- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

કડવાં ગુણકારી વચનો ગળી જાવ ! – ભૂપત વડોદરિયા

વર્ષો સુધી આફ્રિકામાં રહેલા એક સંબંધી ભારત પાછા ફર્યા. ઉંમર એંસી વર્ષની થઇ ચૂકી હતી. તનમનથી સ્વસ્થ હતાં. પ્રથમ વારના મિલનમાં એમને જે કંઇ વાતો કરી એમાં એમની એક વાત ખૂબ ગમી. તેમણે કહ્યું કે મારી લાંબી જિંદગીનો નિચોડ એ છે કે કોઇ આપણને ગમે તેવું મધુર વચન કહે તો એને કાનમાં અત્તરના પૂમડા તરીકે રાખવું પણ કોઇ તમને કડવું વચન કહે તો તેને ગળી જવું – કોઇ કડવાશનો સ્વાદ મોંમા કે મનમાં સંઘર્યા વગર !

વાત તો બેશક વિચારવા જેવી છે. માણસના હિત માટેનાં બધાં વચનો તૂરાં કે તીખાં હોય છે. માણસને રાજી રાખવા માટેનાં બધાં જ વચનો માં એક મીઠાશ હોય છે – ક્યારેક ફાયદા તો ક્યારેક નુકશાનકારક. એક ભાઇએ એક વાત કરી હતી. તે થોડા વિકટ સમયમાંથી પસાર થઇ રહ્યાં હતા. તેમના પુત્રો હોનહાર હતા પણ હજુ અભ્યાસ કે અન્ય તાલીમમાં પરોવાયેલા હતા. સૌથી મોટો પુત્ર મિકેનીકલ એન્જિનિયર થયેલો હતો અને તેણે નાનક્ડી પોતાની ફેક્ટરી શરૂ કરી દીધી હતી. પ્રેમાળ ઉત્સાહી આ પુત્રે તેનાં દાદીમાને કહ્યું કે મા, હું તમને ટુંકા દિવસોમાં આપણી પોતાની મોટરમાં બેસાડીશ અને દેવદર્શન કરવા લઇ જઇશ. એ યુવાનના પિતાનાં માસીબા ત્યારે હાજર હતાં. તેમણે કડવાશથી કહ્યું કે મારી બહેનને તારા પિતાએ જેવી મોટરમાં બેસાડી – તું પણ એવી મોટરમાં બેસાડજે ! મતલબ કે માત્ર કલ્પનાની મોટરમાં તેને બેસાડી રહ્યો છે અને બેસાડતો રહીશ. એ પુત્રે મોટર પણ લીધી અને પોતાની માતાને અને પિતાની માતાને મોટરમાં જરૂર બેસાડ્યાં. વાત બહુ જ મહત્વની નથી – વાતનો મુદ્દો એ છે કે કોઇક કડવું વચન કે મેણું એક પ્રેરક બળ બની રહે છે.

મહાભારતમાં આપણે જાણીએ છીએ કે સ્વયંવરમાં દ્રૌપદીને મેળવીને આવેલા અર્જુન અને અન્ય ચાર ભાઇઓએ જ્યારે માતાને કહ્યું કે તમારા માટે એક સરસ વસ્તુ લઇને આવ્યા છીએ. માતાએ પાછળ જોયા વગર જ કહ્યું કે પાંચેય ભાઇઓ વહેંચી લ્યો ! પછી પોતે જે બોલ્યાં એનો અફસોસ થયો. શ્રી કૃષ્ણે તેનો એવો ખુલાસો કર્યો કે દ્રૌપદીએ પુર્વજીવનમાં ભગવાન શિવ પાસે ભિન્ન ભિન્ન ગુણોવાળી એક વ્યકિત પતિ તરીકે માંગી હતી પણ કોઇ એક જ વ્યકિતમાં તો આટલા બધાં ગુણો કેવી રીતે હોઇ શકે? પાંચ વ્યકિતઓ જે ભિન્ન ભિન્ન ગુણોવાળી હોય તેનો સરવાળો કરીએ ત્યારે તે એક વરદાન પૂર્ણ થાય. અહીં જે કહેવું છે તે એ છે કે કેટલીક વાર માણસની જીભ ઉપર કાળ-સમયનો દેવ બેઠો હોય છે. તેમાં ઘણી વાર સારાં કે ખરાબ બનાવની આગાહી જેવું કાંઇક હોય છે. આર્શીવાદ કે શ્રાપ દ્વારા કોઇ પણ વચનમાં કેટલા ટકા આગાહી હશે તે કહેવાનું મુશ્કેલ જ નહીં, અશક્ય હોય છે. ત્રિકાળજ્ઞાની વેદવ્યાસે કેટલાક એવાં વચનો ભીષ્મપિતામહ સન્મુખ ઉચ્ચાર્યા હતાં તે ભાવિનો પૂર્વસંકેત જ હતો. કોઇ કોઇ વાર પ્રશ્ન થાય કે ભૂતકાળ બદલી શકાતો નથી. કદાચ બદલી શકાય તો વર્તમાનને માટીનો પિંડ ગણીએ અને ધારીએ તેવો ઘાટ ઘડવાની કલ્પના કરી શકીએ પણ ભવિષ્યનું શું? ગૂઢ ભાષામાં લખાયેલો એ અફર અકળ દસ્તાવેજ છે કે તે કોરો કાગળ છે? એવો કોરો કાગળ કે માણસને જે લખવું હોય તે તેમાં લખી શકે. જ્યોતિષીઓ ઠીક, મહાન જ્ઞાનીઓ અને વિજ્ઞાનીઓ પણ કહે છે કે ભવિષ્યકાળ પણ સંભવત: નિશ્વિત જ હોય છે! પ્રશ્ન ખૂબ જ અટપટો છે. બધું જ નિશ્વિત છે તો માણસે શું કરવું? ભવિષ્યનાં ઝંડા નીચેના આ સરઘસમાં ચાલ્યાં જ કરવાનું ? પુરુષાર્થનું મહત્વ શું ? પુરુષાર્થ દ્વારા ભાગ્યનું નિર્માણ થાય છે કે પુરુષાર્થ પણ ભાગ્યના જ ઇશારે ચાલે છે ? આના તદ્દન સંતોષકારક ઉકેલ ક્યાંયથી મળતાં નથી. બધા જ માણસો એક અગર બીજા શબ્દોમાં આ જ પ્રશ્નો મનમાં ઘોળે છે.

આપણે મૂળ વિષયથી ઠીકઠીક દૂર નીકળી ગયા છીએ. આપણી મૂળ વાત તો એ જ છે કે મધુર વચનને અત્તરના પૂમડાની જેમ કાનમાં રાખવું – ફુલાઇ ના જવું – જાતે જ વાંસો થાબડવાની કોશિશ ના કરવી. કડવું વચન ગળી જવું. – ઘણી બધી હિતકારક આરોગ્યપ્રદ દવાઓ કડવી હોય છે. કડવી વસ્તુઓ ગુણકારી હોઇ શકે છે. કારેલાં કડવાં જ છે પણ ગુણકારી છે. એવી ઘણી બધી ખાધ સામગ્રી સ્વાદમાં કડવી કે તૂરી, ખાટી કે ખારી હશે પણ આરોગ્યપ્રદ કે આરોગ્યવર્ધક હોઇ શકે છે.

સાચું કે ખોટું મધુર વચન તો દરેકને સાંભળવું ગમે. કોઇ હૃદયના રણકાવાળાં અભિનંદન આપે તો તે જરૂર ગમે. કોઇ વખાણ કરે તો તેમાં અતિશયોક્તિ જેવું ના લાગે તો ગમે – કોઇ પણ સાચી પણ ટીકા કરે તો સંભવત: ના ગમે. ગમે તેવી આકરી ટીકા કે નિંદા પોતાને માટે ગુણકારી હોય તો તે ગળી જવી પડે. તેને મોંમા જ ચગળી ચગળીને મોં કડવું કરવાની જરૂર નથી જ નથી.