પ્રેરક પ્રસંગો – સંકલિત

[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] તુંબડી – રમણલાલ સોની

કેટલાક ભક્તો તીર્થયાત્રાએ જતા હતા. સંત તુકારામે તેમને કહ્યું, ‘મારાથી તો અવાય એમ નથી. પણ મારી આ તુંબડીને લઈ જાઓ, એને દરેક તીર્થમાં સ્નાન કરાવજો !’ ભક્તો અનેક તીર્થોની યાત્રા કરીને પાછા આવ્યા. તેમણે તુંબડી પાછી આપી કહ્યું : ‘અમે એને એકેએક તીર્થમાં સ્નાન કરાવ્યું છે.’

તુકારામે એ જ તુંબડીનું શાક કરી ભક્તોને પીરસ્યું. તો ભક્તોએ એ થૂંકી નાખ્યું. કહે : ‘આ તો કડવી છે.’
તુકારામે કહ્યું : ‘આટાઅટલા તીર્થમાં સ્થાન કર્યું તોયે એ કેમ કડવી રહી ?’
ભક્તો કહે : ‘એનો સ્વભાવ જ એવો છે. પછી તીર્થ શું કરે ?’

તુકારામે કહ્યું : ‘ખરી વાત, ગમે તેટલી જાત્રા કરીએ, પણ આપણો સ્વભાવ ન બદલીએ તો આપણે પણ આ કડવી તુંબડી જેવા જ છીએ.’

[2] નમ્રતા

જનરલ કરિઅપ્પાના ભાઈ કુમારપ્પા ગાંધીજીને મળવા પહેલવહેલા આશ્રમમાં ગયા. ત્યાં માથે ફાળિયું બાંધી એક ડોસો વાસીદું કાઢતો હતો, તેથી તેમણે ગાંધીજીને ખબર આપવા કહ્યું.
ડોસાએ પૂછ્યું : ‘કેટલા વાગ્યે મળવાનું ગાંધીજીએ રાખ્યું છે ?’
કુમારપ્પા ગુસ્સે થયા : ‘તેનું તારે શું કામ ? તું તારે જઈને ખબર આપ. મળવાનું ચાર વાગ્યે રાખ્યું છે.’
ડોસો બોલ્યો : ‘પણ હજી તો સાડા ત્રણ જ થયા છે.’
કુમારપ્પા ફરી છંછેડાયા : ‘પાછો ડાહ્યો થયો ? જા, મારા કહ્યા મુજબ કર.’
આથી ડોસો મૂંગો મૂંગો બીજા ખંડમાં ગયો અને થોડીવારે પાછા આવી કહ્યું : ‘સાહેબ, બેસો. ગાંધીજી આપને ચાર વાગ્યે મળશે.’

કુમારપ્પા ગાદી પર બેઠા. બરાબર ચાર વાગે માથેથી ફાળિયું છોડી નાખી પેલા ડોસાએ પૂછ્યું, ‘બોલો સાહેબ, શું કામ છે ? મને જ લોકો ગાંધી કહે છે.’

[3] ધ્યાન

કાશ્મીરમાં બુલેશાહ નામે એક મોટા સૂફી સંત થઈ ગયા. કવિ તરીકે પણ એ વિખ્યાત છે. એમના ગુરુ હતા ઈનાયતશાહ. ઈનાયતશાહ માળીનું કામ કરતા હતા. એ બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યાં બુલેશાહ આવ્યા. બુલેશાહે એમને પ્રશ્ન કર્યો : ‘ગુરૂજી, હું ખુદાને કેવી રીતે પામી શકું ?’ ઈનાયતશાહે જવાબમાં મૂળમાંથી એક છોડવાને ઉખેડી નાખ્યો અને પછી ફરીથી તેને બીજી જગ્યાએ રોપ્યો.

બુલેશાહને કંઈ સમજ ન પડી. તેણે પૂછ્યું : ‘છોડવાને એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપવાનો શો અર્થ ?’

ઈનાયતશાહે જવાબ આપ્યો : ‘ખુદાને પામવા તમારે માત્ર તમારા ધ્યાનના મૂળને એક જગ્યાએથી ઉપાડી લઈ બીજી જગ્યાએ પરોવવાનું છે. દુનિયા અને દુન્યવી ચીજોમાં મન રમમાણ રહે છે તેમાંથી ધ્યાનને ખેંચી લઈ ખુદામાં કેન્દ્રિત કરો. તરત જ ખુદા પામશો.’

આવો જ ઉત્તર હજૂર બાબા સાવનસિંહજી મહારાજે આપેલો. એક માણસે તેમને પૂછ્યું હતું કે ભૌતિક વિશ્વમાંથી આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચતા કેટલી વાર લાગે ? બાબા મહારાજે પળવાર આંખો બંધ કરી અને તરત જ ઉઘાડી અને જણાવ્યું : ‘આટલી જ વાર લાગે. હું આધ્યાત્મિક વિશ્વમાં ગયો અને ત્યાંથી પાછો ફર્યો છું.’ અર્થ એટલો જ કે આપણે એક જગાએથી બીજી જગાએ જતાં જ નથી, માત્ર ધ્યાનને ચેતનાના એક પ્રદેશમાંથી બીજા સ્તરે લઈ જઈએ છીએ.

ઈશ્વરપ્રાપ્તિ કે આધ્યાત્મિક ઉન્નતિ માટે ધ્યાનને માત્ર દુન્યવીમાંથી દિવ્યમાં લઈ જવાનું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોને કોને બોલાવું ? – આશ્લેષ ત્રિવેદી
ઝટપટ નાસ્તા – સંકલિત Next »   

11 પ્રતિભાવો : પ્રેરક પ્રસંગો – સંકલિત

 1. NARENDRA TANNA says:

  નવનીત સમર્પણમાં આવતું મરમ ગહરા યાદ આવી ગયું..

 2. કલ્પેશ says:

  સંત તુકારામનો જવાબ સચોટ છે.
  ખરેખર, અંતરમા ડોકિયુ કરવાની જરુર છે

  “મન ચંગા તો કથરોટમે ગંગા”

 3. Pravin V. Patel says:

  પહેરવેશ કે સામાન્ય કાર્ય ઉપરથી માણસનું ગજુ માપી શકાતું નથી.
  આવોજ એક પ્રસંગ છે—-
  જૂનાગઢ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી
  વાસીદું વાળતા હતા. તે વખતે તરણેતરના મહંત આવ્યા અને વાસીદું
  વાળતા સ્વામીને પૂછ્યું કે ‘આ જગ્યાના મહંત કોણ છે?’ સ્વામીએ નમ્ર્તાથી કહ્યું કે ‘મહંત અંદર ગાદી ઉપર બેઠા હશે.’ એમ કહી સ્વામી હાથપગ ધોઇ સભામંડપમાં પધાર્યા અને તેમને મળ્યા. ત્યારે તેમણે નવાઈ પામતાં પૂછ્યું કે ‘તમે તો હમણાં વાસીદું વાળતા હતા. તે તમે મહંત છો?’
  સ્વામીએ હસતાં હસતાં કહ્યું કે ‘અમારે ત્યાં જે સેવા કરે તે જ મહંત હોય છે.
  આભાર.

 4. ખરી વાત છે.
  સ્વભાવ જ મનુષ્યને બાન્ધે છે અને છોડે પણ છે.

 5. shetal says:

  ખુબ જ મજા આવી
  આવા લેખો આપ્તા રહેજો……..

 6. Keyur Patel says:

  “મન ચંગા તો કથરોટમે ગંગા”
  – સાવ સાચી વાત છે આ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.