- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ઉપહાર – તિલોત્તમા જાની

[‘લેખિની’ રજતજયંતી અંક (સાન્તાક્રૂઝ, મુંબઈ) માંથી સાભાર. ]

મધુવન્તી બારી પાસે બેસી વિચારોના વૃંદાવનમાં રમી રહી હતી. સામેનો સોનચંપો, મધુરો મોગરો, ગુલાબની હસતી કળીઓ મનચંપાને તીરે સુગંધ લહેરાવતાં હતાં. જામફળનાં ઝાડમાં બે પોપટ ગુફતેગો કરી રહ્યા હતા. અને અહીં આ આંબા ડાળે બુલબુલ બેઠું હતું. આમ તો બુલબુલ દેખાતું નહીં, સંભળાતું ખરું. કદી કદી કલગી હલાવતું ગાતું ગાતું આવી ચડે. આજે તો બીજું બુલબુલ પણ આવ્યું. માળો બાંધવાની જગ્યા શોધતાં લાગે છે.

એને તો સુરક્ષા મળે તેવી જગા શોધવાની હોય છે. તણખલાં એકઠાં કરવાનાં હોય છે. આપણી જેમ પૈસા એકઠા કરવાના નથી હોતા. લોન લેવાની નહીં. અમે બન્ની કેટકેટલી મહેનતથી નોકરી અને લોન લીધી, આ ફલેટ લીધો અને એને ઘર બનાવ્યું. આ ઘર રૂપાળું છે. બારીની બહાર તો જાણે લીલાઈ લહેરાય છે. ઉપર ટુકડો આકાશનો પણ દેખાય છે અને સૂર્ય કિરણો પણ સ્પર્શી જાય છે અને મનમંદિરનાં આસનો ઉપર પ્રિયમૂર્તિઓ સજાવાઈ જાય છે. મધુ સંધ્યાનાં રંગોને રંગભરી નજરે નિહાળે છે. કેટકેટલાં રંગ ! નાની નાની વાદળી ઉપર છવાતા રંગ, એક રંગમાંથી બીજો રંગ અને રંગમાંથી બદલાતા રંગ ! સામે સાગર ઉછળે છે. આકાશ રંગીન છે. પકડદાવ રમતી વાદળીઓ એકબીજાના રંગમાં ઓગળી જાય છે. મોજાઓ રંગીન છે. એક રંગભીની લહેર ઉછળે છે અને બીજી એમાં સમાવા દોડી આવે છે.

પ્રિયમને આવવાનો સમય છે. મધુ બેન્કમાંથી વહેલી આવી ગઈ. બારી પાસે બેસીને મધુવન્તી પ્રિયમના આવવાની રાહ જોઈ રહી હતી. આજે પ્રિયમને થોડું મોડું થવાનું હતું. આવતીકાલે તે કંપનીના કામે લંડન જાય છે. ત્યાં ત્રણ દિવસ રોકાશે. મધુ અને પ્રિયમ લગ્ન પછી એકેય દિવસ છુટ્ટાં નથી પડ્યાં. એકમેકની આંખોમાં રંગીન સપનાં છે. પ્રણયસાગર લહેરાય છે.

દસેક દિવસ પહેલાં મધુ એક ગલુડિયાંને લઈ આવી. બિચારું ભૂલું પડી ગયું હતું. અજાણી નવી શેરીમાં શેરીનાં બીજા કુતરાં પાછળ પડી ગયા હતા. પોતાની સીમમાં આવેલ જાતભાઈને કાઢી મૂકવા હોબાળો મચી ગયો હતો. નાનું ગલુડિયું અને ત્રણચાર કૂતરાં. પહેલાં તો ભસીને બીવરાવ્યું પછી બટકાં ભરવા લાગ્યા. આક્રમણ જારી રહ્યું ને ઓફિસેથી આવતી મધુ એ તે જોયું. તેને લાગ્યું કે આ તો ભારે યુદ્ધ જામ્યું છે. બિચારાં ગલુડિયાંને મારી નાખશે. મધુએ પડકાર કરીને કૂતરાઓને હટાવ્યા. ગલુડિયાંને ઊંચક્યું.

ઘરમાં લાવી સાફસૂફ કર્યું ડેટોલ લગાડ્યું. મલમ લગાડ્યો. એક સાફ કપડામાં વીંટાળ્યું. ગલુડિયું જરા સ્વસ્થ થતાં હુંફાળું દૂધ પીવડાવ્યું. ટેબલ નીચે જૂની સાફ ચાદર પાથરી સુવડાવ્યું અને દરવાજાની ઘંટડી વાગી. પ્રિયમ આવ્યો. ગલુડિયાંને જોઈને ભડક્યો. એને નાનપણથી કૂતરાંની બીક લાગતી. એકવાર નાનો હતો ત્યારે કૂતરું કરડ્યું હતું તે વખતે તેને ચૌદ ઈન્જેકશન લેવા પડેલા – જેની યાદ તેને કોઈપણ કૂતરાને જોતા આવી જતી. આ તો જમ જેવું ગલુડિયું આરામથી પોતાના ટેબલ નીચે જ સૂતું હતું. પ્રિયમ બોલ્યો : ‘મધુ પહેલાં આને બહાર મૂકી આવ એનાં જંતુ લાગે, ઘર ગંદુ કરે વાળ ઊડે એને પહેલાં બહાર મૂકી આવ.’ મધુએ ઘણું સમજાવ્યો અને એમ ખાત્રી પણ આપી કે ઠીક થઈ જશે એટલે એની મા ને શોધીને છોડી આવશે. ત્રણેક દિવસ પછી શનિ રવિના બન્ને બાજુની શેરીઓમાં કોઈનું ગલુડિયું ખોવાયું હોય તો પાછું મૂકી દેવા માટે તપાસ આદરી. ઝાડ ઉપર બોર્ડ લગાવ્યું. થડ ઉપર બરાબર લટકાવ્યું અને લખ્યું, ‘સફેદ દૂધ જેવું, કાળાં ટીલાં વાળું ગલુડિયું મળ્યું છે જેનું ખોવાયું હોય તે નીચેના સરનામે તપાસ કરીને લઈ જાય.’

અઠવાડિયું થઈ ગયું પણ કોઈ પ્રતિસાદ ન મળ્યો. ગલુડિયું તંદુરસ્ત થતું ચાલ્યું. એનું નામકરણ પણ થઈ ગયું ‘મોતી’. એ પણ પ્રિયમ પાસે હળવા લાગ્યું. મૈત્રી કેળવાવા લાગી. હવે પ્રિયમનો અણગમો ઓછો થતો ચાલ્યો.

દરવાજાની ઘંટણી રણકી. મધુની વિચારધારા તૂટી. પ્રિયમ આવ્યો. મધુએ રસભીનાં મીઠાં નયનોએ આવકાર્યો. ચા નાસ્તો પતાવીને સામાન એકઠો કરવા લાગ્યાં. બેગમાં ગોઠવવાની તૈયારી થવા લાગી. કપડાં, ટુવાલ, નેપકીન, રૂમાલ, ટાઈ, બ્રશ, ટુથપેસ્ટ, દાંતીઓ, સાબુ, સામાન્ય દવા, દાઢીનો સામાન, ગરમ કપડાં, ઑફિસ ફાઈલો, હવાઈ જહાજની ટિકિટ પૈસા બધું વ્યવસ્થિત થઈ ગયું.

વિદાયની વસમી વેળા નજીક આવતી જતી હતી. મધુની આંખ વરસવા લાગી. બીજી સવારે રવિવાર હતો. ફરીથી સામાનમાં કંઈ ભૂલાતું નથી ને એ જોઈ લીધું. વિદાય વેળા આવી. પ્રિયમ સામાન સાથે ટેક્સીમાં બેઠો. ‘આવજો ધ્યાન રાખજો’ બન્ને એ એકબીજાની કાળજી રાખવા કહ્યું. પ્રિયમે કહ્યું, ‘મધુર બે દિવસ આવવા-જવાનાં ગણ, ત્રણ દિવસ કામનાં. પાંચેક દિવસમાં તો પાછો આવી જઈશ. ચિંતા ન કરીશ. મોતીનું ધ્યાન રાખજે.’

પંદર ઑગસ્ટના તો મધુવન્તીનો જન્મદિવસ છે. પ્રિયમનો પણ, અને બંનેની લગ્નતિથિ પણ ! જન્મદિવસની ભેટ ખરીદવા માટે મધુ બજારમાં ગઈ. એક સુંદર શર્ટ, ટાઈ, મોજાં, ટાઈપીન અને હાથરૂમાલ લીધા. રૂમાલોના ખૂણા ઉપર સુંદર ભરતકામ કર્યું. મધુવન્તી સારું ચિત્રકામ જાણતી હતી. સારી રીતે ભેટ પેક કરીને રીબીન બાંધી. ચાર દિવસ થઈ ગયા હતા. મધુવન્તી પ્રિયમના આગમનના વિચારોમાં ખોવાઈ હતી ત્યાં ટેલિફોનની ઘંટડી રણકી. પ્રિયમનો ફોન હતો.
‘મધુ હું સત્તરમી તારીખે આવીશ. પંદરમીએ નહીં પહોંચાય. કામ વધારે આવી ગયું છે. હું આવીશ પછી આપણે જન્મદિવસ ઉજવીશું. પ્રેમમાં સમય તિથિ ક્યાં મહત્વનાં છે ? તું જ તો કહે છે કે આપણે તો રોજ દિવાળી અને રોજ નવું વર્ષ ! ખરું ને ? ખોટું ન લગાડતી. હા મધુ, હું એક પાર્સલ મોકલાવું છું. બે-ત્રણ દિવસમાં તને મળી જશે.’

મધુએ બે દિવસ સુધી સ્વપ્નોનાં સાથિયામાં વિવિધ રંગો ભર્યા કર્યા. પાર્સલમાં શું હશે ? મારા માટે શું મોકલાવ્યું હશે ? ઘડિયાળ હશે ? વોકમેન હશે ? અત્તર હશે ? શું શું હશે ? કેવો ઉપહાર હશે મારા માટે ? અને પાર્સલ આવ્યું……

સરસ પેકિંગ હતું. એ ખોલતાં વળી સુંદર રંગીન રૂપેરી કાગળ વીંટાળેલ હતો. દિલ ધક ધક થતું હતું. અતિ ઉત્સુકતાસહ પ્રેમનાં એ પ્રતીક સમા પાર્સલને ખોલ્યું. એ પાર્સલમાં હતું એક ડોગબિસ્કિટનું પેકેટ, ગળે બાંધવાનો પટ્ટો અને મોતીને ચાવવા માટે સરસ પ્લાસ્ટિકનું હાડકું ! મધુ વિસ્ફરિત નયને ખુલેલા પાર્સલને જોતી જ રહી.