બટાકાપૌંઆ તો તારાબહેનનાં જ ! – કલ્પના દેસાઈ
દરેક ભારતીય કન્યાને સાસરે વળાવતી વખતે એનાં મા-બાપ યાદ રાખીને દહેજની સાથે બટાકાપૌંઆની રેસિપી આપે છે ! એનું એક જ કારણ એ છે કે, મહેમાન કંઇ બધાંને ત્યાં રોજ નથી આવતા પણ જયારે આવે છે ત્યારે મનમાં બટાકાપૌઆની આશા જીવંત રાખીને આવે છે. ને એ સમયે જો કન્યાને જો બટાકાપૌંઆ ન આવડે તો એને આપેલો બાકીનો બધો જ દહેજ નકામો ગણાય !
ને એટલે જ તારાબહેનના બટાકાપૌંઆ એમના મોટ્ટા વર્તુળમાં ખાસ્સા જાણીતા અને લોકપ્રિય હતાં ! એકવાર બટાકાપૌંઆ બનાવે પછી તારાબહેન એમાં કોઇ કસર છોડે નહી. એકદમ બાદશાહી બટાકાપૌંઆ ! બટાકાપૌંઆમાં, બટાકા ને પૌંઆ તો ખરા જ પણ શીંગદાણાને કાજુ ટુકડાથી માંડીને દ્રાક્ષ-વટાણા-ગાજર-કોપરું-કોથમીર-લીંબુ-ટામેટાં ને સેવ ભભરાવીને સજાવેલા બટાકાપૌંઆ તો તારાબહેનના જ ! (હવે તમારા મોંમાં પાણી આવ્યું હોય તો તારાબહેનનું એડ્રેસ ના પૂછતાં) અમે જાણીએ છીએ કે, ફક્ત બટાકાપૌંઆનું અમારે કેવું ભારે વળતર ચૂકવવું પડેલું ! !
વાત એમ બનેલી કે , એક વાર અમે આમ જ તારાબહેનને ખુશ કરવા પહોંચી ગયાં. (બહાનું તો બટાકાપૌઆનું જ અને સમય પણ નાસ્તાનો જ !) પ્રારંભિક આગતા-સ્વાગતા થઇ ગઇ. (આવો, બેસો, પીઓ પાણી.) થોડી વારે તારાબહેનનાં સાસુએ તારાબહેનને ધી……મે… થી ઑર્ડર કર્યો, ‘તારા-આ લોકોને માટે કંઇ નાસ્તા-પાણી બનાવને.’ !
’હા બા’. કહી તારાબહેને અમને જૂનામાં જૂનો સવાલ પૂછ્યો, ‘શું લેશો? ચા-કૉફી-નાસ્તો?’ !
અમે તો જવાબ નક્કી કરીને જ ગયેલાં પણ અસભ્ય નહોતાં એટલે એ જ ઘસાયેલો જવાબ, ‘ના, ના.કંઇ નહીં. બેસોને અમે તો મળવા જ આવ્યાં છીએ.’ ખરેખર તો, ‘બટાકાપૌંઆ બનાવી કાઢ. ખાશે આ લોકો.’ સાંભળીને અમારાં તો રોમરોમ પુલકિત થઇ ઊઠયાં. ખુશી છુપાવવા અમે વાતે વળ્ગ્યાં ને મોંમા આવતું પાણી ગળતાં રહ્યાં ! !
તારાબહેન તો હોંશે હોંશે રસોડામાં ગયાં ને થાળીમાં પૌંઆ લઇને આગળ આવ્યાં. પૌંઆ સાફ કરતાં કરતાં કામવાળીની કથા માંડીને બેઠાં. ‘તમારે ત્યાં કામવાળી આવે છે ?’ ખાડામાં પડવાનો મને અણસાર ન હોવાથી મેં પણ વાતમાં ઝુકાવ્યું. અરે ! કામવાળીની તો વાત જ જવા દો. રોજની જ માથાકૂટ. ‘કેમ – તમારે ત્યાં નથી આવતી?’ બસ ! એટલું પૂછતાં જ તારાબહેનના હાથે અનાયાસે જ પૌંઆની થાળી બાજુએ મુકાઇ ગઇ ને બે હાથની ભરપૂર એક્શન સાથે, કામવાળીની દસ વર્ષ પહેલાંની વાતથી શરૂ કરી આજ સુધીની (ને કદાચ ભવિષ્યનાં દસ વર્ષોની પણ !) વાત, મોં પર જાતજાતના હાવભાવ લાવીને કરી. થોડી વાર તો અમને રસ પડ્યો. બતાવ્યો પણ ખરો. પણ પછી કંટાળ્યા. પૌંઆ પડી રહ્યા ને તારાબહેન તો એની ધૂનમાં બબડતાં રહ્યાં! !
તારાબહેનનાં સાસુ તો ઊંચાનીચાં થાય પણ બોલે કેવી રીતે ? વચ્ચે ‘નો એન્ટ્રી’ માં ઘૂસ મારતાં કહ્યું, ‘તારા, બટાકાપૌઆ બનાવી નાખ ને જરા.’ !
‘હા, હા. હમણાં જ બનાવી લાવું. આ જુઓને પૌંઆ લાવીને કામવાળીની વાતે લાગી ગઇ. તમે બેસજો હં ! હમણાં બનાવી લાવું.’ તારાબહેન તો રસોડામાં ગયા ને પૌંઆ મૂકીને કાંદા-બટાકા-કોથમીર વગેરે સામગ્રી લઇને એમનાં સાસુની સામે મૂકી ગયાં. થાળીને છરી મૂકતાં કહ્યું, ‘બા, જરા આટલું સમારી આપો ને ! હું પૌંઆ પલાળી દઉં.’
બટાકાપૌઆ ખાવાની તલપની અમારી પરીક્ષા થતી હોય એવું લાગ્યું. અમે વહેલાં-વહેલાં બાને મદદ કરવા ધસી ગયાં.
વળી તારાબહેને દર્શન દીધાં. ‘તમે કાંદા-લસણ ખાઓ છો ને?’ !
‘શાકમાં કે કાચ્ચે કાચ્ચાં?’
‘ના – ના, એટલે બટાકાપૌંઆમાં કાંદા નાખું ને ?’
‘હા, નાંખો ને અમે તો બધું જ ખાઇએ.’ (પ્લીઝ જલ્દી કરો. અમને બધું જ ચાલશે. હવે રસોડામાંથી બહાર નહીં આવતાં.)
‘અરે ! એક વાર એવું થયેલું કે, મેં કેટલી………મહેનતથી સરસ બટાકાપૌંઆ બનાવેલા ને અમારે ત્યાં જે મહેમાન આવેલાં તે જૈન ! મને ખબર નહીં. મેં ડિશ ધરી ત્યારે એમણે પૂછ્યું, ‘આમાં કાંદા છે ?’ મેં તો ભોળીએ હોંશે હોંશે હા પાડી. એટલે કટાણું મોં કરીને કહે, ‘અમે તો કાંદા નથી ખાતાં.’ (જૈન થઇને પણ ?) મને તો એવો ગુસ્સો આવ્યો. પહેલેથી બકતાં શું થયું’ તું? કેટલી મહેનતથી મેં બટાકાપૌંઆ બનાવેલા ! ને એક વાર તો એવું થયેલું કે, મેં એટલા સરસ બટાકાપૌંઆ બનાવેલા પણ એમાં મીઠું નાખવાનું જ ભૂલી ગયેલી. કોઇ કંઇ બોલ્યું નહીં ને બધી ડિશ એમ જ પડી રહી. મીઠું માંગી નો’તું લેવાતું ? એટલે હવે તો બટાકાપૌઆ બનાવવા પડે કે હું દસ વાર બધું જોઇ – પારખી લઉં ને ચાર વાર ચાખી લઉં.’
તારાબહેનની વાતો ખૂટતી નહોતી. અમારા ઝાંઝા રળિયામણા હાથોએ બધી તૈયારી પતાવી દીધી હતી, ને તારાબહેનની નૉનસ્ટોપ રેકોર્ડ ચાલુ હતી. સાસુજીએ ફરી ધી……..મે….થી પૂછ્યું, ‘તારા, પૌઆ પલળી ગયાં ?’ ‘આ હમણાં પલાળી દઉં. નહીં વાર લાગે.’ પછી બા તરફ ફરીને, ‘બા, તે દિવસે કેવું થયું’તું નહી? અમારા વેવાઇ આવેલા ને ખાસ મારા હાથના બટાકાપૌંઆની ફરમાઇશ કરી. ઘરમાં પૌંઆ નહી ને કોથમીર-કોપરું કંઇ જ નહીં. મેં તો કામવાળીને તરત જ બજારમાં દોડાવેલી. (બજારમાં દોડતી કામવાળી ! અદભુત !) વેવાઇને વાતમાં રોકી રાખ્યાં. (આજની જેમ જ ?) ને કામવાળી આવતાં જ ફટાફટ બટાકાપૌંઆ બનાવી કાઢ્યાં. વેવાઇ તો ખુશ ખુશ થઇ ગયાં. ! (અમારે કયાં સુધી રાહ જોવાની છે? પૌંઆ પલાળોને !)
તારાબહેન રસોડામાં ગયાં ખરાં ! એવામાં અમારે ઘેરથી દીકરીનો ફોન આવ્યો, ‘મમ્મી, મામા-મામી આવ્યાં છે. બટાકાપૌંઆ બનાવવાનાં છે. પૌંઆ ક્યાં મૂક્યાં છે ?’ મેં એને પૌંઆનું એડ્રેસ આપ્યું ને કહ્યું, ‘થોડાં વધારે બનાવજે. અમે હમણાં આવીએ જ છીએ.’ ને ખાતરીનાં બટાકાપૌંઆ ખાવા અમે ‘જવું પડશે’ કહી, તારાબહેનના ઘરને, તારાબહેનને, સાસુજીને ને કામવાળીને બાય બાય કર્યુ ! ગમે તે થઇ જાય – આજે તો બટાકાપૌંઆ ખાવા જ છે !
Print This Article
·
Save this article As PDF
ચાલો મારે પણ ઘરે જવુ પડશે…. પૌવા બનાવવા…. યાદ આવ્યા….
I made ‘batatapooya’ today – very tatsty – thks to the writer for reminding to make them –
અત્યંત રસાળ લેખ! મઝા પડી ગઈ! લોંગ લીવ બટાકાપૌંઆ.
આમ મોઢા મા પાણી કેમ લવાવડાવો છો???
આ અમે તમારૂં શું બગાડ્યું છે? હવે તો કંઈક ખાવું જ પડશે…….
બટાકા પૌવા કરી કરી ને બટાકા પૌવા ના તમે તો ભાવ વધારી નાખશો. આજે તો ઘરે જતા બટાકા પૌવા લેતા જ જ્વા પડશે.
સ્મરણ માત્રથી સહુને ઘેલા ઘેલા કરી મૂકતી ઘર ઘરની!!!!!!!!!!ઘેલીનાં ઘેર ઘેર સાસરાં!!!!!!!!!!!!!અભિનંદન.
i also love batetapauaaaaa!khavanu man thy gyu!
mane to bahu j bhave che batekapauvaaaaaaaaaaaaaaa , have to khva j padse ghare jayene
બધા ખાય ને હુ કેમ બાકી રહુ, હું પણ ચાલ્યો પિન્ટુ ના હાથના બટાકાપૌઆ ખાવા.