વાંચો અને વિચારો – સંકલિત

વાહ વાહ – ઝવેરચંદ મેઘાણી

સાહિત્યજગતમાં મળતી વાહવાહ એ ભયંકર તત્વ છે, અને એનો મોહ મને બિલકુલ છૂટી ગયો છે એમ તો હું પણ ન કહી શકું. પરંતુ મને તો એ સંબંધમાં દુનિયાએ મારી લાયકાત કરતાં પણ વધારે આપ્યું છે એટલે એની પાછળ ઘેલો બનવાનું મારે માટે રહ્યું નથી. નવાં ક્ષેત્રો મારે સર કરવાં નથી. મનમાં ખેંચ રહેતી હોય તો તે માત્ર હાથ પર લીધેલાં અધૂરાં રહી ગયેલાં કાર્યો પૂરાં કરવાં એટલી જ, કારણ કે એ પણ એક જવાબદારી છે.

ગાંધી પણ એવા નહીં ચાલે – વિનોબા ભાવે

ઘનશ્યામદાસ બિરલાજીએ બાપુનાં સ્મરણોની સરસ ચોપડી લખી છે. એમાં એમણે બાપુની વ્યવહારકુશળતા બતાવતા એક પ્રસંગ ટાંક્યો છે. કામો વચ્ચેથી પણ વખત કાઢીને બાપુએ પૂછેલું કે ફલાણું ફંડ સરખી બેંકમાં રાખ્યું છે ને ? અને એનું સરખું વ્યાજ મળે છે ને ? એવો પ્રસંગ ટાંકીને બિરલાજી લખે છે : બાપુ ચતુર વાણિયા હતા.

પરંતુ હું બહુ નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે ફંડ એકઠું કરવું, એને વ્યાજે મૂકીને વધારવું, એ બધી હવે જૂનીપુરાણી વાતો થઈ ગઈ છે. આજે જો કોઈ મહાત્મા થાય અને વ્યાજની ચિંતા કરે તો એની તે વાત પછાત મનાશે. આજે તો એવું સૂઝવું જોઈએ કે વ્યાજ ન લેતાં ઊલટું આપવું જોઈએ; મૂડીને વધારવાની વાત જ ન હોય, એને તો ઘટાડવાની જ હોય. જેણે આપણો પૈસો લીધો એણે જો એનો બરાબર ઉપયોગ કર્યો હોય તો પાછો લેતી વખતે તેને ઊલટી કસર આપવી જોઈએ. આવું જેને સૂઝશે તે જ આ જમાના માટે લાયક ગણાશે. આપણે કોઈએ ગાંધીજીના સ્થૂળ ચરિત્રના આકારનું પૂછડું ન પકડવું જોઈએ. એ પોતે કાંઈ જૂની ચોપડીઓની નકલો કાઢનારા માણસ ન હતા. એ તો નિત્ય નવું અને તાજું વિચારતા અને કહેતા. તેમ છતાં આપણે એમની સ્થૂળ વાતોને પકડી રાખવાની ભૂલ કરીએ છીએ.

ગાંધીજી જેટલે અંશે વ્યક્તિ હતા એટલે અંશે, તેઓ જેમ ગુણોથી ભરેલા હતા તે જ રીતે દોષોથી પણ ભરેલા હતા. ત્યારે એમના ગુણ-દોષોની છણાવટ કરીને ગુણોનો સ્વીકાર અને દોષોનો પરિહાર કરવો એ અનિવાર્ય થઈ પડે છે. આપણે જો એ નહીં સમજીએ, તો આપણે ગાંધીજીને જરાય સમજ્યા નથી. તેઓ તો રોજેરોજ બદલાતા ગયા હતા, પળેપળ વિકસતા રહ્યા હતા, અને આજે તેઓ હોત તો કેવું વલણ લેત તે કોઈ કહી શકે તેમ નથી.

માર્કસને કેટલીયે વાતો નહોતી સૂઝી, કેમ કે આજે જે વિજ્ઞાન વિકસ્યું છે તે એણે ભાળ્યું નહોતું. એને જો આ વિજ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ હોત તો એ એના સિદ્ધાંતોને બદલત, કારણ એ ચિંતનશીલ મનુષ્ય હતો. આજે વિજ્ઞાનયુગમાં માર્કસ નહીં ચાલે, તેમ પુરાણા-કાળનો મનુ પણ આજે નકામો નીવડશે. અને ગેરસમજ ન કરો તો હું નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે ગાંધી પણ એવો ને એવો નહીં ચાલે.

આપણે તો સમાજ-શરીરમાં કાંટાની પેઠે ઘૂસી જવાનું છે. કાં તો શરીર કાંટાને ફેંકી દે છે, કાં એ શરીરને સતત ભોંકાયા જ કરે છે. તે જ રીતે આપણે કુશાગ્ર બુદ્ધિથી સમાજશરીરમાં પેસી જવાનું છે. સમાજ આપણે ફેંકી દે તો જરાયે આશ્ચર્યની વાત નથી. મને તો ઊલટું આશ્ચર્ય એ વાતનું થાય છે કે હજી સુધી ફાંસી, શૂળી કે ક્રોસ આપણાથી આટલાં છેટાં ને છેટાં કેમ રહ્યા છે !

આપણો વિચાર સમાજને ભોંકાવો જોઈએ. વિચાર જો પરોણીની જેમ ન ભોંકાય તો સમજવું જોઈએ કે આપણે જે વિચાર રજૂ કર્યો તેનાથી સમાજનું ગાડું આગળ ધપે તેમ નથી, એ સમાજને ‘જૈસે થે’ (જેવો ને તેવો) રાખનારો છે.

વાચનરસ કેળવવો છે ? – ઝવેરચંદ મેઘાણી

એક મિત્રનો કાગળ છે : ‘હમણાં રોજ યાદ આવો છો. પુસ્તકાલય વસાવવું છે, શોખ કેળવવો છે. પુસ્તકોની યાદી માગું છું.’

આ મિત્ર હું સૂચવું તે વાંચશે ? અભ્યાસનિષ્ઠ બનશે ? વાર્તાપુસ્તકથી વાચનરસ કેળવી શકાશે નહીં. રસેન્દ્રિયને તેજસ્વી તેમ જ તંદુરસ્ત બનાવ્યા વગર લેવાતો વાર્તારસ જ્ઞાનની હોજરીને બગાડે. થોડા કષ્ટસાધ્ય વાચનથી હોજરીની સાફસૂફી થવી જોઈએ. પહેલાં વિવેચન વાંચો, કંટાળો લાવ્યા વગર ફરી ફરી વાંચો, રસને અંતરમાં સ્થિર કરો અને કવિતા પ્રત્યેની સૂગને કોરે મૂકી થોડાં થોડાં કાવ્યોનું સતત પરિશીલન કરો. રસેન્દ્રિયમાં અમી પેદા થશે.

લાગણીતંત્રને ઝણઝણાવી મૂકનાર પુસ્તક પહેલે દરજ્જે ત્યાજ્ય ગણજો. ઊર્મિસંવેદનનો સ્થિર દીપક દિલમાં બળ્યા કરે, જ્યોત ભડક-ભડક ન થાય, તે સ્થિતિ સાચા વાચનરસની છે.

લલિત-સાહિત્યના મધપૂડામાં મધુના ઉત્પાદન અર્થે આપણા જ્ઞાનકોશોની અંદર લલિતેતર સામગ્રી ભર્યા વગર છૂટકો નથી. પક્ષીઓ અને પશુઓની દુનિયા, જયોતિર્મય ગગન, ઈતિહાસ-સૃષ્ટિ વગેરે અંતરને અજવાળનારાં તત્વોનું અજ્ઞાન રસસાહિત્યમાં રમવાની આપણી શક્તિને હણી નાખે છે. વીનવું છું કે પ્રાણીઓની, ગ્રહોની, ભૂગોળ ને ઈતિહાસની ભવ્ય દુનિયામાં ઊતરો; પછી જોજો, તમને વાર્તા વાંચવી ગમશેય નહીં, વાંચવાની જરૂર પણ નહીં રહે. ‘અપંગની પ્રતિભા’ વાંચો, કીડી અને ઊધઈ વિષેનાં મૅટરલિંકનાં પુસ્તકો વાંચો. એ એવો એક નીરોગી મુગ્ધભાવ આપશે કે તમને જીવવું મીઠું લાગશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રમૂજી ટૂચકાઓ (ભાગ-1) – નવનીત સેવક
ઉદ્યોગપતિઓના પત્રો – જયવતી કાજી Next »   

13 પ્રતિભાવો : વાંચો અને વિચારો – સંકલિત

 1. કપિલ says:

  ગાંધીજી એ માનવ હતા, ખરું પુછો તો મહામાનવ હતા, એમને રાષ્ટ્રપિતા નું બીરુદ આપી ને નવાજવા માં આવ્યા છે. આ નવખંડ ધરતી ઉપર જે કોઇ પણ જન્મ લે છે એણે એને યોની ના બંધનો નો સ્વિકાર કરી ને જીવવુ પડે છે. ભગવાન શ્રી રામ પણ આ ધરતી ઉપર માનવ બની ને અવતર્યા હતા, તો અત્યારે એવુ કહેવુ ઉચીત નહી હોય કે અત્યારે એવા રામ નહી ચાલે કારણ કે રામ મર્યાદા પુરુષોત્તમ હતા અને સાથે સાથે સંસારી પણ હતા જ ને. બેશક આ સરખામણી નો વિષય નથી, પરંતુ સંસાર માં રહી ને વૈરાગી જીવન જીવવુ એ બહુ દોહ્યલુ છે, ગાંધીજી એ કઇ મુડી વ્યાજ ઉપર મુકી હતી એ વાત અસ્થાને છે, પરંતુ એમણે જે બલીદાન આપ્યુ છે એ મુડી નુ વ્યાજ આપણે આજે પણ ખાઇ રહ્યા છીએ… છે કોઇ આજ ના જમાના માં એવો એક પણ માણસ જે પોતા પાસે નુ એક ને એક પહેરણ કોઇ ને આપી દે ? જમાનો ભલે ગમે તેવો બદલાયો હોય, પરંતુ જો માનવ એ પ્રમાણે બદલાય તો કશો અર્થ રહેતો નથી, એ વિષય માં એ પરિસ્થીતી થી સંચાલીત થઇ ગયો કહેવાશે, જ્યારે મહામાનવ એજ કે જે ખુદ બદલાયા વગર પરિસ્થીતી નુ સંચાલન કરે… નાના મોઢે મોટી વાત થઇ હોય તો માફ કરશો… પરંતુ બદલવા ની આપણે જરુર છે.

 2. Swati Dalal says:

  I do agree with Kapilbhai. We need to change ourselves rather than changing the world. We can start from oneself. If everyone takes care of oneself, no one need to change the society, it will automatically changed.

 3. Bhavna Shukla says:

  થોડા કષ્ટસાધ્ય વાચનથી હોજરીની સાફસૂફી થવી જોઈએ. પહેલાં વિવેચન વાંચો, કંટાળો લાવ્યા વગર ફરી ફરી વાંચો, રસને અંતરમાં સ્થિર કરો અને કવિતા પ્રત્યેની સૂગને કોરે મૂકી થોડાં થોડાં કાવ્યોનું સતત પરિશીલન કરો. રસેન્દ્રિયમાં અમી પેદા થશે.

  લાગણીતંત્રને ઝણઝણાવી મૂકનાર પુસ્તક પહેલે દરજ્જે ત્યાજ્ય ગણજો. ઊર્મિસંવેદનનો સ્થિર દીપક દિલમાં બળ્યા કરે, જ્યોત ભડક-ભડક ન થાય, તે સ્થિતિ સાચા વાચનરસની છે.

  Universal Truth…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.