દીવડો પ્રગટ્યો – કલ્પના જિતેન્દ્ર

રાધાબેને હાથમાં દીવડા ભરેલો થાળ ઉપાડ્યો ને બહાર વરંડામાં જવા નીકળ્યાં.
‘હિરલ, તું ઉપરના માળે દીવા મૂકી આવ. ગેલેરીમાં, બારીમાં બધે મૂકજે હોં ! હું નીચે મૂકી દઉં !
‘હં….અ…અ…મમ્મી, એવું કરોને તમે ઉપર જાવ હું નીચે મુકું છું.’
‘મને દાદરો ચડવામાં તકલીફ પડશે.’ સહેજ અચકાતા રાધાબેને કહ્યું.
‘તો રેવા દ્યો ! ઉપર-નીચે, અગાશીમાં બધે હું જ મૂકી આવું છું. તમારા પગ દુ:ખશે, તમે આરામ કરો ! દિવાળીના દિવસે રોશની તો કરવી જ પડશેને !’
રાધાબેનને સમજાયું નહિ. પુત્રવધૂ હિરલ ચિંતાથી બોલે છે કે શ્લેષમાં ?
છેલ્લાં ચાર પાંચ મહીનાથી આવું જ ચાલે છે. રાધાબેન આ છેડે તો હિરલ પેલે છેડે ! શરૂઆતમાં તો સાસુ-વહુને બહુ બનતું, મા-દીકરી જેવું જ ! ખબર ન પડી, ક્યારે બધું બદલાઇ ગયું ! શરૂઆત નાની નાની ગેરસમજણ ને ઝીણી ઝીણી ચણભણથી થઇ. ગેરસમજના વહેણે પહોળા થતાં થતાં નદીનું રૂપ ધારણ કરી લીધું ! રાધાબેનને ચિંતા હતી; નદી દરિયાનુ રૂપ ધારણ ન કરે તો સારું !…..જે ક્યારેય ઓળંગી ન શકાય !

પંદર દિવસથી ઘરમાં સાફ્સૂફીનું કામ ચાલે છે. રાધાબેન કહેશે: ‘માળિયું સાફ કરીએ’ તો હિરલ કહેશે : ‘આજે રસોડાનો વારો !’ રાધાબેન કહેશે: ‘આજે કાચના કબાટ, ક્રોકરી, વિગેરે સારુ કરીએ.’ તો હિરલ કહેશે : ‘આજે તો રૂમ ધોવા છે !’ રાધાબેનથી થાય નહિ તોય હિરલને જોડાજોડ કામ કરાવે, તોય હિરલ કહેશે : હું તો કંટાળી કામથી ! બહુ થાકી ગઇ છું ! હિરલને ખુશ કરવા જ એમણે કહ્યું : ‘એમ કર ! હવે ઘૂઘરા-મઠિયાં નથી બનાવવા, આટલી થાકેલી તો છો જ ! એના કરતાં બહાર ઓર્ડર આપીને બનાવરાવી લઇએ !’
‘ના મમ્મી ! વરસમાં એકવાર તો બનાવવાના છે. એમાં થાકવાનું શું ? ઘરે જ બનાવીએ !’
હિરલે ઘૂઘરા-મઠિયાં બનાવ્યાં પણ ખરાં ! એમાં ના નહિ. પણ રાધાબેન થાકેલાં હતાં. દિવાળીના કામના કારણે અર્ધા માંદા જેવ થઇ ગયેલા, તોય સાથે જોડાવું પડ્યું !

આમ જોઇએ તો, વાતમાં કાંઇ દમ નહિ. કજીયો કંકાસને સ્થાન નહિ, બન્ને ભણેલાં-ગણેલાં હોવાથી મોટા અવાજે ચર્ચા કે ઝગડો થતાં નહિ, પણ સીંદરીની જેમ ઝીણું ઝીણું સળગ્યાં કરે !
આજના દિવળીના સપરમા દિવસે ક્યાં કંકાસ કરવો ? વિચારી રાધાબેન વરંડામાં જવાને બદલે દાદરા તરફ વળ્યાં. છેક ઉપરના પગથિયાં સુધી એક નજર કરી ને કચવાતા મને દાદરો ચડ્યાં, બારણું ખોલી, બહાર ગેલેરીમાં આવી, થાળમાં રાખેલાં દીવડાં મૂકવા માંડ્યા….પણ પવનના ઝપાટે એક-પછી-એક દીવડા બુઝાવા લાગ્યા !

‘આ પાછી માથાફોડ !’ કરતાં રધબેન દીવડા પ્રગટાવવા નીચે બેસી ગયાં.
‘હાશ ! થાકી ગઇ હું તો ! આટલા માં થાકી જાઉં છું તો કાલે નવા વરસે શું થશે ? ત્રણ-ચાર દિવસથી ઘરમાં આ જ ચણભણ ચાલે છે. હિરલ કાલથી જ ફરવા જવાની વાત કરે છે ! અહીં આટલા વરસોનો પરિચય ! કેટલાં લોકોની અવર જવર ! નવા વર્ષે બધાની આગતા-સ્વાગતા એકલા હાથે હું કઇ રીતે કરી શકીશ ? અધૂરામાં પૂરું કાલે કામવાળી પણ નથી આવવાની ! હિરલ-વિનય એક દિવસ મોડાં ભાઇબીજના દિવસે નીકળે તો શું વાંધો ?…મારું કહ્યું તો બિલકુલ માનતી જ નથી !’ રાધાબેને હળવો નિસાસો નાખ્યો !

એ દીવડા પ્રગટાવવા માંડ્યાં, પણ ફરી પવનની ઝાપટ આવી કે એક-પછી-એક તે બૂઝાવા માંડ્યાં ! એને પવનને ખાળવા દીવડા આડો હાથ રાખ્યો ત્યારે પ્રગટ્યા ! ઊભા થઇને એમણે ગેલેરીની બારીમાં દીવડા એવી રીતે ગોઠવ્યાં કે પવનની ઝાપટ ન લાગે ! નીચે વરંડામાં, બારીમાં દીવડા ગોઠવતી હિરલની પણ એ જ સ્થિતિ હતી ! અહીં પવનની તકલીફ નહોતી, પણ વાટ સંકોરવાની હતી ! ગઇકાલના કોડિયામાં અર્ધી બળેલી વાટ ફરીથી પ્રગટાવતી હતી. વાટના છેડે મોગર વળી ગયેલો તે પ્રગટે જ નહિ..!…અંતે મોગરો દૂર કરી વાટ સંકોરી કે દીવો પ્રગટ્યો ! દીવડા ગોઠવી હિરલ અંદર આવી કે દાદરો ઉતરતાં રાધાબેન સામે મળ્યાં.
‘હિરલ, તમારી તૈયારી તો થઇ ગઇ છે ને ? તમે બન્ને કાલે જ નીકળી જાવ ! હું કમુને મદદમાં બોલાવી લઇશ. પ્રશ્ન તો માત્ર એક દિવસનો છે ને ? તારો કાર્યક્રમ ન બદલીશ હોં !’
‘ના મમ્મી, કમુનું ક્યાં નક્કી છે ? એ નહિ આવે તો તમને તકલીફ પડશે. અમે આવતી કાલે નહિ, પરમ દિવસે નીકળીશું.’
‘અરે ! આખું વર્ષ તો તું કામ કરતી જ હોય છે ! કાલે કદાચ કમુ ન આવે તો પણ તું ચિંતા ન કર ! એક દિવસ હું સાચવી લઈશ. નવા વર્ષે જ ફરવા જવાનો તમારો ઉત્સાહ છે તો ભલે, કાલે જ નીકળો !’
‘ના મમ્મી, તમારી વાત સાચી છે. તમને તકલીફ પડશે ને હું બધાને મળવાનું ગુમાવીશ ! નવા વર્ષે સૌને મળવાનો આનંદ કોઇ અનેરો જ હોય છે !
‘પણ હિરલ…’
‘ના, મમ્મી ! ગમે તેમ, હું કાલે નથી જ જવાની ! નવા વર્ષનો પ્રથમ દિવસ અહીં ઘરમાં તમારી સાથે જ ગાળવો છે.’
’બહું સરસ બેટા ! મને ખૂબ ગમ્યું.’ એમણે સંતોષથી કહ્યું, ને ભીંજાયેલા આંખના ખૂણા આંગળીના ટેરવાથી લૂછી નાખ્યા !

આપોઆપ જ એમના હાથ નાનકડા કલાત્મક મંદિરમાં બિરાજેલ ભગવાનને જોડાઇ ગયા !
‘અરે ! હિરલ બેટા ! અહીં ભગવાન પાસે તો દીવો મૂકવાનો જ રહી ગયો !’
હિરલે રૂ લઇ, પાતળી સુંદર વાટ બનાવી, કોડિયામાં ઘી પૂર્યું….ને રાધાબેને દીવાસળીથી દીવો પ્રગટાવ્યો. અત્યારે પવન પણ નહોતો ને વાટ પણ સંકોરવાની નહોતી ! નવું કોડિયું ને નવી વાટ ! દીવડો તરત જ પ્રજવળી ઊઠયો !!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નસીબ આડેનું પાંદડું – યશવંત કડીકર
આધુનિક યુગનાં પુણ્યો – મીનાક્ષી ચંદારાણા Next »   

10 પ્રતિભાવો : દીવડો પ્રગટ્યો – કલ્પના જિતેન્દ્ર

 1. ત્યાગ એ સંયુક્ત કુટુંબનો પ્રાણવાયુ છે.
  પણ ભંગાર presentation.

 2. keyur vyas says:

  you could have presented it more better. It seems like it is endedat the wrong time.anyway, keep writting, wish u best luck

 3. hitu pandya says:

  સારો પ્રયત્ન..લેખન ના દિવડા પ્રગટાવવા નુ ચાલુ રાખજો..

 4. Keyur Patel says:

  (-)*(-)=+

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.