બળતરાનાં બીજ – હિમાંશી શેલત

આજની જેમ તે દિવસેય ખૂબ વરસાદ હતો. પાણી ભરેલાં તસતસતાં વાદળ સવારથી એકઠાં થવા માંડેલાં. પછી તો આખે આખાં ઘર તણાઇ જાય એવા જોરદાર પવન સાથે પાણી તૂટી પડેલું. સાંબેલાધાર વરસાદના મારથી બચવા ધરતી તરફડતી હતી. એ બંને ભાઇઓ જોડે નિશાળે ગયેલી, પણ પછી રજા પડી ગઇ એટલે પાણી ડખોળતાં ત્રણેય ઘેર પાછાં આવેલાં.

‘મેં કહેલું કે આજ છોકરાંવને ના મોકલશો, એક દા’ડામાં એવું તો શું ભણી કાઢવાનાં હતાં! આટલાં પાણીમાં બાપડા સાવ પલળી ગયાં….’ બાપુજી પર બાએ ઉકળાટ ઠાલવેલો. પછી તુલસી-ફૂદીનાવાળી ચા બનાવેલી અને જોડે વઘારેલા ગરમગરમ મમરા…..કોરા ટુવાલે બાએ ભારથી માથું ઘસી આપેલું, ‘પાણી પચી જાય તો શરદી લાગી જાય’ એવું બોલતાં બોલતાં. વરસાદ તો આખી સાંજ વરસતો રહ્યો પણ ઘરમાં બહુ સરસ લાગતું હતું. એકદમ હૂંફાળું હૂંફાળું. ભીંતો તો પાણી પીને પોચી વાદળી જેવી થઇ ગઇ હતી. છતાંયે ક્યાંકથી ગરમાવો લાગતો હતો. એ ભરત અને નયન જોડે બહાર જતી ને પાછી અંદર ભરાઇ જતી. અગાશીમાંથી ધોધવો પડતો હતો તેની છાંટી ગાલ-આંખ પર ફરફરતી હતી. ભરત-નયનની કાગળની હોડીઓ પાણીમાં ઊંધી વળી જતી હતી. બાપુજી આરામથી વાંચતા હતાં, રાતનાં જમવામાં બા કાંદાવાળી વઘારેલી ખીચડી બનાવતી હતી. મોડી મોડી કળીઓ બેઠેલી એવા મોગરાનું એક ફૂલ એણે હાથમાં રાખી મૂકેલું, તે દિવસનું સુખ પણ એ મોગરાના ફૂલ જેવું મહેક મહેક…….. બા ભરત નયનની જોડે જ રહેતી એને ઘેર આવતી નહિં. છોકરીને ઘેર રહેવાય નહિ, બાની કાયમી દલીલ……

‘પણ મેં લગ્ન કર્યા નથી…છોકરાની પેઠે જ નોકરી કરું છું. મારું પોતાનું ઘર, સગવડ છે, પછી મારે ત્યાં કેમ નહિ ?’ એ જીદ કરતી. બા પાસે હાથવગાં બહાનાં. ભરતનાં છોકરાંને કોણ રાખે, નયનની તબિયત બરાબર નથી રહેતી, બાપુજીને અહીંની હવા માફક આવે છે, એવું એવું તો કેટલુંયે એની પાસે હાજર હોય. બા કદી એની આંખમાં આંખ પરોવી વાત કરતી નહિ.

ભરત–નયનની વાત જુદી. એ બંને એમના સંસારની નાની-મોટી વળગણોથી મુશ્કેટાટ બંધાયેલા, પોતપોતાનાં કુટુંબની ઉપાધિઓથી લથપથ – બાને માટે એ લોકો પાસે સમય ન હોય, એટલે જ બા એમની સાથે સુખથી જીવી શકે. નાની ટીનુ કે વાસવને પરી અને રાક્ષસની વાર્તા કહી શકે, કથામાં જઇને પોતે બહુ સુખમાં છે અને નિરાંતે દિવસો કાઢે છે એવું બતાવી શકે.
‘મારે આમેય શું કામ છે હવે ? ભગવાનનું ભજન ને આ બાળગોપાળની સેવા, વખત સરસ મઝાનો નીકળી જાય. તું નોકરીએ જાય પછી હું એકલી ભૂત આખો દહાડો શું કરું?’ બાકી ભરત-નયન જોડે રહેવાનું શી રીતે ગમે એને? બેય ટાઢાંબોળ, બા જોડે ઘડી બે ઘડી બેસે એવા નહિ. ને આમ પાછા લવિંગયા-ફટાકડાની લૂમ જેવા, અને છતાં બા-

એ બપોરે પણ વરસાદ ઝળૂંબી રહેલો. સવારે તો મઝાનો તડકો, પીગળેલા સોના જેવો. એકાએક આકાશમાં કાળાકાળા પહાડ ફૂટી નીકળ્યા.
’વૃંદા, કપડાં લઇ લે બહારથી. આ તો હમણાં તૂટી પડવાનો…….’
બાની બુમથી એ બહાર ગઇ ને હવામાં ફરફરતાં કપડાં માંડ એકઠાં કર્યા. બા જૂનું કબાટ ખોલીને બેઠી હતી. પીળા પડી ગયેલા ફોટાઓ, વર્ષોની વાસ સંઘરીને બેઠેલાં કપડાંઓની થપ્પીઓ, કાટવાળી ડબ્બાઓ, કોઇ લગ્ન પ્રસંગે થયેલા ચાંલ્લાની યાદી, જૂના હિસાબની ફાટેલી ડાયરીઓ, સારા કે માઠા પ્રસંગે બજારમાંથી મંગાવેલી ચીજવસ્તુઓની નોંધ, ઝાંખાઝાંખા અક્ષરોવાળા કાગળો…એને રસ પડ્યો અને એ ત્યાં જ બેસી પડી.
બે ચાર ચોપડીઓ પણ નીકળી, બાપુજી ભણતા હશે ત્યારની હોવી જોઇએ. શેક્સપિયરનાં નાટકો ય નીકળ્યાં, રોમિયો – જુલિયેટ, હેમલેટ…એણે આમ જ પાનાં ફેરવ્યાં, સાવ બેધ્યાનપણે. અને નાનો ફોટો સરી પડ્યો. એક સાવ અજાણ્યો પણ અત્યંત સુંદર ચહેરો એની સામે હસી રહ્યો હતો. આટલું બધુ રૂપ લઇને આ કુટુંબમાં કોણ આવ્યું હશે? બા કદાચ ઓળખતી હોય એવું ધારી એણે ફોટો બા સામે ધરી દીધો. ‘આ છે કોણ? ઓળખે છે?’
‘આ તારા બાપુજીનું લગન વખતનું પીતાંબર હજી કેટલું સરસ…’ બા બોલતી હતી અને ફોટો જોઇને તરત અટકી ગયેલી.
‘નથી ઓળખતી તું ?’ બાને ચૂપ જોઇને એને થયું કે આ કદાચ કોઇ અપરિચિત વ્યક્તિ હશે. એ ક્ષણે બાજી આખેઆખી બાના હાથમાં હતી. જો એણે કહી દીધું હોત કે હું આ ફોટાને ઓળખતી જ નથી તે બધું ત્યાં અટકી ગયું હોત પણ બાથી એમ થયું નહિ. વર્ષો સુધી એક ખૂણે દાટી રાખેલી એક નાનકડી વાત કહેવાની એને ઇચ્છા થઇ આવી હશે. જો કે ત્યારે ય એનો અવાજ સહેજ પણ કંપ્યો નહોતો.

‘એ પુષ્પાનો ફોટો છે. તારા બાપુજીને પુષ્પા જોડે પરણવું હતું. ગાંડપણ વળગેલું તે વખતે, બહુ ધમાલ ધમાલ થયેલી…પણ મોટા દાદાએ થવા ન દીધું. હશે કંઇ કારણ, પણ એને પરણાયું નહિ તે નહિ….’
એ બાની સામે સ્તબ્ધ બનીને જોઇ રહેલી.
‘મને ખબર હતી મેં તો ચોખ્ખું કહેલું કે જે માણસને મારામાં રસ નથી એનાં છોકરાં મારે ન જોઇએ, એ ભાર વેંઢારવો નથી મારે…બહુ ઝઘડા ચાલ્યા એ બાબત, બાવી બની જાઉં એવું થતું એ દિવસોમાં; પણ પછી તો ભરતનો જનમ તે પછી……’ બા ના શબ્દો તૂટી જતા હતા…..‘તેમાંયે તારા જનમ વખતે તો એટલો કલેશ હતો જીવન કે –’ બાએ વાત પૂરી ન કરી. એણે કંઇ પૂછ્યું પણ નહિ. અનાયાસે જ ધગધગતી રેતીમાં પગ પડી ગયા હતા.

‘બારી બંધ કર પેલી, એ બધું પલળી જશે.’ અને એ બારી બંધ કરવા ગયેલી ત્યારે બહાર કશું દેખાતું નહોતું. એકધારા વરસાદે આસપાસની દુનિયા સાવ જ ઢાંકી દીધેલી. એ ભીંજાયેલી બપોર પછી જીવન જરા બદલાઇ ગયું હતું. ત્યાર પછી બા ક્યારેય એના મોં સામે જોઇને, આંખમાં આંખ પરોવીને વાત કરતી જ નહોતી. એ કોઇક વાતથી ડરતી હતી, કંઇક કહેવાનું ટાળતી હતી. બાને જે ભય હોય તે, એને તો ખબર જ હતી કે આવી વાત કોઇને કહેવાય નહિ. પુષ્પાને બાપુજી ન પરણી શક્યા તે તો જાણે ઠીક – એવું તો બન્યા કરે, પણ ભરત-નયન અને એ પોતે – બધાં જ આમ આવી ચડ્યાં આ પૃથ્વી પર – સાવ વણમાંગ્યાં, વણજોઇતાં. દેવનાં દીધેલ અને માગીભીખેલ, એવું તેવું કશું જ નહિ. કાળી બળતરામાં અને ભયંકર અણગમામાં આ બીજ રોપાયેલાં. કદાચ બાનું ચાલ્યું હોત તો એણે ફૂટેલા અંકુર સુદ્ધાં ખેંચી બહાર ફેંકી દીધા હોત. નરી લાચારીએ એને રોકી રાખી હશે ને એટલે જ ભરત-નયન અને વિષવેલ જેવી એ પોતે અહીં ઊછરી શક્યાં.

નયન-ભરતને આ વાતની સમજ ના પડે. નયન કેતકીના પ્રેમમાં ને પાછો. તાજો તાજો પ્રેમ એટલે કેતકીની પાર બીજું કંઇ દેખાય નહિ. ભરત પૈસાના પ્રેમમાં ને એ ય નવો નવો પ્રેમ એટલે ભાન ખોઇ બેઠેલો. બેમાંથી કોઇને કશું કહેવાય નહિ. બાએ નાછૂટકે ભાર વેંઢારેલો એ ત્રણેયનો. સહુથી વધારે એનો, કારણકે એ ત્રીજી, બાની તીવ્ર અનિચ્છા છતાં જન્મેલી, માથે પડેલી છેક જ અણગમતી. એ અણગમાનું ઝેર પોતાના લોહીમાં ભેળવીને જ અવતરેલી. જન્મીને એ રડી હશે ત્યારે બાએ કેવી ધૃણાથી એની સામે જોઇને નજર ફેરવી લીધી હશે….

નહોતુ સમજાતું એવું હવે બધું સમજાવા લાગ્યું હતું. બાપુજીની હાજરીમાં બાનું ભારે ભારે મૌન, ઘરનું ઉદાસ વાતાવરણ, તિરસ્કાર અને કંટાળાની વાસી લાગતી હવા, ક્યારેક છૂટક છૂટક શબ્દોમાંથી ભોંકાતા ક્રોધ ! એટલે જ પેલી વરસાદી સાંજ એની સ્મૃતિમાં લપાઇને બેસી રહી હતી. સુખની એવી ક્ષણો એની પાસે ઝાઝી ક્યાં હતી ? આખી દુનિયા પ્રલયમાં ડૂબે. પણ એનું ઘર આવું જ સુરક્ષિત, હુંફાળા સુખમાં એને ઢબુરી દેતું અડીખમ ઊભું રહેશે ત્યારે એને એવું લાગેલું. અને માથામાં ફરતી બાની એ આંગળીઓ, હથેળીમાં મઘમઘતું મોગરાનું નાનકડું ફૂલ, આંખ ને ગાલ પર ઠંડા પાણીની ફરફર…સુખની આ પરિપૂર્ણ ક્ષણ એને એવી તો વળગી રહી કે આકાશમાં વાદળ ઘેરાતાંની સાથે જ એ તાજી થઇ ઊઠતી.

આજે પણ એવો જ વરસાદ. ફોન ચાલે નહિ. કોઇક ઓળખીતાની દુકાને નયને ફોન કરીને એનું એડ્રેસ અને સંદેશો આપ્યો. ડૉર-બેલ વાગ્યો ત્યારે આટલા વરસાદમાં કોણ આવી ચડયું હશે એની વિમાસણમાં એ હતી. દદડતી છત્રી બાજુ પર પકડી રાખી એ અપરિચિત માણસે પેલો સંદેશો આપ્યો. કંઇ સંતાડેલુ નહિ સંદેશામાં. નયન આવી વાતમાં એક્દમ સ્પષ્ટ અને વહેવારુ. સીધી જ વાત કે બા સવારે ગુજરી ગઇ છે, અને બપોરે લઇ જવાનાં છે. તમારી રાહ જોવાય છે. બા વળી ક્યે દિવસે એની વાટ જોતી હતી? …..તરત જ નીકળવું પડ્યું. ગાડીઓનાં ઠેકાણાં નહોતાં. મોડી જ પહોંચી. પણ સામે જ એની વાટ જોઇ સહુ બેઠેલાં. ત્યાં ય થોડો થોડો વરસાદ હતો જ.

જમીન પર બા સૂતેલી. બાપુજી, ભરત-નયન, ભાભીઓ બધાં એકદમ સ્વસ્થ. ઉંમરે ગઇ બા, પાકું પાન કહેવાય. કોઇએ કોઇને આશ્વાસન આપવા જેવું હતું જ નહિ એ હળવેથી બા પાસે બેસી ગઇ ઠંડા ચહેરા પર, આંખ અને ગાલ પર હાથ ફેરવી લીધો. બાની આંગળીઓ એકદમ અક્ક્ડ થઇ ગઇ હોય એવું લાગતું હતું.
‘વરસાદ વધી ગયો છે. થોડી તકલીફ તો પડવાની જ આપણને.’ બાપુજીનો ઘોઘરો અવાજ.
‘કલાકેકમાં અટકી જાય તો સારું, બાકી એ તરફ રસ્તા ઘણા ખરાબ છે એટલે વાહનો લઇ જવામાં મુશ્કેલી.’ નયનનો અવાજ.
‘રસ્તે પાણી ખૂબ ભરાય છે. મારો તો તાજો જ અનુભવ છે. હમણાં ચારેક દિવસ પહેલાં જ….ખાડા એટલા બધા છે કે મોટરો અટકી જ જાય કોઇક અજાણ્યું.
પછી વાતચીતે અટકી ગઇ. બાને લઇ જવાની એ બધા રાહ જોઇ રહ્યાં હતાં.
‘સંદેશો બરાબર મળી ગયેલો ?’ નયને ઠેઠ એના કાન પાસે આવી પુછ્યું. એણે ડોકું હલાવ્યું. શું થયેલું એમ પૂછવાની એને જરૂર ના લાગી. છતાં કહેવું જ જોઇએ એવા ફરજના ભાવથી ભરતે વિસ્તારથી બધું કહ્યું. બા ક્યારે જાગી, પછી કેવી ફરિયાદ કરી, કેટલી ઝડપથી ડૉક્ટર આવ્યા અને છેવટે –
‘કઇ ગાડી મળી તને?’ બાપુજીએ એક્દમ વહેવારુ પ્રશ્ન પૂછ્યો.
આ કોઇની વાતો સાથે એને સંબંધ જ નહોતો. બાના શાંત ચહેરાને એ ધ્યાનથી જોતી રહી. ભલેને બાને માટે એનો જન્મ ઉત્સવ નહોતો. એ છેક જ વણજોઇતી આવી પડી હતી આ ઘરમાં, છતાં વરસાદનો પેલો દિવસ, એ દિવસની પેલી ખોબા જેવડી ક્ષણો સાવ સાચા સુખથી ભરેલી હતી. પાણી ભર્યા તસતસતાં વાદળ જેવી જ ફરી ફરીને એ ક્ષણોને સૂંઘવાનું ગમતું હતું, એમાંથી પેલો મોગરો ફોરતો હતો. એ કડાકાભડાકા અને નજરથી પકડાય નહિ એવી વીજળીની દોડાદોડ. વૃક્ષો પર ઝીલાતી ને નીચે તૂટી પડતી પાણીની અખંડ ધારા રસોડાની માણવી ગમે એવી હુંફમાં બેઠેલી બા. ‘આમ આવ, તારા વાળ કોરા કરી આપું. નહિ તો શરદી લાગી જશે……’ એ પળો એક્દમ નક્કર. એમાં કશું આભાસે નહિ. જો બનાવટ હોય તો બાની આંગળીઓમાં એટલી ઉષ્મા હોય જ નહિ. આટલું બધું સુખ આપવા માટે બાનું ઋણ સ્વીકારવું રહ્યું. બીજું કોણ એવા નિતાંત આનંદની ક્ષણો એને આપી શકે એવું રહ્યં હતું હવે ?

સાવ નાની છોકરીની પેઠે એ બાને વળગી પડી. હવે વરસાદના દિવસોમાં એનું પોતાનું કહેવાય એવું કોઇ રહ્યું નહિ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણે અને વિચારો – પ્રવીણ દરજી
સ્મરણ – સતીશ ડણાક Next »   

23 પ્રતિભાવો : બળતરાનાં બીજ – હિમાંશી શેલત

 1. gopal h parekh says:

  ભાવભીની વાર્તા

 2. Jayshree says:

  nice story.. !!

  – Jayshree
  http://tahuko.com

 3. Pravin V. Patel says:

  મન અને હૃદયને ભીંજવતી અતિસુંદર કૌટુંબિક વાત.
  અભિનંદન.

 4. Vikram Bhatt says:

  Very Good presentation.
  Very Nicely narrated story. Touchy & emotional.
  vb

 5. Ritesh says:

  સરસ વાર્તા …..

 6. asha chheda says:

  વેર્ય તોઉચિન્ગ્ Very touching. Moves my heart.

 7. Rachana says:

  વાતા હ્રદયને સ્પશી ગઈ. ખુબ જ સરસ.

 8. keyur vyas says:

  ઘનિ સરસ વાર્તા. beautifully presented but y our writters do not come out of regular pattern of writting.i dont understand y they waste lots of words in discribing the environment sometimes it is very useless.there should not be any spce to remove a single word from any storry or article . what do u think?

 9. dhaval Raithattha says:

  સાચેજ પ્રેમ અને લાગણી અનુભવ્વિ હોઇ તો આ વારતા ખુબજ સરસ સ પરન્તુ તેને માટે પણ લગણિ નિ જરુર છે.સરસ…….

 10. hitu pandya says:

  વાહ..વર્ણન ઘણુ સરસ છે. આજ કાલ વ્યવહાર પાછળ લાગણીઓ ખોવાઇ ગઇ છે.ગમે તેટલો તિરસ્કાર હોય તો પણ પ્રેમ નુઁ બીજુ નામ માતા-પિતા છે.

 11. Jayesh says:

  Nice and touching story. Her description of
  વરસાદ ની સાન્જ reminded me of my childhood days’ rain soaked evenings.

 12. ashalata says:

  ઘ્ણી સરસ કહાની

 13. Keyur Patel says:

  જો બનાવટ હોય તો બાની આંગળીઓમાં એટલી ઉષ્મા હોય જ નહિ. – આ એક જ લીટી આખી વાર્તા નું હાર્દ લાગે છે. ખૂબ સરસ.

 14. Meeta Dave says:

  Touched my heart! Nicely written.

  http://wordsthatwow.blogspot.com

 15. dharmesh Trivedi says:

  મા તે મા બિજા બધા વગડા ના વા

 16. kamlesh patel says:

  બળતરા ના બીજ વા૨તા મા ની યાદ અપાવે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.