પુસ્તકોનો સરવાળો – ચંદુલાલ સેલારકા

[‘સંવેદન’ સામાયિક (સૂરત) માંથી સાભાર.]

હજારો પુસ્તકો આટલી ઉંમરમાં – પંચોતેરની વય સુધીમાં ખાનગીગૃહ પુસ્તકાલય (હોમ લાઈબ્રેરી) માં એકઠાં કર્યાં. જે પુસ્તકો ખરીદ કર્યાં હતાં તેના પર, ટેવ પ્રમાણે, ખરીદ તારીખ અને ક્યાંથી – સ્થળ – લીધાં હતા તે લખેલ હતું. તે વાંચતાં તેને અંગેનાં સંસ્મરણો પણ ઉખળી આવ્યાં. પણ એ માટે યે હવે ક્યાં સમય હતો ? ‘લાઈફ ઈઝ શોર્ટ ઍન્ડ આર્ટ ઈઝ લોન્ગ’ જિંદગી ટૂંકી છે અને ચિત્તને-અંતરને-સંતોષવાના શોખો પૂરા કરવાનો સમય તો દીર્ઘ જોઈએ, જાણે અનંતકાળ સુધી તે ક્ષુધા, તે તૃષા સંતોષાવાની નથી !

હજારો પુસ્તકોનો બોજો તો જાણે ‘સમવ્યસની’ ઊઘઈએ ઓછો કર્યો છે. સેંકડો પુસ્તકો કૉલેજની લાયબ્રેરીમાં તેમને વિનંતી કરી ઘરે બોલાવ્યાં તે પસંદ કરી ગયાં ત્યાં મોકલ્યાં. છતાં હજુ હજારો પુસ્તકો, યોગ્ય વ્યવસ્થાને અભાવે, જાણે કબાટમાંથી બહાર કૂદી પાડવા તૈયાર ખીચોખીચ પડ્યાં છે. એટલી ઈશ્વરની કૃપા કે અર્ધા એક ડઝન કબાટો ગોઠવવા ઘરમાં અલાયદો ખંડ મળ્યો છે.

હવે, મૂળ વાત જે કરતો હતો તે – વધતી વયની, હજારો પુસ્તકો વાંચ્યા વગરનાં પણ હશે, ગમ્યાં તે ખરીદી લીધાં – પુસ્તક પ્રદર્શનોમાંથી કે ‘બુકસેલર્સ’ ને ત્યાં લટાર મારતાં. પણ હવે તે વાંચવાનો સમય ક્યાં છે ? છેવટે એક તોડ કાઢ્યો, એક વિચાર કર્યો કે – બધું જવા બેઠું હોય ત્યારે જેટલું હાથમાં બચાવાય તેટલું તો બચાવવું ! એટલે થયું, પહેલાં મારા લખેલાં – પ્રકાશિત પુસ્તકો જુદા તારવી લઉં, જુદા કાઢીને એક કબાટમાં સ્થાન આપું. જાણે આપણાં ‘સંતાનો’ ‘બૉર્ડિંગ’ માં મૂકી હિજરાઈએ તે કરતાં ‘નજર સામે સારાં’ એવી અનુભૂતિ સાથે.

મારાં પુસ્તકો સો જેટલાં તો થયાં જ છે. હજુ બીજાં ઘણાં પુસ્તકોનું પ્રકાશન થઈ શકે તેટલું અપ્રગટ સાહિત્ય પડ્યું છે. મારી આળસને કારણે કે ‘હવે ઘણું થયું’ કે ‘અબ મેં બહુત નાચ્યો ગોપાલ’ એવા ભાવથી. જો કે સાચો અને સારો લેખક જીવનની અંતિમ ક્ષણ સુધી કલમ નીચે મૂકતો નથી કે પુસ્તકોનું પ્રકાશન કરાવવામાં આળસ કરતો નથી તેમ મેં વાંચ્યું-જાણ્યું હતું. ખેર ‘તૂંડે તૂંડે મતિર્ભિના.’

મારાં જ પુસ્તકો સામે જોતાં આનંદ કરતાં અફસોસ વધુ થવા લાગ્યો, એમાંનું ઘણું હું ભૂલવા આવ્યો હતો. તેમાંથી કોઈ નવલિકા કે લેખ કોઈ માસિક-સામાયિકમાં રીપ્રીન્ટ – પુન: પ્રકાશિત થઈ મારી પાસે આવતો અને હું વાંચતો ત્યારે મને તે મેં લખ્યાં હોવાનું આશ્ચર્ય થતું અને જાણે ત્રીજી વ્યક્તિ તરીકે, એક વાચક બની વાંચવાથી ‘સારું લખાયું છે.’ એવા અનુભવથી આનંદ પણ થતો. આમાં ‘વરને કોણ વખાણે ?’ વાળી કે જાતની બડાઈના બણગાં ફૂંકવાની વાત નથી. એવી જરૂર પણ કદી નથી લાગી. તે ભાવ સત્ય છે, કેવળ સત્ય અને સત્ય સિવાય કશું નથી… ધ ઓન્લી ટ્રુથ ઍન્ડ નથિંગ બટ ધ ટ્રુથ – એ જેમ કોર્ટમાં સોગંદપૂર્વક બોલાય છે તેમ કહી શકું.

આવું બધું ‘હું પણ’ પર લખવાનું સૂઝ્યું તે પણ વિશ્વના મહાન ગણાયેલા નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાર લેખક વી. એસ. નાયપોલના ઉદગાર પરથી એક દૈનિકની સાપ્તાહિક પૂર્તિમાં વિશ્વના વિવિધ પ્રકારનાં ઈનામો પ્રાપ્ત કરનાર સાહિત્યકારોના ઉદગારો કે તેમના વિશે નોંધ વાંચી. તેમાં શ્રી નાયપોલના શબ્દો આ પ્રમાણે છે : ‘Everything of value about me is in my books…. I feel that at any stage of my literaray career it could have been said that the last book contained all the others. I am the sum of my books.’ નોબલ-પ્રાઈઝ મેળવતી વખતે શ્રી નાયપોલના આ ઉદગાર હતા જે સર્જક વિશે કેટલીક સમજવા જેવી વાતો, સર્જકની મનોસૃષ્ટિ આપણી પાસે ખુલ્લી મૂકે છે.

વિખ્યાત-સર્જક કહે છે કે ‘મારા વિશે જે કંઈ મૂલ્યવાન છે તે મારાં પુસ્તકોમાં છે. હું મારાં પુસ્તકોનો સરવાળો છું. મારી કારકિર્દીના કોઈ પણ તબક્કે એમ કહી શકાયું હોત કે મારી છેલ્લી કિતાબમાં આગલાં બધાં જ પુસ્તકો આવી જાય છે.’ આ કથનોમાં જે સચ્ચાઈનો રણકો, જે સમજણ, સર્જકની જે અનુભૂતિ પ્રગટ થાય છે તેના પરથી જ કહી શકાય કે જેણે જિંદગીને સાહિત્યને સમર્પિત કરી છે, જીવનનું જેણે આકંઠ પાન કર્યું છે અને પોતાની સર્જન પ્રક્રિયા વિશે જે આટલા સ્પષ્ટ છે તેવા મહાન લેખક જ આમ કહી શકે.

ઉપર શ્રી નાયપોલનાં જે કથનો છે તેનું અલ્પવિશ્લેષણ, મારી શક્તિ મર્યાદામાં રહીને કરવાનું મન થાય છે. ‘મારા વિશે જે કંઈ મૂલ્યવાન છે તે મારાં પુસ્તકોમાં છે.’ સામાન્ય રીતે સાહિત્યને સમાજનું દર્પણ કહેવામાં આવ્યું છે. તેમાં સમકાલીન તેમ જ વીલિન થયેલ કાળનાં જીવનના-સમાજના પ્રવાહો વાંચવા મળે છે, તે સંકલિત અને સંગ્રહિત થયેલાં છે. સમાજજીવનમાં માત્ર સારાં તત્વો જ હોય એવું તો બનતું નથી. તેથી સાહિત્યમાં સમાજ-જીવનનાં જે પ્રતિબિંબ ઝીલાય છે તેમાં તે બન્ને તત્વો દેખાય છે.

જેમ સાહિત્ય એ સમાજજીવનનું દર્પણ છે તેમ તેની રચના કરનાર સર્જકના જીવનનું પણ એ પ્રતિબિંબ પાડે છે. હકિકતમાં, દરેક કૃતિમાં તેના કર્તા પ્રગટ રીતે કે છૂપી રીતે છઠ્ઠા વેષે હાજર હોય છે. એ રીતે લેખકનાં લખેલાં દરેક પૃષ્ઠો જાણે તેની આત્મકથાનાં પાનાં છે. પરંતુ લેખક ઉપરોક્ત કથનમાં કહે છે કે તેનાં જીવનની જે મૂલ્યવાન ઘટનાઓ, ક્ષણો, તત્વો છે તે તેનાં પુસ્તકોમાં છે. એટલે કે તે પુસ્તકો સર્જકની જિંદગીનું સંપૂર્ણ ચિત્ર નહિ પણ મૂલ્ય-મૂલક આલેખન દર્શાવતું પુસ્તક હોય છે. સર્જકની આ કબૂલાતમાં તેની સચ્ચાઈ દેખાય છે. અને વાચકોને તો લેખકના જીવનની મૂલ્યવાન વાતોની જ જરૂર છે, તે જ સામાજિક અને વ્યક્તિગતરૂપે ઉપયોગી છે.

‘હું મારાં પુસ્તકોનો સરવાળો છું.’
ઉપરના કથનના અનુસંધાનમાં લેખક આમ જ કહી શકે. એનાં બધાં પુસ્તકોમાં એનાં જીવન વિશે વિવિધ પ્રકારે આલેખન થયું હોય, પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે. અને તે બધી સામગ્રી – એટલે કે સર્વ લેખનનો સરવાળો એ જ સર્જક પોતે છે.

‘મારી છેલ્લી કિતાબમાં મારાં બધાં જ પુસ્તકો આવી જાય છે.’
એક રીતે આ અપૂર્ણ લાગે છે. લેખકે વિશાળક્ષેત્રમાં તેનું લેખનકાર્ય કર્યું હોય. તેમાં તેનાં જીવનનાં અનેકરંગી અનુભવો અને અનુભૂતિઓ આલેખાયાં હોય તે બધાંનો સાર છેલ્લા પુસ્તકમાં આવી જાય ? મને લાગે છે, આપણે તેની ઊંડાઈમાં ઊતરીને વિચારીએ તો લાગશે કે સર્જક ઉત્તરોત્તર તેની સર્જકતાને શ્રેષ્ઠ કક્ષાએ લઈ જવા પુરુષાર્થી રહ્યો હોય છે તેથી તેનું જીવનદર્શન, ચિંતન, અનુભૂતિ- આ બધાં તત્વોનો શ્રેષ્ઠ અર્ક, તેની સર્જકતાની પરાકાષ્ટા તેના છેલ્લા પુસ્તકમાં વાંચવા મળે. આ અપૂર્ણ લાગે તેવું કથન વિવેકભર્યું અને સારગર્ભ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિસામો… – તંત્રી
ધક્કો – સારંગ બારોટ Next »   

12 પ્રતિભાવો : પુસ્તકોનો સરવાળો – ચંદુલાલ સેલારકા

 1. Pravin V. Patel says:

  લેખકશ્રી ચંદુલાલ સેલારકાની નિખાલસતા ઍમના દિલની સચ્ચાઇ પ્રગટ કરે છે.
  કોઇપણ સર્જકને પોતાનું સંતાન દવલું હોતું નથી.
  ભાવવાહી રજુઆત.

 2. Dr. Jagdish Barot-Delhi says:

  It’s very touchy article. Some one has said that our life is a book (kitab) provided we can read it. What is essential in the worlds of Dr. Gunvant Shah is that, “the author must be honest to self and readers.” We can call it “Akshar deh” Thanks Dr. Selaraka and Mrugeshbhai for such healthy reading material.

 3. Keyur Patel says:

  ચંદુકાકાં હું પણ તમારી જેમ પુસ્તકૉ ખરીદીને બધા તો નથી વાંચી શક્યો. જો કે મેં કોઈ પુસ્તક નથી લખ્યું. સાલસ લેખ ગમ્યો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.