સન્માનોની ઉપયોગિતા કેટલી ? – રમેશ. ભા. શાહ

[‘અરધી સદીની વાંચન યાત્રા’ ભાગ-3 માંથી સાભાર.]

સાહિત્ય અને અન્ય ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પ્રદાન કરતી વ્યક્તિઓને ચંદ્રકો, ઈનામોથી નવાજવાની પરંપરા છે. આવાં પારિતોષિકોની બાબતમાં બેત્રણ ટીકાઓ સાંભળવા મળે છે. કેટલાક દાખલાઓમાં અયોગ્ય વ્યક્તિઓને સન્માનવામાં આવતી હોય છે. બીજું, અધિકારી વ્યક્તિઓને કાં તો આવા માનથી વંચિત રાખવામાં આવે છે, અથવા એમનું સન્માન ઘણું મોડું કરવામાં આવે છે. આવા અસંતોષો છતાં પ્રતિ વર્ષ આવાં અનેક પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પારિતોષિકો અપાતાં રહે છે અને સામાન્ય રીતે સ્વીકારાતાં રહે છે.

સમાજ અમુક વ્યક્તિઓનાં અર્પણોથી કૃતજ્ઞતાની લાગણી અનુભવતો હોય છે. અમુક કાર્યો કે કામગીરીઓનું ગૌરવ કરવાથી સમાજમાં તે બાબતોનું એક મૂલ્ય ઊભું થાય છે. કોઈ વ્યક્તિએ પોતાના ઉમંગથી સમાજસેવાનાં કાર્યો કર્યાં હોય, એને કશી કદરની અપેક્ષા ન હોય, છતાં સમાજ જો એની કદર કરે તો એમાં કેવળ વ્યક્તિનું જ સન્માન થતું નથી, એણે કરેલી કામગીરીની પણ પ્રતિષ્ઠા થાય છે, અને એ રીતે બીજાઓને એ માર્ગે જવાની પ્રેરણા મળે છે. આ રીતે વિચારતાં સામાજિક સન્માનો ઉપયોગી કામગીરી બજાવે છે એમ કહી શકાય. જેમને સન્માનવામાં આવે છે એ બધાં જ સન્માનનાં ભૂખ્યાં નથી હોતાં. છતાં, સન્માન પામનાર મહાનુભાવોને પણ સામાજિક સ્વીકૃતિ મળતાં પોતે કશુંક ઉપયોગી કાર્ય કર્યું છે એવી સંતોષની લાગણી થતી હોય છે.

ગુજરાતમાં વિવિધ કામગીરીઓ માટે અપાતાં ઈનામો અને ચંદ્રકોની સંખ્યામાં છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન મોટો ફુગાવો થયો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દર બે વર્ષે ત્રણેક ડઝન ઈનામોનું વિતરણ કરે છે. ગુજરાતી સાહિત્ય અકાદમી પણ દર વર્ષે દોઢ-બે ડઝન કૃતિઓને, એટલે કે તેમના લેખકોને પુરસ્કૃત કરે છે. આ ઉપરાંત સુરત, વડોદરા ઈત્યાદિ શહેરોમાં કેટલીક સંસ્થાઓ સાહિત્યકારોને ચંદ્રકોથી નવાજે છે.

પાયાનો પ્રશ્ન આ છે : દર વર્ષે, બે વર્ષે પુરસ્કારવા યોગ્ય કૃતિઓ ગુજરાતમાં પ્રગટ થાય છે એવું કહેવાની સ્થિતિમાં આપણે છીએ ખરા ? ઈનામો વહેંચવાનાં છે, માટે જે કોઈ કૃતિઓ ઉપલબ્ધ હોય તેમાંથી અમુકને ઈનામયોગ્ય લેખવાથી ઈનામોનાં ધોરણો જાળવી શકાય કે કેમ એ પ્રશ્ન વિચારવાનો છે. અયોગ્ય કૃતિઓ અને કર્તાઓ પુરસ્કૃત થવાથી સમાજમાં અનિચ્છનીય મૂલ્યો પ્રસ્થાપિત થાય. દર વર્ષે જો વિવિધ ક્ષેત્રોમાં સંખ્યાબંધ વ્યક્તિઓને પુરસ્કારો અપાતા રહે, તો પુરસ્કારો તેમનાં મૂલ્ય અને પ્રતિષ્ઠા ગુમાવે.

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા જે મોટી સંખ્યામાં ઈનામો આપવામાં આવે છે તેમાંનાં કેટલાંક સાહિત્ય પરિષદના ઉદ્દેશો સાથે સુસંગત છે કે કેમ એ એક પ્રશ્ન છે. દાતાઓ જે પ્રકારની કૃતિઓને પુરસ્કારવા માટે દાન આપે છે તે પરિષદ સ્વીકારી લેતી જણાય છે, પછી ભલે તે સાહિત્ય પરિષદના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય. જ્યારે કોઈ વ્યક્તિના નામે પારિતોષિકો આપવામાં આવે છે ત્યારે તેના દ્વારા પુરસ્કૃત થનાર વ્યક્તિને જેમ પ્રતિષ્ઠા મળે છે, તેમ જેમના નામે એ પુરસ્કારો આપવામાં આવે છે તેમને પણ સમાજમાં પ્રતિષ્ઠા સાંપડે છે. કોઈ દાણચોર રૂ. દસ લાખનું દાન ચેકથી આપીને તેના વ્યાજમાંથી ચોક્કસ ક્ષેત્રમાં સારી કામગીરી કરનારને એક લાખ રૂપિયાનો પુરસ્કાર એના નામથી આપવાની દરખાસ્ત કરે, તો તે દરખાસ્ત કોઈ સામાજિક સંસ્થાએ સ્વીકારવી જોઈએ ? ઈનામો-ચંદ્રકો સાથે કેવી વ્યક્તિઓનાં નામો સંસ્થાઓ જોડી શકે ? જવાબ સ્પષ્ટ છે : જેમણે પોતાના ક્ષેત્રમાં કદર કરવા યોગ્ય કામગીરી કરી હોય એવી જે તે ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓના નામો અપાતા ચંદ્રકો યોગ્ય ગણાય, કેવળ પૈસા ખર્ચવાની વ્યક્તિની શક્તિને તે માટેનો માપદંડ બનાવી શકાય નહિ. અલબત્ત, લોકશાહી સમાજમાં કોઈને પોતાના નામની સંસ્થા રચીને ચંદ્રકોની લહાણી કરતા આપણે રોકી શકીએ નહિ, પરંતુ એવાં ટ્રસ્ટો દ્વારા અપાતા ચંદ્રકો સ્વીકારીને તેમને પ્રતિષ્ઠા આપવી કે કેમ તે સંબંધકર્તા વ્યક્તિઓએ વિચારવાનું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અર્પણ – રસિક બારભાયા
નવો વળાંક – સુધીર દેસાઈ Next »   

10 પ્રતિભાવો : સન્માનોની ઉપયોગિતા કેટલી ? – રમેશ. ભા. શાહ

  1. સુરેશ જાની says:

    વાત વિચારવા જેવી તો છે. પણ આનો વિકલ્પ શો?
    સર્જકોને ઉત્તેજન આપવા માટે કોઇ વ્યવસ્થા તો હોવી જ જોઇએ ને?
    અહીં એક ફોરમ શરુ કરીને વાચકોના અભિપ્રાયો માંગો અને તે બધા સૂચનો આવી સંસ્થાઓને મોકંલો તો? જો આમ કરવામાં આવશે તો વાચકો પણ કાંઇક પ્રદાન કરી શકશે. અને કદાચ તેમાંથી કોક વધારે સારી પધ્ધતિનું નિર્માણ થઇ પણ જાય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.