સુંદર પ્રાસંગિક લોકગીતો – રતિલાલ સથવારા

[1. લીલુડા વાંસની વાંસળી રે…. – વરના રાજવીઠાઠનું લોકગીત]

લીલુડા વાંસની વાંસળી રે,
આડા મારગે વાગતી જાય;
નગરીના લોકે પૂછિયું રે,
કોણ રાણો પરણવા જાય ?
છેય રાણો છેય રાજવી રે,
મારા કનુભઈ પરણવા જાય.
સોએ ઘોડા બસો હાથીડા રે,
મારી જાનનો રંગ ના જાય !
જાનૈયા ઉતારો ઓરડે રે,
મારી જાનડીઓ પરસાળ;
ઘોડા ઉતારો ઘોડારમાં રે,
હાથીડા બાંધો દરબાર.
ઘોડાને નીરો ચેમડું રે,
મારા હાથીડાને નાગરવેલ.
જાનૈયાને જમાડો લાડુ-લાપશી રે,
મારી જાનડીઓને છૂટો કંસાર.
લીલુડા વાંસની વાંસળી રે,
આડા મારગે વાગતી જાય.

(નીરો = ખાવા નાખવું. ચેમડું = લીલા જુવારનું ઘાસ.)

[2. કન્યાવિદાય ગીત-1]

લાલ લાલ ચૂંદડી રંગાવ મારી માડી
સોનાનું કંકણ ઘડાવ રે.
ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી
સેંથે સિંદૂર ભરાવ રે !
બારણિયે ઊભા મારો સસરાજી
હસીહસી દીકરી વળાવ રે.
જેમ જંગલનાં પંખી રે માડી
વહાણું વાતાં ઊડી જાય રે;
તેમ પરાઈ થઈ દીકરી
દેશ પરાયે જાય રે !
નાનો વીરો મારો રોકે રે પાલખી
આંસુનાં ઝરણાં વહાવી રે;
બાપુને ધીરજ ધરાવ મારા વીરા
જેણે મને કીધી પરાઈ રે !

[3. કન્યાવિદાય-2… લેખ તારા લઈ ગયા રે લોલ.]

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં એ લોલ.

દાદા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ધેડી મારી, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.

કાકા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ભતરીજ, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.

[4. આજ રે સપનામાં… કુટુંબની ભવ્યતા દર્શાવતું લોકગીત]

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદીઉં રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં ઘમ્મર વલોણું દીઠું જો.
દહીં દૂધના વાટકા રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,
ઢીંગલા ને પોતિયાં રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે સાહેલી મારા સપનમાં રે.

આજ રે સપનામાં મેં તો પારસ પીપળો દીઠો જો,
તુલસીનો ક્યારો રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોર્યું રે સાહેલી મારા સપનમાં રે.

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં નાતાં’તાં રે.

ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો,
દહીં દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.

લવિંગ લાકડી ઈ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.

જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો,
સોનાની થાળીએ રે નણંદી મારાં ખાતાં’તાં રે.

પારસ પીપળો ઈ તો અમારો ગોર જો,
તુલસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયોની ફોર્યું સાહેલી મારી ચૂંદડીમાં રે.

[5. પટેલને ત્યાં પાપડ વણવા…. હળવું લોકગીત]

પટેલને ત્યાં પાપડ વણવા ગ્યાં’ તાં મા ! ગ્યાં’તાં મા !
એક પાપડ ચોર્યો મા ! ચોર્યો મા !
ઘંટી હેઠળ ઘાલ્યો મા ! ઘાલ્યો મા !
રોટલા ઘડતાં શેક્યો મા ! શેક્યો મા !
ભેંસ દોતાં ખાધો મા ! ખાધો મા !
ડોહે કડાકો સાંભળ્યો મા ! સાંભળ્યો મા !
ડોહે ડાંગ લીધી મા ! લીધી મા !
એક ડાંગ વાગી મા ! વાગી મા !
ભસ્કા કેડ ભાંગી મા ! કે સાજી મા !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધક્કો – સારંગ બારોટ
હું એટલું શીખ્યો છું કે – ડૉ. આઈ. કે. વિજળીવાળા Next »   

5 પ્રતિભાવો : સુંદર પ્રાસંગિક લોકગીતો – રતિલાલ સથવારા

  1. gopal h parekh says:

    આંખ મારી ઊઘડેને રીડગુજરાતી દેખું-એવી આદત પાડી દીધી છે મ્રુગેશભાઈ, તમને અંતરના આશીર્વાદ

  2. સુંદર સંકલન… લોકગીતો એ કોઈપણ સંસ્કૃતિનો સીધો આયનો છે. કયા મુલકમાં કયા સમયે કેવી અસ્મિતા પાંગરી હતી એનો કાચો દસ્તાવેજ એટલે લોકગીતો… સંકલન કરનાર અને સંકલનને મંચ આપનાર-બંનેને હાર્દિક અભિનંદન !

  3. બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્બ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.