ઉદ્યોગપતિઓના પત્રો – જયવતી કાજી

[વિશ્વના જુદાજુદા ક્ષેત્રના વિવિધમહાનુભાવોના અંતરંગ પત્રોનો સમાવેશ કરતા એક સુંદર પુસ્તક ‘પ્રિય તમને…’ માંના અનેક પત્રોમાંથી નીચેના ત્રણ પત્રો લેવામાં આવ્યા છે. શરૂઆતમાં જે તે ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિનો પરિચય એ પછી તેમનો પત્ર અને છેલ્લે ઉપસંહાર – એમ ત્રણ વિભાગમાં આ પુસ્તકના દરેક લેખને ગોઠવવામાં આવ્યો છે.]

[1] મહાન ઉદ્યોગપતિ ઘનશ્યામદાસજી બિરલા (Birla Group of Industries) :

પ્રાસ્તાવિક :
‘તારું ધન એ જનતાની થાપણ છે.’ એવું કહેનાર સ્વ. ઘનશ્યામદાસજી બિરલા પોતાના પુત્રમાં ઉત્તમ સંસ્કાર, શિક્ષણ, જનસેવા અને જીવનનાં શાશ્વત મૂલ્યોનું સિંચન કરવા સજાગ એવા ભારતના એક પનોતા પુત્ર હતા. સમર્થ ઔદ્યોગિક સામ્રાજ્યના સંસ્થાપક અને મહાત્મા ગાંધીજીની વિચારધારાએ રંગાયેલા કર્મયોગી સ્વ. ઘનશ્યામદાસજી બિરલાએ એમના પુત્ર વસંતકુમારને એક પત્ર આજથી આશરે 60-70 વર્ષ પૂર્વે લખ્યો હતો. અને એ પત્ર હરિદ્વારથી પ્રગટ થતી ‘સમન્વય’ પત્રિકામાં પ્રગટ થયો હતો. પત્ર વાંચી મને થયું કે પ્રત્યેક ઘરમાં આ પત્ર મઢાવીને મૂકવ જેવો છે. સ્વ. ઘનશ્યામદાસજી બિરલાએ એ પત્રમાં લખ્યું હતું….

પત્ર :
ચિ. વસંત,
મેં તને જે આ પત્ર લખ્યો છે તે તું મોટો થાય, ઘરડો થાય ત્યારે પણ વાંચજે. હું તને મારા અનુભવની વાત કહું છું. સંસારમાં માનવજન્મ દુર્લભ છે એ વાત સાચી છે અને મનુષ્યજન્મ પ્રાપ્ત કરી જેણે એ દેહનો દુરુપયોગ કર્યો છે એ પશુસમાન છે.

(1) તારી પાસે ધન છે, સાધનો છે, એનો ઉપયોગ સેવા માટે તેં કર્યો, તો તે શુદ્ધ અને પવિત્ર છે, નહિ તો એ સાધનો શેતાનનાં હથિયાર છે. આ વાત તું ધ્યાનમાં રાખજે.
(2) ધન એ શક્તિ છે અને એ એવી શક્તિ છે, જેના નશામાં કોઈને અન્યાય થઈ જાય એ સંભવિત છે એનો ખ્યાલ રાખવો.
(3) સંતાનોને પણ આ જ સલાહસૂચન અને ઉપદેશ આપી જજો. તમારાં સંતાનો જો એશાઆરામી થશે તો તેઓ પાપ કરશે, અને વેપારધંધાને પાયમાલ કરી નાખશે. એવા નાલાયકોને ક્યારેય ધનદોલત આપશો નહિ. એવાના હાથમાં સંપત્તિ જાય તે પહેલાં જ તું એને ગરીબોને વહેંચી દેજે. કારણકે, તું સમજી લે કે તું સંપત્તિનો ટ્રસ્ટી છે.
(4) હંમેશા યાદ રાખજે કે તારું ધન એ જનતાની થાપણ છે, તું એનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરી શકે નહિ. અમે ભાઈઓએ વેપાર કર્યો, વેપાર વધાર્યો એ સમજીને કે તમે લોકો એ ધનનો સદઉપયોગ કરશો.
(5) ભગવાનને કદી ભૂલીશ નહિ, એ જ સદ્દબુદ્ધિ આપે છે.
(6) ઈન્દ્રિયો પર સંયમ રાખજે, નહિ તો એ જ તમને ડુબાડી દેશે.
(7) નિયમિત વ્યાયામ કરજે.
(8) ભોજનને દવા સમજીને ખાજે કારણ કે જીભના સ્વાદને વશ થાય છે તે જલદી મૃત્યુ પામે છે, અને કશું જ કામ કરી શકતા નથી.

ઉપસંહાર :
આ પત્રમાં પોતાના જીવન પરથી સાદા, સાત્વિક, સંયમી અને કર્મયોગી જીવનનો પાઠ સ્વ. ઘનશ્યામદાસજીએ પોતાના પુત્રને શીખવ્યો છે. એને હું કોઈ પણ સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન વારસો કહું છું. જીવનનાં ઊંચા મૂલ્યોનો વારસો પોતાનાં સંતાનોને આપવો એ જ માતાપિતાનો શ્રેષ્ઠ વારસો હોઈ શકે.

[2] ભારતરત્ન જે. આર. ડી. તાતા ( TATA Group of Companies)

જે. આર. ડી – જહાંગીર આર. ડી. તાતાના નામથી ભારતમાં કોણ અજાણ હશે ? સમકાલીન ભારતનું અત્યંત માનીતું જાણીતું નામ – જે. આર.ડી.

જે. આર.ડી ને એમના જમાનાના અન્ય ઉદ્યોગપતિઓ કરતાં અનોખા બનાવનારું જો કોઈ તત્વ હોય તો એ એમની પ્રવૃત્તિઓનો અત્યન્ત વિશાળ વ્યાપ. તેઓ ઉત્તમકોટિના ઉદ્યોગપતિ તો ખરા જ, પણ એ ઉપરાંત વિવિધ ક્ષેત્રોની ખ્યાતનામ સંસ્થાઓના સ્થાપક, વિજ્ઞાન અને યંત્રવિદ્યાના સક્રિય હિમાયતી, લલિત કળાઓના રસજ્ઞ, વહીવટીતંત્રના નિષ્ણાત અને એક એવા સ્વપ્નદ્રષ્ટા કે જે જીવનનાં બધાં ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતાના આરાધક રહ્યા. એમનામાં વૈજ્ઞાનિક વિચારસરણી, નમ્રતા અને ભલમનસાઈનો વિરલ સમન્વય થયો હતો. જે. આર. ડી આ બધું તો હતા જ, પણ એક મૂઠી ઊંચેરા માનવી હતા. ભારતીય ઔદ્યોગિકક્ષેત્રે – ઘર વપરાશના સાબુથી માડીને છેક ઉડ્ડયનક્ષેત્ર સુધી – તેમજ સખાવતને ક્ષેત્રે જબદજસ્ત યોગદાન આપનાર જે. આર. ડી ભારતમાતાના પનોતા પુત્ર હતા. રત્ન હતા. સાચે જ ભારત રત્ન હતા. ‘Beyond The Last Blue Mountain’ એ શ્રી તાતાની આર. એમ. લાલાએ લખેલી જીવનકથા છે. જે.આર.ડી. ના જીવનનાં વિવિધ પાસાંઓનું – એમની મહાન સિદ્ધિ અને એમનાં જીવનમૂલ્યોનું સુંદર નિરૂપણ આ પુસ્તકમાં થયેલું છે.

જે.આર.ડી અને પં. જવાહરલાલ નહેરૂ વચ્ચે મૈત્રીસંબંધ હતો. જે. આર.ડી ને પં. જવાહરલાલ નહેરુના સ્વાસ્થ્યની ચિંતા થાય એ સ્વાભાવિક હતું. 1950ના ડિસેમ્બરમાં સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયું. સ્વતંત્ર ભારત સમક્ષ અનેકવિધ પ્રશ્નો ઊભા હતા. વર્ષોના સાથીદાર સરદાર પટેલના નિધનથી જવાહરલાલ એકલા પડી ગયા ! તે વખતે વડાપ્રધાન જવાહરલાલને જે.આર.ડીએ લખેલો પત્ર :

‘તમે ઘણી બધી જવાબદારીનો ભાર વહી રહ્યા છો. આટઆટલાં વર્ષો તમે ત્વરાથી કામ કર્યું છે ! તે છતાં પણ માણસની શ્રમ વેઠવાની શક્તિને પણ કંઈક સીમા હોય છે. તમારા તનમાં-મનમાં અને જ્ઞાનતંતુઓમાં ઘણી જ તાકાત છે તો પણ માણસ આખરે કેટલો પરિશ્રમ કરી શકે ! એની કોઈ સીમા તો હોય જ ને. તમારા સ્વાસ્થ્ય પર, તમારા જીવન પર લાખો લોકોનું ભાવિ નિર્ભર છે. તમારો સમય અને શક્તિ બન્ને અનેકવિધ બિનઆવશ્યક કામ લઈ લે છે, અને તમે એ કામ સતત તમારી જાત પાસે કરાવો છો. તમે મારા વિચારોમાં સદાય છો જ. તમારા દીર્ઘ જીવન માટે હું પ્રાર્થના કરું છું કે જેથી અંધકારભર્યા ખરાબ દિવસોમાં આ દુર્ભાગી દેશનું નેતૃત્વ તમે કરી શકો.’

આપણા દેશના આ મહાપુરુષો, બન્નેનું એક જ સ્વપ્નું – ભારત અને ભારતની પ્રજાનો ઉત્કર્ષ. જે. આર.ડી સ્વપ્નદ્રષ્ટા હતા જ, પણ એથીય વિશેષ સ્વપ્નાને સાકાર કરનાર દ્રઢનિશ્ચયી દષ્ટિસંપન્ન વ્યક્તિ પણ હતા. તેઓ એક મૂલ્યનિષ્ઠ યશસ્વી ઉદ્યોગપતિ હતા. કલકત્તાના એક કેળવણીકારના પત્રના ઉત્તરમાં જે.આર.ડીએ લખેલો આ પ્રેરક મનનીય પત્ર જોઈએ :

‘તમારા તા. 6ઠ્ઠી ઑગસ્ટના પત્ર માટે આભાર. તમે પૂછ્યું છે, ‘મારી કારકિર્દીને અને મારા જીવનપથને ઉજાળ્યા છે એ મારા જીવનના માર્ગદર્શક સિદ્ધાંતો ક્યા છે ?’ પહેલું તો એ કે હું મારી જાતને Illustrious personality – એક દ્રષ્ટાંતરૂપ વ્યક્તિ લેખતો નથી. હું એક સામાન્ય બિઝનેસમેન છું, જેણે પોતાને મળેલી તકનો શ્રેષ્ઠ ઉપયોગ ભારતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસના હેતુ માટે કર્યો છે. મારા જીવનમાં પ્રેરક અને માર્ગદર્શકરૂપે જે કંઈ રહ્યું છે તેને સંક્ષેપમાં કહેવું હોય તો આ છે :
(1) ઊંડા મનન, ચિંતન અને સખત પરિશ્રમ વગર જીવનમાં કશું જ મૂલ્યવાન સિદ્ધ થતું નથી.
(2) આપણે પોતે જ વિચાર કરવાનો રહે છે. બીજાંના સૂત્રો અને શબ્દોને ક્યારેય સ્વીકારી લેવાં ન જોઈએ. દુર્ભાગ્યે આપણા લોકો આનાથી બહુ જલદી પ્રભાવિત થઈ જાય છે.
(3) ઉત્કૃષ્ટતાને આપણું લક્ષ્ય રાખવું જોઈએ અને એ માટે જ કોશિશ કરવી જોઈએ, ભલેને કામ ગમે તેટલું નાનું કેમ ન હોય. બીજા નંબરના કે નિમ્ન કોટિના કામથી સંતુષ્ટ થવું નહિ જોઈએ.
(4) આપણા પોતાના દેશના હિતમાં હોય તે જ સફળતા કે સિદ્ધિ હાંસલ કરવા યોગ્ય છે.
(5) સુંદર સ્નિગ્ધ માનવીય સંબંધો માત્ર વ્યક્તિગત રીતે જ અત્યન્ત સુખદ અને લાભદાયક નથી હોતા, પણ ઉદ્યોગ-ધંધા માટે પણ તે આવશ્યક છે.

જે.આર.ડી તાતાનું આ જ જીવનધ્યેય અને લક્ષ્ય રહ્યું હતું. એમનું સમગ્ર જીવનકાર્ય આ મૂલ્યોનું ઉત્તમ દ્રષ્ટાંત છે.

[3] શૂન્યમાંથી સૃષ્ટિના સર્જક ધીરૂભાઈ અંબાણી (Reliance Group of Industries)

2002ના વર્ષના જુલાઈ મહિનાના પ્રારંભિક દિવસો. મુંબઈ શહેરની જાણીતી બ્રીચ કેન્ડી હૉસ્પિટલના પ્રાંગણમાં કઈ કેટલાયે લોકોની – રાજ્યના મંત્રીઓ – ઉદ્યોગપતિઓ અને વી.આઈ.પીઓથી માંડી સામાન્ય માણસોની ભીડ જામતી હતી. એમના મનમાં ચિંતા હતી. હૃદયમાં પ્રેમ હતો. હોઠ પર પ્રાર્થના હતી. અંતરમાં દુઆ હતી… શ્રી ધીરૂભાઈ અંબાણી જલદી સારા થઈ જાય… પ્રભુ એમને દીર્ધાયુ બક્ષે…. લોકોની આટઆટલી ચાહના પ્રાપ્ત કરનાર વિરલ વ્યક્તિ જ હોવી જોઈએ. શ્રી ધીરૂભાઈ એક અત્યન્ત સફળ, યશસ્વી ‘રિલાયન્સ’ જેવા વિરાટ ઔદ્યોગિક સામ્રાજ્યના સ્થાપક – પ્રાણ – બ્રેઈન અને સર્વેસર્વા તો હતા જ પણ એથીયે ઘણા વિશેષ-વિશિષ્ઠ મૂઠી ઊંચેરા માનવી હતા.

એમનું વતન સૌરાષ્ટ્રનું ચોરવાડ. પિતાની સ્થિતિ સામાન્ય. મેટ્રિક સુધીનો અભ્યાસ કરી નોકરી માટે એડન જાય છે, જ્યારે એ ઊંચા-સશક્ત અને સ્મિતભર્યા યુવાને જહાજ પર પ્રયાણ આદર્યું, ત્યારે એને પોતાને કે બીજા કોઈને સહેજે કલ્પના પણ નહોતી કે આ માણસનું નામ ત્યાર પછી ચાર દાયકા બાદ વ્યાપાર ઉદ્યોગને ક્ષેત્રે ચર્ચાતુ થશે ! બસ, પછી તો તેઓ સિદ્ધિના એક પછી એક સોપાન ચઢતા જ ગયા અને ભારતને અને ‘રિલાયન્સ’ ને વિશ્વના ઔદ્યોગિક તખતા પર મૂકી દીધું. આમાં નિયતિનો સાથ અને ઈશકૃપા તો ખરી જ પણ સાથે શ્રી ધીરૂભાઈની આંતરસૂઝ, બુદ્ધિમત્તા, નિર્ણાયક શક્તિ, દૂરંદેશી, માણસની અને સમયની ઊંડી પરખ, સાહસિકતા અને પુરુષાર્થ પણ ખરાં જ. આ બધાને પરિણામે તેઓ અઢળક સંપત્તિ કમાયા એટલું જ નહિ પણ અનેક લોકોને રળાવી પણ આપ્યા અને એમના જીવનને સુખસગવડની મીઠી લહેરથી ભરી દીધું.

વિનમ્ર, વિવેકી અને પોતાના ભૂતકાળના સાથીઓને-સ્નેહીઓને-મિત્રોને અને સ્વજનોને ન ભૂલનાર ભારતના આ પનોતા પુત્ર શ્રી ધીરૂભાઈ અંબાણીએ માત્ર ઔદ્યોગિક સામ્રાજ્ય જ નથી વિકસાવ્યું પણ અનેક સ્વજનોનું, સ્નેહીઓનું અને ચાહકોનું સામ્રાજ્ય વિકસાવ્યું છે. પોતાનાં સંતાનો અને એમનાં સંતાનોમાં પણ જીવનનાં ઉદાત્ત મૂલ્યોનું સિંચન કરવા તેઓ સદાય જાગ્રત હતા. શૂન્યમાંથી સૃષ્ટિ સર્જનાર શ્રી ધીરૂભાઈ પોતાનાં સંતાનો સામાન્ય જનજીવનથી વાકેફગાર રહે, એ સમજે એવું તેઓ ઈચ્છતા. એમનો આ પત્ર એમનાં જીવનમૂલ્યોનું પ્રતીક છે.

ગોવામાં રહેતો એમનો દોહિત્ર આઠેક વર્ષનો હતો ત્યારે ધીરૂભાઈએ એને ભારતનાં રાજ્યો અને રેલવે નેટવર્કનો નકશો ભેટ મોકલી પોતાના પ્રવાસનો કાર્યક્રમ નક્કી કરવા સૂચવેલું. દોહિત્ર અને દોહિત્રીઓને ફેક્સ દ્વારા સંદેશા મોકલે. એમાં દેશ-વિદેશના કોઈક મહત્વના સમાચાર હોય અને એમ પણ લખે કે ‘આ અઠવાડિયાના એક અગત્યના સમાચાર તું મને લખજે.’ જેવી સૂચના પણ હોય. પાંચ વર્ષની દોહિત્રીને ફળો ભેટ મોકલાવી તેઓ લખે છે : ‘તારે માટે બોર, પપૈયા ને સીતાફળ મોકલ્યાં છે. તું આ ફળોમાંથી ધ્યાનથી બી કાઢજે, સૂકવજે અને પછી તારા બગીચામાં વાવજે. એના છોડ અને પછી તેનાં ફળો જોવાં તને ગમશે.’

ગોવામાં રહેતો દોહિત્ર વિક્રમ નવેક વર્ષનો હતો ત્યારે ધીરૂભાઈએ એક પત્રમાં તેને લખ્યું હતું : ‘હવે ચોમાસું પૂરું થઈ ગયું છે. તારે જાણવું જોઈએ કે અનાજ કેવી રીતે ઉગાડાય છે. ઘઉં, ચોખા, દાળ, શેરડી, સોયાબીન વગેરે કઈ રીતે વવાય છે એ તારે જાણવું જોઈએ. આ બધું જાણવાનું ખૂબ જ રસપ્રદ છે. તને કહું, તારી ઉંમરના કોઈનેય ખેતી વિશે પૂરેપૂરી જાણકારી નહિ હોય. ખેતી વિશેના તારા જ્ઞાનને સમૃદ્ધ કરવા તું તારી મમ્મીની મદદ લે. તેની સાથે જુદા જુદા પ્રાંતમાં જા. જુદાં જુદાં ગામડાંમાં જા અને ખેડૂતોને મળ. તેમને પૂછ કે ચોખા, ઘઉં, સોયાબીન, દાળ, શેરડી વગેરે કઈ ઋતુમાં વવાય છે ? ખેડૂતો ખેતરમાં કેટલો સમય ગાળે છે ? એ લોકોનું કુલ રોકણ કેટલું છે ? એ લોકો નાણાંની જોગવાઈ શી રીતે કરે છે ? એમનો ચોખ્ખો નફો કેટલો છે ?

જુદાં જુદાં ગામમાં જવા માટે તારે લાંબા સમય સુધી ગાડીમાં પ્રવાસ કરવો પડશે. એ લોકો સાથે તડકામાં ચર્ચા કરવી પડશે. જુદા જુદા આઈડિયા મેળવવા તારે દરેકની સાથે ઘણો સમય ગાળવો પડશે. અને હા, એ કંઈ એરકન્ડિશન ઘર ન હોય એ યાદ રાખજે.’

ખડતલ અને કસાયેલાં તન-મનની અગત્યતા તેઓ તો જાણે છે જ, પણ પોતાનાં સંતાનો અને એમનાં સંતાનોને પણ એ રીતે કેળવવા એમણે સતત પ્રયાસ કર્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાંચો અને વિચારો – સંકલિત
રમૂજી ટૂચકાઓ (ભાગ-2) – નવનીત સેવક Next »   

27 પ્રતિભાવો : ઉદ્યોગપતિઓના પત્રો – જયવતી કાજી

 1. KavitaKavita says:

  Very Good.
  No alternative to hard work.

 2. Mohita says:

  કર્યા વગર કાંઈ મળતુ નથિ.
  કરેલુ ફોગટ જતુ નથિ.
  —ગિતા સંદેશ

 3. Swati Dalal says:

  Very nice letters written by nice human beings. Their nature of hardworking, sincerity and todo possible for well beings for other gave them huge success. We should keep that in mind.

  Thanks

 4. બસ એક જ શબ્દ ” પ્રેરણાદાયી”

 5. keyur vyas says:

  very nice, specially the last one.

 6. Mahendra .R. Shah says:

  Artcle by jayawati Kaji is excellent, Can you publish author of the book Priya Tamne from which these letters are taken, Thanks

 7. mehul says:

  excellent
  marvelous
  fantastic
  extra ordinary
  and many more…

  aa badhaaj visheshan pan tuka pade chhe aa collection same

 8. પ્રેરણાદાયી…

  આભાર મૃગેશભાઇ…

 9. Jayesh Bhatt says:

  I Proude To Gujarati. I very impress with Studying The Complete Website. This is Very Nice Site. I Think Every Gujarati People Must Read And Understand this. Such nice. i have no words to describe..Thanks

 10. Very fine article..
  I liked it very much.

  Thank you very much.
  From : Gaurang Goradiya, Proprietor – http://www.pushtiwebindia.com – Web Designing in Mumbai, Web Hosting in Mumbai, E-mail services, Website designing in India

 11. Nimesh Khakhariya says:

  Dear Mrugesh
  You have developed a good website and need to do more. I have just gone through the letters written by Indian industrialists on your web page. It’s good collection. India has visionary industrialists and that’s why India woo world economy. Moreover they are not only money oriented but they are interested in the development of a common man

 12. Jayesh Shah says:

  its very nice gujarati web site, i cant have words to admire the devloper.

 13. utkantha says:

  સરસ્. પત્ર જેવુ અસરકારક કોઇ માદયમ નથી

 14. jatin sheth says:

  વેર્ય ને ,સેન્દ સોમે મોરે લિકે થિસ્

 15. Julian says:

  હુ વિદેશ મા રહુ ચ્હુ! પરન્તુ મારુ ભારત હમેશા મારા હ્ર્દય મા જિવે ચ્હે…ધન્ય ચ્હે મારા દેશ ના આવા સપુતો ને કે જેઓયે દુનિય મા ભારત નુ નામ સુવર્ન
  અક્શરો મા લખિ દિધુ ચ્હે…….જય હિન્દ્!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.