કવિ, કવિ, શું મળ્યું ? – શરદ જોષી

[કટાક્ષિકા]

હે કવિ, એક પ્રશ્નનો ઉત્તર આપ. કવિ થવાથી તને શું મળ્યું ?
મને પત્ની મળી. મારાથી એ મોહ પામી અને મારી સાથે તેણે લગ્ન કરી લીધાં.
પત્નીને શું મળ્યું ?
હું મળ્યો. હું તેના પર મોહિત થયો, હજી પણ છું. તેનાથી મને છોકરાં મળ્યાં.
કવિતાથી તમને બીજું શું-શું મળ્યું ?
નોકરી મળી. કવિ હતો એ કારણે જ નોકરી મળી.
કવિતાનું શું થયું ?
તેનો સંગ્રહ થયો. સંગ્રહ છપાયો.
કાવ્યસંગ્રહનું શું થયું ?
વેચાયો, ઇનામ મળ્યું, સન્માન મળ્યું, વિવેચન થયું. આમ, કવિતાથી પત્ની મળી, નોકરી મળી, પુરસ્કાર મળ્યા, માન મળ્યું, વિવેચનથી બહુમાન થયું.

બીજું શું મળ્યું ?
ચર્ચા મળી, અભિવાદન મળ્યું, કૉફીહાઉસમાં જગ્યા મળી, સામાયિકનું સંપાદન મળ્યું, પ્રશંસાનાં ફૂલ વરસ્યાં, મારા ઉપર મોટા-મોટા લેખ થયા.
આ બધાંથી શું મળ્યું ?
એનાથી પહેલાં કરતાં મોટી નોકરી મળી, પહેલાં કરતાં મોટો પુરસ્કાર મળ્યો, કમિટીઓમાં સભ્યપદ મળ્યું, પૈસા મળ્યા, માન મળ્યું, રેડિયો મળ્યો, ટેલિવિઝન મળ્યું અને એક પ્રેમિકા મળી.
કવિતાથી એક પત્ની મળી અને પછી એક પ્રેમિકા મળી.

અકાદમીનો એવૉર્ડ મળ્યો, પરદેશની યાત્રા મળી, પુસ્તકોનાં સંપાદન મળ્યાં, ભાષણો કરવા સંમેલન મળ્યાં, મોટા-મોટા લોકો સાથે દોસ્તી મળી, સંબંધો મળ્યા, રહેવા માટે બંગલો મળ્યો, પાઠ્યપુસ્તકોમાં સ્થાન મળ્યું, સંશોધન કર્યા વગર યુનિવર્સિટી પાસેથી ડૉક્ટરેટની ઉપાધિ મળી, કામ કર્યા વગર ફેલોશિપ મળી.

બીજું શું મળ્યું ?
પદ્મશ્રીનો ખિતાબ મળ્યો, રાજ્યસભામાં નિયુક્તિ મળી, બીજી ભાષાઓમાં અનુવાદ થયા, નામ મળ્યું, ઇનામ મળ્યું, મારા ઉપર ડૉક્યુમેન્ટરી ફિલ્મ બની. હું દર્શન, નિમંત્રણ, અતિથિવિશેષપદ, ઑટોગ્રાફ, જન્મદિન-ઉજવણી, અભિનંદનો, પુસ્તક-અર્પણ, ચરણસ્પર્શ, આશીર્વચન, પુસ્તક-લેખન, જીવનચરિત્ર, યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. અને ડી.લિટ. દીક્ષાંત ભાષણ, રાષ્ટ્રને નામે સંદેશ અને ઈન્ટરવ્યૂમાં પ્રશ્નોત્તરી માટે લાયક ગણાયો. મારી ષષ્ઠીપૂર્તિ ઊજ્વાઈ, અભિનંદનગ્રંથ છપાયો, છાપાંઓમાં મારા ફોટા પ્રગટ થયા. કવિ હોવાના કારણે મને આ બધું મળ્યું. યુનિવર્સિટી માં ચેર મળી, પગાર મળ્યો, ભથ્થાં મળ્યાં. બીમાર થયો ત્યારે સારવાર માટે પૈસા મળ્યા, સારી સારવાર મળી, મારાં છોકરાઓને સારી નોકરીઓ મળી, એ નોકરીઓને કારણે તેમને સારા ઘરની છોકરીઓ મળી, કરિયાવર મળ્યો, મારી છોકરીઓને યોગ્ય વર મળ્યા, જરૂર પડી ત્યારે આર્થિક સહાય મળી, થેલી મળી, ભેટ મળી, રેલવેનો ફ્રી પાસ મળ્યો, આખા દેશ ના ખૂણેખૂણે ફરવા મળ્યું, સારીય દુનિયામાં ભમવા મળ્યું, જાતજાતના શરાબના જામ મળ્યા. જમણવાર મળ્યા, આનંદનાં સાધન મળ્યા, ભીડ મળી, મહેફિલો મળી, વાહવાહ મળી, મજાકો ને ખાખલા-ખીખલી કરવા મળ્યા, ગણગણવાને ગીત મળ્યા, ચાવવા સારુ ઉત્તમ પ્રકારનાં પાન મળ્યા, આંખ મિલાવવા સુંદર ચહેરા મળ્યા, પહેરવા માટે હાર મળ્યા, બેસવા માટે કાર મળી, ગપ્પાં મારવા યાર મળ્યા, છાપવા માટે અખબાર મળ્યાં; યશ મળ્યો, અહમ્ પોષાયો, દંભ કર્યો, વિવેચન કરવા મળ્યું, મૂલ્યાંકન ને પુનર્મૂલ્યાંકન થયું, વિશેષણોની કલગી મળી. કવિ થવાને કારણે મને બધું જ મળ્યું.

કવિ થવાથી તને બધું જ મળ્યું, પદ, પત્ની, સન્માન, પૈસા, યશ, તક, મુસાફરી, જીવન. હવે એક પ્રશ્ન નો ઉત્તર આપ, કવિ, આ બધાથી તને સંતોષ મળ્યો ?
હા, ભરપૂર સંતોષ મળ્યો.
હવે બીજો અને છેલ્લો પ્રશ્ન –
કવિ થવાથી તને બધું મળ્યું, પણ કવિતા મળી ?
કવિ ચૂપ થઈ ગયા.
પ્રશ્ન ફરીથી પુછાયો : કવિ થવાથી તને બધું મળ્યું, પણ કવિતા મળી ?
કવિતા ન મળી.

કવિતા ન મળી અને તોય તું પૂરેપૂરો સંતુષ્ટ છે. એક જિજ્ઞાસા. તું કઇ ભાષા નો કવિ છે જ્યાં કવિતા કર્યા વગર જ કવિ ને બધું મળી જાય છે ? કવિતા તારે માટે બધુંજ મેળવવાનું સાધન છે અને છતાં તારી પાસે કવિતા નથી ! બધું મળી ગયું પણ હજી કવિતા લખવાની બાકી છે. કવિતા વિના જ તે કવિ છે. પદ, પ્રેમિકા, પૈસા, માન અને ચર્ચા ને કારણે જ તે કવિ ગણાય છે. બધું છે, કવિતા નથી અને છતાંય કવિ છે. એક જિજ્ઞાસા.
ખાલી જગ્યા ભરો : તું કંઈ ભાષાનો કવિ છે ? ___________
હું ગુજરાતી ભાષાનો કવિ છું. હું પોતે જ ખાલી જગામાં પૂર્તિ છું.
જવાબ સાચો છે. સોએ સો ટકા માર્ક આપો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ક્યાં ? – ભગવતીકુમાર શર્મા
આપણે અને વિચારો – પ્રવીણ દરજી Next »   

16 પ્રતિભાવો : કવિ, કવિ, શું મળ્યું ? – શરદ જોષી

 1. suresh jani says:

  બહુ જ અદભૂત વ્યંગ . ઉમાશંકર જોશીએ પણ કહ્યું છે –
  ગીત અને ગોત્યું ગોત્યું ને તો ય ના જડ્યું

  અશબ્દના ઉપાસક શ્રી. રાજેન્દ્ર શુકલ જેવા ખરેખર કવિતા જેમને મળી છે તેવા કવિ તો આંગળીએ ગણાય તેટલા જ હશે , બાકી બીજો બધો તો વાણી વિલાસ.

 2. Divaker Desai says:

  Sharadbhai,

  Excellent !!!!! No words!!!!!!
  Real story of Poet.

  Divaker
  Milwaukee
  USA

 3. માંગ્યુ તે ન મળ્યું ને ગોત્યું તે ન જડ્યું

 4. mukeshpandya says:

  Superb…..Sharadji is/was grate humeriest. we are too small to pass any coment or openion for Sharadji.
  Mukesh Pandya

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.