- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સોબત – પ્રવીણ દરજી

હમણાં, આ વખતની શાળાઓની વાર્ષિક પરીક્ષા લેવાઇ ત્યારે ધોરણ સાતમાં અભ્યાસ કરતો દોહિત્ર ચેતસ વીણેલાં મોતી જેવી કેટલીક પંક્તિઓ સમજવા માટે મારી પાસે આવ્યો હતો. એને સમજાય એવી ભાષામાં એ પંક્તિઓ મેં દષ્ટાંતો સાથે સમજાવી. પણ એણે લોકસાહિત્યની બે પંક્તિઓ વિશે મને વારંવાર પ્રશ્નો કર્યા. પંક્તિઓ તો એ સમજયો પણ બાર વર્ષની ઉંમરનું જગત એની પાસે હતું, એટલે કેટલુંક એને ઝટ ગળે ન ઊતર્યુ. એ લોકસાહિત્યની પંક્તિઓ આજે જુદે રૂપે સ્મરણમાં આવી છે. એ પંક્તિઓ લઇને આપણે થોડોક સંવાદ કરવો છે. પંક્તિઓ આ પ્રકારની છે :

સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુ:ખ
ખોજ્યું કરડે પિંડીએ, રીઝ્યું ચાટે મુખ.

દોહિત્રના મનમાં કૂતરાની વફાદારીની વાત પડી હતી. આજુબાજુના પરિવેશમાં. કૂતરાં પાળનાર લોકો એની નજરમાં હતા. કૂતરું કેટલીક રીતે ઉપયોગી થાય છે તેની પણ એની પાસે જાણકારી હતી. ફિલ્મ જોવાને કારણે ગુનેગારોને પકડવા કૂતરાનો ઉપયોગ થતો એ પણ જાણતો હતો. આ બધાં એનાં સારાં પાસાં જરૂર છે જ. તો પછી એની મૈત્રી માટે અહીં બે બાજુનું દુ:ખ કેમ કહ્યું છે – એ એનો મુખ્ય પ્રશ્ન હતો.

પ્રાણી કે મનુષ્યમાં બધી વેળા દોષો જ જોવા મળે છે અને એનો કોઇ ગુણ હોતો જ નથી એવું નથી. દરેકની પાસે કશીક તો વિધાયક શકિત પડેલી હોય છે જ. પણ એ શકિતનો કેવો અને કેટલો ઉપયોગ થાય છે એ મહત્વનું છે. પણ એકાદ ગુણથી એના સમગ્ર વ્યક્તિત્વનું મૂલ્ય આંકી શકાતું નથી. સ્થિરરૂપે તેની સમજ કેવી રહી છે, પરિસ્થિતે પ્રતિકૂળ હોય ત્યારે તે કેવી રીતે વર્તે છે. પોતે ઇચ્છે એના કરતાં કંઇક જુદું જ પરિણામ આવે અથવા પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તેની વર્તણૂંક કેવી હોય છે, પોતાને ન ગમતું હોય અને છતાં ગમાડવું પડે એવી પળો આવે ત્યારે તે કેવી રીતે વર્તે છે. વગેરે અનેક બાબતો – એમ પેલા પશુ-પ્રાણીને કે માણસને સમજવા મહત્વની બનતી હોય છે.

કૂતરાનો સ્થાયી સ્વભાવ એ છે કે તે જલ્દી ખુશ થઇ જાય છે અને સાથે એટલું જ ઝડપી એ ગુસ્સે પણ થાય છે. લોકસાહિત્યના કવિને કહેવું તો એ છે કે એવા પ્રાણીથી માણસે બચવું જોઇએ. જે ખુશ થાય તો તરત પાસે મુખ ચાટે અને ગુસ્સે થાય તો બચકું ભરે. મુખ ચાટે ત્યારે એનું વ્હાલ ત્યાં જરૂર છે પણ સાથે એની લાળ મનુષ્યને માટે એટલી જ હાનિકારક છે. એટલે મુખ ચાટવાની ક્રિયા છેવટે તો નુકસાનકારક જ પુરવાર થાય છે. અને એ ગુસ્સે થાય તો જેનું તેણે મુખ ચાટયું છે એની જ પિંડીને એ બચકું ભરે છે. ટૂંકમાં એવા પશુની મૈત્રી બંને રીતે ભયજનક છે.

આ અજ્ઞાત લોકકવિને છેવટે તો ખરાબ સ્વભાવના મનુષ્યો વિશે વાત કરવી છે. દેખાય છે એ બધું સદા ઊજળું હોતું નથી. કેટલાક મનુષ્યો ગરજ વખતે આપણી આસપાસ આંટા મારે છે. અતિશયોક્તિભર્યા વચનો કાઢીને આપણી પ્રશંસા કરે છે. આપણા સહ્રદય હોવાનો તે દાવો કરે છે. પણ તેવાનું જો એકાદું કામ ન થયું હોય તો પછી જુઓ મઝા. એ પછી એલફેલ તો આપણા વિશે બોલવા જ માંડશે પણ પેલા કૂતરાની જેમ આપણી પિંડીએ તે બચકું ભરવા પણ આવશે. અર્થાત આપણને નુકસાન થાય તે માટેની એકેય તક તે જતી નહિ કરે. પેલા બધા ઉપકારો તે ભૂલી જશે. જ્યાં ને ત્યાં આપણા વિશે ઘસાતું બોલવાનું શરૂ કરી દેશે અને આપણે વધુમાં વધુ મુશ્કેલીમાં કેવી રીતે મુકાઇએ તે માટે તે બધા જ પ્રય્તનો કરશે.

કવિએ તેથી જ કહ્યું છે કે સ્વાર્થમાં રચ્યાપચ્યા, જલ્દી ખુશ થનાર કે ગુસ્સે થનાર માણસની મૈત્રી ક્યારેય ન કરો. એ ખુશ થાય ત્યારે અને ગુસ્સે થાય ત્યારે બંને રીતે આપણા માટે તો ભયજનક અને હાનિકારક જ છે. એવાઓની મૈત્રી ક્યારેય કરવી નહી. સીઝર અને બ્રુટ્સની મૈત્રીને અહીં યાદ કરો. શેક્સપિયરે પણ એવા બ્રુટ્સ જેવા મિત્રોથી હંમેશા દૂર રહેવા જ જણાવ્યું છે. જે સીઝર બ્રુટસને એક્માત્ર સાચો મિત્ર લખતો હતો એ બ્રુટસ જ સીઝરને મારી નાખવાના કાવતરાનો મુખ્ય સુત્રધાર હતો. સીઝરની તેથી જ અંતિમ સમયની વેદના “અરે, બ્રુટ્સ તું?!”એવા શબ્દોમાં ઉત્તમ રીતે ઝીલાઇ છે.

લોકસાહિત્યકારનો દુહો તેથી તામસી, સ્વાર્થી માણસોથી આપણને ચેતવે છે. તેવાઓ આપણી પાસે આંટા મારતા હોય કે દૂર રહેતા હોય – બંને વખતે તેમની મૈત્રી આપત્તિરૂપ જ પુરવાર થતી હોય છે. સાચી મૈત્રી તો અડોલ ચિત્તવાળા સાથે સંભવી શકે. ખીજે કે રીઝે બધી વેળા મૈત્રીનું નિર્મળ ઝરણું વહેતું રહેવું જોઇએ. મૈત્રી વેદનાને વધારે નહી, વેદનાને ઓછી કરે છે અથવા તો મિટાવી જ દે. સાચો મિત્ર ના મુખ ચાટે, ના પિંડીએ કરડે. એ તો પ્રસન્ન રહી અન્યની પ્રસન્નતા દઢાવે, સુખ અને દુ:ખ બંને સ્થિતિમાં મિત્રની પડખે રહે. એ ખુશ થાય કે ખીજે, પણ મૈત્રીના તારને તો તે લગીરે તૂટવા ન દે.