યક્ષપ્રશ્ન – મહાભારત વનપર્વ

કામ્યક વનમાંથી નીકળીને પાંડવો દ્વૈતવનમાં આવીને રહેવા લાગ્યા. તેઓ એક બ્રાહ્મણને ત્યાં રોકાયેલા. એકવાર એવું બન્યું કે યજ્ઞ માટેનું કાષ્ઠ (લાકડું) એક મૃગે શીંગડા ઘસતાં એમાં ભરાયું. તેથી મૃગ એ કાષ્ઠ લઈને ભાગ્યું. બ્રાહ્મણે યજ્ઞ માટે એ કાષ્ઠ લાવી આપવાનું પાંડવોને કહ્યું તેથી પાંડવો ઉતાવળે એ મૃગ પાછળ દોડ્યા. તેઓ તેને વીંધી શક્યા નહિ કે પકડી શક્યા નહિ અને ઘણે દૂર જતાં છેવટે મૃગ દષ્ટિબહાર જતો રહ્યો ત્યારે તૃષાથી પીડાઈને થાકીને નીચે બેઠા. યુધિષ્ઠિરે નકુળને પાણીની શોધ કરવા મોકલ્યો. પાણીનું એક સરોવર તો મળી આવ્યું પણ તેમાંથી એક અંતરિક્ષથી અવાજ આવ્યો કે, ‘મારા પ્રશ્નના ઉત્તર દીધા વગર પાણી પીશ કે લઈશ તો તું મરીશ.’

તે અવાજની દરકાર કર્યા વગર નકુળે પાણી પીધું કે તુરત જ તે મરણ પામ્યો. નકુળને ઘણીવાર થઈ તેથી યુધિષ્ઠિરે સહદેવને તેની શોધ કરવા મોકલ્યો. તેના પણ એવા જ હાલ થયા. તેની પાછળ અર્જુન તથા ભીમ પણ ગયા. તેઓ પણ તે પાણી પીતાં જ મરણને શરણ થયા. પછી ઘણીવાર થવાથી યુધિષ્ઠિર પોતે તે સઘળાની શોધ કરવા ગયા અને પૃથ્વી ઉપર પોતાના ચારે બાંધવોને મરણ પામેલા જોયા. કષ્ટરૂપ દશાને પામેલા યુધિષ્ઠિરનાં નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યાં અને તેમણે ચિંતાયુક્ત થઈ પોતાના ભાઈઓને મારનાર શત્રુની તપાસ કરવા માંડી.

જ્યારે તેઓ પાણીમાં ઊતરી સ્નાન કરવા લાગ્યા ત્યારે અંતરિક્ષના અવાજે કહ્યું કે, ‘તારા ભાઈઓને મેં મરણ પમાડ્યા છે.’
યુધિષ્ઠિરે વિસ્મય પામી પૂછ્યું કે ‘તું કોણ છે ?’
બગલારૂપે બોલનારે જવાબ આપ્યો કે, ‘હું યક્ષ છું અને મારા પ્રશ્નનો ઉત્તર તમે આપો નહિ ત્યાં સુધી આ સરોવરનું પાણી લેશો નહિ.’
યુધિષ્ઠિરે કહ્યું : ‘હું પારકી ચીજનો લોભ કરતો નથી. હું મારી મતિ અનુસાર તમારા પ્રશ્નનો ઉત્તર દઈશ.’ પછી ધર્મરાજાએ તે યક્ષના પ્રશ્નોના નીચે પ્રમાણે ઉત્તર દીધા :

યક્ષ : આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે ?
યુધિષ્ઠિર : સર્વને મરતાં દેખે તથાપિ જે પોતાને એમ માને છે કે હું મરવાનો નથી. – એ આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે.

યક્ષ : મનુષ્ય માટે સૌથી મોટો અસાધ્ય રોગ કયો ?
યુધિષ્ઠિર : સૌથી મોટો અસાધ્ય રોગ ‘લોભ’ છે કારણકે એ મરણ સુધી નથી છૂટતો.

યક્ષ : સૌથી વધારે ધનવાન કોને જાણવો ?
યુધિષ્ઠિર : જેને પ્રિય અને અપ્રિય, સુખ તથા દુ:ખ અને ભૂત તથા ભવિષ્ય એ બન્ને સમાન છે તેને સમગ્ર ધનવાન જાણવો.

યક્ષ : વ્યક્તિ મરેલો ક્યારે કહેવાય ?
યુધિષ્ઠિર : જ્યારે તે નિરુદ્યોગ (કામકાજ વિનાનો, કામકાજમાં આળસ કરનારો) અને દરિદ્ર (આર્થિક અને મનના વિચારોથી પણ ગરીબ) એ બધા વ્યક્તિઓ મરેલા જેવા છે.

યક્ષ : શ્વાસોશ્વાસ લે તથાપિ નથી જીવતો એવો કોણ ?
યુધિષ્ઠિર : દેવતા, અતિથિ, નોકર-ચાકર, પિતૃ અને પોતે – એમ પાંચ ને જે (દાન) ન આપે તે જીવતો નથી.

યક્ષ : પ્રવાસમાં, ઘરમાં, રોગી અવસ્થામાં અને મૃત્યુ સમયે મનુષ્યનો મિત્ર કોણ ?
યુધિષ્ઠિર : પ્રવાસમાં સારી સોબત, ઘરમાં સદગુણી સ્ત્રી, રોગી અવસ્થામાં વૈદ્ય અને મૃત્યુ સમયે દાન માનવીનો મિત્ર છે.

યક્ષ : વાયુ કરતાં પણ જે અત્યંત ઝડપી છે તે શું ?
યુધિષ્ઠિર : મન બધા જ કરતા સૌથી ઝડપી છે.

યક્ષ : સુખમાં સર્વશ્રેષ્ઠ સુખ કયું ? લાભમાં સૌથી ઉત્તમ લાભ કયો ? ધનમાં ઉત્તમ ધન કયું ?
યુધિષ્ઠિર : સંતોષ એ સર્વશ્રેષ્ઠ સુખ. લાભમાં ઉત્તમ આરોગ્ય લાભ. આજીવિકા (પગાર) દ્વારા નિયમિત પ્રાપ્ત થાય એ જ ઉત્તમ ધન – એ સિવાયના અન્ય ધન અનેક દોષોની સૃષ્ટિ કરે.

યક્ષ : સ્થિરપણું, શમ અને ધૈર્ય એટલે શું ?
યુધિષ્ઠિર : પોતાના ધર્મનાં દ્રઢ રહેવું એ સ્થિરપણું. ચિત્તની શાંતિ એ જ શમ અને ઈંદ્રિયોનો નિગ્રહ કરવો તે ધૈર્ય.

યક્ષ : કુળ, આચરણ, વેદાધ્યયન તથા શાસ્ત્ર – આ ચાર માંથી બ્રાહ્મણપણું શાનાથી આવે ?
યુધિષ્ઠિર : સારુ આચરણ એ જ બ્રાહ્મણપણાનું મુખ્ય અંગ છે. એનાથી જ બ્રાહ્મણપણું આવે છે.

યક્ષ : પ્રિય વચન બોલનાર, વિચારીને કામ કરનાર, ઘણા મિત્રો બનાવનાર તેમજ ધર્મપરાયણ વ્યક્તિ – આ લોકો અંતે શું પામે ?
યુધિષ્ઠિર : પ્રિય વચન બોલનાર ને અંતે સર્વ બાજુથી પ્રીતિ મળે. વિચારીને કામ કરનારને વિજય મળે. ઘણા મિત્રો બનાવનારને સંકટમાં સહાયતા મળે. ધર્મપરાયણ મનુષ્યને અંતે સદ્દગતિ મળે.

યક્ષ : ક્યો વ્યક્તિ કાયમ જીવતો રહે છે ?
યુધિષ્ઠિર : માણસ પોતે કરેલા શુભ કર્મોની કીર્તિથી જ જીવી શકે. જ્યાં સુધી વ્યક્તિની કીર્તિ કાયમ રહે છે ત્યાં સુધી એ વ્યક્તિ જીવીત છે એમ જ કહેવાય.

યક્ષ : માણસ મોટા સ્થાનને કે પદને કેવી રીતે પામે ? બીજામાં રહેલો કોઈ વિશિષ્ટ ગુણ કેવી રીતે પામી શકે ? બુદ્ધિમાન શેનાથી થવાય ?
યુધિષ્ઠિર : માણસ તપથી (સતત મહેનત)થી મોટા પદને પામે. વિશિષ્ટ ગુણ આત્મસાત કરવા માટે ધૈર્ય કેળવવું પડે. વૃદ્ધોની સેવાથી બુદ્ધિમાન થવાય.

ઉપર પ્રમાણે પ્રશ્નો પૂછ્યા અને જ્યાં સુધી તે યક્ષ સંતોષ પામ્યો અને ‘તમારા ભાઈઓમાંથી જે એકને ઈચ્છતા હો તે જીવતો થાય’ એમ વરદાન આપ્યું ત્યાં સુધી તેમણે યથાર્થ ઉત્તર આપ્યા કર્યા. યુધિષ્ઠિરે કહ્યું કે, ‘નકુળ જીવતો થાય.’ તે સાંભળી યક્ષે સમજાવ્યા કે, ‘ઓરમાન ભાઈ નકુળ કરતાં ભીમ અથવા અર્જુનના જીવતા થવાની કેમ ઈચ્છા કરતા નથી ?’ પણ ધર્માત્મા યુધિષ્ઠિરે નિશ્ચયપણાથી કહ્યું કે, ‘અવિષમપણું એ જ પરમધર્મ છે અને મારી કોઈ પણ માતાને અપુત્ર રહેવા દેવાની હું ઈચ્છા રાખતો નથી. કારણકે હું મારી બન્ને માતાઓમાં વિષમતા રાખતો નથી. માટે હે યક્ષ ! નકુળ જીવતો થાઓ.’ પછી યક્ષે કહ્યું : ‘હે ભરતકુળમાં શ્રેષ્ઠ ! અર્થ તથા કામથી પણ તને વિષમપણું નથી માટે તારા સર્વ ભાઈઓ જીવતા થાઓ.’ તુરત જ ચારે ભાઈઓ પીડારહિત થઈ ઊભા થયા.

યુધિષ્ઠિર બોલ્યા કે : ‘બગલાના રૂપમાં આપ કોણ છો ? કારણકે તમે યક્ષ હો એમ હું માનતો નથી.’ એમ જ્યારે યુધિષ્ઠિરે કહ્યું ત્યારે ધર્મરાજા દશ્યમાન થયા અને પોતાના પુત્રને આશીર્વાદ આપ્યો અને વરદાન માગવા કહ્યું. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે, ‘આ બ્રાહ્મણને અગ્નિમંથન કરવાના બે કાષ્ઠ પાછા મળો.’ ધર્મરાજાએ કહ્યું કે મૃગના વેષે મેં જ તે બ્રાહ્મણના કાષ્ઠ હરણ કર્યા હતા. પછી બીજો વર માગવા કહ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે, ‘બાર વરસ વનમાં રહ્યા. હવે અજ્ઞાતવાસનું તેરમું વરસ આવ્યું છે માટે તે વરસમાં જ્યાં અમે વસીએ ત્યાં ક્યારેય પણ અમને મનુષ્યો ઓળખી શકે નહિ એ બીજો વર માગું છું. અને ત્રીજો એ કે લોભ, મોહ અને ક્રોધને હંમેશ જીતું અને દાન, તપ અને સત્ય એ ત્રણને વિષે હંમેશ મારું મન રહે.’ ધર્મરાજાએ કહ્યું કે ‘તમારી ઈચ્છામાં આવે એવું રૂપ ધારણ કરીને તમે વિરાટ નગરમાં જાઓ.’ એમ વરદાન આપી ધર્મરાજા અંતર્ધાન થયા. પાંડવોએ ગુપ્ત વેશે રહેવાનો નિર્ણય કરી વિરાટ નગર તરફ જવાની તૈયારી કરી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણું આરોગ્ય – સંકલિત
રમૂજી ટૂચકાઓ (ભાગ-1) – નવનીત સેવક Next »   

22 પ્રતિભાવો : યક્ષપ્રશ્ન – મહાભારત વનપર્વ

 1. Moxesh Shah says:

  વૃદ્ધોની સેવાથી બુદ્ધિમાન થવાય.
  આમા ખબર ના પડી. કોઈ વિસ્ત્રુત રીતે સમજાવી શકશે? આભાર.

 2. Vikram Bhatt says:

  Thanks for this Mrugeshbhai. Such episodes of Mahabharat & Ramayana are evergreen.

 3. Keyur Patel says:

  વૃદ્ધોની સેવાથી બુદ્ધિમાન થવાય. કઈ રીતે?
  જવાબઃ વ્રુધ્ધૉ ની સેવા થકી તેમને પ્રસન્ન કરી તેમની પાસે થી તેમણે જે બુધ્ધીધન તેમના જીવનમાં મેળવ્યું હોય, તે મેળવી શકાય છે.

 4. Bhakti Eslavath says:

  Aava Lekh aapni Sanskruti no parichay Aape chhe ane i aprreciate aa website aamne amari bhasha thi jode chhe thanks a lot

 5. આજીવિકા (પગાર) દ્વારા નિયમિત પ્રાપ્ત થાય એ જ ઉત્તમ ધન – એ સિવાયના અન્ય ધન અનેક દોષોની સૃષ્ટિ કરે.

  આજીવિકા એટલે પગાર ?
  પગાર તો નોકરિયાતો ને હોય, બધાંને નહિ.

 6. alpesh says:

  વૃદ્ધોની સેવાથી બુદ્ધિમાન થવાય. કઈ રીતે?
  જવાબઃ વ્રુધ્ધૉ ની સેવા થકી તેમને પ્રસન્ન કરી તેમની પાસે થી તેમણે જે બુધ્ધીધન તેમના જીવનમાં મેળવ્યું હોય, તે મેળવી શકાય છે.

 7. ધન્ધાદારી says:

  દર્શનભાઇ ને જણાવવાનુ ક ધન્ધાદારી ની આવક પણ એનિ માટે પગાર જ ગણાય્…..

 8. યક્ષ : સ્થિરપણું, શમ અને ધૈર્ય એટલે શું ?
  યુધિષ્ઠિર : પોતાના ધર્મનાં દ્રઢ રહેવું એ સ્થિરપણું. ચિત્તની શાંતિ એ જ શમ અને ઈંદ્રિયોનો નિગ્રહ કરવો તે ધૈર્ય.

 9. Yellow cross ephedra….

  Yellow cross ephedra….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.