પરિશ્રમ – જૉસેફ મૅકવાન

જુનું અગિયારમું ધોરણ હતું ત્યારની આ વાત છે. બોર્ડની પરીક્ષા પહેલાં અમે ડિસેમ્બરમાં પ્રિલિમિનરી ઍક્ઝામ રાખતા અને કસોટીની એરણે જે સાંગોપાંગ પાર ઊતરે એને જ મૅટ્રિકની પરીક્ષાનું ફૉર્મ ભરવા દેતા. પરિણામે પાસ ના હોય એને ફૉર્મ ના મળતું. એ પરીક્ષાનો એક આતંક છવાયેલો રહેતો, વિદ્યાર્થીઓના માનસ પર. વ્યક્તિગત રીતે મને એ ના ગમતું. પણ સાઈઠ જણના વર્ગમાં પિસ્તાલીસ એવા હોતા જે આ કસોટીને પોતાનું ખમીર બતાવવાનો અવસર સમજતા. એટલે પરીક્ષાનું અનિવાર્ય અનિષ્ટ પણ એક વિધાયકવૃત્તિ જન્માવતું.

વિદ્યાર્થીઓ પ્રત્યે સ્નેહ-સહાનુભૂતિ અને એમની માનસિક ગતિવિધિઓ જાણવાની રસ-રુચિને કારણે ચારપાંચ સિનિયરોને વળોટીને મને ખાસ અગિયારમા વર્ગની ‘કલાસટીચરશિપ’ સોંપવામાં આવેલી. 1956-57માં આ ધોરણના વિદ્યાર્થીઓની સરેરાશ વય સત્તર-અઢાર વર્ષની રહેતી. કૈશોર્ય અને યુવાવસ્થાની સંધિવેળા તથા મુગ્ધાવસ્થા અને યૌવનસહજ શરારત ને સ્વચ્છંદતાનો પણ એ સમય હોતો. વયમાં એમનાથી માત્ર ત્રણેક વર્ષ મોટેરો હું એમનો માર્ગદર્શક તો ઓછો પણ મિત્ર અધિક બની રહેલો.

પણ આ વાત 1965ની છે. અનુભવે કરીને હું ઘડાતો રહેલો. વર્ગશિક્ષક હોવાને કારણે ફોર્મની પરીક્ષાનું પરિણામ-પત્રક હું જ બનાવું. અમારી શિસ્ત અને સંસ્થાકીય પોત જ એવાં કે ગેરરીતિ યા કશી ઘાલમેલ કે વગ-વસીલાને એમાં અવકાશ જ ના રહે. છતાં કેટલાક તોફાનિયા મારાથી દબાય, કેવળ એટલા માટે કે ફોર્મની પરીક્ષામાં હું એમના પરત્વે ઉદારતાથી વર્તું.

1965ની એ બૅચમાં તોફાની તો નહીં, પણ સાવ સાધારણ કક્ષાનો એક ગરીબ વિદ્યાર્થી મહેનતુ ખૂબ, પરિશ્રમી પણ એટલો જ. રાતે મજૂરી કરવા જાય, દિવસે સ્કૂલમાં આવે. કદી મટકું સુદ્ધાં ના મારે, વાંચે ખૂબ પણ યાદદાસ્ત ટૂંકી. રાતનું વૈતરું અને દિવસે શીખવાની રઢ. એમાં પાછી હોશિયારી ઓછી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજશાસ્ત્ર જેવા વિષયોમાં હંમેશાં નાપાસ થાય. મહેનત વણથક કરે, પણ મજરે ના આવે. એનું નામ અશોક. એની સ્થિતિ અને લગન ન્યાળીને મેં એના રાતના વૈતરાને દૂર કરાવ્યું. પછી સવાર-સાંજ મારે ઘરે બોલાવીને એને શીખવવાનું શરૂ કર્યું. ચારેક દિવસ વહ્યા હશે ને એક સવારે એ લોટો લઈને આવ્યો. મને કહે :
‘બકરી વિયાઈ છે. તમે બીજેથી દૂધ લાવો છો, તો અમારું ઘરાક બાંધો.’
એની ભાવના હું સમજેલો. મહિનો થયો પણ એ પૈસાનું નામ ના લે. મેં એનાથી છાનાં એના પિતાને પૈસા પહોંચાડ્યા. તાકીદ કરેલી કે અશોક ન જાણે. એણે ના જાણ્યું. મને ફાયદો હતો. ચોખ્ખું દૂધ મળતું હતું. ચા સારી થતી હતી. અશોકના મનને નિરાંત હતી : ‘સાહેબનો ઉપકાર માથે નથી ચડતો !’

ફોર્મની પરિક્ષા આવી. પરિણામ તૈયાર થયું. જેમને ફૉર્મ નહીં મળવાનાં એવાઓને એક ખાતરી કે ‘અશોકના મારી સાથેના ઘરોબાને કારણે હું એના પ્રત્યે ઉદાર રહેવાનો.’ પણ મારું મન એવું ઝંખતું હોવા છતાં, એને કોઈ ને કોઈ રીતે ફૉર્મ મળી જાય એવી મારી ઉત્કટ ઈચ્છા હોવા છતાં હું લાચાર હતો. અશોક કડક ચકાસણીમાં પાંચ વિષયોમાં પચ્ચીસથીયે ઓછા ગુણે નાપાસ થયો હતો. પરિણામ આપ્યું ત્યારે વર્ગમાંના અન્ય વિદ્યાર્થીઓ સાથે અશોક પણ સ્તબ્ધ હતો ! હું એની સાથે આંખ નહોતો માંડી શકતો.

ખેર ! એ જ સાયંકાળે આચાર્ય અને હું જેઓને ફૉર્મ મળતાં હતાં એમની યાદી તૈયાર કરવા બેઠા. નિયમ પ્રમાણે ત્રણ વિષયમાં નાપાસ હોય, પણ પચ્ચીસથી વધુ ગુણ હોય તો એસ.એસ.સી.માં પાસ થઈ જ જાય. એટલે એ રીતે અમે યાદીનાં નામ લખવા માંડયાં. એક નામ આગળ આવ્યાને આચાર્યશ્રી અટક્યા. એમની મથરાવટી મેલી.
‘આનું શું કરીશું ?’ એમણે મને પૂછ્યું.
‘નિયમ પ્રમાણે તો એને ફૉર્મ મળે.’
‘ઝેવિયર્સના નિયમ પ્રમાણે મળે ?’
આચાર્યશ્રીના આવા સવાલ સામે હું મૂંઝાયો. એટલે એ જ બોલ્યા : ‘આપણે માત્ર પરીક્ષા પાસ નથી કરાવતા. ચારિત્ર્ય ઘડવાનો પ્રયાસ પણ કરીએ છીએ. આ વિદ્યાર્થીને અનેક ચેતવણીઓ આપવા છતાં એનામાં સુધારો નથી વર્તાયો. એની બેપરવાઈ ઉપર હું ઝેવિયર્સનો સિક્કો કદી નહીં મારું !’ આ બાબત છેક જિલ્લા શિક્ષણાધિકારી સુધી પહોંચેલી પણ આચાર્યશ્રીએ નમતું નહીં જોખેલું. ને ત્યાર પછી પેલો લાપરવાહ છઠ્ઠે પ્રયત્ને પાસ થયેલો. આજેય એ પસ્તાય છે, જિંદગીનાં મહામૂલાં વરસો વેડફાયા બદલ.

એ પછી અશોકનો કેસ આવ્યો. આચાર્ય કહે : ‘આ તો ખૂબ કાચો પડ્યો !’
મેં કહેલું : ‘હા, કાચો તો લાગે છે. પણ એની ચીવટ જબરી છે. ફૉર્મ આપીશું તો એનાં ખંત અને ઉત્સાહ બેવડાઈ જશે. એને મોકો આપવા જેવો છે.’
એ બોલ્યા : ‘તમે બધા ન કહેત તો પણ એનું ફોર્મ ભરત. કારણ એની મહેનત ને એની સ્થિતિ હું જાણું છું.’

બસ, અશોકને ફૉર્મ મળી ગયું. એના હરખનો પાર ન રહ્યો. યાદી મુકાઈ ત્યારે હતાશાનો માર્યો એ નોટિસબોર્ડ ભણી ગયેલો પણ નહીં. પરંતુ એનું નામ જ્યારે એણે સગ્ગી આંખે વાંચ્યું ત્યારે એનામાં રહેલી આત્મશ્રદ્ધા જાણે પડકાર ઝીલી લેવા સાબદી થઈ ઊઠી હતી. લગલગાટ અઢી મહિના એણે દિવસ-રાત એક કર્યા અને ઉત્તીર્ણ થવાના કૃતસંકલ્પ સાથે પરીક્ષા આપી. પરિણામ આવ્યું ત્યારે અમારા સૌના આશ્ચર્ય વચ્ચે એ 45 ટકા મેળવીને પાસ થઈ ગયો હતો. ભલે એણે ચમત્કાર નહોતો સજર્યો, પણ એ ખુદ કહેતો હતો : ‘મારી આવડત જેટલું મેં મેળવ્યું છે. મને એનો સંતોષ છે.’

આટલા ટકા અને ઘરની આર્થિક હાલત ઉપર એ કાંઈ આગળ ભણવાના અરમાન નહોતો સેવતો. એક ફૅકટરીમાં એણે કામ શોધી લીધું. કામ બળુકું અને શરીરશ્રમ માંગી લે એવું હતું. વળી ખુલ્લા આકાશ નીચે ટાઢ, તાપ કે વરસાદના વ્યવધાનને વચ્ચે આણ્યા વિના કરવાનું હતું. એની પાસે નિષ્ઠા હતી. શ્રમની એને શરમ નહોતી. જે કાંઈ કરતો હતો એમાં વહેતા પરસેવા પ્રત્યે એને પ્રેમ હતો. એ કામ કરતો હતો એની સામે જ મૅનેજરની ઑફિસ, જતાં-આવતાં એમનું ધ્યાન ત્યાં કામ કરનારાઓ પર પડે. દેખાડો ને દંભ અછતાં નથી રહેતાં એવી જ રીતે સાચી નિષ્ઠા અને પરિશ્રમને પરિચયની જરૂર નથી રહેતી.

દષ્ટિવંત સાહેબની દૂરંદેશ નજરોમાં પેલો ખંત, ઉત્સાહ ને ચીવટપૂર્વક પૂરતી ઈમાનદારીથી કામ કર્યે જતો યુવાન વસી ગયો. નહોતું એની પાસે આકર્ષક વ્યક્તિત્વ કે નહોતી કોઈ એની આંખે વસે એવી પ્રતિભા. એકવડો દેહ, શ્યામળી આભા, માથા પર ટૂંકા વાળ અને સાવ સાદો વેશ, પણ એ સૌથી વડું તત્વ હતું કામ પ્રત્યે એની લગની. સાહેબે એની પૂછપરછ આદરી ને જાણ્યું કે એસ.એસ.સી થયેલો છે. એટલે એને પોતાની તહેનાતમાં પટ્ટાવાળા તરીકે રાખી લીધો. બૅંકના ફેરા-આંટા ખાય, સાહેબની ચીંધી નોંધો ટપકાવે, અગત્યનાં કામ કરે અને ઑફિસ અફલાતૂન રાખે. એનાં ખંતીલા અને વિશ્વાસુ સ્વભાવ, વિવેકપૂત વ્યવહાર, વિનયી વાણી અને શીલસંપન્ન ચારિત્ર્યથી પ્રભાવિત થયેલા એના સાહેબે છ જ મહિના પછી એને બઢતી આપી. અને એ ટેબલ-ખુરશી પર બેસતો કલાર્ક બની ગયો. ને તે છતાં એ જ વિનમ્રતા, એ જ સાદગી ને કામની એ જ ચાનક. ઊલટાનો હવે એ ગંભીર અને પુખ્ત બન્યો. પોતાના સાહેબની અર્ધી જવાબદારી વહન કરે ને તોય પોતા માટે જરા સરખીય વિશેષ અપેક્ષા ના રાખે. બે-ત્રણ વરસમાં તો સાહેબનો એ પરમ વિશ્વસ્ત બની ગયો.

…. ને ઓચિંતું સાહેબના નસીબ આડેનું પાંદડું ખસી ગયું. દુબઈની એક કન્સ્ટ્રક્શન કંપનીમાં એમને ભારે મોટી જવાબદારી સોંપવામાં આવી. જતાં પહેલાં પોતાના પરિવારની દેખરેખ, નાણાંકીય વ્યવહાર અને એવી-તેવી તમામ જવાબદારીઓ એમણે અશોકને સોંપતા કહ્યું, ‘મારા નિજના જણ જેટલો તારા પર મને ભરોસો છે. મારા કુટુંબને તું મારી ખોટ નહીં સાલવા દે એવી મને શ્રદ્ધા છે.’

પ્રેમાશ્રુસહિત અશોકે સાહેબને વિદાય આપી. હવે એની ફરજ બેવડાઈ ગઈ હતી. સવારે ફૅકટરીએ જતાં પહેલાં, સાંજે આવતાં અને રજાના દિવસે તો ખાસ – એ સાહેબના પરિવારની તહેનાતમાં રહેતો. સાહેબના ઘરનાં શાકભાજીથી માંડી અનાજ, કરિયાણું – બધું એ જ લઈ આવતો. સાજે-માંદે ખડે પગે સેવા બજાવતો. સાહેબનાં ગૃહલક્ષ્મી પતિને પત્ર લખે એમાં અશોકની ભરપૂર પ્રશંસા હોય. બે વર્ષે સાહેબ પાછા આવ્યા ત્યારે પોતાના વિશ્વાસુ સાથીની ઘર પ્રત્યેની મમતા જોઈને પરમપ્રસન્ન થઈ ગયા. સપત્ની એને જમવા નિમંત્ર્યો અને ભોજન પતતાં આનંદની વધામણી આપી :
‘પાસપૉર્ટ ને વીસા તૈયાર કરાવી દે. તારે મારી સાથે આવવાનું છે.’

સોસાયટીમાં પણ એ પોતાના પરગજુ સ્વભાવ અને નિખાલસતાથી ખૂબ જ લોકપ્રિય હતો. સોસાયટીએ એનો વિદાય સમારંભ યોજ્યો ને પ્રમુખ તરીકે મને બોલાવ્યો.
પોતાના ટૂંકા વક્તવ્યમાં એણે કહેલું :
‘મારા સાહેબના કુટુંબની દેખભાળ તો મેં એમણે મારામાં મૂકેલા વિશ્વાસના બળે કરેલી. મેં કદીયે કલ્પના પણ નથી કરી કે સાહેબ મને એનો બદલો આપે અને વિદેશ લઈ જાય. એટલે જ્યારે એમણે પ્રસ્તાવ મૂક્યો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયેલો. મેં તો વિનમ્રભાવે કહેલું કે પરદેશમાં કામ કરવાની મારી લાયકાત નથી.’

પણ પ્રતિભાવમાં એના સાહેબે જણાવેલું, ‘અશોક સરીખો સાચો માણસ અને પરમવિશ્વાસુ મને બીજો કોઈ નહીં સાંપડે એવું મારું અંતરમન સદા કહ્યા કરતું હતું. એની નિષ્ઠા અને ઈમાનદારીએ મને જીતી લીધો છે.’ અશોકની આંખોમાં આંસુ હતાં. એના ગળામાં એટલા બધા ફૂલહાર હતા જેની એણે કદી કલ્પના નહોતી કરી.

એની પ્રશસ્તિમાં મેં પેલા પાંચ વિષયોની વાત કરેલી, ને ઉમેરેલું : ‘પરીક્ષાઓમાં પ્રથમ નંબર લાવનાર જીવનના ક્ષેત્રમાં પ્રથમક્રમાંક નથી લઈ શકતા. ત્યાં તો સાચી નિષ્ઠા, પરિશ્રમ પ્રત્યેની શ્રદ્ધા અને ફરજ પ્રત્યેનો ઈમાનદારીભાવ અને પ્રેમ જ વિરાજતાં હોય છે. જીવનમાં સંતોષ સહિતનો આ શ્રમ, જિંદગીની પરમ ઉંચાઈ છે. આ પ્રકારની કેળવણી એ જ જીવનની સાચી કેળવણી છે. જે આ રીતે જીવ્યા એમણે જ જીવનને ખરી રીતે માણ્યું કહેવાય. ’

મારો આ વિદ્યાર્થી આજે કદીક પત્ર લખે છે તો ભાવતરબોળ હોય છે ને જ્યારે પણ આવે છે ત્યારે એ મારી શિક્ષકની શ્રદ્ધાને અજવાળતો જાય છે. એના સુવિધાસભર આવાસનું નામ એણે મને પૂછેલું તો મેં કહેલું : ‘પરિશ્રમ.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રભુ સાથે સંવાદ – અનુ. ડૉ. વસંત પરીખ
ગઝલ પુષ્પ – સંકલિત Next »   

26 પ્રતિભાવો : પરિશ્રમ – જૉસેફ મૅકવાન

 1. gopal parekh says:

  સખત અને સતત , ઈમાનદારીથી કરેલાં પરીશ્રમનુ ફળ ઉત્તમ જ આવે

 2. Manisha says:

  Hard N Honest Work Appreciate by Life.

  Good Day.

 3. Mohita says:

  Very inspirational story.

 4. Keyur Patel says:

  ખૂબ જ પ્રેરણાદાયી લેખ. સાચે જ ‘સખત પરિશ્રમ નો કોઇ જ વિકલ્પ નથી.’

 5. Jayesh says:

  રીતે અમે યાદીનાં નામ લખવા માંડયાં. એક નામ આગળ આવ્યાને આચાર્યશ્રી અટક્યા. એમની મથરાવટી મેલી.
  ?????????

 6. સુરેશ જાની says:

  બહુ જ પ્રેરણા દાયી લેખ…

 7. સરસ , પ્રેરણાત્મક લેખ…

  આભાર મૃગેશભાઇ…

 8. Geeta Paresh Vakil says:

  ખૂબ જ સરસ લેખ! પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આભાર મૃગેશભાઈ!

 9. AJAY B PATEL ,GAMDI says:

  આદ્દર્રનિય જોસેફ સાહેબ રચિત્ આ તુકિ વાર્તા ખુબજ તથ્ય મય રહેલ , અદભુત્ !

 10. rajesh trivedi says:

  Honesty, hard work and sincerity always pays.

 11. Bakul Joshi says:

  આજે બે વાર્તા વાચિ ખુબજ મજા આવિ
  પોસ્ત ઓફ્ફિસ અને પ્અરિશ્ર્મ્

  બકુલ જોશિ

 12. ANIL RAMJIBHAI KANKOTIYA says:

  ઘણિ સરસ વાર્તા છે વાન્ચિ ને ઘણો આનદ થયો. આખ મા આસુ આવિ ગયા,બ્

 13. atul lathiya says:

  ATI SUNDER DEEL NE DHADAKAN CHUKI GAYU

 14. atul lathiya says:

  ઘણિ સરસ વાર્તા છે વાન્ચિ ને ઘણો આનદ થયો

 15. […] #   રચના   :     એક બ્લોગ પર   :    આંગળિયાત વિશે   […]

 16. Om Cyber Cafe....Surat. says:

  સરસ………………………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.