ભીખનું સુખ – મુકુન્દરાય પંડ્યા

સુખી થવાનો સર્વોત્તમ ઉપાય કયો ? એ કોયડાનો ઉકેલ મને મળી ગયો છે. સુખી થવું હોય તો ભિખારી થવું. હવે જ મને સમજાય છે કે આપણા ઋષિમુનિઓ શા માટે ભિક્ષુકવૃત્તિ આચરતા હતા. કેમકે તેઓ આ રહ્સ્ય સારી રીતે સમજતા હતા. ભિખારી થવામાં જે અનુકૂળતા છે તે ધનવાન થવામાં નથી.

પેલા એક રાજાની વાત છે. તેને મનમાં તરંગ આવ્યો કે પોતાને કોઇક માંદગી છે એટલે તુરત તેણે વૈદોને તેડાવ્યાં. વૈદોએ કહ્યું કે ‘કોઇ રોગ નથી’ એટલે રાજા ખિજાઇ ગયો ને તે વૈદોને ફાંસીની સજા કરી દીધી અને એમ અનેક વૈદોને મરવું પડ્યું. દેશમા વૈદો ખૂટી પડ્યાં તો પરદેશથી વૈદોને બોલાવ્યા અને તેમના પણ એવા જ હાલ કર્યા. પણ વૈદક કરતાં વ્યવહારમાં નિષ્ણાત એવા એક વૈદે રાજાને તપાસીને કહ્યું. ‘તમારે રોગનું નામ જાણવું છે ? કે તે મટે એવી દવા વિશે જાણવું છે?’ રાજા કહે ‘દવા જ બતાવો ને !’ તુરંત વૈદે કહ્યું, ‘સંપૂર્ણ સુખી હોય એવા માણસનું ખમીસ મેળવીને પહેરો.’ રાજાએ તો માણસો દરેક દિશામાં મોકલ્યા. પરંતુ દરેકને કાંઇક ને કાંઇક તો દુ:ખ હોય જ. ધનવાનો તો સૌથી વધુ દુ:ખી હતા. છેવટે એક મેદાનમાં એક માણસ મસ્તીથી પડ્યો હતો. રાજસેવકોએ તેને પુછ્યું. ‘તું સુખી છો? સંપૂર્ણ સુખી ?’

પેલાએ જવાબ દીધો, ‘હા, મારે શું દુ:ખ છે ? હું તદ્દન સુખી છું.’ રાજ સેવકો તો ખુશ થઇ ગયાં અને તેને કહે, ‘રાજાનો રોગ મટાડવા તારું ખમીસ આપ’ પણ આશ્ચર્ય સાથે જોયું તો તેના શરીર પર ખમીસ જ નહોતું. ! એ તો માત્ર લંગોટ ધરનાર ભિખારી જ હતો ! આ વાર્તા દ્વારા જો કાંઇ પણ સિદ્ધ થતું હોય તો તે એટલું જ કે સુખી હોવાનું ભાગ્ય ભિખારીનું જ છે !

માણસને પોતાની જાતની રક્ષા કરવાની મોટામાં મોટી ચિંતા રહે છે. રખે ને, કોઇ પોતાનું ખીસ્સું કાપી નાખે; રખે ને, કોઇ પોતાને લૂંટી લે; રખે ને કોઇ પોતાનું ખુન કરી નાખે ત્યારે ભિખારીને આવી કોઇ ચિંતા હોતી નથી કેમકે તેની સત્તા અને શક્તિ એટલી મહાન છે કે કોઇ ચોર તેને લૂંટી શક્તો નથી, કોઇ ખૂની તેનું ખૂન કરતો નથી.

પહેલાંના જેવી જંગલી સ્થિતિમાંથી માણસે ઘણી ઘણી પ્રગતિ કરી છે એટલે છરી બતાવીને કે બંદૂક બતાવી લૂંટી લેવાના કિસ્સાઓ હવે બહુ બનતા નથી. બેંકમાં પોતાનું ધન સુરક્ષિત રાખવાની અનુકૂળતા છે જ અને સરકારનું પોલીસતંત્ર પણ મનાય છે કે સૌના જાનમાલનું રક્ષણ કરે છે, પરંતુ આવી સ્થિતિમાંયે ધનવાનોનું ચિંતાનું કારણ કાંઇ ઓછું થતું નથી, જેમ કે જેની સામે કોઇ ફરિયાદ ન થઇ શકે તેવી રીતે લૂંટ ચલાવવાનું એક તંત્ર સરકારે ઉભું કર્યુ છે અને તે છે કર-આવક પરનો કર, વેચાણ પરનો કર, વારસા પરનો કર વગેરે વગેરે. જેમ તમારી પ્રગતિની મહેચ્છા વધારે તેમ તમારે ત્યાં જાતજાતના અને ભાતભાતના કર વધારે ! ત્યારે એવા કરરૂપી શસ્ત્રથી જે લૂંટ ચલાવવામાં આવે છે તેનો શિકાર પણ ધનવાનો જ બને છે. ભલે બહુ ઝાઝા ધનવાળા તેમાંથી છટકવાની તરકીબો કરતા હોય અને સરકારને છેતરી શકતા હોય તોય તેને કારણે જે ઉંચું મન તેમનું રહે છે, જે પકડાઇ જવાની બીક રહે છે, તે તો તેમને શાંતિ લેવા દે જ નહી; અને સાધારણ ધનવાન તો બિચારો અસહાય બનીને શરણાગતિ જ સ્વીકારી લે છે ત્યારે એવા ત્રાસમાંથી સંપૂર્ણપણે મુક્ત જો કોઇ રહેતું હોય તો તે ભિખારી જ રહે છે. દરેક વર્ષે અંદાજપત્ર જાહેર થવાનું હોય ત્યારે સૌ કોઇ માટે ઇંતેજારીથી હવે સરકાર નવા કર નાખશે તેની ચિંતા કરતા હોય છે અને પોતાને માથે કોઇ નવી ઉપાધી આવશે કેમ તેની મથામણ કરતા હોય છે તે વખતે પણ ભિખારી સંપૂર્ણ નિશ્ચિત રહી શકે છે. કેમકે, ભિખારીને કોઇ કર ભરવાનો હોતો નથી.

સરકાર પણ પેટના દિકરા જેટલી જ સંભાળ ભિખારીઓની રાખે છે. દુષ્કાળ પડ્યો હોય; અનાજની ભારે હાડમારી હોય ત્યારે સરકાર પૈસાદારો કરતાં પણ વધુ સંભાળ ભિખારીઓની રાખે છે. એટલે તો વિધાનસભામાં કે સંસદમાં જ્યારે ‘ભૂખમરાથી કોઇનું મરણ થવા પામ્યું નથી’ એવું નિવેદન કરતી વખતે તો પ્રધાન ઊંડો આત્મસંતોષ અનુભવે છે. એ પરથી સિદ્ધ થાય છે કે કોઇ ભિખારી ભૂખે મરી નહિં તેની ચિંતા સરકાર રાખે છે, આમ ભિખારીને કોઇ નોકરી કરવાની જરૂર નહિ, કોઇ ફરજ બજાવવાની નહિ, કોઇ કર ભરવાના નહિ અને છતાં તેને ખાવાનું મળી જ રહે, તેનું જીવન તો ટકી રહે. કહો, ભિખારી જેટલું બીજું કોણ સુખી હોય ?

આજના યુગનું નામકરણ કરવાનું મને સોંપવામાં આવે તો હું કહી દઉં કે આજનો યુગ ‘ભિક્ષુકયુગ’ છે. જેમ જેમ સુખી થવા માટે ભીખ માંગવી એ ઉત્તમ માર્ગ છે તેમ સમજાવા લાગ્યું છે તેમ નાનામોટાં સહુ કોઇ ભિખારી બનવા લાગ્યા છે. અને એટલે તો જે વધુ ભીખ માંગી શકે તે વધુ સફળ તેવી સ્થિતિ છે. પહેલાં તો મનાતું હતું કે જેની પાસે કાંઇ ના હોય તે ભિખારી, પણ સમય જતાં મૂલ્યો બદલાયાં, પદ્ધતિ બદલાઇ – તેમ આનંદ પામવા જેવી વાત છે કે ધનવાનો પણ હવે તો ભીખ માંગવા લાગ્યાં છે. પહેલાંના જમાનામાં ધનવાનો ભિખારીને ભીખ આપતાં હતાં. કોઇક કોઇક કિસ્સાઓમાં તો રાજાઓએ પોતાના ધનિક નાગરીકો પાસેથી ધન લઇને કામ ચલાવેલું. પરંતુ આ ભિક્ષુકયુગમાં તો સહુ ભીખ માગે છે ! ધનવાનો પોતાના વેપાર માટે, ઉધોગ માટે નવું સાહસ શરૂ કરવા માટે, ચાલુ ઉધોગના નિભાવ માટે, કે તેમાં સુધારાવધારા કરવા માટે ભીખ માંગે છે. (હા, હવે ‘ભીખ’ શબ્દ પણ બદલી નાંખવામાં આવ્યો છે. અને તેને ‘લોન’ નું નામ આપવામાં આવ્યુ છે. અને આવું ધિરાણ મેળવનાર જુના યુગના ભિખારીની જેમ નીચું માથું રાખતો નથી, પણ ઉન્નત મસ્તકે ફરી શકે છે.) એકલા ધનવાનો જ નહી. પાંચ-પંદર માણસો સાથે મળી કોઇ કામ કરે તો તે ‘સહકારી’ કામ થાય અને સરકાર તેને નાણાં ધીરે ! એટલે આ યુગમાં તો સામૂહિક ભીખની નવી પધ્ધતિ અમલમાં આવી છે. વળી મૂલ્ય-પલટાનું જ એ લક્ષણ હશે. પહેલાંનો ભિખારી કંગાળ હતો અને ખાધે – પીધે દુ:ખી હતો, પહેરવાં પૂરાં વસ્ત્રો નહોતા મળતાં, રહેવા ઘર નહોતું. તેને મુકાબલે આજના યુગમાં ભિખારીઓ તો ઠાઠમાઠથી રહે છે, ખાવા પીવામાં સામાન્ય માણસ માટે અલભ્ય એવા મોજશોખ પણ કરે છે. બંગલાઓમાં રહે છે, મોટર ફેરવે છે અને તે બધું છતાં છે તો ભિખારીઓ.

આમ ભીખમાં સુખ છે એ વાત જેટલી જૂના યુગના ભિખારી માટે સાચી હતી તે કરતાં વધુ સાચી નવા યુગના ભિખારી માટે છે. કેમકે નવા યુગનો ભિખારી ઐહિક સુખ-સગવડો પણ ભીખના ધન પર માણી શકે છે. પહેલાંની કહેવત છે કે ‘ભીખનાં હાડલાં શીકે ન ચડે’ એ વાત બદલાઇ ગઇ છે અને હવે તો ભીખનું ધન બેંકમાં પણ જમાં થાય છે.

ત્યારે હવે તો ખાતરી થઇ ને કે જે વધુ મોટો ભિખારી તે જ વધુ સમૃધ્ધ અને તે જ સુખી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એમ રખે માનજે – પ્રવીણ દરજી
મારો ધંધો – નિર્મિશ ઠાકર Next »   

16 પ્રતિભાવો : ભીખનું સુખ – મુકુન્દરાય પંડ્યા

 1. Geal mehta says:

  Pravinbhai, Bahu saras lakhyu Chhe,
  potani priyatama thi ruthela premi jevi lagani aape vyakta kari chhe.
  aapano aabhar manu chhu atla mate ke aape mara bhutkal na varshad na divaso ni yaad taja kari aapi.

 2. Manoj Patel says:

  સુખી બનવા પરત્વેના તમારા વિચારો જાણી આનંદ થયો મુકુન્દભાઈ. and for u geal, u had put your comment in wrong window.

 3. dharmesh Trivedi says:

  ખુબ સરસ આજ ના સામપ્રત પ્રવાહ નો પડ્ઘો વરતાય ચે
  ધર્મેશ ત્રિવેદિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.