અર્પણ – રસિક બારભાયા

શ્રીમતી કુસુમ વર્મા ઘરમાં એકલાં હતાં. આ ઘર નહીં બંગલો હતો. મોટા બંગલામાં પોતે એકલાં હતાં. પોતે કોઈ અજાણ્યા સ્થળે આવી ચડ્યાં હોય તેમ પોતાને લાગતું હતું. સાંજ ઢળી ગઈ હતી. અંધારું પથરાઈ ગયું હતું. કમ્પાઉન્ડમાં ઊભેલાં ફરતાં ઝાડો શાંત-સ્થિર હતાં. વરંડામાં ખુરશીમાં બેઠો બેઠો રામચંદ્ર ઊંઘ્યા કરતો હતો. કુસુમબહેને ઊભાં થઈ સ્વિચ ઓન કરી, દરવાજા ઉપરના બંને ગ્લોબ પેટાવ્યા. પછી ઘડી રસોડામાં, વળી દીવાનખાનામાં એમ આંટા માર્યા કરતાં હતાં. રોમેશ અને સુમિત્રા પિક્ચર જોવા ગયાં હતાં. આમેય બંને વધારે બહાર હોય છે. સુષમા ગઈ કાલે જ તેના શ્વસુરગૃહેથી આવી છે અને અત્યારે તેની સખી ફ્રેનીને ત્યાં ગઈ છે. મિ. વર્મા કોઈ કૉન્ફરન્સમાં હાજરી આપવા ગયા છે. ત્યાંથી એક સંસ્થાના શતાબ્દી મહોત્સવ પ્રસંગે અતિથિવિશેષ તરીકે હાજરી આપવા જવાના છે. પૂરા ત્રણ દિવસનો કાર્યક્રમ છે. આજે ત્રીજો દિવસ છે. મોડી રાત્રે કે સવારે આવી જવા જોઈએ.

પણ સવારે જ પુરોહિત (પી.એ.) કહેશે : ‘સાહેબ, કાલે દિલ્હી જવાના છે. બૅગ તૈયાર રાખવી.’ થોડી વાર પછી કહેશે : ‘અઢારમી તારીખથી ધારાસભા ચાલુ થાય છે. પછી બહાર નહીં જાય. અઢારમીથી પૂરો એક મહિનો….’

‘એક મહિનો….’ એ બબડ્યાં. એમનું મોં બગડી ગયું. એમને આનંદ થવો જોઈતો હતો. પુરોહિત કહે ત્યારે સાંભળીને તો એમને આનંદ થાય છે પણ થોડી વારે ખ્યાલ આવતાં જ મોં બગડી જાય છે…. મિ. વર્માની હાજરીમાં તો એમનું કામ વધી જતું હતું. મુલાકાતીઓ, ટેલિફોન, મોડી રાત સુધી ફાઈલો, શાંતિથી વાત કરવાની તેમને ક્યારે ફુરસદ મળી છે ?
ટેલીફોનની ઘંટડી વાગી. કુસુમબહેને રિસીવર ઉપાડ્યું.
‘એલાવ…’ સામેથી જવાબ મળ્યો, ‘સાહેબ બહાર ગયા છે.’
આ જ તો દરેકને આપવાનો જવાબ હતો. યા તો ‘સાહેબ બિઝી છે. કલાક પછી ફોન કરજો.’
‘એક વાગ્યે ઑફિસમાં મળશે.’
કુસુમબહેન સોફામાં બેસી પડ્યાં.

ધારાસભા… સમારંભ… મિટિંગ… કૉન્ફરન્સ…. સવારે સાત વાગ્યે ઊઠતાં જ ઘડિયાળ સામે જોઈ કહેશે, સાત થઈ ગયા ? મારે આઠને ત્રીસે તો પહોંચવાનું છે. જલદી…. જલદી…’
પણ શું જલદી ? – કુસુમબહેનને પ્રશ્ન કરવાનું મન થઈ આવતું, પણ એ હંમેશા પ્રત્યુત્તર વાળવાને બદલે મૌન રહ્યા છે.
બીજે દિવસે, ‘એક કલાક છે… આઠ વાગ્યે ઉદ્દઘાટન સમારંભમાં પહોંચવાનું છે. વીસ કિલોમીટર – ગામડામાં જવાનું છે. પ્લીઝ હરી અપ…’ મિ. વર્મા કહે છે.

રાતના આવવાનો સમય નથી. દસ-અગિયાર સહેજે વાગી જાય છે… વહેલા હોય તો ટેલિફોનની ઘંટડી રણક્યા કરે છે. એલાવ, યસ વર્મા સ્પીકિંગ… વાતો ચાલ્યા કરે છે. ફાઈલોનાં પાનાં ફર્યાં કરે છે. કુસુમબહેન પાસે બેઠાં બેઠાં સાંભળ્યાં કરે છે – જોયા કરે છે. મુલાકાતો રાત્રે પણ ચાલ્યા કરે છે. સૂતા પહેલાં સવારમાં વાસી થઈ ગયેલાં છાપાં ઉપર નજર ફેરવે છે અને –
કુસુમબહેન ઊભાં થયાં. તેમણે ટ્યૂબલાઈટ ઑફ કરી, નાનકડો લૅમ્પ પેટાવ્યો. હવે બહુ પ્રકાશ ગમતો નથી… ઝગારા મારતો પ્રકાશ.

રોમેશ અને સુમિત્રા પિક્ચરમાંથી મોડાં આવશે. એ બહાર જાય ત્યારે, ‘મમ્મી, અમે બહાર જઈએ છીએ. વહેલાં આવી જઈશું. ઓ.કે…’ રોમેશ કહે છે. એ સિવાય વધારે કંઈ વાતો થતી નથી. ‘મમ્મી, તારી તબિયત કેમ છે ? કેમ સુસ્ત લાગે છે ? ક્યારેય કોઈએ પૂછ્યું નથી. સુમિત્રા સીધી જ તેના રૂમમાં ચાલી જાય છે. એ ભાગ્યે જ કંઈ પૂછે છે કે વાત કરે છે. રોમેશ કોર્ટ, ઑફિસ, મિત્રો, પિક્ચર – વધારે બહાર રહે છે. પણ સવારથી બેલ વાગતો રહે છે. રામચંદ્ર દોડીને દરવાજો ખોલે છે.

ટેલિફોનની ઘંટડી વાગ્યા કરે છે. મહારાજ આવીને પૂછે છે : ‘બહેન આજે શી રસોઈ કરવી છે ?’ બપોરના બાજુના બંગલાઓમાંથી કોઈને કોઈ મળવા આવે છે. ચા, શરબતના ગ્લાસ ઊભરાય છે. ટપાલોના ઢગ ખડકાય છે. કુસુમબહેન ચૂપચાપ આવેલી ટપાલો મિ. વર્મા પાસે મૂકી દે છે. આવેલા ફોનની વાત કરે છે. કોઈ અગત્યના મુલાકાતી આવ્યા હોય તો કહે છે. પછી દબાતા અવાજે કહે છે : ‘સુલેખા આવવાની છે, તેની તબિયત સારી નથી રહેતી. કોઈ સારા ડૉકટરને બતાવવાનું છે.’ સુલેખા કુસુમબહેનની નાની બહેન છે. મિ. વર્મા કશો જવાબ આપતા નથી.
થોડીવાર અટકીને વળી કુસુમબહેન ધીમેથી પૂછે છે : ‘સવારે દસ વાગ્યે આવવાની છે. કોને બતાવીશું ?’
‘પુરોહિતને કહેજે. એ ડૉ. પંડ્યાનો ટાઈમ લઈ લેશે. સુલેખાને લઈને જઈ આવવું.’
‘સુષમાને હવે ટાઈમ ભરાઈ ગયો છે. તેને અહીં બોલાવીશું ? શું કરીશું ?’
વર્માસાહેબ ધારાસભામાં રજૂ કરવાનું પૂરક અંદાજપત્ર વાંચી રહ્યા હતા. એ કશું બોલ્યા નહીં. કુસુમબહેને થોડીવાર રાહ જોઈ, કહ્યું : ‘હવે એને ટપાલ લખી નાખવી જોઈએ. કાં ફોન કરી દો –’
‘તારે યોગ્ય લાગે તેમ કરવું. અહીં તેડાવવી હોય તો ફોન કરી દેવો – ટપાલ પણ લખવી.’
‘તમે ફોન કરો તો – ’
‘એ મારું કામ છે ? તું એટલું પણ ન કરી શકે ? તું જાણે છે કે હું કેટલો કામમાં છું….’ મિ. વર્મા સહેજ ગરમ થઈ ગયા. આ રીતે ગરમ થવાનું તેમનું સામાન્ય છે. વાત ટાળવી હોય ત્યારે આ રીતે ગરમ થઈ જાય છે.

કુસુમબહેને આગળ કહેવા ઘણું વિચારી રાખેલું પણ બોલી જ શક્યાં નહીં. પોતે વર્મા પાસે ક્યાંય સુધી બેસી રહ્યાં. વર્મા વાંચવામાં ડૂબેલા હતા. કુસુમબહેન તેમના ચહેરાને પ્યાસી નજરે જોઈ રહ્યાં…. આજે એ તેની નજીક જવા… તેની છાતીમાં લપાઈ જવા… એ નજીક સરક્યાં… વર્માની છાતી સાથે મોં અડકાડ્યું…. મોં ચિપકાવી ક્યાંય સુધી પડી રહ્યાં… તેમના શ્વાસોચ્છવાસ વધી ગયા… એમણે પોતાના ગાલ તેમના ગાલ સાથે ઘસ્યા… મિ. વર્માના હાથમાંના કાગળો સ્થિર થઈ ગયા હતા.
‘સૂઈ જાવ… જાવ !’ વર્માએ કહ્યું. એ અવાજમાં રુક્ષતા હતી.

કુસુમબહેન ઊભાં થઈ બહાર આવ્યાં. વરંડાનો મોટો લૅમ્પ બુઝાવી નાનો લૅમ્પ પેટાવ્યો. પછી રેડિયો ચાલુ કર્યો. થોડી વારમાં રેડિયો બંધ કરીને રામચંદ્રને બોલાવ્યો.
‘જી…’ રામચંદ્ર આવ્યો.
‘પાણી લાવ તો – ફ્રીજનું નહીં, માટલાનું લાવજે.’
રામચંદ્ર પાણી લાવ્યો. ‘રોમેશ અને સુમિત્રા મોડાં આવશે. તું જમી લે.’ ગ્લાસ મૂકતાં કુસુમબહેને કહ્યું ‘સુષમાને ફોન કરું છું. એ જલદી આવે તો હું તેની સાથે થોડું જમીશ.’ તેણે સોફામાં લંબાવ્યું.

દિવસો એવા ગયા છે…. એ જેલમાં હતા અને દિવસો સુધી અંધારિયા મકાનમાં એકલી રહી છું… ત્યારે તો રોમેશેય ન હતો. સગાં-સંબંધીઓ આવતાં ન હતાં. મકાન નાનકડું અને અંધારિયું હતું. ક્યારે પોલીસ કંઈ લઈને આવશે તેનો ડર રહેતો. આજે મોટા બંગલામાં પણ એકલી છું. વિશાળ જગ્યા, ફરતાં ફૂલઝાડ, ફર્નિચર, ટેલિફોન, નોકર, રસોઈયો… ટેલિફોનની ઘંટડી સતત વાગ્યા કરે છે. દરવાજાનો બેલ રણક્યા કરે છે… અને પોતે એકલી છે… અટૂલી પડી હોય એમ.

રેડિયો ચાલુ કર્યો. ફિલ્મીગીતો શરૂ થયાં હતાં. કેટલાંક આવેલાં સામાયિકો રેપર ખોલ્યા વગર એમ ને એમ પડ્યાં હતાં. તેણે એક સામયિકનું રેપર ખોલ્યું. પાના ફેરવવા માંડ્યા. પહેલા પાને ‘તંત્રીનોંધ’ મથાળું હતું. લખ્યું હતું : ‘સમાજના વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરનાર, ખ્યાતનામ બુદ્ધિજીવીઓના જીવનમાં તેમની પત્નીઓનો કેવો સહયોગ રહ્યો છે અને દાંપત્યજીવન તેમાં કેવો ભાગ ભજવે છે તે આ વિશેષાંકમાં, વિવિધ ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓ પાસેથી સ્વાનુભવ રૂપે લખેલા લેખો અહીં આપ્યા છે. અહીં રાજકારણી, કલાકાર, તબીબ, ન્યાયાધીશ, કેળવણીકાર – ભિન્ન ભિન્ન ક્ષેત્રની વ્યક્તિઓના લેખ અમને પ્રાપ્ત થયા છે. સમાજની આ વિશિષ્ઠ વ્યક્તિઓના જીવનમાં તેમની પત્નીઓનો કેવો સહયોગ રહ્યો છે તે જાણવું રસપ્રદ છે, એટલું જ પ્રેરણાદાયી છે.

કુસુમબહેને પાનું ફેરવ્યું. પહેલો જ લેખ હતો : ‘મારી ઉન્નતિના સોપાન – લેખક. માણિક્ય વર્મા.’
કુસુમબહેન મથાળું વાંચી બેઠા થઈ ગયાં. તેમણે ચશ્માના કાચ લૂછ્યા અને વાંચવા સજ્જ થયા પણ તરત પ્રશ્ન ઊઠ્યો ‘આ લખવાની ફુરસદ તેમને ક્યારે મળી ?’

કુસુમબહેને વાંચવાનું શરૂ કર્યું : ‘અમારાં લગ્ન થયાં ત્યારે મારી ઉંમર 25 વર્ષની હતી. બી.એ. થયા પછી નોકરી નહીં મળતાં એલ.એલ.બી. નો અભ્યાસ શરૂ કર્યો. લગ્ન પછી પણ આ અભ્યાસ ચાલુ રહ્યો. ત્યારે 1942ની ‘ક્વિટ ઈન્ડિયા’ ની લડત ઊપડી. આખો દેશ તેમાં જોડાયો. મેં પણ આ લડતમાં ઝંપલાવ્યું. એ દિવસો અત્યંત જોખમના હતા. ક્યારે પણ દરવાજો ખખડશે તેવો ફફડાટ રહેતો. ગમે ત્યારે પોલીસ વૉરન્ટ લઈ આવી પહોંચશે તેમ લાગતું. હું ગભરાતો નહીં પણ કુસુમને હૈયે ડર હતો. એક દિવસ રાત્રે પોલીસ પકડવા આવી. કુસુમ ગભરાઈ ગઈ. તેની આંખમાંથી આંસુ વહી રહ્યાં…. એ ને હું બે જ ઘરમાં હતાં. પણ તરત એ સ્વસ્થ થઈ ગઈ. કપડાં તૈયાર કરી આપ્યાં. તેણે કદી પાછળ શું થયું, તેની ઉપર શું વીત્યું. તેની વાત કરી નથી. તે ક્યારેય ફરિયાદ કરતી નહીં. તે દિવસોમાં મારી કોઈ આવક નહોતી. ત્યારે કુસુમે ઘર કેમ ચલાવ્યું છે તેની પણ ખબર પડવા દીધી નથી. તેણે કશી ‘કમી’ ની ક્યારેય ફરિયાદ કરી નથી. આ દિવસોમાં જેલ, લડત એમ હું વ્યસ્ત રહેતો.

સ્વરાજ્ય મળ્યા પછી મારું જીવન પલટાઈ ગયું. પ્રથમ ચૂંટણીમાં, હું ધારાસભાની ચૂંટણી લડ્યો. બીજી ચૂંટણીમાં પણ ધરાસભાની બેઠક મને મળી. એ વખતે મને પ્રધાનમંડળમાં જોડાવાની ઑફર થઈ… ત્યારથી હું સતત પ્રધાનમંડળમાં રહ્યો છું. મેં કદી ઘરની સંભાળ લીધી નથી. કુસુમે કદી મને કશી ખબર પડવા દીધી નથી. એ બધું જ સંભાળી લેતી. મારી પ્રગતિમાં તેનો ઘણો બધો હિસ્સો રહ્યો છે. જીવનમાં તેણે કદી અભાવ બતાવ્યો નથી… કંટાળો બતાવ્યો નથી… હંમેશાં મને પ્રોત્સાહિત કર્યો છે. એક સામાન્ય માણસ પોતે કેટલી પ્રગતિ કરી શકે – સ્ત્રીના બહુમૂલ્ય અર્પણથી તેનું હું ઉદાહરણ છું. આપણી સ્ત્રીઓ ભલે તેણે કોઈ કૉલેજ શિક્ષણ લીધું ન હોય, ઘણાં બધાં પુસ્તકો વાંચ્યાં ન હોય, રીતભાત અને ટાપટીપના વર્ગો ન ભર્યા હોય પણ તેને ઘરમાં જે સંસ્કારો મળે છે, તેનું જે ઘડતર થાય છે તે ગૃહસ્થાશ્રમનો ઉમદા પાયો છે. સહિષ્ણુતા, ધૈર્ય, કરકસર એ ભારતીય સ્ત્રીઓના ઉમદા ગુણો છે. કુસુમમાં સહિષ્ણુતા, ધૈર્યના આગવા ગુણો છે. તેનામાં કેવળ આપવાની જ વૃત્તિ રહી છે. આથી જ તો હું ઘર માટે નિશ્ચિંત રહી, સતત વ્યસત જીવન ગુજારું છું અને ઘણો બધો ભાર વહન કરી શકું છું.’

કુસુમબહેન વાંચી રહ્યાં હતાં. તેમણે આંખો મીંચી દીધી. તેમને કોઈ ફરિયાદ ન હતી ? તે સંતુષ્ઠ હતી ?…. એના હોઠ દબાયા… એક સિસકારો !
‘સૂઈ જાવ, જાવ !’ તેના કાને અવાજ પડ્યો. તે અવાજ રુક્ષ હતો. તેં ચોંકી પડ્યાં ને બેઠાં થઈ ગયા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રમૂજી ટૂચકાઓ (ભાગ-2) – નવનીત સેવક
સન્માનોની ઉપયોગિતા કેટલી ? – રમેશ. ભા. શાહ Next »   

14 પ્રતિભાવો : અર્પણ – રસિક બારભાયા

 1. Chirag Chaudhari says:

  ખૂબ જ સારી વાર્તા !!!!!!!
  કુટુંબમાં રહેવા છતાં એકલાં એવાં કુસુમબેનની વ્યથાનો હ્યદયસ્પર્શી પરિચય કરાવ્યો.

  અભિનંદન

 2. shetal says:

  કુસુમબેન નિ ખુશિ નુ શુ ??? એમ્ને શુ મલ્યુ ??

 3. Frequent reader says:

  I am sure the center character of this story must have felt good about being appreciated by reading that article and probably it would have washed all the loneliness she may have felt all along.

  I wonder though – does it take really too much to just give little bit of care, attention and acknowledgment of your feelings to your loved one? Is taking a big dose of medicine when you are almost dying is good or taking regular care of yourself is better?

 4. સુરેશ જાની says:

  તુષાર શુકલની કવિતા યાદ આવી ગઇ.
  ‘પાસ પાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ…’

 5. Keyur Patel says:

  મને તો એ લેખ માત્ર વર્માસાહેબ નો guilt દૂર કરવા નુ એક બહાનુ લાગ્યુ.

 6. prashant says:

  બહઉઉ સરસ

 7. neeta says:

  after ten or fifteen years of marriage, every man is rood with wife.

  there is a doctor, eng., or anyone. but they all are the same for his wife.

  there is a one exa. of kusumben.

 8. ઋષિકેશ says:

  હાથી ના દાંત, ચાવવા ના જુદા અને દેખાડવા ના જુદા….

 9. ranjan pandya says:

  સદીઓથી આ પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રી કચડાતી અને મુંગી વેદના સહેતી
  આવી છે.પુરૂષો સ્ત્રીને પણ જિવંત વ્યક્તિ છે એવું ક્યારે સમજશે? હવે તો દાદાગીરી કરવાનું છોડો—– કેટ્લું સહેવું?—અને ક્યાં સુધી?—-!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.