ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો છે. ‘ફોર્વર્ડસ્’ દ્વારા કોઈ એક સુંદર વિચાર ગણતરીની મિનિટોમાં હજારો લોકો સુધી પહોંચી જાય છે તથા તમારા કોમ્પ્યુટરના નાનકડા સ્ક્રીન પર તમે ભાતભાતની માહિતીઓ તથા અવનવા વાંચનની મજા માણી શકો છો.

ગત જુન મહિનામાં મને આવી જ એક સુંદર ઈ-મેઈલ મળી. જેનો વિષય હતો : ‘જેઓ 1930થી 1970 દરમ્યાન જન્મ્યા છે એ સૌ માટે….’

આ પત્રમાં જણાવવામાં આવેલું કે આ બધાં લોકો ખૂબ જ નસીબદાર છે કારણકે જ્યારે તેઓ ગર્ભસ્થ હતાં ત્યારે તેમની માતાઓને દારૂ તથા ધૂમ્રપાનનું વ્યસન વળગેલું ન હતું. આ થનાર માતાઓ મધુપ્રમેહના રોગથી પીડિત નહોતી અને કોઈ એન્ટીબાયોટિક દવાઓની બંધાણી નહોતી. એ વખતનાં ઘરોમાં એવા કોઈ કબાટ કે દરવાજા નહોતા જ્યાં બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત હોય. કારમાં સીટ બેલ્ટ કે સ્કૂટર પર હેલ્મેટનાં કાયદાઓથી આ બાળકો અજાણ હતાં. સાંજે પિતાશ્રીની ખખડધજ સાયકલ પર ‘આંટો ખાવા’ ના રોમાંચ માણવાની હંમેશા આતુરતાથી આ લોકો રાહ જોતાં. બગીચાઓના ખૂલ્લાં નળો પરથી બાળકો કોઈ પણ જાતના રોગ થવાના ડર વગર પાણી પી શકતાં. ઠંડા પીણાંની એક બોટલમાંથી ચાર મિત્રો વારાફરતી પીણાંનો આસ્વાદ માણતાં અને એ કોઈપણ જાતનાં ચેપ થવાનાં ડર વગર. ઘી, માખણ, જાતજાતની મીઠી તથા તૈલી વાનગીઓ ખાવા છતાંય ‘મેદસ્વી’ થઈ જવાનો કોઈને ડર નહોતો. કારણકે આ સમયગાળા દરમિયાન જન્મેલાં બધાંઓને ‘બહારની રમતો’ (outdoor games) રમવાનો લાભ મળ્યો હતો. રજાનાં દિવસોમાં આ બાળકો સવારથી ઘરેથી નીકળી જતાં અને સાંજે છેક દીવાબત્તીના સમય સૂધી મેદાન કે ખૂલ્લી જગ્યાઓમાં રમવાનો ભરપૂર આનંદ ઊઠાવતાં. એ દરમ્યાન એમની કાળજી લેવા માટે કોઈ સાથે રહેતું નહોતું.

આ બાળકો પાસે ત્યારે પ્લે સ્ટેશન, વિડિઓ ગેમ્સ, કેબલ ટીવી, વિડિયો ફિલ્મ્સ, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર અથવા ઈન્ટરનેટ જેવા રમતનાં કે સંપર્કમાં રહેવા માટેનાં આધુનિક ઉપકરણો ઉપલબ્ધ નહોતાં. પરંતુ એમની પાસે ઘણાંબધાં મિત્રો હતાં અને બહાર જઈને એ સૌ ભેગા મળીને જાતજાતની રમતો રમવાની મજા માણતાં. એ લોકો વૃક્ષો પર ચડતાં, પડતાં, હાથેપગે ઈજાઓ પામતાં, ક્યારેક આને લીધે દાંત પણ તૂટતાં પણ આ બધાં સામે એમને કોઈપણ પ્રકારની ફરિયાદો નહોતી. પડવાં-વાગવામાંય તેઓને એક પ્રકારનો આનંદ મળતો. કાદવ-કિચડમાં રમવા છતાંય જીવજંતુઓ કે કિટાણુઓ તેમને કશું જ નુકશાન પહોંચાડી શકતા નહીં. તેઓ મન થાય ત્યારે તેમનાં દોસ્તોના ઘરે પહોંચી જતાં અને એ માટે એમને અગાઉથી કોઈ જાણ કરવાની જરૂરત જણાતી નહીં. નાની નાની ટુકડીઓ બનાવીને સંપીને રમવાનો એમનો આનંદ જીવન જીવવા માટે તેમને એક અલગ જ પ્રકારની કેળવણી પૂરી પાડતો. નાનાં-મોટાં એમનાં ઝઘડાઓમાં તેમનાં માતા-પિતા હંમેશા ન્યાયનો પક્ષ લેતાં. પોતાનાં સંતાનો તરફ, આવાં વખતે, કોઈ પણ જાતનો પક્ષપાત લેવાતો નહીં અને એનાથી એમની વચ્ચેનાં સંબંધોમાં કોઈપણ જાતની કટુતા કે કડવાશનો કોઈ અંશ જોવા મળતો નહીં.

આ સમયગાળામાં જન્મેલાંઓમાંથી દુનિયાને કેટલાંક વિશેષજ્ઞો, સંશોધકો, સાહસિકો અને સલાહકારો સાંપડ્યાં છે. છેલ્લાં 50 વર્ષોમાં, આ લોકોએ દુનિયાને કેટલીયે વિશેષ અને નોંધપાત્ર શોધોની ભેટ ધરી છે જેણે સમગ્ર વિશ્વને એક નાનકડાં સંકુલમાં ફેરવી દીધું છે.

આ લોકોએ સ્વતંત્રતા, સફળતા-નિષ્ફળતા અને જવાબદારીઓનો એકસાથે સ્વાદ ચાખ્યો હતો અને સાથે સાથે આ બધાંનો સામનો કરવાની ત્રેવડ પણ કેળવી હતી. અને એટલે જ જેઓ 1930 થી 1970 દરમ્યાન જન્મ્યાં છે તેઓને નસીબદાર કહેવાયાં છે કારણકે એ લોકો જે કાંઈ પામ્યાં, જે કંઈ બન્યાં તેને માટે તેમને તેમનાં માતાપિતાઓ દ્વારા એક વિશિષ્ટ પ્રકારની કેળવણી મળી હતી.

હું પોતે પણ આ સમયગાળા દરમ્યાન આ દુનિયામાં પ્રવેશવાની ‘વિશિષ્ટ લાયકાત’ ધરાવું છું અને એટલે જ આ ‘પત્ર’ મેં મારા ઘણાં મિત્રો સાથે વહેંચ્યો અને મોટાભાગના મારા મિત્રોએ તેમની આ ‘વિશિષ્ટ લાયકાત’ ધરાવવા બદલ ગૌરવની લાગણી અનુભવી. મારા એક મિત્ર શ્રી નિખિલભાઈ ને બે સુંદર બાળકો છે, સાથે સાથે બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જાગૃત પિતા છે. તેઓ અવારનવાર અન્ય માતા-પિતાઓ સાથે બાળકોનાં ઉછેર અંગે વિચારવિમર્શ કરે છે અને સાથે સાથે તેઓ બાળકોને તથા અન્ય માબાપોને આવી રમતો કે જે કોઈ પણ જાતનાં ખર્ચ વગર ખૂલ્લાં મેદાનોમાં રમી શકાય છે તેનાં ફાયદાઓ જેવાં કે ટીમનું ગઠન, નેતૃત્વ, પ્રત્યાયન કે વિચારવિમર્શ કરવામાં નિપુણતાની પ્રાપ્તિ, સુંદર અને સુગઠિત શરીર માટે મળી રહેતી કસરત, માનસિક સંતુલન અને ઘણાંબધાં અન્ય ફાયદાઓ જે જીવનનાં કોઈ પણ ક્ષેત્રમાં રોજબરોજનાં વ્યવહારોમાં અનેક રીતે ઊપયોગી થઈ પડે તેનાં વિશે જણાવે છે.

તેમનાં મતે માબાપો જ બાળકોને આવી રમતો રમવા માટે પ્રોત્સાહિત કરી શકે. પરંતુ, આજકાલ લોકો જે રફતારથી તથા જે રીતે જિંદગી જીવી રહ્યાં છે તે જોતાં માવતરો તેમનાં સંતાનોને બહાર રમવા મોકલતાં ગભરાય છે. પ્રથમ તો શહેરી વસવાટ એટલાં ગીચ થઈ ગયાં છે કે બાળકોને રમવા માટેની મોકળાશ મળવી મુશ્કેલ છે. બીજું, વાહનોને જે ભયંકર અને બેફામ ગતિથી હંકારાય છે તથા અકસ્માતોની સંખ્યા જે રીતે વધી રહી છે તે જોતાં કોઈ પણ મા-બાપ પોતાનાં લાડકવાયાંઓને રસ્તા પર રમવા માટે મોકલવામાં ખચકાટ અનુભવે. ત્રીજું, આજકાલનાં બાળકો માટે વિવિધ પ્રકારની જે ઈતર પ્રવૃત્તિઓ કરવી પડે એમ હોય છે તેમાં તેઓને બહાર જઈને રમવા માટેનો સમય ફાળવવો એ એક અઘરી બાબત બની જાય છે.

તેમ છતાંય જો આજનાં બાળકોને 1930 થી 1970 દરમ્યાનની પેઢી જેમ બહાર રમવાની તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તો તેમની આંતરિક શક્તિઓ વધારે ખીલી ઊઠશે અને તેમનાં કુટુંબ તથા સમાજ બેઉને લાંબે ગાળે તેનો લાભ મળશે.