ધરતીનો છેડો ઘર – ડૉ. મોહનભાઈ પટેલ

[અખંડઆનંદ-ફેબ્રુ-07 માંથી સાભાર.]

માણસ માત્ર શાંતિ ઝંખે છે. થાકેલો-પાકેલો માણસ પોતાના ઘરમાં પગ મૂકે છે ને આખા જગતનો વૈભવ પામ્યાની અનુભૂતિ કરે છે.

ઈંટ, રેતી ને સિમેન્ટથી તૈયાર કરેલું મકાન ઘર ક્યારે કહેવાય છે ? એમાં રહેનારાં બધાં પ્રેમપૂર્વક રહેતાં હોય, બીજાના દુ:ખે દુ:ખી ને બીજાના સુખે સુખી થતાં હોય, કમાયેલો રોટલો વહેંચીને ખાતાં હોય, ઘોંઘાટમાં નહિ પણ કિલ્લોલમાં રાચતાં હોય, લેવામાં નહિ પણ આપવામાં રાજી રહેતાં હોય, અડોશી-પડોશીને પ્રેમ કરતાં હોય, પ્રામાણિક વ્યવહાર કરતાં હોય, દેશદાઝથી ઝળહળતાં હોય, વૈભવને બદલે સાદાઈ અપનાવીને સુખના ઓડકાર લેતાં હોય ત્યારે એ મકાન ઘર થયું કહેવાય.

પ્રકૃતિ પ્રત્યે તેઓ અપાર પ્રેમ દાખવતાં હોય. ઊગતા સૂરજનો સંદેશ પચાવવામાં એમને આનંદ થાય. સંધ્યાના-ઉષાના રંગ એમનાં ચિત્ત તરબતર કરી મૂકે. ગાતાં ઝરણાં એમનાં હૈયાંને જીવન-સંગીતની તાલીમ આપે. મેઘ-ધનુષ એમને વૈવિધ્યનો મહિમા સમજાવે. સાગરની વિશાળતા તેમને ઉદાર અને સમભાવી બનાવે.

ખરું ઘર એ છે કે જેમાં રહેનારાં કામમાં માને છે, આળસુ બનીને બેસી રહેતાં નથી. ડિઝરાયેલી સાચું જ કહે છે કે – ‘કામ કરવાથી કદાચ હંમેશાં આનંદ ન મળે એવું બને ખરું, પણ કામ નહિ કરવાથી તો આનંદ નહિ જ મળે.’

સુખ અને પ્રસન્નતાથી રહેવા માટેની ગુરુચાવી એ છે કે માણસે પોતાની જરૂરિયાતો ઓછી કરી નાખવી. ફલાણી વસ્તુ વગર તો મારે ન જ ચાલે એવું વલણ છોડી દો. મારે એના વગર ચાલશે એવું વલણ અપનાવો. આદર્શ કુટુંબના સભ્યોના સુખનું રહસ્ય એ છે કે તેઓ ઉપલબ્ધ ચીજોનો મહત્તમ ઉપયોગ કરી એમાં જ સંતોષ અનુભવે છે. ન હોય તે મેળવવા તેઓ હવાતિયાં મારતા નથી. મહેનત કરે છે ખરા પણ તેનાથી જે કંઈ ઉપલબ્ધ થાય છે તે એમને મન સોનાનું બની જાય છે.

પ્રસન્નતાની ખરી ખૂબી તો એ છે કે પ્રસન્ન માણસોને જોઈને અન્યોને પણ પ્રસન્ન રહેવાની પ્રેરણા મળતી રહે છે. એ રીતે જગતમાં પ્રસન્નતાની સરવાણી વહેતી થાય છે. સ્ટિવેન્સને યોગ્ય જ કહ્યું છે કે ‘આપણું કર્તવ્ય છે કે આનંદિત રહેવું. જો આપણે પ્રસન્ન રહીશું તો અજ્ઞાતરૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું.’

આનંદની એક બીજી ખૂબી એ છે કે એ તમારી પાસે ન હોય તો પણ બીજાને આપી શકો છો. એને માટે માત્ર ભાવના જ જોઈએ. આનંદ આપવામાં તમારે કશું ગુમાવવાનું હોતું નથી. માણસ વિદ્યા મેળવે, ધન મેળવે, વૈભવ મેળવે, સત્તા મેળવે – એ બધું શાને માટે ? એ ઝંખે છે આનંદ, સુખ અને શાંતિ. ધન કે સત્તા વગર પણ જો એ આનંદ મેળવી શકાતો હોય તો એ મોટી સિદ્ધિ છે. ખરું ઘર આ કીમિયો જાણે છે અને એના સભ્યો સત્તા કે ધન વગર પણ પ્રસન્ન રહેવામાં માહિર છે.

સાચા ઘરમાં અવગણના, ઉપેક્ષા, તિરસ્કાર, ધિક્કાર, દંભ, અવિશ્વાસ, ઈર્ષા, કટુવચન – આ બધાંનો સદંતર અભાવ હોય છે. અહીં તો વરસે છે વહાલ, ઉદારતા, સહાનુભૂતિ, ત્યાગ અને સેવાભાવ. મકાન મટીને ઘર બનવામાં માટીનું, ધરતીનું તપ પણ ઓછું નથી હોતું. સાચુ ઘર તો કોઈ મોટા તપસ્વીના આશ્રમની કક્ષાએ પહોંચેલું હોય છે. જયન્ત પાઠક ઘર વિશેની કવિતામાં લખે છે : ‘આ આપણું એક વારનું ઘર…. આપણાં એક વારનાં ચળકતાં ગીતો ચુપચાપ કટાય છે આ હીંચકાનાં કડાંમાં, આપણી પગલીઓ અહીંતહીં રઝળે છે ઓટલાની ઊખડેલી ઓકળીમાં… દીવાલોમાં દટાઈ ગયેલી દાદાની વાતો પોપડે પોપડે ઊખળે છે.’

ઘરની ધરતી એ માત્ર ધરતી નથી. ત્યાં તેના નિવાસીઓનો ભર્યો ભર્યો ઈતિહાસ ડોકિયાં કરે છે. ત્યાંની હવામાં શું શું નથી ? માણસોની વાણીના પડધા તો ખરા જ, ચકલીઓની ચીં ચીં ના અણસાર પણ ખરા, બિલાડીનું મ્યાઉં મ્યાઉં પણ ખરું ને પોપટના રામ રામ પણ ખરા.

વર્ષોના વહાણાં પછી એક મકાનને માણસ ઘર બનાવી શકે છે. સ્વર્ગીય વૈભવ પણ એની પાસે ઝાંખો પડી જાય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંસ્કારની સૌરભ – અવંતિકા ગુણવંત
વિસામો… – તંત્રી Next »   

17 પ્રતિભાવો : ધરતીનો છેડો ઘર – ડૉ. મોહનભાઈ પટેલ

 1. Manisha says:

  True definition of “GHAR” … Thanks…..now a days only 4 walls and so called relations……

 2. urmila says:

  this article is inspiring -makes people aware of the true definition of ‘ghar’ – many thanks to Dr Mohanbhai Patel

 3. GALA PRAVINA says:

  Really nice notes i like to read it if the people
  understand this simple thing then sad to be evaporated. heartly thanks to writer.

 4. Chirag says:

  ખુબ જ સરસ લેખ
  બહુ સાચિ વાત કરિ.
  આભાર.

 5. Hemal says:

  ખુબ જ સરસ લેખ.
  ઘર થી દુર રહિને જ ઘર અને ઘર ન સભ્યો નુ મહ્ત્વ સમજી શકાય. હુ ઘર થી ૩ વર્ષથી દુર રહુ છુ. આહિ સુન્દર મકાન છે, કાર છે, બધીજ જાતની સગવડ છે. છતા પણ શાન્તી નથી. અને એટ્લા માટેજ હવે હુ મારા ઘરે પાછો ફરૂ છુ.
  ફરી એક્વાર મારા લેખક ને ખુબ ખુબ અભિનન્દન.

 6. Hemal says:

  ખુબ જ સરસ લેખ.
  ઘર થી દુર રહિને જ ઘર અને ઘર ન સભ્યો નું મહ્ત્વ સમજી શકાય. હું ઘર થી ૩ વર્ષથી દુર રહું છું. અહિં સુંદર મકાન છે, કાર છે, બધીજ જાતની સગવડ છે. છતા પણ શાન્તી નથી. અને એટ્લા માટેજ હવે હું મારા ઘરે પાછો ફરૂ છું.
  ફરી એક્વાર મારા લેખક ને ખુબ ખુબ અભિનંદન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.