ધક્કો – સારંગ બારોટ

‘બિંદુ, પહેલી તારીખથી આપણે સાંજે મળવાનું બંધ કરવું પડશે.’
‘કેમ કેમ કેમ ?’
‘મેં તને કહ્યું નથી પણ મમ્મીની માંદગી પાછળ મારે થોડુંક દેવું કરવું પડ્યું છે. હજી એની દવા વગેરે ચાલુ છે એટલે બચત થાય એવી કોઈ શક્યતા નથી. થોડા કલાકનું વધારાનું કામ મળે એની હું શોધમાં હતો, બે કલાકનું પાર્ટ ટાઈમ કામ મળ્યું છે એટલે પહેલી તારીખથી હું સાડા આઠ પહેલા નવરો નહિ થઈ શકું’ ‘તો કંઈ નહિ, આપણે સાડા આઠ પછી મળીશું.’
‘પણ એક વાર ઑફિસેથી ઘેર ગયા પછી તું ફરી બહાર નીકળીશ તો ઘરનાં માણસોને વહેમ નહિ જાય ?’
‘જશે અને પૂછશે તો કહીશ કે મને સાડા આઠથી સાડા નવ સુધીનું એક ટ્યુશન મળ્યું છે.’
‘ખોટું બોલીને મહિનો તો ખેંચી કાઢી શકીશ પણ મહિનાને અંતે ટ્યૂશનના પૈસા હાથમાં નહિ આવે ત્યારે ?’
‘મારા ઘરમાં મારી કમાણીનો કોઈ હિસાબ માગતું નથી. બાય ધ વે, આ નવા પાર્ટ ટાઈમ જૉબમાં તને કેટલા રૂપિયા મળવાના છે ?’
‘હમણાં તો સો રૂપિયા આપવાનું કહ્યું છે, એકાદ બે મહિના પછી કદાચ વધારે તો વધારે.’
‘તું દીપક, સાંજે અડધો-પોણો કલાક મોડો ત્યાં જાય તો ન ચાલે ?’
‘ના, એ લોકો બરાબર સાડા આઠ વાગ્યે ધંધો બંધ કરે છે એટલે છ વાગ્યે ઑફિસથી છૂટીને સાડા છ સુધીમાં મારે ત્યાં પહોંચી જવું જોઈએ.’
‘તો તો સાડા આઠ પછી જ મળવાનું રાખવું પડશે.’

‘પણ તને અડચણ પડશે બિંદુ, હું કામ પરથી નીકળું, તું ઘરેથી નીકળે, આપણે બીજે ક્યાંક મળીએ, એમાં જ અર્ધો પોણો કલાક તો નીકળી જશે. રાતના નવ પછી મળીને કરવાનુંય શું ?’
‘જે રોજ કરીએ છીએ તે, થોડાંક ગપ્પાં મારવાના, થોડુંક ફરવાનું અને કૉફી પીને છૂટા પડવાનું.’
‘જમવાના સમયે કૉફી પીવાની ? તું પણ ખરી છે, બિંદુ ! મારે ત્યાં નવ સુધીમાં સાંજનું જમવાનું પતી જાય છે, તને મળું તો હું દસ વાગ્યે ઘેર પહોંચું.’
‘હા સાલું, એ એક મુશ્કેલી છે ખરી. પણ મળ્યા વગર તો ચાલશે નહિ. કંઈક રસ્તો કાઢવો પડશે. હું વિચારીશ, તું પણ વિચારજે.’

દીપકે કંઈ વિચાર્યું નહિ. હકીકતમાં વિચારવા માગતો ન હતો. બિંદુનું રોજનું મળવાનું ટાળી શકાય એટલા માટે તો એણે બે કલાકની નોકરી મેળવી હતી. પૈસાની ખેંચ હતી એ સાચું પણ સાથે સાથે બિંદુની રોજિંદી મુલાકાતો ટાળી શકાય તો સારું એવી પણ દીપકે ગણતરી રાખી હતી. એટલે એણે તો કંઈ ન વિચાર્યું પણ બિંદુએ રસ્તો કાઢ્યો. એક દિવસ એણે દીપકને કહ્યું :
‘તેં પેલી સાડા છ થી સાડા આઠની નોકરી શોધી હતી ને ?’
‘હા, પહેલી તારીખથી જવાનું નક્કી છે.’
‘ના પાડી દેજે.’
‘શું ?’
‘મેં તારે માટે વધુ સારી વ્યવસ્થા કરી છે. પપ્પાના એક ઓળખીતાને હિસાબના ચોપડા તૈયાર કરવાના છે. સમયનું કોઈ બંધન નથી પણ કામ બે મહિનામાં પૂરું થવું જોઈએ. એમને ઘેર રાતે જાય તો વાંધો નથી અને રવિવાર આખો દિવસ કામ કરે તો પણ વાંધો નથી. મહેનતાણાના હજારેક રૂપિયા ઉચ્ચક આપશે એમ બાપુજી કહેતા હતા. જો કે શનિ-રવિએ તારે વધારે સમય આપવો પડશે પણ તેથી આપણા હળવા-મળવામાં કોઈ વાંધો નહિ આવે.’

પ્રસ્તાવ સારો હતો એટલે દીપકને સ્વીકારવો પડ્યો અને સાંજે બિંદુ સાથે કલાકેક ગાળવાનો નિયમ ચાલુ રાખવો પડ્યો, જે દીપકને ગમ્યું નહિ. એ નહિ મળવાનાં નવાં બહાનાં શોધવા લાગ્યો. કેટલાંક મળ્યાં પણ ખરાં અને એનો ઉપયોગ પણ થયો. આવું કંઈ પહેલી વાર નહોતું બન્યું. બિંદુ જાણતી હતી કે દીપક ઘણી વાર મળવાનું ઓછું કરવાના પ્રયત્નો કરતો હતો અને તેથી જ તો એણે એના પ્રત્યેની ખાસ લાગણી હજી સુધી એની સામે વ્યક્ત કરી ન હતી. ઘણી રીતે ચકાસી જોતાં બિંદુને લાગ્યું હતું કે દીપક મૈત્રીસંબંધ તોડી નાખવા તો નહોતો જ માગતો. આમ છતાં જે બનવાની ધારણા હતી તે બનતું ન હતું તેની બિંદુને ચિંતા હતી. દીપક પોતાને ચાહે છે એવું માની લેવાના બિંદુ પાસે પૂરતાં કારણો હતાં, છતાં વાત આગળ વધતી ન હતી. બિંદુની તકલીફ એ હતી કે એનાં વડીલો એનાં લગ્ન માટે વિચાર કરતાં થયાં હતાં ને ગમે ત્યારે ગમે તે બની બેસે એ પહેલાં એ દીપકનું મન જાણી લેવા માગતી હતી. સામે પક્ષે દીપક પણ કંઈક આવી જ પરિસ્થિતિમાં મુકાયો હતો. પણ એને બિંદુનું મન જાણવાની ઝાઝી દરકાર ન હતી, કારણ કે એનું જે યુવતી સાથે ગોઠવાઈ રહ્યું હતું તે બિંદુ કરતાં બધી રીતે બહેતર હતી. બિંદુ સાથે એણે કદી લગ્ન કે પ્રેમની વાત કરી ન હતી એટલે એ પોતાની જાતને છૂટી સમજતો હતો. ઉપરાંત બિંદુ પોતાને ખરેખર ચાહે છે એની દીપકને પાકી ખાતરી ન હતી. દીપકને દ્વિધા એ હતી કે પહેલાં બિંદુની લાગણી વિશે ખાતરી કરવી કે પછી બધું જેમનું તેમ રહેવા દઈ જે વધુ સારું હતું તે સ્વીકારી લેવું. થોડા જ વખતમાં આવી દ્વિધા બિંદુએ પણ અનુભવી. એનાં વડીલોએ એને માટે એક છોકરો પસંદ કર્યો હતો જે દીપક કરતાં બધી રીતે બહેતર હતો.

બિંદુ અને દીપક પોતપોતાની દ્વિધામાંથી બહાર આવી કોઈ નિર્ણય લઈ શકે તે પહેલાં એક બનાવ બન્યો. દીપક એકાએક માંદગીમાં પટકાયો. માંદગી ચિંતાજનક હોઈ એને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પંદરેક દિવસમાં એ સાજો તો થઈ ગયો પણ આ દિવસો દરમિયાન ઘણું ઘણું બની ગયું. દીપક માંદો પડ્યો કે તરત જ બિંદુ રજા ઉપર ઊતરી ગઈ. દીપક માટે બહારથી લાવવાની દવાઓ તેમ જ અન્ય વસ્તુઓની જવાબદારી બિંદુએ વગર કહ્યે વહોરી લીધી. થોડાક પૈસા રાખવા માટે કહેવામાં આવ્યું ત્યારે બિંદુએ જવાબ આપ્યો :
‘દીપક, તું પૈસાની ચિંતા ન કર. દવાનાં બધાં બીલ મેં સાચવી રાખ્યાં છે, તું સાજો થઈશ ત્યારે હિસાબ સમજીશું.’
દીપકની મમ્મીએ પણ આ વિશે બિંદુને કહ્યું હતું : ‘હિસાબ ભલે પછી કરીશું પણ હમણાં થોડાક રૂપિયા તો રાખ.’
પણ બિંદુ માની ન હતી. દીપક હૉસ્પિટલમાંથી ઘેર આવ્યો ત્યાર પછી એની સારવારની તમામ જવાબદારી બિંદુએ ઉપાડી લીધી હતી. દવા, ફળનો રસ કે દૂધ, હલકો ખોરાક અને આરામના કલાકો વિશે એ ઘડિયાળના કાંટે કામ કરતી હતી.
‘તું તો બિંદુ હૉસ્પિટલની પેલી નર્સ કરતાં પણ વધુ નિયમિત અને કડક વર્તાવ કરે છે !’ એકવાર દીપકે બિંદુને કહ્યું : ‘હું તને દસ દિવસમાં એકદમ સાજો કરી દેવા માગું છું. એટલે જરા સરખી પણ અનિયમિતતા ચલાવવાની નથી. ચાલ, હવે તું આ મોસંબીનો રસ પી જા અને આરામ કર. બરાબર કલાક પછી દવા લેવાની છે. મિક્ષ્ચર સાથે ટીકડી ને ત્યારબાદ અર્ધા કલાકે દૂધ. બે એક કલાકમાં હું પાછી આવી જઈશ. ત્યાં સુધી મેં કહ્યું તે પ્રમાણે જ બધું લેવાનું છે. હું મમ્મીને કહેતી જાઉં છું.’
‘ડૉકટરને ત્યાં જાય છે ?’
‘ડૉક્ટરને ત્યાં પણ જવું છે, ઘેર પણ જવું છે ને તારે માટે ફ્રુટ્સ પણ લાવવાનાં છે.’
‘બિંદુ, હું હવે આ ફળોના રસથી ત્રાસી ગયો છું. ભાત અને ખીચડી જોઈ હવે તો ઊબકા આવે છે. તું મહેરબાની કરી ડૉકટરને કહે કે ખોરાકમાં હવે થોડીક છૂટ મૂકે.’

‘ડૉકટર છૂટ મૂકશે તો પણ હું મૂકવાની નથી. હા, એક બે દિવસમાં તું બાફેલા શાકભાજી લઈ શકીશ. ત્યાર પછી બહુ બહુ તો સાદા સૂપને બદલે વઘારેલા સૂપ મળશે. મારી ગેરહાજરીમાં મમ્મીને મસ્કો મારીને જે તે ખાઈ લેવાની કોશિશ કરીશ તો આગળ પછી હું છું.’
‘તું બિંદુ કેટલીક વાર આકરા સ્વભાવની પત્ની જેવું વર્તન કરે છે.’
‘ખરેખર તને એવું લાગે છે ? ભલે લાગતું. બીજું કંઈ નહિ તો પત્ની જેવું વર્તન કરવાનો લહાવો તો લઈ લઉં.’ બિંદુએ કહ્યું, હસી અને ચાલી ગઈ.

બિંદુના એ હાસ્યમાં, એ શબ્દોમાં અને માંદગી દરમિયાન વધી પડેલા સહવાસમાં ઘણા અર્થો સમાયેલા હતા તેની હવે દીપકને ખાતરી થતી જતી હતી. એણે બિંદુનું મન જાણવાનું અત્યાર સુધી ઈરાદાપૂર્વક ટાળ્યું હતું પણ બની ગયું કંઈક એવું કે જે વાત જાણવાની એણે ઝાઝી દરકાર કરી ન હતી તે આપમેળે ઉઘાડી પડી ગઈ હતી.

માંદગી દરમિયાન દીપકની વાગદત્તા એના વડીલો સાથે ત્રણચાર વાર ખબર પૂછવા આવી ગઈ હતી. એ દિશામાં પણ પરિચય ઠીક ઠીક વસી રહ્યો હતો. દીપક સાજો થઈ જતાં એ વિકાસનો વેગ થોડોક વધ્યો. રજાના દિવસે, થનારાં સગાં તરફથી કોઈને કોઈ કાર્યક્રમ નક્કી કરવામાં આવતો અને દીપકને ત્યાં જવું પડતું, જેને પરિણામે બિંદુ સાથે સમય ગુજારવા માટે નક્કી કરેલા કાર્યક્રમને વારંવાર મુલતવી રાખવો પડતો હતો.

દ્વિધાનું ધુમ્મસ એકવાર ફરી બેઉની આસપાસ ઘેરું બનતું જતું હતું, એવામાં એક વાર…
‘આ શું છે ?…!’
‘પરબીડિયું છે, દેખાતું નથી ? શાનું છે એ પણ ઉપર છાપેલું છે, વાંચતાં આવડતું હોય તો વાંચી જા.’
‘શુભલગ્ન ! કોના ?’
‘મારા દીપક, મારાં લગ્નપ્રસંગે શોભામાં અભિવૃદ્ધિ કરવાનું તને હાર્દિક આમંત્રણ છે અને હા ભેટ કે ચાલ્લો સ્વીકારવાનો નથી.’
‘પણ બિંદુ…. એકાએક લગ્નનો નિર્ણય ! મને વાત પણ ન કરી ?’
‘વાત કરવાથી શો ફરક પડવાનો હતો ?’
‘ફરક… ફરક કદાચ પડત પણ ખરો. બિંદુ આપણે આટલા નજીકના મિત્રો હોવા છતાં લગ્ન જેવી ગંભીર બાબતમાં નિર્ણય લેતાં પહેલાં તેં મને જાણ પણ ન કરી ! તું ખરેખર ખૂબ બદલાઈ ગઈ છે.’

‘લગ્નનો નિર્ણય મેં નથી લીધો, મારા વડીલોએ લીધો છે.’
‘એટલે શું તારી મરજી વિરુદ્ધ એ લોકો તને કોઈ સાથે પરણાવી દેવા માગે છે ?’
‘એક રીતે જોતાં કંઈક એવું જ છે પણ બીજી રીતે જોતાં એવું નથી, કારણકે આ બાબતમાં મારી મરજી શી છે તેની મને જ ખબર નથી એટલે મેં બધું વડીલોની મરજી પર છોડી દીધું. એ લોકો જે કરશે તે યોગ્ય જ કરશે એવું મારે માની લેવું પડ્યું.’
‘અને જે થયું છે તે યોગ્ય જ થયું છે એવું તને લાગે છે ?’
‘એ તો હું ખાતરીપૂર્વક કહી શકું તેમ નથી, કારણ કે હું એ માણસને હજી સુધી મળી નથી.’
‘એટલે એને જોયા વગર તેં હા પાડી દીધી ?’
‘જોવાથી શું દેખાય દીપક ? ચહેરો, માત્ર ચહેરો. અને ચહેરો જોવાથી કે વર્ષો સુધી જોયા કરવાથી માણસનો સ્વભાવ પરખાતો નથી.’
‘પણ તું એક સાવ અજાણ્યા માણસ સાથે સંસાર કેવી રીતે માંડી શકીશ ?’
‘મારી માએ એ જ રીતે સંસાર માંડ્યો હતો અને એ સુખી છે, કાકા-કાકી, મામા-મામી, ફોઈ-ફુઆ, બધાં એ જ રીતે પરણ્યાં હતાં અને બધાં સુખી થયાં છે. કેટલાકનું લગ્નજીવન તો અદેખાઈ આવે એટલું સુખથી ભર્યું ભર્યું છે, પછી હું સુખી નહિ થાઉં એવું માનવા માટે મારી પાસે કોઈ કારણ નથી. મારા થનાર પતિ પોતાનો સ્વતંત્ર કરિયાણાનો ધંધો ચલાવે છે, ઘણું સારું કમાય છે, અમદાવાદમાં પખાલીની પોળમાં એમનું પોતાનું મોટું મકાન છે. સોસાયટીમાં બગીચા સાથેનો બંગલો છે, ઘરની ગાડી છે, પીઢ છે, અનુભવી છે, આજકાલના જુવાનિયા જેવા ઉછાંછળા કે છીછરા નથી, પછી બીજું મારે શું જોઈએ ?’

‘વેટ અ મિનિટ બિંદુ, વોટ ડુ યુ મીન – પીઢ ઍન્ડ અનુભવી ? આજકાલના છોકરા જેવા નથી એટલે શું ?’
‘એટલે એમ દીપક કે એ ધીરગંભીર પુરુષ છે, કોઈ છીછરો છોકરડો નથી.’
‘એની…. એની ઉંમર કેટલી છે ?’
‘હશે છત્રીસ-સાડત્રીસ. ગયે વર્ષે જ વિધુર થયા. એક બાળક પણ છે.’
‘વોટ…?! એટલે શું તું તારા કરતાં બાર વર્ષે મોટા વિધુર અને એક બચ્ચાના બાપને પરણવા તૈયાર થઈ છે ? તું શું કરી રહી છે એનું તને ભાન છે, બિંદુ ? અને…. અને આવો નિર્ણય લેતાં પહેલાં તેં મને અમસ્તી વાત પણ ન કરી ?’
‘વાત કરી હોત તો તું શું કરત ?’
‘બીજું કંઈ નહિ તો જિંદગીની મોટામાં મોટી ભૂલ કરતાં તો હું તને જરૂર અટકાવત.’
‘પછી ?’
‘પછી જે થવાનું હોત તે થાત પણ આ દુર્ઘટનામાંથી તો તું બચી જ ગઈ હોત.’
‘પછી જે થવાનું હોત તે થાત એટલે શું થાત દીપક ?’
‘હવે કંકોતરી છપાઈ ગયા પછી આવી વાતો કરવાનો શો અર્થ છે ? આમાં થોડીક ભૂલ મારી થઈ છે પણ હવે એ સુધારી શકાય એમ નથી.’
‘તારી ભૂલ ?’
‘હા બિંદુ પણ એ વાત ચર્ચવાનો હવે કશો જ અર્થ નથી.’
‘માણસને લાગે છે કે પોતે કાંઈ ભૂલ કરી છે તો એ ગમે ત્યારે ભૂલને સુધારી લઈ શકે છે. તને લાગતું હોય કે કંઈ ખોટું થઈ રહ્યું છે અને એ તારી ભૂલને કારણે થઈ રહ્યું છે તો તારી ભૂલ સુધારવામાં એક મિત્ર તરીકે તને મદદરૂપ થવા હું તૈયાર છું. બોલ, હું પરણવાની છું એમાં તારી ભૂલ ક્યાં આવી ?’
‘મેં જો મારા મનની વાત તને કહી હોત તો તેં બીજા સાથે પરણવાનો વિચાર સુદ્ધાં ન કર્યો હોત.’
‘અચ્છા તો કોની સાથે પરણવાનો વિચાર કર્યો હોત ?’
‘મારી સાથે, બિંદુ, મારી સાથે.’
‘તું બેવકૂક છે, દીપક. તું જ્યારે કોઈ બીજી સાથે પરણવાનું નક્કી કરી બેઠો હોય ત્યારે હું એવો વિચાર શી રીતે કરી શકું ?’
‘બહુ વિચારને અંતે હું એવા નિર્ણય પર આવ્યો હતો બિંદુ કે પેલી માલદાર છોકરી મને સુખી નહિ કરી શકે. એને સુખી રાખવા માટે મારે એના બાપના પૈસાનો જ ઉપયોગ કરવો પડે. જે મને ફાવે એવી વાત ન હતી, એટલે થોડા દિવસ પહેલાં જ મેં વિચાર બદલ્યો. હું તને બધું કહેવાનો જ હતો પણ ત્યાં તો તેં ઉતાવળો નિર્ણય લઈને બધું બગાડી નાખ્યું.’
‘તું ખરેખર મને ચાહે છે, દીપક ?’
‘હા.’
‘તું સાચે જ મારી સાથે લગ્ન કરવા માગે છે ?’
‘હા.’
‘તો એક કામ કર. તારા હાથમાં જે પત્રિકા છે ને એને ફાડી નાખ. આપણે બીજી છપાવીશું, મારા અને તારા નામવાળી. એ….ય ! આમ બાઘા ચકવાની જેમ મારી સામે શું જોઈ રહ્યો છે ? તું હૈયાની વાત હોઠે લાવતો ન હતો એટલે મારી એક બહેનપણીએ મને મદદ કરી.’
‘આખીય વાતમાં બહેનપણી ક્યાંથી આવી ? શી…શી મદદ કરી એણે ?’
‘મારી એ બહેનપણીનો પતિ પ્રેસ ચલાવે છે. ખોટા નામ સાથેની આ કંકોતરી છાપીને તને એક ધક્કો આપવાનું અને બોલતો કરવાનું સોનેરી સૂચન એણે જ કરેલું.’ કહેતાં બિંદુ ખડખડાટ હસી પડી.

‘બડી બદમાસ છે તું.’ દીપક બોલ્યો અને તેણે એકાએક બિંદુના હસતા હોઠને પોતાના હોઠમાં મજબૂત રીતે કેદ કરી લીધા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પુસ્તકોનો સરવાળો – ચંદુલાલ સેલારકા
સુંદર પ્રાસંગિક લોકગીતો – રતિલાલ સથવારા Next »   

21 પ્રતિભાવો : ધક્કો – સારંગ બારોટ

 1. gopal h parekh says:

  વાર્તાનો અંત સરસ

 2. Navneet Dangar says:

  ખુબ પ્યારી પ્રેમકથા !

 3. Pravin V. Patel says:

  બિંદુની ધીરજ, દાદને પાત્ર.
  વાર્તાનો વળાંક અને અંત માવજત ભર્યો છે.
  સુંદર પેશગી.

 4. तेरा हाथ हाथ मे हो अगर तो सफ़र ही अस्ल-ए-हयात है,
  मेरे हर क़दम पे है मंज़िले तेरा प्यार ग़र मेरे साथ है;
  मेरी बात का मेरी हमनफ़ज़ तू जवाब दे कि न दे मुजे,
  तेरी एक चुप मे जो है छूपी वो हज़ार बातोकी बात है ।

 5. કલ્પેશ says:

  અંત ખરેખર હસાવી મુકે છે. ગંભીરતાથી હાસ્ય તરફનો વળાંક 🙂

 6. તમે મારા મેઈલ મા કોમેન્તસ મોકલો

 7. વિનય ખત્રી says:

  સુંદર વાર્તા. દિલધડક વળાંક સાથેનો અંત…

  ખુબ ગમી,

 8. pallavi says:

  NICE STORY-LIKED IT.
  PALLAVI

 9. Kamlesh says:

  પ્રેમ મા કહેવુ પદે કે ” કરુુ ” અએ પ્રેમ નિ હાર કહેવય . પ્રેઅ હઓય તો આખો મા વર્તય . આત્લે કહિશ કે આ વરતા જ , હકિકત નથિ.

 10. Anitri says:

  Nice love story!!!

 11. Keyur Patel says:

  બહુ વિચારને અંતે હું એવા નિર્ણય પર આવ્યો હતો બિંદુ કે પેલી માલદાર છોકરી મને સુખી નહિ કરી શકે. – આ લીટીઓ મા મને પ્રેમની સુવાસ નહી પણ સ્વાર્થની બૂ આવે છે.

 12. BHAUMIK TRIVEDI says:

  kool…nice love story …liked it …

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.