શોધીએ છીએ અને અન્ય કાવ્યો – જયંતી પટેલ

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક અમૃત વલોવી જહર શોધીએ છીએ.

કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.

ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
દીવો લઇ કદી પેલી નિંદરને શોધીએ છીએ.

વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,
હવે એમનાં દિલમાં મધુરપ શોધીએ છીએ.

કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,
હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.

સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?

કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,
એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.

સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?

અન્ય કવિતાઓ

દીવા નીચે અંધારું અને દીવા ઉપર મેંશ,
જગને અજવાળે તોય ન ભાળે દિન ઉજેશ.

***

આંખે એની સાગર લહેરાય, છલકે તો આંસુ થાય;
હૈયે ભલે અગન બળતો, તોય છલક્યે હૂંફ વરતાય.

***

અમે વરસાદી વાદળ સાજન, તમે અષાઢી વીજ;
થઈ કટારી હૈયે ભોંકાયાં, કેવી તમારી આ રીસ?

***

વાયદો કીધો મળવાનો ને વહી ગયાં મલક પાર,
વાયદો તો હતો વરવાનો, કાં રઝળાવ્યાં મઝધાર?

***

તમે સમણામાં આવ્યાં’તાં ને કીધી’તી એક વાત,
ભેગાં જીવશું, ભેગાં મરશું એ શાંને ભૂલ્યાં પરભાત?

***

વિશ્વાસે હંકાર્યું હતું અમે તો મધ દરિયે વહાણ,
હલેસાં સંતાડી બેઠાં તમે, નહોતી અમને જાણ.

***

દીકરાને ભણાવ્યા કોલેજે મોકલી,
હવે ભણીએ છીએ અમે એની પાસેથી;
કોમ્પ્યુટરની કરામતો,
પૂછી પૂછી ભૂલી ભૂલી ફરી ફરી.

***

અમે નીકળ્યા’તા જીતવા જગને,
હાર્યા ખુદ સ્નેહીઓ, સ્વજનોથી.

***

મુસલમાનો કો ભી બુતપરસ્તી માફ હોતી હૈ,
જબ મહેબુબા કી હસીં મુરત સામને હોતી હૈ.

***

ચલો એકબાર ફીર સે મુહોબત કર કે દેખે,
કિસી હસીં મહેબુબા કે દર પે મર કે દેખે.

***

કેવો કોપ્યો આ કાળ જે કોળિયો કરી ગયો,
આતંકવાદી જે હતા તેમનેય ભરખી ગયો.

***

વતનની યાદ આવે છે ને ભલે રુએ છે આંખડી,
માયા ડોલરની છૂટતી નથી શી દશા છે આપડી!

***

સંગે રહેવાનું મન હતું પણ જાતે વહોર્યો વનવાસ,
ડોલર પાછળ દોડિયા, પછી ક્યાંથી મળે સહવાસ?

***

ઉજાગરા બહુ રે કીધા, કીધા બહુ પરયાસ,
ભગ્યમાં હતું તે પામીયા, વધુની શું આશ?

***

અમે આવ્યા’તા આશ લઈને, રહેશું રે સંગાથ,
તમે પરવરિયાં અમને મેલી રેઢા છોડી સાથ.

***

વાદળ તો વરસ્યાં નહીં, વીજ ન ભરખી અમ જાત,
સાજણ વીણ અમે રહ્યા મઝધાર, શું દિ ને શી રાત?

***

વાયરા આવેરે વતનથી, લઈને નીતનીત રૂડા સંદેશ;
આંખડી અમારી છતાંય રોતી, મન લાગે ન પરદેશ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાઠ પાકો નથી થયો – મનુભાઈ પંચોળી
હે માનવ ! હવે તો સુધર – પ્રેરક શાહ Next »   

6 પ્રતિભાવો : શોધીએ છીએ અને અન્ય કાવ્યો – જયંતી પટેલ

  1. અતુલ જાની (આગંતુક) says:

    વાહ જયંતીભાઈ વાહ ! જલસો પડી ગયો. એક એક થી ચડિયાતા દાદ માગી લે તેવા કાવ્યો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.