માળો – અજય ઓઝા

nest‘પપ્પા, આજે પેલા ઈંડામાંથી કાગડાનાં બચ્ચાં નીકળ્યાં. થોડું ઊડતાંય શીખવા માંડ્યાં છે. ચાલો, મારી સાથે, હું તમને બતાવું !’ અગાશીનાં પગથિયાં ઊતરતી સોનુ એકીશ્વાસે ઉત્સાહથી બોલી. હું ફળિયામાં હીંચકો સ્થિર રાખીને બેઠો હતો.

અગાશીની એક તરફથી પસાર થતી વૃક્ષની ઘટાદાર ડાળીઓ વચ્ચે કાગડાએ માળો બાંધ્યો હતો. પંદર દિવસ પહેલાં જ્યારે સોનું અહીં આવી ત્યારે કાગડાએ માળો લગભગ પૂરેપૂરો બાંધી લીધો હતો. ‘પપ્પા, આ કાગડો માળો શું કામ બાંધે ?’
‘જેમ આપણે ઘર બનાવીએ, એમ. તને એ બધું પછી સમજાશે.’ હું સમજાવતો.

સોનું આ વર્ષે પાંચમા ધોરણમાં આવશે. એ દર વર્ષે પંદર દિવસ માટે અહીં રહેવા આવી શકતી. એ આવી પછી બીજે જે દિવસે દોડતી મારી પાસે આવીને બોલી : ‘પપ્પા, જલ્દી ચાલો, કાગડાએ ઈંડા મૂક્યાં છે, જલ્દી જોવા ચાલો !’

એને માળામાં અને કાગડામાં તો રસ હતો જ, હવે ઈંડા એનું નવું આકર્ષણનું કેન્દ્ર બન્યાં. હું એની સાથે ઈંડા જોવા અગાશીમાં ગયો. ‘બેટા, ઈંડા કાગડો ન મૂકે. કાગડીએ મૂક્યાં એમ કહેવાય.’ મેં હસતાં હસતાં સમજાવ્યું. દિવસમાં સત્તર વખત એ અગાશીમાં જઈ કાગડાનો માળો જોઈ આવતી. ઝીણવટથી ઈંડાનું નિરીક્ષણ કરતી. આ બધામાં એને રસ પડતો એ મને ગમતું.

વરસે દહાડે પંદરેક દિવસ માટે જ સોનુ આવતી હોવાથી હું એને માટે ખાસ રજા મૂકીને ઘેર એની સાથે જ રહેતો. દરરોજ ફરવા લઈ જતો. આ સમયગાળામાં એનો જન્મદિવસ ન આવતો હોવા છતાં હું કેક લઈ આવતો. અગાશીમાં દોરી બાંધી ફુગ્ગા લગાવતો. રિબિન બાંધુ. સોનુ કેક કાપે અને અમે એનો ‘હેપી બર્થ ડે !’ ઉજવતાં ! કોઈ વાતે એને હું ઓછું આવવા દેતો નહીં. એ નવા નવા સવાલો મને પૂછ્યા કરે :
‘પપ્પા, ઈંડા કોણ સેવે ?’
‘કાગડી…’
‘તો…. કાગડો શું કરે ?’
‘એ બચ્ચાં થાય પછી ચણ લાવે.’
‘માળો કોણ બાંધે, કાગડો કે કાગડી ?’
‘બંને… સાથે મળીને બાંધે.’
‘માળો ન હોય તો પપ્પા, ઈંડાનું શું થાય ?’

હું એની સામે જોઈ રહેતો. એની વાતોમાં હું ક્યારેક ભૂતકાળમાં સરી પડતો, પણ મારા વિષાદની અસર સોનુ પર ન પડે એની ખાસ કાળજી રાખતો. આ ઘર પણ એકવાર ખુશીઓથી તરબતર છલકાતું હતું. પેલા કાગડા કરતાં અનેકગણા ખંતથી મેં આ ઘર બનાવ્યું હતું. આજે એ ખુશીઓ નથી, મકાન છે, પણ એ ‘ઘર’ નથી. રહ્યાં છે – માત્ર હપ્તાઓ અને વ્યાજ ! બધું ક્યાં, ક્યારે અને કેવી રીતે માળાનાં તણખલાંની જેમ વિખેરાઈ ગયું એની સોનુને તો શી સમજ હોય ?
‘કહો ને પપ્પા, માળા વગર બચ્ચાંનું શું થાય ?’
‘કૂતરા ખાઈ જાય….’ સોનુને સમજાયું નહીં કે મેં ચિડાઈને કેમ જવાબ આપ્યો હશે, ક્યારેક ક્યારેક મન ઉપર અંકુશ રાખવો મુશ્કેલ થઈ પડે છે.

બીજે દિવસે સોનુ ફળિયામાં રમતી હતી. હીંચકે બેઠો હું એના માટે ફુગ્ગા ફૂલાવતો હતો. ઝાડ નીચે રમતી સોનુંએ અચાનક રડમસ અવાજે બૂમ પાડી, ‘પપ્પા આ અહીં જુઓ તો… આ તો ઈંડા !’ હું દોડ્યો, જઈને જોયું તો ઈંડા નીચે પડીને ફૂટી ગયાં હતાં ! મે કહ્યું, ‘હા, ઈંડા ફૂટી ગયા છે હવે.’ અમે બંને અગાશીમાં ગયાં. જઈને જોયું તો માળો ખાલીખમ ! એકેય ઈંડુ બચ્યું નહોતું. બધાં ફૂટી ગયાં હતાં. ઝાડ ઉપર કોયલ ટહુકા કરતી હતી. સોનુ ઉદાસ થઈ ગઈ હતી. એ કહે, ‘ઈંડા નીચે કોણે પાડ્યા ?’ મેં સમજાવવાની કોશિશ કરી, ‘પવનમાં પડી ગયા હશે.’

એ દિવસે લાવી રાખેલી કેક એમ ને એમ પડી રહી. સોનુને મૂડ નહોતો આવતો એટલે અમે જન્મદિવસ ન ઊજવ્યો. હું એને બહાર ફરવા લઈ ગયો. છતાં આખો દિવસ એ ઉદાસ રહી એનું મને પણ વધારે દુ:ખ થયું. બીજે દિવસે સવારે અગાશીમાંથી દોડતી દોડતી સોનુ મારી પાસે આવી :
‘પપ્પા, જલ્દી ચાલો.
‘શું છે ?’ મેં પૂછ્યું.
‘કાગડીએ માળામાં બીજા નવાં ઈંડા મૂક્યાં છે. ચાલો જલ્દી, હું તમને બતાવું.’
મને પરાણે ખેંચી ગઈ અગાશીમાં. માળામાં બીજા ઈંડા હતાં, કાગડી પણ બેઠી હતી. એ જોઈ સોનુ બહુ જ ખુશ થઈને તેથી હું પણ ખુશ થયો. એ દિવસે અમે નવેસરસથી અને વધારે આનંદથી સોનુનો અને પેલા ઈંડાઓનો પણ ‘હેપી બર્થ ડે’ ઉજવ્યો. પછી તો હંમેશા અમે અગાશીમાં જતાં. કાગડો કે કાગડી માળામાં ન હોય તો હું, ને ખાસ તો સોનું માળાનું વધારે ધ્યાન રાખતી. મોટાભાગનો સમય અમે અગાશીમાં જ પસાર કરતાં.

દિવસો વીતતા ચાલ્યા. પંદર દિવસ તો ક્યાંય પસાર થઈ ગયા. આજે સોનુને પાછા જવાનો દિવસ આવી ગયો. સોનુને પણ યાદ હતું, આજે એને જવાનું હતું. પણ એને બચ્ચાં જોવા હતાં. ગઈકાલે પણ એણે મને ફરી પૂછ્યું હતું : ‘પપ્પા, ઈંડામાંથી બચ્ચાં ક્યારે નીકળશે ? મારે એ જોવાં છે.

છેવટે એના ઈંતેજારનો અંત રહીરહીને આવ્યો ખરો ! હું સ્થિર હીંચકે બેઠો હતો ત્યાં એ દોડતી આવી, ‘ઈંડામાંથી બચ્ચાં નીકળ્યાં… થોડું ઊડેય છે… ચાલો બતાવું……’
થોડી વાર થઈ. ‘….ચાલો ને પપ્પા, ક્યારનીયે હું તમને બોલાવું છું… શું વિચાર કરો છો ? પપ્પા ચાલો ને…. કાગડાનાં બચ્ચાં જોવા….’ એ મારો હાથ ઝંકોરતી હતી. જાણે આજીજી કરતી હતી. હું તરત જ ઊભો થયો. એ મને હાથ પકડીને ત્વરાથી અગાશીમાં લઈ ગઈ. સોનુ આનંદથી કૂદવા લાગી હતી. મનેય આનંદ થયો હતો.

માળામાં રૂપકડી પાંખો ફફડાવતાં બચ્ચાં પોતાની નાનકડી ચાંચ ઉઘાડ-બંધ કરતાં નિર્દોષ રમતો રમતાં હતાં. હું જોઈને વિચારમાં પડી ગયો. સોનુ એને જોવામાં તલ્લીન થઈ ગઈ.
‘કેવાં મજાનાં છે, નહીં પપ્પા ?’ તે બોલી, ‘પણ પપ્પા, એનો કાળો રંગ કેમ કાગડા જેવો નથી ?’
‘કારણકે એ કાગડાનાં બચ્ચાં નથી !’ મેં કહ્યું.
‘….તો ?’ સોનુને નવાઈ લાગી.
‘એ કોયલનાં બચ્ચાં છે.’
‘એ કેવી રીતે પપ્પા ?’
‘કાગડાનાં ઈંડા તો એ દિવસે કોયલે ધક્કો મારીને નીચે પાડી દીધાં અને પોતાના ઈંડા ત્યાં મૂકી દીધા હતાં. કાગડાને આવી કંઈ ખબર ન પડે, એટલે એ પોતાનાં સમજી એનું ધ્યાન રાખે. પછી બચ્ચાં નીકળે એટલે ઊડી જાય.’ મેં થોડું સમજાવ્યું.
‘તો પપ્પા કોયલ માળો ન બાંધે ?’
‘ના….. એ આળસુ હોય… પણ એ બધું તારે ભણવામાં આવશે ને ત્યારે સમજાશે. ચાલ હવે નીચે, તારે જવાનો સમય થાય છે.’

મારા જવાબથી સોનુને સંતોષ થયો કે નહીં એ કળી શકાયું નહીં. તે હજુ કોયલનાં બચ્ચાંઓને જોઈ રહી હતી. તેને કંઈક હજુ પૂછવું હશે પણ પૂછતી નહોતી. નીચે ગાડીના હૉર્નનો અવાજ થયો. એ સાંભળી સોનુ બોલી, ‘ચાલો પપ્પા, હવે નીચે. મમ્મી લેવા આવી ગઈ.’

અમે નીચે ઊતર્યા. દરવાજે ગાડી ઊભી હતી. સોનુનો સામાન લઈ હું એ ગાડી સુધી મૂકવા ગયો. એ ગાડીમાં બેસી ગઈ… ગાડી સ્ટાર્ટ થઈ… મેં હાથ ઊંચો કર્યો. સોનુ ગઈ…..

… થયેલી કાનૂની સમજૂતી પ્રમાણે હવે આવતે વર્ષે આ સમયે ફરી સોનુ આ માળામાં રહેવા આવશે… પંદર દિવસ માટે….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લેમનની બે બોટલ – ચંદ્રકાન્ત વાગડિયા
નિર્ણય – યોગેશ પંડ્યા Next »   

16 પ્રતિભાવો : માળો – અજય ઓઝા

 1. Manoj Patel says:

  I think સોનુએ એ માળો એની મમ્મીને પણ બતાવવા જેવો હતો, કદાચ કંઈક ઊકેલ મળી શકત !!

 2. anamika says:

  Wrong analogy on father’s part!
  Sifting the total burden of seperation on the other person!
  What about some introspection!
  And in this case after the seperation, mom is raising Sonu not him!

 3. nirali says:

  કદાચ જો સોનુ એનિ મમ્મિને આ માળો બતવત તો એનિ મમ્મિને કઇક સમજ મા આવત્…..

 4. Keyur Patel says:

  સમજ સમજ નો ફેર જીવન ફેરવી નાંખે છે!!! મગજ સુન્ન થઈ જાય છે.

 5. kunal says:

  ખરેખર આ વિશે સોનુ તેનિ મા ને આ વાત કરસે ત્યારે તેનિ મા નિ આખો ખુલસે

 6. ashalata says:

  માળો પંખીનો હોય કે માનવીનો વિખરાવો ના
  જોઈએ………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.