- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બીજું સુખ તે બહેરા થયા – મનોજ મહેતા

[‘અખંડ આનંદ’ ડિસે-2006માંથી સાભાર.]

જેણે ગયા જન્મમાં ખૂબ પુણ્ય કર્યાં હોય, સત્કર્મ કર્યાં હોય, ભાથું સારું એવું સાથે લાવ્યા હોય ત્યારે ઈશ્વર તેને સુખી જીવન સાથે બહેરાપણું ફ્રીમાં આપે છે. ફ્રીમાં આવેલી વસ્તુ જ કદાચ મુખ્ય વસ્તુનો આધાર બની જાય છે. સુખી જીવનનાં ભલે અનેક કારણો હોય પણ સુખી જીવન ટકવું, લાંબુ ચાલવું તે બહેરાપણાને લીધે જ છે. ગમે તેવો સુખી, ઉદાર, સારા વિચારવાળો માણસ પોતાની નિંદા-ટીકા સાંભળશે તો દુ:ખી થશે. તેના સુખમાં ઘટાડો થશે પણ તે બહેરો હશે તો કોઈની પણ તાકાત નથી કે તેના સુખમાં ઘટાડો કરે.

સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે બહેરા બે વાર હસે. એક તો પોતે કરેલા અનુમાન ઉપરથી જવાબ આપીને અને બીજી વાર સત્ય હકીકત જાણીને. પણ મારા માનવા પ્રમાણે બે વાર નહીં અનેક વાર હસે અને હસ્યા જ કરે. પોતાના અનુમાનના લોચાના જે ખાડા પડતા જાય તે હાસ્યના સિમેન્ટથી પૂરતા જાય. હાસ્યનું પ્લાસ્ટર ચાલુ જ રહે જેથી ખાડા દેખાય જ નહીં.

સામાન્ય રીતે બહેરા માણસ ઉપર આજુબાજુના લોકો ખિજાતા હોય છે. કારણ કે આ લોકો સામેની વ્યક્તિના મગજ ઉપર ડાયરેક્ટ ચૂંટલી ભરતા હોય છે. પોતાના મગજની નસો ન ખેંચાય એટલે ઘણા લોકો દૂરથી જ નમસ્કાર કરતા હોય છે તો ઘણા ઈશારાથી ટૂંકમાં પતાવવાની ઉતાવળમાં હોય છે. પણ લોકોના આવા અણગમાને કદીય આ લોકો મન પર લેતા નથી. ક્ષણે ક્ષણે આવી ઉદારતા દાખવવી એ સહેલી વાત નથી પણ આ ઉદારતાને સમજે છે કોણ ?

આમ છતાંય ઘણા બુદ્ધિશાળી લોકો આ લોકોની નબળી કડીનો વ્યવહારુ ઉપયોગ કરે છે. એક ઑફિસમાં પોતાના બહેરા સહકાર્યકર્તાની ફરિયાદ કરવામાં આવી ત્યારે શેઠે ઉદારતાપૂર્વક બહેરા માણસનો પક્ષ લઈ કહ્યું : ‘તેને નોકરીમાંથી દૂર ના કરાય. કોઈના પેટ પર લાત ના મરાય, તેને ઈન્કવાયરીના ટેબલ પર મૂકી દો.’ અમારી બૅન્કમાં શાહસાહેબ ઘણા વખતથી ‘ચૅઈન્જ’ માણસ હતા પણ એકાઉન્ટન્ટ તેમની વાત ધ્યાનમાં લે’તા નો’તા. સદભાગ્યે શાહસાહેબ બહેરાશની કુદરતી બક્ષિસને વર્યા હતા. એક વખત એક લેડી કલાયન્ટ ખાતું ખોલાવવા તેમની સામેની ખુરશી પર ગોઠવાઈ. જરૂરી માહિતીના ભાગરૂપે શાહસાહેબે નામ, સરનામું, ફોન નંબર, વગેરે વિગત પૂછવાની શરૂઆત કરી. લેડી કલાયન્ટ આધુનિક અને સ્ટાઈલીસ્ટ હતાં. તેમણે ધીમાં અવાજે સ્ટાઈલથી જવાબ આપવાની શરૂઆત કરી. બસ અહીંથી જ શાહસાહેબ માટે મુશ્કેલીઓ શરૂ થઈ. પેલાં લેડી કલાયન્ટને શાહસાહેબની મુશ્કેલીનો ખ્યાલ નો’તો. અને શાહસાહેબની મુશ્કેલી એ હતી કે પોતાની મુશ્કેલી કહી નો’તા શકતા. આમ મુશ્કેલીઓમાં સમાયેલી લાચારીને કારણે શાહસાહેબે પોતાનું મુખારવિંદ વધુ ને વધુ નજીક લઈ જઈ સાંભળવાનો પ્રયત્ન કર્યો. બે વખત ના સંભળાવાને કારણે બે વ્યક્તિ વચ્ચેના અંતરમાં એટલો ઘટાડો થયો કે એકાઉન્ટન્ટ બીજી વખતનું જોખમ લેવા માગતા નો’તા. પેલાં બહેનને પોતાની પાસે બોલાવી તેમણે જ ખાતું ખોલી નાખ્યું અને ભવિષ્યની આ પ્રકારની હોનારતથી બચવા તેમણે શાહસાહેબને ડિપાર્ટમેન્ટ ચેઈન્જ આપ્યો. આજ સુધી એકાઉન્ટન્ટ આટલા ઉદાર થઈ ચેઈન્જ કેમ આપ્યો તે જાણતા નથી. આ બહેરાશ ના હોત તો સાહેબના મનના મનોરથ પૂરા થયા ન હોત.

કોઈ પણ જાતની વિનંતી વગર, પ્રયત્ન વગર, પોતાનેય ના ખબર પડે એ રીતે સુખ કોઈને મળી જતું હોય તો આ લોકોને બહેરા લોકાના સંપર્કમાં આવવાથી જાણ્યે-અજાણ્યે સંગીતનું-અભિનયનું પ્રારંભિક જ્ઞાન મળે છે. જ્ઞાન આપનારને ખબર પણ નથી હોતી કે કેટલી અમૂલ્ય વસ્તુનું દાન થઈ રહ્યું છે. એમની સાથેની વાતચીતમાં નીચેના સૂર, મરુ સપ્તકના સૂર કામ નથી લાગતા. તાર સપ્તકમાં જવું પડે છે. ક્યો સૂર પકડવો તે તમારે નક્કી કરવાનું છે. ઘણી વખત કાનમાં રહેલા મશીનનો પાછળથી ખ્યાલ આવતાં તાર સપ્તકમાંથી મરુ સપ્તકમાં પણ સરી જવું પડે છે. આમ સૂરના આરોહ-અવરોહ ઉપરાંત ગળાની ખારાશ, ખાંસી, કફ વગેરે દૂર થવાની સગવડ મળે છે. ગળું સારું થાય છે. સંગીતને લાયક થાય છે. જ્યારે સંગીતની દુનિયાથી થાકો ત્યારે તાર સપ્તકના તાર ઘસાઈ જાય ત્યારે તમારે આંખ હાથના ઈશારાથી પણ કામ ચલાવી લેવું પડે છે. ઈશારા, મોંના હાવભાવ વગેરેનો રિયાઝ વધી જાય તો તમે કદાચ એક દિવસ શાહરૂખખાન પણ બની જાવ ! આમ સંગીત અભિનયનું પરોક્ષ શિક્ષણ નિખાલસતાથી અને કોઈ પણ જાતના અભિમાન વગર આપતા એ લોકો માટે પૂર્વગ્રહ રાખનાર વ્યક્તિઓ માટે દયા આવે છે. પોતાની જાતને મનોરંજનનું સાધન બનાવી બીજાને આનંદ આપે છે. છતાંય કર્મના સિદ્ધાંત પ્રમાણે કાર્ય થઈ ગયા પછી કર્તાપણામાંથી નીકળી જવાની ફિલસૂફી ધરાવે છે. લાફિંગ કલબમાં જવાની જરૂર નથી. જ્યાં તેઓ જાય છે ત્યાં આપોઆપ કલબ ઊભી થાય છે. કોઈ અનિષ્ટ વસ્તુઓ કાનના બારણામાં પ્રવેશતી નથી માટે ગંદકી નહીં જવાને કારણે મન-મગજ તંદુરસ્ત હોય છે. પરિણામે સ્વભાવ હસમુખો હોય છે.

સામાન્ય રીતે બહેરા માણસોની થીયરી એવી હોય છે કે સામેની વ્યક્તિ જે કંઈ બોલે તે સાંભળવાનો કાળજીપૂર્વકનો પ્રયત્ન કરવો. તેમાંથી ઊંચી માત્રામાં બોલાયેલ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી દેવા. આ પછી પ્રશ્ન અંગેનું વિશ્વાસપાત્ર અનુમાન કરી તેના અનુસંધાનમાં જવાબ આપવા. ઓછું મહત્વ રાખતા શબ્દો ઊંચા અવાજમાં બોલાય તો લોચા પણ થાય. અમારી બૅન્કમાં એકાઉન્ટન્ટે મૅનેજર કાંતિભાઈને ટાઈપિસ્ટ મહેતા માટે ફરિયાદ કરી કે સાહેબ, મહેતા બૅન્કમાં કલાક મોડો આવે છે અને કલાક વહેલો જાય છે. એકાઉન્ટન્ટની આ ફરિયાદ સીધા સરળ શબ્દોમાં વહેતી હતી. કોઈ આરોહ અવરોહ નો’તા. ઊંચા સ્વરની ગેરહાજરી હતી. જ્યારે મૅનેજરે ટાઈપિસ્ટ મહેતાને ફરિયાદના અનુસંધાનમાં બોલાવ્યો ત્યારે હોશિયાર મહેતાએ ઊંચા સ્વરનો બહુ ખૂબીથી ઉપયોગ કર્યો. તેણે કહ્યું સાહેબ એ વાત ખરી છે કે હું કલાક મોડો આવું છું પણ કલાક વહેલો જઈને એડજેસ્ટ કરી લઉં છું ને ?
આવા તાર સપ્તકમાં ત્રણ શબ્દો બોલાય. મોડો, વહેલો, એડજેસ્ટ. સુખદ પરિણામના સ્વરૂપે મૅનેજર બોલ્યા : ‘આ એકાઉન્ટન્ટ બહુ ચીકણો છે. તું એડજેસ્ટ કરી લે છે પછી શી મગજમારી.’

આ તો થઈ બહારની દુનિયાની વાત પણ કૌટુંબિક જીવન પણ તેઓનું ઘણું સુખી હોય છે. ફેમિલી મેમ્બરોને બહેરાપણાની જાણ હોવાથી કોઈ પણ વાતમાં બહુ ઊંડા ઊતરવાનો વખત નથી આવતો. કોઈ દુ:ખ પાસે આવે નહીં. ઘરના સભ્યો બળજબરીથી કાનમાં મશીન મુકાવડાવે તો આ દરખાસ્ત હસતાં હસતાં સ્વીકારી લે છે. આ લોકોને પત્નીસુખ પણ સારું હોય છે. વાદ-વિવાદ, કકળાટ, જીદ, માંગણી (સાડી-ઘરેણાંની) વગેરેથી પત્ની દૂર રહે છે. પત્ની માને છે કે સાડીની કિંમત કરતાં મગજમારીનું નુકશાન વધી જાય છે. કદાચ માંગણી કરે તો માંગણી યોગ્ય જગ્યાએ પહોંચાડવાના નિષ્ફળ પ્રયત્નો બાદ એ ફિલૉસોફી પર આવે છે કે ભૌતિક સુખોનું કોઈ મહત્વ નથી. તેઓ માત્ર પ્રેમને જ મુખ્ય કેન્દ્ર બનાવે છે.

હમણાં જ અમારા સંબંધી રાકેશભાઈની પત્નીને ભીષ્મ પ્રતિજ્ઞા લેવી પડી. રાત્રે સૂતી વખતે તેણે રાકેશભાઈને કહ્યું : ‘કહું છું મારે ચોટલાની (બનાવટી) જરૂર છે.’ રાકેશભાઈ એ ટૂંકા સવાલનો જવાબ અતિ સંક્ષિપ્તમાં આપ્યો ‘ઓ.કે. ડોન્ટવરી.’ બીજે દિવસે રવિવાર હોવાથી તેમની પત્ની વહેલાં ઊઠ્યાં નો’તાં. રાકેશભાઈએ ચા બનાવી પત્નીને ઉઠાડી અને હાથમાં ચાનો કપ આપ્યો. ચા પીધી ના પીધી ત્યાં હાથ પકડી બારણા બહાર લઈ ગયા અને બોલ્યા : ‘કાલે રાત્રે તેં વાત કરી અને આજે કામ થઈ ગયું.’
રાકેશભાઈની પત્નીએ જોયું તો બે કડિયા ઘરની બહાર ઓટલો બનાવતા હતા. તરત જ તે રસોડામાં દોડી ગયાં, રડ્યાં અને એક ડોલ ભરીને પાણી રેડી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે હવેથી હું વસ્તુ વિના ચલાવીશ. ઉછીની લઈ પરત કરીશ પણ કોઈ માગણી નહીં મૂકું. પત્નીનાં આંસુને હર્ષનાં આંસુ માની મલાકાતા મલકાતા રાકેશભાઈ બીજા રૂમમાં ચાલ્યા ગયા. આનાથી વધુ કોઈ સુખી કે નસીબદાર માણસ હોઈ શકે ?

ના સાંભળવાનું દુ:ખ માણસને હોય છે. ઓછું સાંભળવાનું દુ:ખ પણ હોય છે. આમ છતાંય કૌટુંબિક જીવનમાં કોઈ સારા પ્રસંગમાં, ખરાબ પ્રસંગમાં કડવી વાતો, ટીકા, નિંદા, મહેણાં-ટોણાં વગેરે વગેરેને સાંભળ્યું ના સાંભળ્યું કરવામાં જ સાર હોય છે. આ લોકોની જેમ થોડું પણ સાંભળ્યું ના સાંભળ્યું કરીએ તો સુખ બહુ દૂર નથી. અરે ! ઈશ્વર પણ ક્યાં બધાનું પૂરું સાંભળે છે ?