માનવરૂપે મધમાખી – મણિલાલ પટેલ

ખાદીના ઝભ્ભા-લેંઘાના પોશાકમાં સજ્જ દાઢીધારી અનિલ ગુપ્તાને જોતાં કોઈને કલ્પના પણ ન આવે કે આ માણસ વિશ્વભરમાં જાણીતી અમદાવાદ-સ્થિત ભારતીય પ્રબંધ સંસ્થાન (IIM – Indian Insitute of Mangement) ના કૃષિ મૅનેજમેન્ટના અધ્યાપક હશે ! દુનિયાભરમાં તેઓ પોતાના આ ગ્રામીણ પોશાકમાં જ ઘૂમે છે ! આપણે ત્યાં તરેહતરેહની યાત્રા રાજકીય કે ધાર્મિક હેતુસર યોજાય છે, પણ આ માણસે 2,000 કિલોમીટરની 12 શોધયાત્રાઓ (Research Tours) પગપાળા કરીને ગુજરાતનો ગ્રામવિસ્તાર ખૂંદ્યો છે. દર વર્ષે ‘સૃષ્ટિ’ સંસ્થાના ઉપક્રમે 200 જેટલા પ્રયોગશીલ ખેડૂતોને લઈને પ્રો. ગુપ્તા 10 દિવસ શોધયાત્રાએ નીકળે છે. 12માંથી 8 શોધયાત્રા ગુજરાતમાં કરી છે. બાકીની ચાર તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક અને ઉત્તરાંચલમાં યોજી છે. આ શોધયાત્રામાં પરંપરાગત જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને શોધીને તેના ઘરઆંગણે જઈને તેનું સન્માન કરાય છે. અત્યાર સુધી શોધયાત્રામાં આવી 600 જેટલી વ્યક્તિઓનું સન્માન કરાયું છે.

49 વર્ષીય પ્રો. ગુપ્તા ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામના કેળવણીક્ષેત્રના પિતાનું સંતાન છે. જિંદગીની કારકિર્દીનો આરંભ બૅન્કની નોકરીથી કર્યો. બૅન્કની નોકરી છોડીને આઈ.આઈ.એમ માં જોડાયા. આ સંસ્થામાં તેમના વિચારને મૂર્તિમંત કરવા વિશાળ તકો મળી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ફરીને સંશોધનકાર્ય શરૂ કર્યું. દુકાળમાં પણ ખેડૂત, પશુ કેવી રીતે જીવે છે તેની જાણકારી પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. આમ કરતાં કરતાં 1988માં એક ‘હનીબી નેટવર્ક’ શરૂ કર્યું. હનીબી એટલે મધમાખી. મધમાખી જેમ એક પુષ્પ પરથી પરાગ બીજા પુષ્પ પર લઈ જાય તેમ એક ગ્રામીણ ખેડૂત કે પશુપાલકનું પરંપરાગત જ્ઞાન બીજા ખેડૂતને મળે, એક ભાષાનું આવું પરંપરાગત જ્ઞાન બીજી ભાષાવાળાને મળે તે માટે આ નેટવર્ક દ્વારા પ્રયાસો શરૂ કર્યા.

ગુજરાતમાં લોકભરતી અને ગ્રામભરતી જેવી 22 જેટલી ગ્રામવિદ્યાપીઠોમાં જાતે ફરીને પ્રો. ગુપ્તાએ વિદ્યાર્થીઓ પાસેથી ગામડાંની આવી માહિતી એકત્ર કરવાનું કામ ‘જતન’ સંસ્થાના કપિલ શાહના સહયોગથી શરૂ કર્યું. અત્યાર સુધી આવા પરંપરાગત જ્ઞાનની 8,000 જેટલી જાણકારી તેઓ એકત્ર કરી શકયા છે. આ કામને આગળ ધપાવવા 1993માં ‘સૃષ્ટિ’ નામની સંસ્થાની તેમણે રચના કરી. ગુજરાતની ગ્રામીણ સૃષ્ટિમાંથી જે પરંપરાગત જ્ઞાન તેમને મળ્યું તેને લોકો સુધી પહોંચાડવા ગ્રામીણ પત્રકારત્વને વરેલા રમેશ પટેલ જેવા સાથીના સહયોગથી ‘લોકસરવાણી’ નામનું સામાયિક શરૂ કરીને પરંપરાગત જ્ઞાનની સરવાણીને વહેતી કરી. ત્યાર બાદ અંગ્રેજીમાં ‘હનીબી’ અને હિંદીમાં ‘સૂઝબૂઝ’ નામનાં સામાયિકો પણ આ જ હેતુસર શરૂ કર્યાં.

આવું પરંપરાગત જ્ઞાન ધરાવતી વ્યક્તિઓની એક પરિષદ 1997માં યોજાઈ. આ સંશોધકોને તેમના જ્ઞાનનું વળતર મળે અને તે જ્ઞાનનું ટેકનિકલ હસ્તાંતરણ કરીને બીજાના ઉપયોગમાં લાવી શકાય તે માટે રાજ્ય સરકારે એક કરોડ રૂપિયાનું ફંડ આપ્યું અને પ્રો. ગુપ્તાના નેતૃત્વ નીચે આ માટે ‘જ્ઞાન’ નામની સંસ્થા રચાઈ.

પ્રો. ગુપ્તાના કાર્યથી પ્રભાવિત ભારત સરકારે 2000 ના વર્ષમાં રૂ. 20 કરોડના ફંડથી રાષ્ટ્રીય નવીનીકરણ પ્રતિષ્ઠાન નામની સંસ્થા તેમના જ નેતૃત્વ નીચે સ્થાપી છે, જેના દ્વારા આવી ગ્રામીણ કોઠાસૂઝને દેશનાં વિવિધ રાજ્યોમાંથી શોધવાની અને બીજે પહોંચાડવાની કામગીરી શરૂ થઈ છે. ‘સૃષ્ટિ’ એ હમણાં 100 વર્ષ વટાવી ચૂકેલી મહિલાઓ શોધીને તેમના પરંપરાગત જ્ઞાનને બહાર લાવવાનું કાર્ય હાથ ધર્યું છે. આવી 100 થી વધુ શતાયુષી ગ્રામીણ મહિલાઓ ગુજરાતમાંથી તેમણે શોધી છે. વિશ્વભરની પરિષદોમાં તેમણે 100થી વધુ શોધપત્રો (Research Papers) રજૂ કર્યા છે. આઈ.આઈ. એમ. માં પણ શોધયાત્રાનો અભ્યાસક્રમ તેમણે શરૂ કરાવ્યો અને વિદ્યાર્થીઓ ને લડાખ ને ભૂતાનના ગ્રામીણ વિસ્તારોમાં લઈ ગયા છે.

આમ પ્રો. ગુપ્તા માટે આઈ.આઈ.એમ, લોકભારતી (સણોસરા), ગ્રામભારતી (અમરાપુર) અને હાર્વર્ડ (અમેરિકા) સમાન સ્તરે છે. તેમણે ખેતી, પશુપાલન, આરોગ્ય તથા ગ્રામકારીગરોનાં સંશોધનો તથા પરંપરાગત જ્ઞાનને વિશ્વસ્તર સુધી પહોંચાડ્યાં છે. 1 લિટર પાણીથી વૃક્ષ ઉગાડવાની વાત હોય કે બુલેટ દ્વારા ચાલતા હળની વાત હોય કે કંપોસ્ટ ખાતરની વાત હોય – આજે વિશ્વભરમાં અનિલ ગુપ્તાનું નામ આદરથી લેવાય છે. સાથે સાથે દુનિયાભરના આર્થિક લૂટારાઓના પડકાર સામે પણ એ લડે છે. ખભા ઉછાળીને ચીપી ચીપીને અંગ્રેજીમાં વાત કરતા બુદ્ધિજીવીઓ કરતાં આ માણસ નોખો તરી આવે છે. 2001 ના વર્ષમાં ન્યૂયોર્કના ‘બિઝનેસ વીક’ સામાયિકે જેને એશિયાની પચાસ પર્સનાલિટીમાં સ્થાન આપ્યું હતું તે ઉત્તર પ્રદેશથી આવેલા આ પ્રો. ગુપ્તાએ એક સવાઈ ગુજરાતી બનીને ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઉપહાર – તિલોત્તમા જાની
પ્રભુ સાથે સંવાદ – અનુ. ડૉ. વસંત પરીખ Next »   

12 પ્રતિભાવો : માનવરૂપે મધમાખી – મણિલાલ પટેલ

 1. gaurang says:

  is it possible to get address or contact information of mr. gupta
  His work is very apreciatable

 2. gopal parekh says:

  આવશ્યક માહિતિપુર્ણ લેખ, આભાર

 3. Swati Dalal says:

  Good Articles. We all Gujaratis + Indians are proud of Mr. Anil Gupta. This is called achievement of life.

  Thanks,
  Swati

 4. દર્શન ત્રિવેદી says:

  વાહ!
  માણસ ધારે તો વાઘ મારે.
  રાજસ્થાનના રાજેન્દ્રસિંહ -water warrior નું પણ આવું જ નામ અને કામ છે.
  visit website of Tarun Bharat Sangh.

 5. keyur vyas says:

  nice work of Mr.Anil Gupta,wish u best luck

 6. Keyur Patel says:

  Nice work Mr. Gupta. Keep it up!!!!

 7. Jayesh says:

  People like Prof. Gupta are modern day ‘Rishis’. Hats off to him.

 8. Jignesh Bhatt says:

  ખુબ્ ગર્વ થાય એવો લેખ ,પ્રેરના દાયિ લેખ ,લેખક ને ખુબ અભિનદન .

 9. rajesh trivedi says:

  Respected Guptaji,
  I wish you all the best in your future projects also. Though a non-gujarati, you have done such a beautiful job for gujarat, there are no words to utter.
  regards,

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.