- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આપણું આરોગ્ય – સંકલિત

[1] તંદુરસ્તીની પરીક્ષા

(1) તમને ભૂખ બરાબર લાગે છે ?
(2) તમને ગાઢ ઊંઘ આવે છે ?
(3) તમને સાફ ઝાડો આવે છે ?
(4) તમારો ચહેરો ચમકદાર છે ?
(5) તમારું પેટ છાતીની અંદર છે ?
(6) તમારા પગ ગરમ, પેટ નરમ અને માથું ઠંડુ રહે છે ?
(7) તમને કામ કરવામાં ઉત્સાહ રહે છે ?
(8) તમે બધા સાથે મીઠાશથી વર્તો છો ?
(9) તમે દરરોજ સાધના કરો છો ?
(10) તમારું જીવન નિયમિત છે ?

આ તમામ પ્રશ્નોના જવાબ ‘હા’ હોય તો તમે તંદુરસ્ત છો.

[2] મારો અનુભવ – વિનોબા ભાવે

આહાર અંગે મારો આપને એક અનુભવ જણાવું. મારો એવો અનુભવ છે કે આકાશ સેવનથી માણસ ઓછી કેલેરીમાંયે ચલાવી શકે છે. પદયાત્રા કરતો ત્યારે મારા આહારમાં કુલ 1200-1300 કેલરી રહેતી. ડૉકટરોને બહુ નવાઈ લાગતી કે આટલા બધા શ્રમ છતાં આટલી ઓછી કેલરીમાં કેમ ચાલી શકે છે ? હું કહેતો કે હું સૌથી વધારે આકાશ ખાઉં છું. મારા આહારમાં નંબર એકમાં આકાશ છે. નંબર બે માં વાયુ, નંબર ત્રણમાં સૂર્યકિરણ, પછી ચોથા નંબરમાં પાણી. પાણી ખૂબ પીવું જોઈએ. થોડું થોડું અને વારંવાર પાણી પીવાથી માણસના પ્રાણ બળવાન થાય છે અને સૌથી મહત્વની ચીજ છે અન્ન. વધારેમાં વધારે આકાશ-સેવન ઉપરાંત ચિત્તની પ્રસન્નતા એ ઉત્તમ આહાર છે. હું તો કહીશ કે પ્રસન્નતા એ ઉત્તમ ઔષધ પણ છે. ચિત્તની નિર્વિકારતાનું પરિણામ સહજ સ્વાસ્થ્યમાં દેખાશે.

[3] લાંબુ જીવવાના ટૂંકા નિયમો

(1) બને તેટલો વખત ખુલ્લી જગ્યામાં રહો.
(2) રોજ સવારે ઠંડા પાણીથી સ્નાન કરો.
(3) વધુ પડતી વાતચીત પાછળ શક્તિ ન વેડફો.
(4) કામમાં મંદતા જેટલી જ અતિ ત્વરા ત્યાજય ગણો.
(5) ચિત્તને ઉત્તેજનારી લાગણીઓ અને વસ્તુઓનો ત્યાગ કરો.
(6) અઠવાડિયે એક દિવસ પૂર્ણ માનસિક આરામ કરો.

[4] આહારને લગતા સોનેરી સુત્રો

(1) જીવન ખાવા માટે નથી પરંતુ ખોરાક જીવન માટે છે.
(2) સ્વાદ ખાતર અભક્ષ્ય ઓહિયા કરતા નહિં, પરંતુ ઔષધની જેમ આહારને પણ યોગ્યતાની એરણ પર પારખીને જ અંગીકાર કરવાનો છે.
(3) ભૂખ વગર કંઈ પણ ખાવું નહીં.
(4) જ્યારે ભોજન કરો ત્યારે અર્ધું પેટ આહાર માટે, પા ભાગનું પાણી માટે અને પા ભાગનું હવા માટે રાખવાનું. અર્ધું નહીં તો પોણાથી વધુ પેટ તો કદી ન ભરવું.
(5) મસાલા, મીઠાઈઓ, તળેલી – વધારેલી ચીજોનો સદંતર બહિષ્કાર.
(6) પોતાની પ્રકૃતિને અનુકુળ રહે અને જલ્દી પચી જાય તેવો આહાર લેવો.
(7) આહારમાં શાકભાજી વિશેષ પ્રમાણમાં લેવા.
(8) બે ટંકથી વધુ ભોજન ન કરવું.
(9) સવારના જલપાનમાં માત્ર દૂધ-છાશ જેવાં હળવાં પીણાં લેવા.
(10) ખૂબ ચાવીને પ્રસન્નચિત્તથી ઈમાનદારીની કમાણીનું ભોજન કરવું.

[5] આરોગ્ય માટે….

જે લોકો મગજ પાસે તો કામ કરાવે છે પણ શારીરિક શ્રમથી દૂર ભાગે છે તેની તંદુરસ્તી બરાબર રહેતી નથી. શરીરના દરેક અંગોને સમૂચિત શ્રમ મળવો જોઈએ. જેથી તેની સક્રિયતા અને સુદ્રઢતા યથાવત જળવાઈ રહે. જેને સખત પરિશ્રમ કરવાનો અભ્યાસ નથી કે મોકો નથી મળતો તેવા કૉમ્પ્યુટર સામે બેસી રહેનારા અને કારમાં ફરનારા આરામપ્રિય લોકો પોતાની આળસની ભારે કિંમત ચૂકવે છે. શરીરનું માળખું દુર્બળ કરી નાખે છે. શ્વાસ હંમેશા ઊંડા લેવા જોઈએ જેથી આખા ફેફસામાં સક્રિયતા જળવાય અને શરીરને યોગ્ય પ્રમાણમાં ઑક્સિજન મળતો રહે. જે લોકો ખુરશીમાં વાંકા વળીને બેસતા હોય છે તેના ફેફસાનો મોટો ભાગ નિષ્ક્રિય પડ્યો રહે છે અને તેમાં ક્ષય, દમ, ખાંસી વિગેરેના કીટાણુની વૃદ્ધિ થતી રહે છે. શ્વાસ હંમેશા નાકથી લેવો જોઈએ અને ચાલતી વખતે બન્ને હાથોને આગળ પાછળ સૈનિકની માફક હલાવીને ચાલવું જોઈએ.