ઘસાઇ ને ઊજળા થઇએ – અજ્ઞાત

[ઘણા સમય પહેલાં લેખ ટાઈપ થયો હોવાથી, શરતચૂકથી લેખકનું નામ નોંધી શકાયું નથી. લેખકનું નામ પ્રાપ્ત થયે અહીં સુધારો કરવામાં આવશે. – તંત્રી]

ગુજરાતના જાહેરજીવનના તખ્તા પરના ત્રણ નાયકોનું મને આકર્ષણ રહ્યું છે. શાથી? એમ પુછો તો બુદ્ધિને માન્ય થાય એવા કારણો કદાચ હું નહી આપી આપી શકું. હૃદયને પણ એના દાવા ને દલીલો હોય છે. આ નાયકો તે ગાંધીજી, રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક. સ્વભાવે, દેખાવે ત્રણેય જુદા. એકમાં કરોડોની પ્રજાના સેનાની થવાનો ગુણ તો બીજામાં શિસ્તબધ્ધ સૈનિકનો ને ત્રીજામાં વળી એકલવીરનો; પણ ત્રણેય શુરાપુરા સેવાવીર. હાક પડી કે દોડયા જ છે, પાછળ કોઇ આવશે કે નહી તેની દરકાર કર્યા વગર. ત્રણેમાં એક સામાન્ય ગુણ તે સચ્ચાઇનો, સત્યનિષ્ઠાનો – સત્યમાં નિષ્ઠાનો ને સાચી નિષ્ઠાનો. દંભ એમનો મોટામાં મોટો દુશ્મન. જેને જીવતાં જ એમણે જીતી લીધેલો.

ઘણા થોડાં માણસો આગળ “પૂજ્ય” વિશેષણ શોભે છે જેવું મહારાજ આગળ. સામાન્ય રીતે તો વિશષણ વ્યક્તિને શોભા આપે. પણ અહી તો ઊલટું છે – વ્યક્તિથી વિશષણ ગૌરાન્વિત થાય છે. સત્યાગ્રહની લડત હોય કે દુકાળની આફત હોય, બહારવટિયાની રંજાડ હોય કે ધરતીકંપની હોનારત હોય, રેલ હોય કે આગ હોય. કોમી હુલ્લડ હોય કે રોગનો વાવડ હોય. પૂ. મહારાજ ત્યાં ઉઘાડે પગે પહોંચી જ જવાના. સાદાઇને વીરતા તો એમનાં જ. પરથમ પહેલું મસ્તક મૂકવાની એમની સદાયે તૈયારી, ને છતાં કર્યાનું કદી અભિમાન નહી. વીરતાનો કશો દેખાડો નહી. ગાંધીજી પછી કોઇને માથે ખાદીની ધોળી ટોપી સૌથી વધારે શોભતી હોય તો તે આ મહાપુરુષને માથે. એમનાં વેશ અને વાણીનું ગામડિયાપણું એમને આમજનતામાં ભેળવી દે છે. પણ એમનાં વીરતા, ધ્રુતિ ને કાર્યદક્ષતા એમને ટોળામાંથી દશ આગળ ઉંચા તારવી આપે છે.

ગુજરાતનાં યજમાનવૃત્તિ કરનાર એક બ્રાહ્મણમાં એક જ અવતારમાં ચારેચાર વર્ણનાં સાચાં લક્ષણો હોય ને એવાં લક્ષણોનો લોકકલ્યાણમાં એ પુરી વિનિયોગ કરે એ ઘટના વિરલ ગણાય. કોઠાસુઝથી ને જીવનનાં બહોળા અનુભવથી મેળવેલાં જ્ઞાનથી એ માણસમાં માણસાઇનો દીવો પ્રગટાવે છે; ક્ષત્રિયવટથી પ્રેમપંથ પાવકની ઝાળમાં ઝંપલાવે છે; વૈશ્યની કુનેહથી લોકોને સમજાવી પટાવી બૂરાઇના દ્વાર પરથી પાછા લાવે છે ને તોલી તોલીને સદાચારની શીખ આપે છે; લોકના તનના ને મનના મેલ સાચી લગનથી સાફ કરે છે. પ્રમાદને એ જાણતો નથી, દોંગાઇથી દૂર રહે છે, ભયને ઓળખતો નથી ને તનમનની શુચિતા સાચવે છે. ‘ઘસાઇને ઊજળા થઇએ.’ આ એનો જીવનમંત્ર.

ગુજરાતમાં ગાંધીજીના મંત્રને અમોઘ ગણીને એને શ્રધ્ધાપુર્વક રટનારા ઓછા જ – કદાચ આજે તો મહારાજ એક્લા જ . જે દેવ સ્થાપ્યા તે સ્થાપ્યા, એવી એમની દઢ ભક્તિનિષ્ઠા. એમને ઉતાવળી ચાલે ચાલતા જોઉ છું, ત્યારે થાય છે કે આ માણસ કદી મૃત્યુથી ઝાલ્યો ઝલાવાનો નથી. એમને બોલતા સાંભળીએ છીએ ત્યારે એમ થાય છે કે એમના બોલ કદી ઓગળી જવાનાં નથી, ગમે ત્યારે ગમે ત્યાંથી પડઘાઇ ઉઠશે; એમને હસતાં ભાળું છુ ને થાય છે કે માણસ ને મળેલુ હાસ્યનું દિવ્ય વરદાન કૃતાર્થ થયું છે આ માણસ, જો ભગવાન અન્યાય કરે તો તેને પણ પડકારે ને પાંશરો કરે !

મને ગમતા ત્રણ નાયકોમાંના બે તો રંગમંચ છોડી ગયા છે ને સુક્ષ્મરૂપે જનજીવનમાં ભળી ગયા છે. પૂ. મહારાજ હજી એમનો લોકસેવાનો પાઠ ભજવી રહ્યા છે. હજી ઘણાં વર્ષ સુધી તેઓ એ પાઠ ભજવતા રહે ને એમ લોકગહૃદયને સેવા ને વીરતાના પાઠ ભણાવતા રહે એવી લાગણી થાય છે. હરિમારગના આ જાત્રીને પગલે પગલે પૃથ્વી જાણે થોડી થોડી સ્વર્ગ ભણી ગતિ કરતી લાગે છે. એ વિનમ્ર કરુણામૂર્તિને નમન કરતાં ધન્યતા અનુભવું છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલપૂર્વક – અંકિત ત્રિવેદી
ગાંધીજીના સદગુણો – પ્રવીણચંદ્ર સી. પારેખ Next »   

6 પ્રતિભાવો : ઘસાઇ ને ઊજળા થઇએ – અજ્ઞાત

  1. […] રીડગુજરાતી પર ‘ગાંધીજીના સદગુણો,’ રીડગુજરાતી પર જ બીજાં ત્રણ સુંદર લેખો – ‘ગાંધીજી‘ ,  ‘બીડી પીવાનો શોખ – ગાંધીજી’ ,  અને ‘ઘસાઇ ને ઊજળા થઇએ’. આ લેખ સુચવવાં બદલ સુરેશભાઈ જાની નો ઘણો ઘણો આભાર. […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.