- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આપણે અને વિચારો – પ્રવીણ દરજી

ઘમ્મપદમાં બહુ સાચી રીતે કહેવાયું છે : આપણે જે કંઇ છીએ તે આપણે કરેલા વિચારોનું પરિણામ છે. માણસનું મૂલ્ય અને માપ બંને તેની વિચારશક્તિ ઉપરથી નીકળે છે. કેટલાકને માત્ર નકારાત્મક વિચારવાની જ આદત હોય છે. કોઇને ઉચ્ચ પદ મળ્યું હોય, કોઇ પરીક્ષામાં ઉત્તીર્ણ થયું હોય, કોઇને બઢતી મળી હોય કે પછી કોઇને કશે સફળતા મળી હોય – તો નકારાત્મક વિચારનાર તેમાં કશુંક અજુગતું જ જોશે. પેલી સિદ્ધિને એ ખુલ્લા મને બિરદાવી નહી શકે. આવી વ્યકિત શંકા-કુશંકા થી જ ઘેરાયેલી રહે છે. પરિણામે એવી વ્યકિતનું વ્યક્તિત્વ સદા કુંઠિત જ રહે છે. પર્યંતે તે વાંકદેખુ અને ઇર્ષ્યાળુ બની રહે છે.

માણસ હકારાત્મક વિચારતાં શીખે તો જીવનની અડધી સફળતાઓ આપોઆપ એની પાસે આવી રહે. મારે મારી કારકિર્દી બનાવવી હોય. કોઇક નવા કાર્યનો આરંભ કરવો હોય તો ક્યાંકથી તો પ્રારંભ કરવો જ જોઇએ. પ્રારંભ કરતા પૂર્વે જ આમ કરીશ તો તેમ થશે ને તેમ કરીશ તો આમ થાશે એવી દોલાયમાન સ્થિતિ ન ચાલે. માત્ર હું જે કરું છું તે પૂરી સમજ, તૈયારી સાથે કરું છું કે કેમ તે મહત્વનું છે. ભયસ્થાનો બધે જ હોય પણ તેથી કાર્યારંભ ન કરું તો આગળ કેવી રીતે વધી શકું ? કશું પણ કામ હાથમાં લઇએ એમાં અડચણો આવવાની જ. માત્ર એને ઓળંગી જવાની શક્તિ કેળવવી રહી. મારે મારા કાર્ય પ્રત્યે હકારાત્મક વલણ રાખી સતત પ્રય્તનો કરતા રહેવું જોઇએ. પછી જો સાહસ જ ન કરું તો સફળતા કે જીત ક્યાંથી ? જોખમ જ ન ઉઠાવું તો પ્રાપ્તિ ક્યાંથી ? જે લોકો સાહસી છે તેને નસીબ જ યારી આપે છે. બેઠેલાનું બેઠેલું જ રહે, ચાલતાનું ચાલે છે. શાળામાં ભણતી વેળા સારી દલીલ શક્તિ હોય, વકતૃત્વ હોય તો આર્ટ્સમા સ્નાતક થઇ કોઇ એલ. એલ. બી માં જોડાય તો કંઇ ખોટું નથી. ત્યાં પોતાના વ્યક્તિત્વને પ્રકટ થવા પૂરો અવકાશ છે. સાથે કારકિર્દી માટે પણ મોકળાશ છે. દરેક નિર્ણય એમ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં લેવાય, સમજપૂર્વક લેવાય તે જરૂરી છે.

કેટલાક માણસોને આરંભ પહેલાં જ નિષ્ફળ જઇશું તો – એવો ભય સતાવે છે. કેટલાકને પૂરતી તકો હોય તો પણ બીકણપણું તેની આડે આવી જાય છે. પરિણામે ભરપૂર શકિતઓ હોવા છતાં બીક, ભય તેના માર્ગને રૂંધી નાખે છે. પુલ આવતાં પહેલાં જ પુલ કેવી રીતે ઓળંગીશું ? જંગલ જોયા વિના જ જંગલ પાર કેવી રીતે કરીશું ? – આવું વિચારનાર કદી સફળ થતો નથી. જેમ્સ એલને ઉચિત રીતે જ કહ્યું છે : સ્વપ્નાં નિહાળો તો ઊંચા સ્વપ્નાં નિહાળો. જેવું સ્વપ્ન રાખશો તેવા થશો. તમારા એવા ઉમદા વિચારો તમે એક દિવસે શું થનાર છો તેનો પરિચય આપી રહે છે. સંજોગો ગમે એટલા વિપરીત હોય તે કંઇ સદા રહેતા નથી.

કેટલાક માણસો માત્ર પુસ્તકના કીડા બની રહેવામાં કે વિદ્વાન થવામાં કારકિર્દી જુએ છે. કેટલાક ડૉકટર બની રહેવામાં સર્વસ્વ જુએ છે. એ વાત પણ બરાબર નથી. વાલીઓએ વાત બરાબર સમજવી જોઇએ. બાળકની રુચિ રમતગમત પ્રત્યે વધુ હોય અને માતાપિતા મારી મચોડીને ડોકટર બનાવવા ઇચ્છતાં હોય તો અંતે નથી એ ડૉકટર બની શકતો કે નથી બની શકતો રમતવીર. ખોટા આદર્શો, ખોટા આગ્રહો પણ એમ ક્યારેક અકાળે કારકિર્દીને રોળી નાખે છે.

જિંદગીનું દરેક ક્ષેત્ર ઉત્તમ છે, પણ તે માત્ર જે તે ક્ષેત્રમાં રુચિ દાખવનાર માટે જ. જો રસ-રુચિ પ્રમાણેના એના પ્રયત્નો હોય, એ દિશામાં એની ગતિ હોય તો તે જરૂર સિદ્ધિ મેળવશે. માત્ર દઢ મનોબળ, અનવરત પુરુષાર્થ એ માટે જોઇએ. ચંદ્રને આથમતો જોવો હોય તો કોઇ ટેકરી ઉપર તમારે જવું જ પડે. સૂર્યોદય નિહાળવો હોય તો પ્રાત:કાળે વહેલા ઊઠી જવું પડે. આપણને આપણામાં, આપણા ગુણોમાં, સદવિચારોમાં શ્રધ્ધા હોવી જોઇએ. આપણે જો આમ આપણા ઉદ્દેશને પાર પાડવામાં હકારાત્મક રીતે મંડી પડીએ, એવા પ્રયત્નમાં શ્રધ્ધા રાખીએ તો ઇશ્વર પણ આપણને જરૂર મદદ કરવાનો. આપણે વાર્તાઓ, કથાઓ અને દાદીમાની વાર્તાઓ મારફતે સાહસ-સિદ્ધિનું ઘણું સાંભળ્યું છે. એવી વાર્તાનાં – કથાનાં નાયક – નાયિકાઓને જે સિદ્ધિ મળી છે – પછી તેનું ક્ષેત્ર ગમે તે હો – તેમાં તેમનો પુરુષાર્થ રહ્યો છે. તેઓ તકને ઝડપી લે છે. તક ઊભી કરે છે. તક આવે તેની પ્રતિક્ષા નથી કરતાં. તે અમુક્તમુક દિવસની રાહ નથી જોતાં, મુહૂર્ત માટે થોભતાં નથી. પણ આવી મળેલી ક્ષણને પકડી લે છે, જાતને એમાં પૂરેપૂરી જોતરી દે છે. તેવાઓને માટે દરેક ક્ષણ એક સરખી જ હોય છે.

દરેક ડગલું નિશ્ચિત ને યોજનાબધ્ધ હોવું જોઇએ, કાળજીપૂર્વક ને પૂરી આત્મશ્રધ્ધાથી તેમાં આગળ વધવું જોઇએ. આટલું થયું તો સફળતા જ છે, સઘળે આનંદ છે. મક્કમ નિર્ધાર એ જ મૂડી છે. નેપોલિયન જેવાએ નિર્ણય શક્તિને સફળતા માટે મહત્વની ગણી છે.