- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પત્ની જ્યારે પત્ની રહેતી નથી ! – તારક મહેતા

એક સાંજે નોકરીધંધેથી પાછા ફરી ધૂનમાં ને ધૂનમાં તમારી રોજિંદી ટેવ પ્રમાણે તમારા રહેઠાણનું બારણું ખોલી તમે અંદર પગ મૂકો અને પગ મૂકતાંની સાથે અડધો ડઝન વંદા તમારા પગ ઉપર આરોહણ કરવા માંડે અને તમે એમના અણધાર્યા હુમલાથી ચોંકીને છલાંગ મારો અને બીજા પગમાં કંઈ ખીલી, પતરું કે એવી જ કંઈ ધારદાર ચીજ ઘૂસી જાય અને ચીજ પાડવા તમે મ્હોં ખોલો ત્યાં પચાસ ગ્રામ ધૂળનો ગોટો સડેડાટ તમારાં ફેફસામાં ઊતરી જાય અને એ બાબતમાં ફરિયાદ કરવા હજી તમે સ્વસ્થ થાવ ત્યાં જ તમારાં શ્રીમતીજી તમારા ઉપર જ ચાબખો મારે કે, ‘જરા જોઈને ઘરમાં પેસતા હો તો !’ ત્યારે સમજી લેવું કે દિવાળી આવી ગઈ છે અને તમારી ફરજપરાયણ પત્નીએ વાર્ષિક સાફસૂફીનું મહાભગીરથ કાર્ય ઘરમાં શરૂ કર્યું છે. પત્ની દિવાળી માટે સાફસૂફી શરૂ કરે ત્યારે પતિ માટે તો ઘરમાં કટોક્ટીની જ પરિસ્થિતિ ઊભી થાય છે.

ઘણીવાર મને થાય છે કે દિવાળીના તહેવારમાં ઘર સાફ કરી સજાવવાનો મહિમા ન હોત તો શું થાત ? માળિયાં અને કાતરિયાં ઉકરડાથી ઊભરાઈ જાત. બેસતા વર્ષે બિછાનાઓ ઉપર, ગાદીઓ ઉપર પાથરવામાં આવતી રંગબેરંગી રેશમી ચાદરો પટારાઓમાં પડ્યે પડ્યે જીવડાંઓનું ભોજન બની જાત. કીમતી પ્યાલા રકાબીના સેટ ધોવાયા વગરનાં વર્ષોથી શોભાનાં રમકડાં જેવાં પડ્યાં રહેત. નવાં કપડાં સીવડાવવાનાં અને સાડીઓ ખરીદવાનાં બહાનાં રહેત નહિ. સૂકા મેવા અને તાજી મીઠાઈના સ્વાદ ભૂલી જવાત. આપણા વડવાઓએ ધાર્મિક તહેવારોમાં કેવી સિફતથી ગૃહિણીઓ માટે ફરજો લાદી દીધી છે ! આમ બારે મહિના પત્નીની ગૃહવ્યવસ્થાથી અસંતુષ્ટ રહેતા પુરુષોને દિવાળીના દિવસે ઘરની સજાવટ જોઈ ઊંડે ઊંડે જરૂર વિચાર આવતો હશે કે ‘બારે મહિના બૈરી આવી રીતે ઘર સજાવી રાખતી હોય તો કેવું સારું !’

પણ દિવાળીમાં તો ગૃહિણીઓ ઉપર સ્વચ્છતાનું જાણે ભૂત સવાર થાય છે. એને કામ કરતી જોઈને આપણને આશ્ચર્ય થાય કે આટલી બધી ગજબનાક શક્તિ એનામાં આવે છે ક્યાંથી ? માળિયાનાં માળિયાં ઉથલાવી નાખે, ફર્નિચર ઉલટાવી નાખે, છાજલીઓ, ગોખલાઓ, પાળીઓ, ખૂણા-ખાંચરાં ઝાટકી નાખે. તમને યાદ પણ ન હોય તેવી ચીજો ધોઈ, માંજી, ચકચકિત કરી ગોઠવી દે. તોરણ, આભલાં, ગાલીચા, ચાદરો, ટેબલકલોથ, આસનિયાં, ગલેફ બધાનો ગંજ બહાર નીકળી આવે ત્યારે તો ખરેખર જ તમને ગૃહિણી જાદુગર લાગવા માંડે અને હજી લાભપાંચમ ગઈ નથી અને બધો સુશોભનનો અસબાબ જેમ અલૌકિક રીતે પથરાયેલો એવી જ રીતે પલકારામાં અલોપ થઈ જાય.

આ બાબતમાં મોટાભાગના પુરુષો તદ્દન અણઘડ હોય છે. હું તો છું જ. પત્નીને ચાદર પથરાવતી વખતે એના સામેના બે છેડા પકડી પાથરું તો પણ એમાં અડધો ડઝન કરચલીઓ પાડું. પત્ની બિચારી હોંશભેર રહેઠાણ સજાવતી જાય તેમ તેમ આપણા રહેઠાણના રંગઢંગ બદલાતા જોઈ આપણને અડવું અડવું લાગવા માંડે. મહેમાનો માટે પથરાયેલી ગાદી ઉપર એવી તો ભપકાદાર મુલાયમ ચાદર હોય કે આપણને એના ઉપર બેસતાં જીવ ન ચાલે. રખેને ચાદર તણાઈ જાય, ફાટી જાય કે બગડી જાય એ બીકે આપણા ઘરમાં આપણે અજાણ્યા મહેમાન જેવા ફર્યા કરીએ.

વળી પત્નીને જાણે માતા આવ્યાં હોય તેમ એ પાલવનો કમરબંધ બનાવી આખા ઘરમાં ઝઝૂમતી હોય અને જેટલી વાર એને મદદ કરવા જઈએ એટલી વાર જાણે આપણે એની વાર્ષિક યોજનામાં ભંગાણ પાડવાનું કાવતરું કર્યું હોય એમ આપણને વડચકાં ભરે. જોકે એમ જ બનતું હોય છે. એને એકાદ પેટી-પટારો ખસેડવા ઊંચકાવવામાં મદદ કરવા જઈએ તો આપણા હાથ કે પગનાં આંગળાં-અંગૂઠા કચરાયા વગર રહે જ નહિ. પછી એ બિચારી પેટી-પટારા ફેંદે કે આપણી સારવાર કરે ? આપણે જ આવે વખતે સારવાર કરી લેવી જોઈએ એવી સદ્દભાવનાના ક્ષણિક આવેશમાં દવા કે મલમ ખોળવાનાં ફાંફાં મારવા જઈએ ત્યારે ભંડકિયામાંથી એકાદ બે બાટલી ભોંય પાડી આપણે એનું કામ વધારી મૂકીએ છીએ.

છેવટે એ આપણી સામે કટોકટીનું એલાન જાહેર કરે. ‘મહેરબાની કરીને તમારે જે જોઈતું હોય ને તે મને કહો, આમ જ્યાં ત્યાં ખાંખાંખોળાં ન કરો. હું કહું છું કે કલાક ફરી આવો ને, આમ અહીં તમે અથડાયા કરો છો તે મને કંઈ કામ સૂઝતું નથી. હજી તો રસોઈ કરવાની બાકી છે. તમે જાવ તો હું સપાટામાં પરવારી જાઉં, નહિ તો પાછા તમે ને તમે ‘ખાઉં-ખાઉં’ કરતા રસોડામાં ધસી આવશો ને કંઈક વગાડશો.’

આમ એ તમને આડકતરી રીતે કલાક માટે તડીપાર કરે. એના ફરમાનને અમલમાં મૂક્યા વગર છૂટકો જ નહિ, કારણકે છેવટે તો ઘર સુશોભિત દેખાય એનો અડધો યશ વગર મહેનતે આપણે જ ખાટી જતા હોઈએ છીએ. એના શ્રમયજ્ઞમાં સક્રિય સહકાર આપવા આપણે અસમર્થ હોઈએ તો પછી એના માર્ગમાંથી કામચલાઉ હટી જઈ એને અનુકૂળતા કરી આપવી એ દરેક પુરુષની પવિત્ર ફરજ હોવી જોઈએ. તમે નક્કી કરો કે ‘ચાલ જીવ, બૈરીના છણકા અને ધૂળ ખાવા કરતાં કંઈક આડોશપાડોશમાં લટાર મારી આવીએ.’

ચંપલ ચઢાવી પહેરેલે કપડે તમે બહાર નીકળી પડો અને કાયમ આવકાર મળતો હોય એવા પાડોશીને બારણે જઈ ટકોરા મારો તો અંદરથી સ્ત્રીનો કઠોર અવાજ સંભળાય.
‘કોણ છે ?’
અંદરથી કઠોર અવાજથી તમે નરમ પડી પૂછો તો જવાબમાં બારણું ખૂલે અને સ્ત્રીનું ડોકું દેખાય તેમાં જ તમારા પ્રશ્નનો જવાબ મળી જાય. પડોશીની પત્નીનું આખું ડોકું બાવાં જાળામાં લપેટાયેલું અને જવાબ મળે કે ‘ના, એ આટલામાં કંઈક ગયા છે.’ એનો અર્થ એ કે તમારી જેમ જ તમારા મિત્રને પણ પત્નીએ તડીપાર કર્યા છે. કેટલીક મુત્સદ્દી પત્નીઓ પતિને એવાં કામ સોંપી દે છે કે પતિ બિચારો બે-ત્રણ કલાક ઘરમાં ફરકે નહિ. એવા તો જવલ્લે જ કોઈ પુરુષ હશે જે પત્નીને કહેતા હશે, ‘બેસી રહે છાનીમાની, ના જોઈ હોય મોટી ઘર શણગારવાવાળી, બાર મહિના ઉકરડો પાથરી રાખે છે અને પછી દિવાળીના દહાડામાં લોહી પીએ છે ? તારું ડાચું શણગારે તોય બહુ છે. કાયમ રોતી સૂરત રાખી ગમાર જેવી ફર્યા કરે છે પછી કયો તારો ભૂત ભાઈ તારું ઘર જોવા આવવાનો હતો ?’

મોટાભાગના પુરુષો આ દિવસોમાં ત્રાસ ભોગવી લેતા હોય છે. બક્ષિસની આશાએ ઘાટીઓ ઘેરઘેર દોડતા હોય છે. આ દિવસોમાં ઘાટીઓની કાર્યશક્તિ અને સહનશીલતા સોળે કળાએ ખીલી ઊઠે છે. સામાન્ય રીતે આખી બપોર ઘોરતાં અને આખી ચાલી જાગી ઊઠે એવા ઘાંટા પાડીએ તોય ઘોરવાનું ચાલુ રાખતા ઘાટીઓ દિવાળીના દિવસોમાં રાત-દિવસ જાગ્રત રહે છે. સામાન્ય રીતે એમને ખોળવા નીકળવું પડતું હોય, પણ આ દિવસોમાં સામેથી એ હાજર થઈ જતા હોય છે અને ઘરનાં પુરુષ કરતાં એ લોકોની મદદ ગૃહિણીને વધારે ઉપયોગી નીવડે છે.

દિવાળીના દિવસ સુધી હદપાર થયેલી અવસ્થામાં ફરતા પુરુષો તમને માળાઓનાં આંગણાંમાં, ઓટલે, આજુબાજુની કોઈ હોટલોમાં કે પાનને ગલ્લે ટોળે વળી ગપ્પાં હાંકતાં નજરે પડશે. પુરુષનો અહમ એવો હોય છે કે એ નિખાલસતાથી કબૂલ ન કરે કે પત્નીએ એને બહાર હડસેલી મૂક્યો છે. એ તો બહાર ઊભો ઊભો ફાંકામાં એમ જ બોલતો હોય છે કે ‘મેં તો વાઈફને કહી દીધું કે આ બધી મગજમારી આપણને નહિ જોઈએ. તારે કરવું હોય એ કર. હું ફરીને આવું છું.’ દરેક પુરુષને અંદરખાને ખબર હોય છે કે દિવાળી માટે સાફસૂફીના જંગે ચઢેલી પત્નીના માર્ગમાં આડે આવવામાં કેટલું જોખમ છે. સારું છે કે આપણા સમાજમાં પતિઓને માંજીને ચકચકિત કરવાનો રિવાજ નથી, નહિ તો કંઈક પતિઓના બરડા કાથીના દડાથી છોલાઈ જતા હોત.