મુક્ત થઈ જા – મહેન્દ્ર જોશી
તારી પીડા પ્રેમ છે તો પ્રેમમાંથી મુક્ત થઈ જા
સર્વનો આધાર ‘હું’ એ વહેમમાંથી મુક્ત થઈ જા.
હોય ઓળંગી જવાનું તોય ઓળંગી શકે ના
આ નિષેધો આ નિયમ આ નેમમાંથી મુક્ત થઈ જા.
સ્વપ્નની ઝળહળ બજારે આંખ છે, લૂંટાઈ બેસે !
એ ચમકતું હેમ હો તો હેમમાંથી મુક્ત થઈ જા.
અહીં મગરનાં આંસુ છે ને શાહમૃગમાં ભય પડ્યો ત્યાં
દાખલા જો એમ છે તો તેમમાંથી મુક્ત થઈ જા.
લાગણી પહેરી નિયમસર લોક તો મળતું રહે છે
રોજની પડપૂછને આ ક્ષેમમાંથી મુક્ત થઈ જા.
તું તને પામી શક્યો છે ક્યાં કદી ફુરસદને છાંયે
છોડ બાધા આખડી ને રહેમમાંથી મુક્ત થઈ જા.
Print This Article
·
Save this article As PDF
સુંદર ગઝલ… કાફિયાઓમાંથી એક નવી જ તાજગી તરી આવે છે… અભિનંદન!