એમ રખે માનજે – પ્રવીણ દરજી

બસ, વરસાદ, વરસાદ અને વરસાદ ! જા, તારા વિશે આજે તો કશું લખવું નથી. તું છે કોણ ? કોણે તને આમ સર્વને ચંચલ કરી મૂકવાનો હક્ક આપી દીધો છે ? જા, તારું ચાલે તે કર. છાપરે વરસ, છજામાં તુટી પડ, રસ્તા રોકી લે, ચાલનારાઓને થંભાવી દે, કોઇકને છત્રી નીચે ઢંકાઇ જવા ફરજ પાડ, કોઇકને વૃક્ષ નીચે લાવી મૂક, કોઇકની સીમા તોડી અગાશીમાં જવા માટે ફરજ પાડ, કોઇકને તારા પ્રથમ આગમને ઘરની બધીજ બારીઓ, બારણાં ખોલી નાખવા પાગલ કરી મૂક, કોઇકની હથેળીમાં તું અમૃત બનીને ઝીલાઇ રહે, કોઇકના ચરણને રસ્તા ઉપર લાવી છમછમ કરાવી રહે. હું તારા ચાળા જાણું છું. તારો ઉદ્દેશ પણ સમજું છું તારી ચાલના પણ નજર બહાર રહી નથી. મારી પાસે તારા વખાણ માટે કોઇ ચાટૂકિત બચી નથી. તું ઇચ્છે તો પણ આજે તો ‘અસ્યા : સર્ગવિધૌ’ એવો કોઇ પ્રશ્ન કરનાર નથી. કહે તું છે કોણ ?

તું એવું સમજે છે કે હું કવિ રવીન્દ્રની જેમ તને જોતાં જ કહી બેસીશ – હૃદય આમાર નાચે રે આજિકે ? આજે મારું હૃદય નર્તન કરી રહ્યુ છે……ના, ના. એ તો તારો કીમિયો રહ્યો છે જ. પણ આજે તો હું તારો કોઇ પણ રીતે મુકાબલો કરવા જ ઇચ્છું છું. તું બારણાં કે બારીની તિરાડો વાટે પ્રવેશ, ઘરનાં વેન્ટિલેશનને ઊંધાં-અવળાં કર, આકાશમાંથી વીજળી કે મેઘસંઘર્ષ વડે તું ઉત્પાત મચાવ, પ્રણયિની દૂર છે એમ સમજી ને મારા વિરહને ઉશ્કેરી મૂક અથવા પ્રણયિની પાસે જ છે છતાં તારી માયાવી ક્રીડાથી તું મને ઉદાસ કરી મૂક – પણ આ વેળા તું ક્યાંય સફળ થવાનો નથી. તારા રંગઢંગથી હું પૂરેપૂરો માહેર છું. તું નિર્લજ્જ છે, પણ તેથી હું ડરપોક નથી. કાલિદાસે જ તને ‘મેઘદૂત’ લખીને કદાચ વધારે પડતો ફટવી મુક્યો છે. યક્ષ જેવી બંદીને એક છેડેથી બીજા છેડા સુધીનું ભ્રમણ કરાવીને તેમણે તારી મહત્તા સ્થાપી આપી છે તે હું બરાબર જાણું છું, પણ હું કાલિદાસ નથી એ સ્મરણમાં રાખજે. તારે સ્વાધીન રહેવું છે અને બીજાંઓને ભવન ભવનમાં કેદ ! પણ સમજ તારી ઓકાત. તું છે કોણ ?

તારો ડ્રામેટિક પરિવેશ મારા માટે કંઇ નવો નથી. તે મને બાળપણમાં અનેક વાર અડપલાં કર્યાં છે. નિશાળેથી બારોબાર તું મને મેશરી તરફ ખેંચી ગયો છે. પલળતા શરીરે પછી ઘેર આવ્યો છું. ક્યારેક માતાપિતાનો ઠપકો મળ્યો છે, ક્યારેક માર પણ. તેમની ફરિયાદ હતી – આવા વરસાદમાં ગમે ત્યાં બહાર દોડી જવાય ? – પણ તું મને વિવશ બનાવી દેતો હતો. એક ફળિયામાંથી બીજા ફળિયામાં લઈ જતો હતો. તે મારી પાસે ઘોંચણિયું પકડાવ્યું છે, કાગળની હોડીઓ બનાવડાવી છે. પાણી, પાણી અને પાણી, દોટાદોટ, બૂમાબૂમ, ચિચિયારીઓ, ભીના શરીર, ભીના હ્રદય, વળી પાછો પેલો ઠપકો, માતાપિતાની નારાજી. ક્યારેક શાળાએ જતાં તેં મારો રસ્તો રોક્યો છે, ક્યારેક બે કાંઠે વહેતી નદીમાંથી પસાર થવા તે મને ઉશ્કેર્યો છે, ભીના કપડાંએ છેક એક ગામથી બીજે ગામ પહોચ્યોં છું. એવા ભીના કપડે જ ક્યારેક શાળાની છેલ્લી પાટલીએ બેસીને તારા જ વિશે તેં મારી પાસે નિબંધ કે કાવ્ય લખાવ્યાં છે. હું આ સઘળું કંઇ ભૂલ્યો નથી. એટલે જ આજે સાવધ રહીને તારી સામે મુકાબલો કરતાં પુછું છું – ઓ વરસાદ ! તું છે કોણ ?

મને તારી પજવણી હજી યાદ છે. ક્યાંય કશું તારા આગમનનું ચિન્હ ન હોય, આકાશ ચોખ્ખું હોય અને ક્યાંકથી તું હાકોટા-છાકોટા કરતો આવી પહોચેં. શાળાના વર્ગમાં બેઠા હોઇએ તો ભણવામાં ચિત્ત ન ચોંટે, હવે ઘેર, આઠ માઇલ દૂર કેવી રીતે પહોંચીશું એ જ પછી મોટી સમસ્યા હોય. બે નદી પાર કરવાની, ધૂળિયા રસ્તે જવાનું હોય અને તું ચારે તરફ બાથમાં લઇને બેઠો હોય ! માંડ ઘેર આવીએ ત્યારે ઘરનું માળિયું પણ નળિયામાંથી પાણી ટપકી ટપકી ને ભીની ચાદર જેવું થઇ ગયું હોય. બહાર ઓસરીમાં કે પાછળ વાડામાં તારી ઉપસ્થિતિ સિવાય કશું નિહાળવા જ ન મળે. સાંજ પડી ગઇ હોય, તમરાંનું ગુંજન શરુ થઇ ગયું હોય, માંડ કોડિયું થોડો એક પ્રકાશ પાથરી રહ્યું હોય ત્યાં જીવડાંની આવન-જાવન શરૂ થઇ જાય. વાળુ કરીએ તો પણ કયાં ? બારણું બંધ કરી દઇએ, હાથમાં અદ્ધર થાળી પકડીએ. રીંગણનું ગરમ ગરમ શાક, બાજરીનો રોટલો અને દૂધ બધું એકાકાર થઇ જાય…..એમ વાળું પૂરું થાય…. આ બધી વેળા તું ઘણીવાર બંધ હતો….કહે, એ રાત્રિએ અમે ટપકતા પાણીમાં ઘરમાં ઊંઘી શકતા નહોતા કે એકાદ સારો પાઠ પણ વાંચી શકતા નહોતા. તારી એ અંધારી છાયા જે રીતે વિસ્તરતી રહેતી તે હું હજી ભૂલ્યો નથી. એટલે જ આજે તારી સામે પડકાર ફેંકી રહ્યો છું – અરે, તું છે કોણ ?

કૉલેજમાં આવ્યા, છોકરીની આંખને જોતા થયા, વિના કારણે ઉદાસ થઇ જવાની વયમાં આવ્યા ત્યારે પણ તારી અશિષ્ટતાનો તો અનુભવ થતો જ રહ્યો. તારા આગમનને કશો ક્યાં સમય હોય છે ? હજી તો જાણે તડકો છે, તારો કશો સંકેત જ ન વાંચી શકાતો હોય અને તું એકદમ આવી પડે. પવનના સુસવાટા, વસ્ત્રોની અવળસવળ, વાળનું આમતેમ ઊડતા રહેવું અને પછી તારી અનવરત ધારાનું ભવ્ય નાટક…..અમે તો દોડી જઇએ પણ પેલી વયસ્કાઓનું શું ? ઊંચાં કપડાં લઇને બચવા મથે, વસ્ત્રો ભીંજાઇને શરીર સાથે એક થઇ જાય, વાળની લટ કપાળને એક છેડે ચોંટી જાય. અને અમારી નજર ચૂકવી એ ક્યાંક શરણ શોધે – છુપાઇ જવા, વૃક્ષનું, રસ્તામાં આવતા કોઇ ઘરનું….તને કદાચ એ સુયોગ લાગતો હશે પણ એ જનપદ કન્યાઓના સ્નિગ્ધ નેત્રો તને જે ઠપકો આપતાં હતાં તેનો ઇતિહાસ તો હજી અમારી આંખોએ સંગ્રહી રાખ્યો છે. ‘મેઘદૂત’ પછી ભણવાનું થયું ત્યારે સમજ્યા કે અરે આ તો તારો પેશો હતો ! શિપ્રા, રેવા જેવી સરિતાઓ, આમ્રકૂટ, ચિત્રકૂટ, ઉદયગિરિ જેવા પહાડો, અવંતી, વિદિશા, ઉજ્જયિની જેવી નગરીઓ, તેમની અટારીઓ એ બધાં ઉપર તારો ડોળો રહેલો હતો જ. તું કશું ચુક્યો નથી. ગૃહસ્થોનાં ભવન, તેમનાં છજાં, તેની નીચે સૂતાં પારેવાં, અટારીઓમાં ઊભેલી કન્યકાઓ, તેમના નેત્રકટાક્ષ….તારી આ આખી યોજનાની ત્યારે ખબર પડવા માંડી. વિરહ-બિરહની વાતો સમજાવનાર તું જ. યક્ષ અને યક્ષકન્યા વચ્ચે મેઘને લાવીને તેં અમોને ઉત્તેજવાનું ત્યારે ન કરવા જેવું કામ કર્યું હતું….એવી વિકલ કરી મૂકનાર પળો હજી ચિત્તને વળગેલી છે. આ બધું તને આજે યાદ દેવડાવું છું ત્યારે તને કદાચ એ નહિ ગમે. આ બધી બાબતમાં તું કાલીદાસને પણ અરે, છેતરી ગયો ? તારી ડ્રામેટીક મુદ્રાઓને યાદ કરીને તેથી જ આજે તને પ્રશ્ન કરું છું – અરે, વિશ્વ આખાને અસ્વસ્થ કરી મૂકવાનો હક્ક આમ તને કોણે આપ્યો છે ?

હવે તને જે ઠપકાઓ આપ્યા છે, તારી વિરુધ્ધમાં જે પ્રશ્નો ઊભા કર્યા છે એનો ઊપસંહાર કરી રહ્યો છું. સાંભળ, છેલ્લા બે દિવસથી તારો ડ્રામા ચાલુ જ છે. આજે પણ બધી દિશાઓને ઘેરીને વાદળો છવાયેલાં છે. રસ્તા ઉપરનાં વૃક્ષોએ તારું શરણું સ્વીકારી લીધું છે. રસ્તાઓ હજી તારી પગલીઓ ભૂંસી શક્યા નથી. વારે વારે નેત્રકટાક્ષ માટે કન્યાઓને તું હજી છજામાં લાવતો હશે પણ હું આજે તારી કોઇ ચાલમાં આવવાનો નથી. અહીં મારા ટેબલ ઉપર પુસ્તકોનો પથારો કરીને બેઠો છું. બારી-બારણાં ખુલ્લા છે. વચ્ચે સવારે તે તારા ઝાંઝર છણછણાવ્યાં હતાં. આકાશે એની સ્મૃતિ રૂપે ઇન્દ્રધનુની ધરતીના લોકને ભેટ આપી હતી. એ પણ તારી પ્રયુક્તિઓનો એક ભાગ છે એ હું તંતોતંત પામી ચૂક્યો છું. આજે મારું ઘડીયાળ તું કોઇ પણ સમયે અટકાવી દેશે એ હું જાણું છું. મને મારાકામ છોડી દેવા માટે પણ તું બધા જ પ્રકારની ચાલ ચાલશે. જેઠના ઉતરતા દિવસોમાં પણ તું ધારે તે કરી શકે છે એવી ધાક મારા ઉપર તું બરાબરની બેસાડવા મથી રહ્યો છે એ જાણું છું. એમ કરીને પેલા વિરહીઓના જૂથમાં ભળી જવા મને તું લલચાવશે, રીબાવશે. પણ તેથી હું તારા શરણે થઇશ એમ રખે માનજે. ઉપસંહારમાં પણ મારો તને પ્રશ્ન છે જ : અરે, તું છે કોણ ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નાથને નીરખી – નરસિંહ મહેતા
ભીખનું સુખ – મુકુન્દરાય પંડ્યા Next »   

8 પ્રતિભાવો : એમ રખે માનજે – પ્રવીણ દરજી

 1. dharmesh says:

  ખરેખર વરસાદ વિશે આટલો સુન્દર લેખ ક્યારેય વાચ્યો નથી, શ્રી પ્રવીણભાઇ દરજી ને વન્દન્.

 2. Mahesh Jasani says:

  wah! very good
  It is a nice.

 3. yagnesh says:

  incredible

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.