તાળું અને ચાવી – રીના મહેતા

locksઘરની દાયકાઓ જૂની પરંપરા મુજબ લોખંડના મોટા પીપડામાંથી ચોખા કાઢી મોટી-પહોળી ચાવી ફેરવી તાળું મારું છું ને કોઇ બોલી ઉઠે છે: ‘અનાજને તાળું ? અરરર…’ સાબુવાળા પાણીમાં ભૂંગળી વડે ફૂંક મારી ઉડાવાતા પરપોટાઓની જેમ એ અરરર.. ઉદગારોના પડઘા મારી આસપાસ ફર્યા કરે છે. ચાવીને ખીંટીએ લટકાવી ટાઢે કલેજે મારો હાથ બીજા કામમાં પરોવાઇ જાય છે. પીપડાની અંદરનું અનાજ, એનાં સેંકડો કણ કશી ફરિયાદ નથી કરતાં. કીડીને કણ અને હાથીને મણ તો ઉપરવાળો આપતો જ રહે છે. પણ આપણને મનુષ્યોને એની ઉપર વિશ્વાસ નથી તેથી અન્નદેવતાને તાળામાં પૂરીએ છીએ.

તાળું કંઇ બહુ ગમે એવું તો નથી જ હોતું. ઘણાને તો એનો ખાસ્સો અણગમોય હોય છે. કોઇના ઘેર હોંશભેર જઇએ અને તાળું લટકતું હોય તો આપણને કેવી લાગણી થાય? અમારી સોસાયટીમાં તો ઘરમાં માણસો હોય તોય અંદરથી જાળીએ તાળું મારવાનો ચાલ છે. શાંત સોસાયટીમાં બપોરે બધે તાળાં લટકતાં ચોકી કરતાં હોય. કોઇ આવે એટલે ઝટઝટ ચાવી લઇ દોડીએ. ‘કેમ તાળું મારી રાખો છો?’ એવું આવનાર પૂછે ત્યારે છોભીલા પડવા જેવું પણ થાય.

હમણાં એક્વાર જૂનાં વાસણો ભેગાં પિત્તળના એક બેડામાંથી સેંક્ડો ચાવીઓના ઝૂમખાંના ઝૂમખાં મારા હાથમાં આવે છે. નાની-મોટી, ખૂબ નાની- ખૂબ મોટી, પહોળી-અંદરથી પોલી જાતજાતની-ભાતભાતની ચાવીઓ જોઇ આશ્ચર્યમાં ગરકાવ થઇ જાઉં છું. રમૂજની વાત તો એ હતી કે આટલી બધી ચાવીઓમાંથી એકેકેનું તાળું અમારી પાસે નથી. જોકે એ સારું જ હતું, નહિ તો કયા તાળાની કઇ ચાવી હશે તેની અનંત મથામણમાં અમે ડૂબી જાત. પણ આટલી બધી ચાવીઓ આવી ક્યાંથી? કદાચ પચાસ-સો વર્ષ પહેલાંના સંયુક્ત નાગર કુંટુંબના વિશાળ ઘરનાં વિવિધ દ્વારોની, કોઠારોની, પેટી-પટારાઓની, કબાટોની આ કૂંચીઓ સચવાતી-સચવાતી પેલા બેડામાં ભેગી થઇ હશે. ભંગાર તરીકે કાઢી નાંખતા કોઇનો જીવ ન ચાલ્યો હોય. રખેને એનાથી કોઇ તાળું ઉઘડી જાય? રખેને કોઇ તાળું મળી આવે !

તાળું ઊઘડી જાય. અહાહા…..કેવી હળવાશ થઇ જાય ! તાળું ઊઘડે ને કેટલું બધું ઊઘડી જાય. તાળાં – જે કંઈક ઊઘડવા માટે છે – કંઇક બંધ કરવા માટે છે. ચાવી વિના તાળાં નક્કામાં. તાળાં વિનાની ચાવીયે નક્કામી. તાળાં કેટલો સીધોસાદો શબ્દ. પણ છે કેવાં અટપટાં. એની પોતાની ચાવી મળે તો જ ખૂલે, નહિ તો હઠીલા થઇ બંધ જ રહે. મોટાંમસ તાળાંયે હોય અને સાવ રમકડાં જેવાં તાળાંયે હોય. પણ નાનાં કે મોટાં, તાળાં એટલે તાળાં. તાળાં એટલે બંધ. તાળું ન ગમતું હોય છતાં માર્યા વિના ચાલતું નથી. કેટલાકને તાળા-ચાવી ખૂબ પ્રિય છે. પુસ્તકોના કબાટને પણ કાળજીથી નાનું તાળું મારવાની એમને મજા આવે. કેટલાક મનુષ્યોય તાળું મારેલા જેવા બંધ હોય છે અને કરુણતાની વાત તો એ છે કે પોતાની ચાવી પોતે પણ ખોઇ બેઠા હોય છે.

રામરાજ્યમાં કશે તાળાં મારવાની જરૂર નહોતી. કેવું સુંદર કે જ્યાં બધાં જ ઘરોના રમણીય દ્વાર સદાય ઉઘાડા રહેતાં હોય ! માત્ર ઘરને જ શા માટે, આપણે તો ભલભલાને તાળાં મારીએ. સાવ નાનકડા મનને પણ આપણે કેટકેટલા તાળાં માર્યા કરીએ છીએ ! મનનાં એક પછી એક દ્વાર ઉપર નાનાં-મોટાં તાળાં મારતા રહીએ છીએ. વળી આ બધાં તાળાં ની ચાવી સચવાય તો સચવાય. કદીક ડુપ્લીકેટ ચાવી પણ રાખવી પડે. પણ મનનું તો એવું છે કે તમે એના એક બારણે તાળું મારો તો બીજું બારણું ઉઘાડું. બીજા બારણે તાળું મારી હાશ કરી બેસો ત્યાં ત્રીજું બારણું ખુલ્લું. વળી, કેટલાંક બારણાં તો બંધ જ ના થાય તેવા અને કેટલેક ઠેકાણે તો બારણાં જ નહી હોય. ખુલ્લું સપાટ મેદાન હોય, ત્યાં કઇ રીતે તાળાં મરાય ? કેટલેક તો મેદાન પણ નહિ, અનંત ક્ષિતિજ દેખાય. તમે તેની પાછળ ચાવી લઇ લઇ ક્યાં સુધી દોડો ?

વળી, આ ચાવીઓ પણ પેલા પિતળનાં બેડાં જેટલી વધતી જ જાય. મનના કયા બારણાંના કયા તાળાની કઇ ચાવી છે તે ઢગલોક ચાવીઓના ઝુમખાંમાથી આપણે લગાવ્યા જ કરીએ. પણ કેટલાક વળી નિરાંત જીવવાળા હોય. આ તાળું માર્યુ એટલે માર્યું. પછી ખોલવાની શી ચિંતા? છોને રહેતું બંધ ! કેટલાક વળી કડાકૂટિયા તે ભળતીસળતી ચાવીથી ભળતાસળતાં તાળાં ખોલવાની કડાકૂટ કર્યાં જ કરે…. શી જરૂર છે તાળા અને ચાવીની મનને? છોને બારણાં ખાલી વાસી રાખો. પણ એટલુંય વાસવાની જરૂર શી? ઉઘાડાફટ્ટ રાખો કે પવન સરર….કરતો આવે ને જાય. આવે ને જાય. ગૂંગળામણથી તો બચાય અને તાળાં દીધે બધું બંધ થોડું થઇ જાય છે ? ને ચાવી લઇને બધું ઊઘડી થોડું જાય છે?

ઇશ્વરે આપણને પૃથ્વી પર કેવા નિર્વસ્ત્ર – તાળાં વિનાના તન અને મનવાળા મોકલ્યાં. ઇશ્વરે કયાં કશે તાળું માર્યું છે? એની આવડી મોટી ધરતી, એના આવડા મોટા – મોટા દરિયા, દૂર-દૂર વહેતી નદીઓ, ઝરણાં, અનાજથી ભર્યાંભર્યાં લહેરાતાં ખેતરો બધું જ ઉઘાદુંફટ્ટ છે. મનુષ્યનું ચાલે તો ખેતર ફરતે કાંટાળી વાડને બદલે દીવાલ ચણાવી ત્યાંયે બારણાં કરી તાળાં મારે.

પણ ઇશ્વર કશે તાળાં મારી શકતો નથી. સૂર્ય અને ચંદ્રની ઝળહળતી તેની જણસથી માંડીને માટીના નાના કણ કે હવાની ઝીણી લહેરખી ઉપર પણ તેણે તાળું માર્યું નથી. આકાશના અસીમ વિસ્તારમાં પક્ષીઓ ઊડ્યાં જ કરે છે. જમીન પણ ઇશ્વરે સૂક્ષ્માતિસૂક્ષ્મ છિદ્રોવાળી કરી છે તે નવાં નવાં ફણગાં ફૂટ્યાં જ કરે છે. અરે ! પથ્થર તોડીનેય તરણું ફૂટે છે, છતાં ખૂબીની વાત એ છે કે વગર તાળે બધાની ચાવી એના હાથમાં છે. અબજો ચાવીઓથી ભરેલાં અનંત કદનાં પિત્તળનાં બેડાંમાંથી પલકવારમાં એ કોઇ ચાવી કોઇ અદશ્ય તાળાંને લગાવે છે અને શાંત સરોવરનાં જળમાં ધીરે રહીને કોઇ સુંદર કમળ ખીલી ઊઠે છે. સાવ ટચૂકડી ચાવી ફરે છે અને ધરતીના ખોળામાં ઝીણકું તૃણ હાથ – પગ હલાવી નાચવા માંડે છે. ઇંડું તુટે છે ને ગભરું બચ્ચું બહાર આવે છે. ગર્ભના અંધકારને ભેદીને બાળક જન્મે છે. વળી, પાછી ચાવી ઉલટી ફરે છે અને માણસના શ્વાસને તાળું લાગી જાય છે. એ પછી કદાચ ઇશ્વર એ ચાવી ફેંકી દે છે. ક્યારેક એ ચાવી કોઇ મનુષ્યના હાથમાં આવી જાય તો એ અનંત અપાર આકાશના ન દેખાતાં અનંતદ્વારોને એક જ ચાવીથી ઉઘાડતો- ઉઘાડતો, કાળા પ્રકાશમાં ઝળહળતા નિબીડ શૂન્યાવકાશમાં સરતો-સરતો, છેવટે ઇશ્વરના પેલા વિશાળ કદના પિત્તળના જૂના બેડા પાસે પહોંચી જાય છે અને હળવેકથી પોતે પણ બેડામાંની જ એક ચાવી બની ત્યાં ગોઠવાઇ જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સપનાંનું સૌંદર્ય – સુરેશ દલાલ
પોલીસચોકીમાં ભદ્રંભદ્ર – રમણભાઈ નીલકંઠ Next »   

17 પ્રતિભાવો : તાળું અને ચાવી – રીના મહેતા

 1. Meera says:

  બહુ જ સુન્દર નિબન્ધ. અનોખી રીત ની
  રજુઆત થી બહુ ગમ્ભીર મુદ્દા ને સાંકળી
  લીધો છે. વાંચવા ની મજા આવી.
  સાથે સાથે આ રીતે ગુજરાતી લખવાની પણ મજા પડી.

 2. ashalata says:

  પ્રિય વાચકો,
  તેજીને ટ્કોરો જ હોય,ચાવી શોધો
  તાળા ખોલો…….
  સુન્દર રજુઆત આભાર રિનાબહેન

 3. jasama gandhi says:

  પ્રિય રિનાબેન્ , ખરેખર્,પ્રભુએ તાલા નથી માર્યા. વડૉડરાના એક દાક્તરે ઘનાબધા તાલાચાવિ સન્ગ્રહ ક્ર યા ચે. જયશ્રિ ક્રિશ્ન્.

 4. Pratik Kachchhi says:

  Ri naben,

  Very Good Thought provaking article.. nice article.. needless to mention almost all NAGAR borne with love to Gujarati Sahitya..My sincere regards & good wishes to you..

 5. Maharshi says:

  There is very very old bhajan:
  “Evi kuchi mara guruji ne haath,
  heee.. eva koi guruji male to tala mara uooghade”

  Nice article anyways.

 6. A vision of life depicted by Shree.. Rinabahen is worth chewing ,swallowing and digesting .Abhar.

 7. Keyur Patel says:

  તાળા તો ઘર ના રખેવાળ. પણ મન નાનું કરી નાંખે. શું કરીએ? અનિવાર્ય દુષણ છે. નિભાવવું પડે…..

 8. Dwijaa Mehta says:

  વાહ!ખુબ સરસ લેખ!મઝા આવિ ગઇ.

 9. Ankit Pathak says:

  વાહ!ખુબ સરસ લેખ!મઝા આવિ ગઇ.

 10. Geeta Paresh Vakil says:

  ખૂબ જ સુંદર લેખ! વિચાર કરતા મૂકી દે એવો! રીનાબેન ખૂબ ખૂબ આભાર!

 11. […] સ’, ‘મારી ગોદડીને હૂંફના ટાંકા’, ‘તાળું અને ચાવી’, ‘વાત્સલ્યના હસ્તાક્ષર’ […]

 12. Triple penetraton….

  Triple penetraton….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.