નિર્ણય – યોગેશ પંડ્યા

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

‘જીતુ, તારે હવે કોઈ નિર્ણય લઈ લેવો જોઈએ.’ જીતુના બનેવી ધીરજલાલે કહ્યું.
‘શાનો નિર્ણય ?’
‘લગ્ન કરવાનો નિર્ણય !’ ધીરજલાલે કહ્યું : ‘હવે તને સાડત્રીસ થવા આવ્યા. તેત્રીસ વર્ષની ઉંમરે તો માણસ સમાજમાં એક અચ્છો ગૃહસ્થ બનીને બીજાનું વેવિશાળ ગોઠવતો થઈ જતો હોય છે. જ્યારે આ તેત્રીસની ઉંમરે હજી તારું ગોઠવાયું નથી ! તારી ઈચ્છા શી છે ? નથી કોઈ છોકરી ગમતી ? કે પછી પહેલેથી જ કોઈ દિલમાં વસી ગઈ છે ? એવું હોય તો પણ કહે, હું બા-બાપુજીને વાત કરું એટલે એક વાત પાક્કી થાય ! હવે ક્યાં લગી તું નાચ્યા કરીશ ?’
‘એવું નથી બનેવી સાહેબ ! પણ મારા લાયક કોઈ છોકરી મળવી જોઈએ ને ?’
‘પણ તારી પસંદગી કેવી છે એ ખબર પડવી જોઈએ ને ?’
‘મારી પસંદગી બહુ ઊંચી નથી. દેખાવમાં સારી, બોલે ચલાવ્યે વિવેકી, વ્યવહારમાં કોઠાસૂઝવાળી અને ગ્રૅજ્યુએટ થયેલી હોય તો હું આ જ ઘડીએ હા પાડવા તૈયાર છું…’
‘તો પછી અમરેલીવાળા દિનુભાઈની છોકરી રેખાને જોઈ છે ?’
‘ના.’
‘તો તૈયાર થઈ જા. આપણે કાલે જ નીકળીએ. ગુરુવાર – વાર પણ સારો છે.’
‘તૈયાર જ છું.’

બીજે દિવસે બન્ને અમરેલી જવા નીકળ્યા. સાંજે ફોન કરી દીધો હતો. એ લોકો તૈયાર જ હતા. જીતુએ રેખા જોઈ. બન્ને વચ્ચે મુલાકાત પણ ગોઠવાઈ. સાંજે એ લોકો પાછા ફર્યા. વચ્ચે બે દિવસ ગયા પણ ધીરજલાલને જીતુ તરફથી કોઈ પ્રતિસાદ ન મળ્યો. એટલે જાતે એ જીતુ પાસે આવ્યા.
‘કાં ? કેમ લાગી છોકરી ?’
‘આમ બરાબર છે પણ સહેજ કાળી છે.’
‘કાળી તો કામણગારી હોય !’ ધીરજલાલે મજાકમાં કહ્યું, ‘એના કામણમાં તું ડૂબી જઈશ.’
‘સાચી વાત છે જીજા ! ડૂબી જાય છે એ મરી પણ જાય છે. પણ હું જાણ્યા છતાં ડૂબી જવાનું પસંદ નહીં કરું.’
‘બીજો તો કોઈ વાંધો નથી ને ?’
‘એની આંખો ઝીણી છે. પાંપણો ખૂલ્લી છે કે બંધ એ ખ્યાલ નથી આવતો !’
‘તો એને માટે તારો મત ?’
‘ચાલીસ ટકા હા, સાઈઠ ટકા ના ! હું પસંદ કરતો નથી.’
‘વાંધો નહીં. એ નહીં તો એની બહેન ! ધોળકા છે એક છોકરી. મારા મામાના સાળાની દીકરીની દીકરી. મધુ. નામ એવા જ ગુણ. તને ગમશે. આપણે જઈએ.’
‘તમે કહો ત્યારે. બસ ?’
‘તો પછી ધરમના કામમાં ઢીલ શું ? રવિવારે જ જઈએ.’ બન્ને ગયા. મળ્યા. છોકરી સાથે વાતો પણ કરી. સાંજે પાછા ફરતા હતા ત્યારે જ રસ્તામાં ધીરજલાલે કહ્યું. કેમ ? પહેલી જ નજરમાં બોલ્ડ થઈ ગયો ને ?’
‘હું નહીં, એ.’
‘એટલે કે તને ન ગમી ? કેટલી સ્વરૂપવાન છે !’
‘જાડી છે જીજુ. મને જાડી છોકરી પ્રત્યે તો પહેલેથી જ સૂગ છે. ઘરનું કામ પણ ન કરી શકે એ શું કામનું ? પીપડું ઊભું હોય એવી લાગે.’
‘અરે !’ ધીરજલાલે દલીલ કરી, ‘તું કેવો છે ? એના કરતાં તો તું વધારે જાડો લાગે ! એ તો સહેજ નીચી છે એટલે તને એવું લાગે બાકી શરીર તો સારું હોય એજ સારું. સાંઠી-ડાંખળા જેવું શરીરેય શું કામનું ?’
‘ના જીજુ. પાતળી પદ્મણી લાગે. ઓરડામાં ઊભી હોય તો અરઘે. બાકી તો આ તો હસતી હતી ત્યારે મને તો એમ લાગતું હતું કે ખાલી ગોળમાં કાંકરા ખખડે છે !’
‘એટલે મારે શું સમજવાનું છે ?’
‘ફૂલ્લી નાપાસ. કોઈ બીજી હોય તો કહો.’
‘એક છોકરી છે, ટનાટન ! જાણે ફિલ્મ હિરોઈન જ જોઈ લો !’
‘અરે વાહ, શું નામ છે ? ક્યાં છે ? કેવી છે ?’
‘વાસંતી…’ ધીરજલાલના હોઠમાંથી જાણે ટહૂકો થયો : ‘એકવાર જોઈશ પછી તને બીજી કોઈ નહીં સૂઝે. પણ આપણે મુંબઈ જવું પડશે.’
‘ભલે ને કાશ્મીર જવું પડે. પણ મારા જીવનમાં વાસંતી કોયલ ક્યાંથી, જીજુ ? વાસંતી કોયલ ક્યાંથી ? એકવાર પાનખરમાં વસંત લાવી દો.’
‘થઈ જશે. એક સો દસ ટકા. હું આજે જ વાત કરું છું.’

ધીરજલાલે તરત જ મોબાઈલથી જ આવતા બુધવારનું ગોઠવી પણ દીધું. ગુરુવારે પ્રોગ્રામ નક્કી કર્યો. બુધવારે એ લોકો નીકળીને ગુરુવારે પહોંચશે એમ પણ નક્કી કરી નાખ્યું ને એ સંદેશ જીતુને પણ આપ્યો. બુધવારે રાત્રે એ લોકો બાંદ્રા ઍક્સપ્રેસમાં નીકળી ગયા. ધીરજલાલે પહેલા પોતાના સસરાના ધંધાની પૂર્વભૂમિકા બાંધી દીધી હતી.

પહોંચ્યા…. બેઠા… વાસંતી આવી. જીન્સનું પેન્ટ અને સ્લીવલેસ શર્ટ પહેરીને. ભલે અઠ્ઠાવીસની ઉંમર હતી પણ ચાર્મિંગ લાગતી હતી. બન્ને વચ્ચે મુલાકાત ગોઠવાઈ. પૂરી અડધા કલાક સુધી મુલાકાત ચાલી. મુલાકાત પૂરી થયે બન્ને નીકળ્યાં. ધીરજલાલના મનમાં હતું કે હવે પાક્કું જ છે. સસરાએ સોંપેલી પોતાની જવાબદારી પૂરી થઈ જશે એટલે જેવો જીતુનો હળવો મૂડ જોયો કે ધીરજલાલે સોગઠી દાબી : ‘કેમ, હા પાડીને જ જવું છે ને ?’

‘મારી ઈચ્છા નથી. જીજુ, બહુ જામ્યું નહીં !’
‘વ્હોટ ! નૉનસૅન્સ ! જીતુ, તું ભીંત ભૂલે છે !’
‘ના, ના જીજુ. મને ગમી નથી.’
‘પણ એનામાં કમી શું છે એ તો બોલ.’
‘માત્ર થોબડું સારું છે. બાકી જેવા હોઠ ખૂલે છે કે એ વરવી લાગે છે. એના દાંતો વચ્ચે કેટલી બધી જગ્યા છે. હસે છે ત્યારે હોઠ વિચિત્ર રીતે વાળે છે. ત્યારે બિભત્સ પણ લાગે છે. કપડાં પણ કેવા પહેર્યાં હતાં. છી…છી… એ મને ન પોસાય.’
‘અરે ગાંડા, આ મુંબઈ છે. અને હવે તો ભાવનગર, રાજકોટમાં પણ છોકરીઓ જીન્સ-ટૉપ પહેરે છે. એમાં કંઈ નવાઈ નથી. અને બીજું કે લગ્ન કરીને તો આપણા ઘરે જ આવવાની છે ને ? ત્યારે તારે જે પહેરાવવું જોય એ જ પહેરશે… પણ તું હા પાડી દે.’
‘એની વાતો તમે નહીં, મેં સાંભળી છે, જીજુ. એકલી પિક્ચરની જ વાતો કરી. ક્યો હીરો સારો છે ને ક્યો નહીં ? ક્યો ઍકટર એને ગમે છે અને ક્યા ઍકટરમાં કઈ વિશેષતા સમાયેલી છે એની જ વાતો કરી. અત્યારથી જ તેના માનસમાં આટલા બધા પુરુષો ચિતરાયેલા છે ત્યાં મારા નામનું ચિત્ર કેમ ઉપસશે ?’
‘અરે પાગલ ! તું પુરુષ છે. અને સ્ત્રીને કઈ રીતે પ્રેમ આપવો અને કઈ રીતે વાળવી એ મર્દનું કામ છે. એ તને કંઈ મારે શિખવાડવાનું હોય !’
‘મૂળ તો મારે લગ્ન પછી એને વાળતા જ રહેવાની ને ? હું હેરાન થઈ જાઉ, ભઈ સા’બ. સ્ત્રી તો ચંચળ પતંગિયા જેવી છે. આ તો બાવાના બેય બગડે જીજુ ! હાથે કરીને ઉપાધિ વહોરવાની ?’ જીતુ આક્રોશમાં બોલી ઊઠ્યો, ‘નહીં જીજુ. આ સોદો મને મંજૂર નથી. બીજી કોઈ બતાવો.’

ધીરજલાલને ગુસ્સો આવી ગયો. છતાં આ એકનો એક સાળો હતો અને આને ખીલે બાંધવાની જવાબદારી પરમપૂજ્ય સાસુ-સસરાએ પોતાને સોંપી હતી. એટલે ન છૂટકે એ ગુસ્સો ગળી જતાં બોલ્યા, ‘એક કામ કર, તું વિચારી જો.’
‘ના બનેવી સાહેબ, મેં વિચારી લીધું છે. મને રસ નથી.’
‘તો એક કામ કરીએ. અહીં આવ્યા છીએ તો પછી એક બીજી છોકરીનેય જોતા આવીએ. દક્ષા નામ છે. પણ સારી છે. તારી ચોઈસ જેવી છે. મારા ભાઈ માટે આવેલ પણ ઉંમરમાં તફાવત હતો. પણ તારે માટે અનુકૂળ થશે.’
‘સારું જઈએ.’ જીતુની આંખોમાં દક્ષા નાચવા લાગી. ફોન કરીને ગોઠવ્યું, ‘આજે રાત્રે આઠ વાગ્યે જ આવી જાઓ.’ એમ કહેણ આવ્યું. બન્ને ગયા. ચા-નાસ્તો થયા. પછી બન્નેને મુલાકાત માટે નક્કી થયું. દક્ષા સાદી હતી પણ સારી હતી. ધીરજલાલને હતું કે હવે બેડો પાર ! બળદિયો બંધાઈ જવાનો.

મુલાકાત પૂરી થયા પછી બન્ને નીકળ્યા.
‘વિચાર કરીને કહીશું.’ કહી ધીરજલાલે વિદાય લીધી. દક્ષા, જીતુને તાકી રહી હતી. ધીરજલાલે એ જોયું. હૉટલ પર પહોંચ્યા પછી જમીને ધીરજલાલે પૂછ્યું : ‘કાં ? દક્ષાએ તને જીતી લીધો ને ?’
‘એની આંખોમાં અનોખી પ્યાસ દેખાઈ. જીજુ, જાણે આપણને ખાઈ જવા માંગતી ન હોય !’
‘એ તો તું છે જ એવો હેન્ડસમ. આ ઉંમરે પહોંચ્યા છતાંય….’
‘એ તો ઠીક પણ એના અવાજમાં પુરુષના અવાજની છાંટ હતી. બાઈ બોલે છે કે ભાઈ એ જ ખબર ન પડે ! એ તો ઠીક પણ એનું નાક બહુ મોટું છે. સાડી પહેરી હતી એટલે એના વિચારો જૂનવાણી હોય એમ લાગ્યું. એ તો ઠીક પણ એ કોઈની સામે એકધારું જોઈ રહે છે. આપણું મહેમાનવાળું ઘર. કોઈને આ સ્ત્રી થોડી ઘેલી લાગે તો કોઈને ગાંડી ! મને તો વળગાડ હોય એવું પણ લાગ્યું. જીજુ, આની સાથે સૅટ કઈ રીતી થઈ શકાય ? કોઈ બીજી બતાવો, જીજુ !’
‘થોડું ઘણું જતું કરવું પડે, જીતુ. હવે તું નાનો નથી.’
‘પણ મારામાં ખામી શું છે, જીજુ ? કનૈયા જેવો તો છું.’
‘પણ તારું લિવિંગ સર્ટિફિકેટ તારી ઉંમર છુપાવી શકતું નથી. એ તો સનાતન સત્ય છે. ઠીક છે. એક છોકરી બગસરા છે. જવું છે જોવા તો તૈયાર થઈ જા.’
‘તૈયાર છું.’
‘…પણ જો, આ વખતે આ વાતનું પૂર્ણવિરામ વાળવાનું છે. બે મહિનામાં પાંચ છોકરીઓ જોઈ. એ બધી છોકરીઓને તો તું પસંદ છો. એના રીમાઈન્ડર પણ આવ્યા છે. પણ હવે તારી ઈચ્છા નથી પછી શું ?’
‘તો પછી બગસરા જવાનું નક્કી કરીએ તો ?’
‘કાલે સાંજે કહીશ.’ કહી ધીરજલાલ બસમાંથી ઊતરીને ઘરે ગયા. બે દિવસ વીતી ગયા પણ કોઈ જવાબ ન આવ્યો એટલે જીતુએ ફોન કર્યો. ધીરજલાલે જણાવ્યું કે એક-બે ઠેકાણે વાત ચાલે છે. કાલે જણાવશે.’
‘સારું.’

બે દિવસ વીતી ગયા પણ કોઈ જવાબ ન આવ્યો. એટલામાં તો જીતુના બે વખત ફોન આવી ગયા. પણ બગસરાવાળા તરફથી કોઈ જવાબ આવ્યો નહોતો. એટલે પછી ધીરજલાલ શું કરે ? છતાં જીતુની તીવ્ર ઈચ્છાથી એક છોકરી જોવા જવાનું નક્કી કર્યું. છોકરી ગરીબ ઘરની હતી. જો કે ધીરજલાલે એ ચોખવટ કરી હતી પણ જીતુએ કહેલું કે મને કોઈ વાંધો નથી.

બે દિવસ પછી બન્ને ગયા. છોકરી જોઈ. જોઈ આવ્યા પછી ધીરજલાલે પૂછ્યું : ‘જીતુ, શોભા કેમ લાગી ?’
‘ગરીબ ઘર છે પણ મને કોઈ વાંધો નથી… પણ…’
‘પણ…. તો પછી કોનો વાંધો છે.’
‘છોકરીમાં વળોટ નથી. સાડીય સરખી પહેરતાં આવડતી નથી. કોથળાનું મોઢિયું બંધ કરે એમ જ સાડીની પાટલી વાળી હતી ! અને હાથ પગ ઉપર તો સૂંડલો મેલ હતો. શરીરમાંથી વાસ આવતી હતી. બાપા, હું તો ત્રાસી ગયો.’
‘ગામડાગામમાં ધૂળ ઊડે, જીતુ. એ કાંઈ શહેર નથી. પણ છોકરી ગ્રૅજ્યુએટ છે. ઘરરખ્ખુ લાગી.
લાજમર્યાદાવાળી લાગી.’
‘શરમાળ પણ લાગી, જીજુ. અને શરમ વાચાને હણી લે છે. અમે ઘેર રહ્યા એક બે ને સાડાત્રણ. એવામાં એ આવે, ન બોલે કે ન ચાલે એ તો કેમ ચાલે ? બા-બાપુજી તો ઠીક, સમજે, પણ દુનિયા થોડી માને ? એ તો એમ જ કહે ને કે જીતુ આ મીંઢીં ક્યાંથી લઈ આવ્યો ?

ધીરજલાલને થયું જીતુને એક તમાચો મારી દઉં. પણ ના, એમ ન કરી શક્યા. હજી ગુસ્સો ઊતર્યો નહોતો કે જીતુએ પૂછ્યું : ‘બગસરાવાળાને પૂછાવો ને !’ ધીરજલાલ ગુસ્સામાં ને ગુસ્સામાં એક અક્ષર બોલ્યા વગર ઘરે ચાલ્યા ગયા. પણ સદનસીબે બીજે જ દિવસે ફોન આવ્યો કે ‘આવો !’

જીતુની બહેન શારદાએ ધીરજલાલને કહ્યું પણ ધીરજલાલે કહ્યું : ‘તું એ ડોબાને કહે કે સમય હોય ત્યારે એ જાતે જ જઈને જોઈ આવે.’
‘અરે પણ આ એક છેલ્લીવાર જઈ આવો ને. પછી હું નહીં કહું. હું ય હવે એનાથી કંટાળી ગઈ છું.’
‘ઠીક સારું…’ કહી ધીરજલાલ એને લઈને બગસરા ગયા. છોકરીનું નામ નેહા હતું. પણ ખરેખર નેહા – એક નેહા જ હતી. આંખોમાંથી વરસતું અમી. લાંબાવાળ. હસતું મોં, સપ્રમાણ શરીર. ધીરજલાલને મનમાં થયું કે હાશ છૂટ્યા. ચા-પાણી-નાસ્તો પતાવ્યા પછી બન્નેની મુલાકાત ગોઠવાઈ. પોણા કલાક પછી જીતુ બહાર નીકળ્યો. સાંજે એ લોકો ઘેર પહોંચ્યા. ધીરજલાલે આજે એને સાથે જ લીધો હતો.

‘કાં કેમ થયું ?’ ચા-પાણી લીધા પછી શારદાએ પતિ – ધીરજલાલને પૂછ્યું, ‘નક્કી કરી આવ્યા ને ?’
‘તારા ભાઈને પૂછ. મને નહીં.’ ધીરજલાલે આછી ચીડથી કહ્યું : ‘કાં ભાઈ, કેમ લાગી ? છોકરી ગમી ને ?’
‘આમ ઠીક હતી પણ આમ….’ જીતુ અડધું વાક્ય ગળી જતાં બોલ્યો : ‘તું જીજાજીને જ પૂછને કે કેમ હતી છોકરી ?’
– પણ શારદા ધીરજલાલને કંઈ પૂછે એ પહેલાં જ ધીરજલાલ મોટેથી ત્રાડી ઊઠ્યા : ‘તારા મતે ગમે એવી હોય પણ તારી બહેન કરતાં તો સારી જ હતી. સમજ્યો, ડોબા ?’ કહેતાં દાદરો ચડીને ઉપરના પોતાના રૂમમાં જતા રહ્યા. ત્યારે બન્ને ભાઈ-બહેન હતપ્રભ બનીને એકબીજાની આંખોમાં તાકી રહ્યા હતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માળો – અજય ઓઝા
ઉપહાર – તિલોત્તમા જાની Next »   

30 પ્રતિભાવો : નિર્ણય – યોગેશ પંડ્યા

 1. નવનિત ડાંગર says:

  મજા પડિ ગઈ

 2. KavitaKavita says:

  Very good, Jitu should not get married at all. He will only ruin someone’s life. Better waste his life.

 3. Manisha says:

  હસાવવા બદલ આભાર……….. 🙂 Good One…..

 4. chirag jhala says:

  મઝા આવિ ગૈ…..nice really nice…a woman is not a thing to be seen.. she is the one to spend your life with.

 5. Anitri says:

  Nice ! Funny Story.

 6. keyur vyas says:

  જોરદાર funny

 7. aditya parmar says:

  it s very nice and i enjoyed it . thank s for comic story .
  we are waiting for ur next novel (story)..
  thanks have a nice day..

 8. Keyur Patel says:

  હવે ખબર પડી કે ભાઈ કુંવારા કેમ છે… ખી..ખીખીખી..ખીખીખીખી…ખીખીખીખીખીખી
  હા…હાહા….હાહાહાહા…હાહાહાહાહાહા…હાહાહાહાહાહાહા

 9. ashalata says:

  ?????????? વાકુ…………..

 10. Rita Saujani says:

  ખરેખર મઝા પડી ગઈ! હવે જીતુ જાગશે!!

 11. Gira says:

  LMAO LMAO LMAO LMAO….
  jitu was sooo gay.. gosh,… n freaken jerk too.. LOLSSS.. his reasons for rejecting all the girls were the gesture of why he wud never get married in his life!!!!!!!!!!!!!! lmaooooo
  thanks for the COMIC>. love it .. =)

 12. Tanvee says:

  મજા આવી ગઇ.

 13. Yellow cross ephedra….

  Yellow cross ephedra….

 14. ઋષિકેશ says:

  It reminds me of Shri Shahbuddin Rathod’s joke about a same kind of guy who used to say “કન્યા graduate તો હોવી જ જોઈએ. નહિં તો મારા વિચારો ને કેમ સમજી શકે!”.
  He came down to earth after some years and started saying “મને કોઇ ડાળે વળગાવો…, કન્યા ને અક્ષરજ્ઞાન હું આપીશ.”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.