- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

માનવ અને માનસી – વિશાલ દવે

[‘દિવ્યભાસ્કર’માંથી સાભાર. ]

માનવ અને માનસીનાં લગ્નની આજે પાંચમી વર્ષગાંઠ હતી. વીતેલાં વર્ષોનું સરવૈયું કાઢતાં લેણાં બાજુ જે એક્માત્ર મિલકત વધી હતી તે હતી ચાર વર્ષની તેમની દીકરી નિષ્ઠા. સંગેમરમરમાંથી કંડારેલા શિલ્પ જેવી નાનકડી નિષ્ઠા હવે મા-બાપ વચ્ચે અવાર-નવાર ઝરતા તણખાઓની ગરમી અનુભવી શકતી હતી અને એટલે જ માનવ ઘણીવાર માનસીને કહેતો કે ‘માનસી! આપણાં ઝઘડા આપણી વચ્ચે જ રહેવા જોઇએ. નિષ્ઠાના કુમળા માનસ પર તેની અસર ન પડવી જોઇએ.’

માનવ પ્રત્યેની માનસીની તમામ ફરિયાદો છેવટે એક જ વાક્ય પર આવી અટકતી હતી. ‘દુનિયા આખીના પતિઓ પોતાની પત્નીઓને કેટલું સાચવે છે અને એક તું છે માનવ, કે તને મારી કંઇ જ દરકાર જ નથી. માનવ, તને ખબર છે કે સામેવાળા તુષારભાઇએ દીવાળી પર ગીતાભાભીને સોનાની બંગડીઓ કરાવી આપી ?’
‘હા, તો ?’ માનસીની વાતમાં રહેલો ગર્ભિત ઇશારો માનવ સમજી ગયો હતો.
‘તો કંઇ નહીં, આ તો ખાલી વાત કરું છું. વાત ન થાય ?’ થોડીવાર માટે મૌન પથરાઇ ગયું અને ત્યારબાદ ફરી માનસીના હોઠ ખુલ્યા ‘માનવ તને યાદ છે, આપણે ખરીદી કરવા ગયા ત્યારે રત્નદીપમાં પેલી સાડી મને બહુ જ ગમી હતી?’
’હા, યાદ છે, સાડી પણ બાવીસો રૂપિયાની. તેની કિંમત પણ !.’
‘હા, એટલી જ કિંમતની અને બિલકુલ એવી જ સાડી ગઇકાલે મેં મારી બહેનપણી નીરૂને પહેરેલી જોઇ. મેં એને પૂછ્યું તો કહ્યું કે એના હસબન્ડે એને ‘બર્થ-ડે’ પ્રેઝેન્ટ કરી છે.’
‘માનસી, આ બધી વાત તું મને શું કામ કરે છે ? તું કહેવા શું માંગે છે ?’ માનવે પોતાની નારાજગી વ્યકત કરતાં કહ્યું.

‘તમારી સાથે તો વાત કરવી એ જ ગુનો ! ’ માનસીએ અકળાઇને જવાબ આપ્યો.
‘વાત કરે છે કે અપેક્ષા દર્શાવે છે?’
‘અપેક્ષા દર્શાવી હોય તો પણ ખોટું શું છે ? પત્ની છું તમારી ! એટલો પણ હક્ક નથી મારો ?’
‘જો માનસી, તુષારભાઇ લાકડાનો બિઝનેસ ધરાવે છે એમના માટે પત્નીને સોનાની બંગડીઓ લઇ આપવી એટલું જ સરળ છે જેટલું સરળ મારા માટે તને બગસરાનું પેન્ડન્ટ લઇ આપવું. પરંતુ ખોટું તને સદતું નથી અને પેલી તારી બહેનપણી નીરૂ ! એનો પતિ કોલસાની દલાલીમાં ઘણું કાળું-ધોળું કરી ચૂક્યો છે. બાવીસો રૂપિયા જેટલી રકમ તો એના લૂગડાં ખંખેરતાય અમસ્તા પડી જાય એમ છે. જ્યારે હું રહ્યો એક સામાન્ય શિક્ષક, એ પણ નવો-નવો જેનો પૂરો પગાર પણ હજુ ચાલુ થયો નથી. તું આ બધી વાત કેમ ભૂલી જાય છે ?’
‘સીધી રીતે કહોને કે તમારામાં ત્રેવડ નથી !’ માનસીએ સીધો જ માનવના સ્વમાન પર ઘા કરતાં કહ્યું. જવાબમાં માનવ બિલકુલ સ્તબ્ધ, તેની આંખો પુત્રી નિષ્ઠા પર સ્થિર થઇ ગઇ. હોઠ પર આવેલા શબ્દો તે ગળી ગયો. ઇચ્છા તો હતી કે એક ધક્કા સાથે માનસીને ઘરની બહાર ધકેલી દે, પરંતુ ધક્કાની અસર પત્ની કરતાં વધારે પુત્રીને થાય તેમ હતી. આ વાત ને આજે એક વર્ષ થવા આવ્યું હતું. એક જ છત નીચે રહેવા છતાં માનવે માનસી સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા. સાથે રહેવાનું એક માત્ર કારણ પુત્રી નિષ્ઠાનું સુરક્ષિત ભવિષ્ય હતું.

એક વર્ષના આ ગાળા દરમિયાન માનસી ઘણું પસ્તાઇ ચૂકી હતી. પતિની આંખમાં આંખ મિલાવવાની હવે તેની હિંમત નહોતી. માફીનામું તૈયાર કરવા માટે તેણે કાગળ તથા પેન ઉઠાવ્યાં અને શરૂઆત કરી. ‘પ્રિય માનવ ! એક વર્ષ સુધી તારી સાથે રહેવા છતાંય તારાથી દૂર રહીને મને સમજાઇ ચૂક્યું છે કે સાચું સુખ ભૌતિક સંપત્તિમાં નહીં પણ નિ:સ્વાર્થ લાગણીઓમાં છે. કીંમતી દાગીનાઓમાં નહી પણ હુંફાળા સંબંધોમાં છે હું ભૂલી ગઇ હતી કે રૂપિયાની મદદથી શોરૂમમાં સજાવેલી સાડી તો ખરીદી શકાય છે, પરંતુ પતિની આંખોમાં રહેલી ચમક નહીં. તારી માનસીને એક્વાર માફ નહી કરે માનવ?’ આટલું લખ્યા બાદ માનસીની આંગળીઓ અટકી ગઇ. માનવ હવે આવતો જ હશે એમ વિચારી તેણે ત્યાં જ પત્ર પૂરો કરી દીધો. પછી પત્ર મૂકવા માટે તે માનવના ટેબલ તરફ વળી. તેનું ડ્રોઅર ખૂલતાં જે તેની નજર અંદર પડેલાં પોતાનું નામ લખેલા કવર પર પડી. તેણે કવર ઉઠાવ્યું. અંદર માનવનો પત્ર હતો.

માનસીએ ફડકતા હૃદયે અને ધ્રૂજતા હાથે પત્ર વાંચવાની શરૂઆત કરી, ‘પ્રિય માનસી! આજે હું હારી ગયો. આજ સુધીનો દરેક દિવસ હું એ જ વિશ્વાસ સાથે વિતાવતો રહ્યો કે એક દિવસ તો એવો જરૂર આવશે જ્યારે મારી માનસી બધું જ ભૂલીને સંબંધોમાં પડેલી તિરાડને પૂરી દેશે. પોતાની ભૂલ સ્વીકારી લેશે અને પ્રેમથી મને ગળે લગાવી લેશે, પરંતુ મારો એ વિશ્વાસ માત્ર એક ભ્રમ સાબિત થયો. દાંપત્યજીવનનાં અંધકારમાં એક નવો સુરજ ઊગવાની મારી આશા રોજે ટુકડે-ટુકડે દમ તોડતી રહી એટલે કાયમ માટે આંખોથી દૂર કરી અહીંથી જઇ રહ્યો છું. હું જવાબદારીથી છટકી જનારો ના-મર્દ નથી એટલે આપણી દીકરી નિષ્ઠાને મારી સાથે લઇ જઇ રહ્યો છું. તેનો ઊછેર હવે હું મારી રીતે કરીશ. તને તારી જિંદગીની સેકન્ડ ઇનિંગ માટે બેસ્ટ……માનસી આગળ વાંચી ન શકી. માનવની આંખોમાંથી ટપકેલા અશ્રુઓથી પત્રનાં અક્ષરો ચેરાઇ ચૂક્યા હતા.