શ્રીમતીજીની વાનગી હરીફાઈ ! – હરેશ ધોળકિયા

નરસિંહ મહેતાએ ક્યાંક લખ્યું હોવાનું સાંભળ્યું છે કે, ‘જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.’ પણ મારી બાબતમાં આ વિધાન અર્ધસત્ય જેવું છે. મારે ત્રીસ-પાંત્રીસ વર્ષ પછી નિરાંતે પરણવાની ઈચ્છા હતી અને પછી આરામથી જીવવાનો પ્લાન હતો. પણ ઘરના સંજોગોને કારણે ચોવીસમે વર્ષે પરણી જવું પડ્યું. મારી માને લકવો પડતાં તેને કામથી મુક્ત કરવા તરત પરણી જવું પડ્યું, પણ પરણીને સ્વસ્થ થાઉં ત્યાં મારી મા ગુજરી ગઈ. પરણવું માથે પડ્યું !

પત્નીની બાબતમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડની દષ્ટિએ વિચારું તો ઘણો જ ભાગ્યશાળી હતો. મારી પત્ની હોમ-સાયન્સમાં એમ.એ હતી. તેમાં પણ ડિસ્ટીંકશન સાથે પાસ થઈ હતી. તેનું ‘જનરલ નોલેજ’ ઘણી ઊંચી કક્ષાનું હતું. વિશ્વના પ્રશ્નો વિશદતાથી ચર્ચી શકતી હતી, તેનું વાંચન વિશાળ હતું. નિયમિત રીતે ‘ચિત્રલેખા’, ‘ચાંદામામા’ જેવાં સામાયિકો ઊંડાણથી વાંચતી હતી. બધા મારી ઈર્ષ્યા કરતા કે આવી ‘ઈન્ટેલિજન્ટ’ પત્ની મને મળી હતી.

વાત સાચી હતી. માત્ર વ્યક્તિગત એટલે કે ઘરના ધોરણો થો…..ડી તકલીફ હતી. પરણ્યાની પ્રથમ રાત્રે તેણે ‘પ્રેમાળ’ વચન લીધું હતું કે પોતે રસોઈ કરી-કરી (શીખી-શીખી) કંટાળી હતી. તેથી તેના પરથી જીવ ઊઠી ગયો હતો એટલે હવે પછી માત્ર ક્યારેક જ રસોઈ કરશે. મારા માટે આ રાત સુહાગરાતને બદલે કતલની રાત બની ગઈ હતી !

તેથી રસોઈ ખાતું મારે ભાગ્યે આવ્યું હતું. તે વિશ્વના પ્રશ્નો ચર્ચવામાં એટલી ઊંડી ઉતરી જતી હતી કે વાસણો સાફ કરવાં, વગેરે ક્ષુદ્ર કાર્યો તો મારે જ કરવાં પડતાં, તેના ‘જનરલ નોલેજ’ ને વિશાળ રાખવા મારે રસોઈનું ‘સ્પેશિયલ નોલેજ’ મેળવવું પડતું હતું. છતાં દુ:ખી હતો તેમ પણ ન કહી શકાય. હું રસોઈ કરતો ત્યારે તે અફઘાનિસ્તાન, ઈરાક, યુ.એન, પ્લેનનાં અપહરણો, ત્રાસવાદીઓ જેવા વિશ્વના જ્ઞાનથી મને વાકેફ રાખતી. વાસણો ધોતો ત્યારે ‘ઈવ્ઝ વીકલી’ માંથી સ્ત્રીની ફરજો વિશે મનનીય લેખો સંભળાવતી… પરિણામે તે રસોઈ કરવા સુધી પહોંચી ન શકતી. પણ, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, હું સુખી હતો. વિશ્વની સમસ્યાઓની ચિંતા વચ્ચે પણ તે ચાર બાળકોની માતા બનવાની ફુરસદ મેળવી શકી હતી. તે તેના ઉદાત્ત પ્રેમનો પુરાવો હતો. તે શહેરનાં અગ્રગણ્ય મહિલા મંડળની પ્રમુખ પણ હતી. ત્યાં તે મહિલાઓની ફરજો પર વારંવાર ચિંતનથી ભરપૂર પ્રવચનો પણ આપતી, જે છાપાંઓમાં ટીકા-ટીપ્પણો સાથે આવતાં. પરિણામે તેનાં પ્રવચનોની માંગ વધતી જતી. આમ, તે શહેરમાં ‘પ્રથમ નાગરિક’ જેટલું જ માન ધરાવતી.

એકવાર થોડી મુશ્કેલી ઊભી થઈ. મહિલા મંડળે કારોબારીના સભ્યો માટે વાનગી હરીફાઈ યોજી. ઉચ્ચ કક્ષાએ નિર્ણયો લેવાયા પછી શ્રીમતીજી ઘેર આવ્યાં અને મને ટહુકો કરી (ગેસની સીસોટીઓ વચ્ચે પણ હું તે સાંભળી શક્યો !) બહાર બોલાવ્યો. હું લોટવાળા હાથ સાફ કરતો કરતો બહાર આવ્યો.

મારા સામે ચોવીસ કેરેટનું હાસ્ય કરી, સંપૂર્ણ કોમળ અવાજમાં મારું નામ ઉચ્ચાર્યું. નજીક આવી ગાલ પર હળવી ટપલી મારી. મારા મનમાં લયનું સાયરન વાગવા લાગ્યું. તેની આવી વર્તણૂક જેમ ભૂતકાળમાં ભારત માટે સમસ્યારૂપ થઈ હતી, તેમ હવે અંગત ભૂમિકાએ મારા માટે ભયસૂચક હતી. સખત કામ લાગે છે, નહીં તો આવું કોમળ વર્તન ? રસોડામાં અને મનમાં સીટી વાગવા લાગી. હું દોડ્યો, પણ તેણે મારો હાથ પકડી લીધો અને ફિલ્મી દશ્ય જેમ પોતા તરફ ખેંચ્યો.
‘અરે ! દાળ બળી જશે’ મેં વિરોધ કર્યો.
‘બળવા દો. હું કરી દઈશ.’ તેણે કહ્યું
. ‘તો પેટ બળી જશે !’
તેણે ઠપકાથી મારા સામે જોયું, ‘સોરી’ મેં કહ્યું. પણ તેણે હાથ છોડી દીધો. હું દાળની સ્થિતિ તપાસી પાછો બહાર આવ્યો.
‘અમારા મંડળમાં વાનગી હરીફાઈ ગોઠવી છે.’ તે બોલી. મને હવામાં ગોળીબારના ભણકારા સંભળાયા.
‘મારે ભાગ લેવાનો છે’, તે આગળ બોલી : ‘બોલો, શું બનાવશું ?’
‘તું કહે તે બનાવી આપું.’
‘એવું બનાવીએ કે પ્રથમ નંબર આવે.’
‘પ્રયત્ન કરીશ.’

છેવટે અમે-એટલે કે મેં ‘ઉત્તપ્પા’ બનાવવાનું નક્કી કર્યું, સવારથી તેની તૈયારી કરવાની હોવાથી મેં ઑફિસમાં રજા લઈ લીધી. અનાજ સાફ કર્યું, તેને દળાવી આવ્યો. સવારે પણ વહેલો ઊઠી ગયો. આખો દિવસ કામ ચાલવાનું હતું. તેથી તે દિવસ પૂરતી રસોઈની જવાબદારી શ્રીમતીજીએ ઉપાડી હતી. ‘તને નહીં ફાવે’ મેં કહ્યું, પણ ઠપકાની નજરે તેણે કહ્યું કે, ‘જાણતા નથી કે હું એમ.એ. વીથ હોમ સાયન્સ છું.’

મેં માફી માગી, પણ ખાનગીમાં મોટી દીકરી પાસે કાયમ ચૂર્ણ મંગાવી લીધું. સવારના આઠથી બાર વાગ્યા સુધી મેં પરિશ્રમ કરી ઉત્તપ્પા બનાવ્યું. તેની સોડમથી પાડોશીઓ ચલિત થઈ ગયા. કેટલાક તો આવીને ચાખી પન ગયા અને શ્રીમતીજીની પ્રશંસા કરી ગયા. કામ પૂરું કરતા બાર વાગ્યા. પછી જમવા બેઠા. રોટલીનો આકાર ક્યા દેશનો છે તે વિશે ખૂબ વિચાર કર્યા પછી જનરલ નોલેજના અભાવે – ખ્યાલ ન આવતાં તે કાપવાનો પ્રયાસ કર્યો. પણ લાગ્યું કે મોણમાં પાણીને બદલે ગુંદર રેડી નાખ્યો લાગે છે ! એટલે અથાગ પ્રયત્ન પછી આખી જ રોટલી દાળમાં બોળી મોમાં મૂકી. દાળ જીભને અડતાં આંખમાં પાણી આવી ગયાં. દુનિયા અદશ્ય થવા લાગી અને ‘મા નહીં, બાપ નહીં, બેટા નહીં, બેટી નહીં, ખાલી ખાલી ખુરશીયાં’ જેવા અદ્વેતભાવની અનુભૂતિ થવા લાગી. સમાધિસ્થ સંતને નૃત્ય કરવાની ઈચ્છા થાય, તેમ મને પણ થવા લાગી. પગ ડોલવા લાગ્યા અને શ્રીમતીજીને સ્પર્શી ગયા.
‘શરમાવ, શરમાવ. આટલી ઉંમરે છોકરાંની હાજરીનો પણ ખ્યાલ નથી રાખતા ?’ તેણે ઠપકો આપ્યો.

મારે જવાબ આપવો હતો, પણ જીભ રોટલીમાં ચોંટી ગઈ હોવાથી બોલી ન શક્યો. લગભગ પંદર મિનિટ રોટલી ચાવવાનો મિથ્યા પ્રયાસ કર્યો, પણ તે ચ્યુઈંગ ગમને પણ ટક્કર મારે તેવી હોવાથી છેવટે ગળવાનો પ્રયત્ન કર્યો. મારી દશા સાપ માછલીને ગળે ત્યારે તેનું ગળું જેવું ફૂલેલું દેખાય તેવી જ થઈ. આંખમાંથી આંસુ વહેતાં હતાં. શ્વાસ ગૂંગળાવાથી જગત નશ્વર બની ગયું હતું. ખૂબ કામ કરવાને કારણે ભૂખ પણ ખૂબ લાગેલી, તેથી ત્રણેક રોટલી ખાવી પડી. દાળમાં પુષ્કળ ખાંડ નાખી ત્યારે ખાઈ શક્યો. શ્રીમતીજી અને છોકરાઓએ તો થોડા ઉત્તપ્પા ખાધા હતા તેથી તેમને તો ભૂખ ન હતી. મને કંપની આપવા જ બેઠાં હતાં. મારી આંખમાં આંખ પરોવી તેમણે પૂછ્યું, ‘કેવી લાગી રસોઈ ?’
આંખો લૂછતો, પાણીથી રોટલીને ગળામાં ધકેલતો માંડ-માંડ બોલી શક્યો, ‘બ્યુટીફૂલ ! સાચું ડિસ્ટીંકશન છે હોમ સાયન્સમાં ! પી.એચ.ડી. થઈ હોત તો હજી વધારે શ્રેષ્ઠ થાત રસોઈ…’ મનમાં થયું કે તેના પ્રેક્ટિકલના બીજા દિવસની મરણનોંધો છાપામાં જોવી પડશે. કદાચ તેના પરીક્ષકનું નામ હશે, પણ મૂંગો રહ્યો. શ્રીમતીજીને સંતોષ થયો.

જમ્યાના બે-ત્રણ કલાક પછી મરચાંવાળી દાળને કારણે પેટમાં બળતરા ઉપડી. રોટલી પણ ‘ભરતનાટ્યમ’ કરવા લાગી. ઊભી થઈ કાયમચૂર્ણ ખાધું. શ્રીમતીજીએ મહિલા મંડળની વાતો કરી, હું સાંભળતો ન હતો….પાંચ વાગ્યે શ્રીમતીજી તૈયાર થયા, મને પણ આવવા આગ્રહ કર્યો. મને પેટમાં સખત દુ:ખાવો થતો હતો, પણ ના ન પડાઈ, તેથી સોડા પી ઉપડ્યાં.

હોલ ચિક્કાર હતો. બધાની વાનગી ગોઠવાઈ ગઈ. પરીક્ષકો આવ્યા. બધા હોમસાયન્સના પ્રોફેસરો હતા. બધી વાનગીઓ ટેસ્ટ કરી. છેવટે પરિણામ જાહેર કર્યું અને શ્રીમતીજી પ્રથમ નંબરે આવ્યાં. બધાં દોડીને તેને ઘેરી વળ્યાં અને અભિનંદન આપવા લાગ્યાં. કેટલાંક તો (મોટેભાગે બધા જ !) ઉત્તપ્પા ચાખવા લાગ્યા. થોડી વાર પછી ખાલી થાળી બચી.

હોલ સાફ થઈ ગયો. કાર્યક્રમમાં ગોઠવાઈ ગયો. શ્રીમતીજીને ઈનામ મળ્યું. તેમણે પણ આભાર માન્યો. અંતે પ્રમુખે પ્રવચનમાં કહ્યું : ‘શ્રીમતી શાહે જે ઉત્તપ્પા તૈયાર કર્યું, તેનો સ્વાદ અદ્દભુત હતો. (ચાખનારાઓએ તાળી પાડી) પણ તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. એમ.એમાં હોમ સાયન્સમાં ડિસ્ટીંક્શનમાં પાસ હોઈ તેમની તો આવી જ વાનગી બને ને ! અમને શ્રી શાહ સાહેબની ઈર્ષ્યા આવે છે કે તેઓ તો દરરોજ આવી મધુર વાનગીઓ આરોગતા હશે ! મારું સૂચન છે કે આપણે બધા એક દિવસ ભોજન કાર્યક્રમ રાખીએ અને તેનું સમગ્ર સંચાલન શ્રીમતી શાહને જ સોંપીએ અને તેમની રસોઈનો આસ્વાદ માણીએ.’
હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો.

મને બધાનાં પેટની દયા આવી, પણ દયા ઘનીભૂત થાય તે પહેલાં મારા પેટમાં જ બોમ્બ ફૂટ્યો. હું પ્રેમથી અભિભૂત થઈ ‘મયખાના’ તરફ દોડયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મીઠાં વડચકાં – અંબાદાસ અગ્નિહોત્રી
સાવ અજાણ્યા ઑલિયા – ભારતી ર. દવે Next »   

25 પ્રતિભાવો : શ્રીમતીજીની વાનગી હરીફાઈ ! – હરેશ ધોળકિયા

 1. urmila says:

  poor guy

 2. ભણેલા પણ ગણેલા નહી જેવી વાત થઈ.

 3. કલ્પેશ says:

  છેલ્લા ફકરામા ‘મયખાના’ ની જગ્યાએ ‘પાયખાના’ હશે? 🙂

 4. Keyur Patel says:

  છેલ્લા ફકરામા ‘મયખાના’ ની જગ્યાએ ‘પાયખાના’ હશે? – અરે હશે શું? એમજ છે. ટ્રેજડી મિશ્રિત કોમેડી.

 5. Vikram Bhatt says:

  Dear Hareshbhai,
  Namaste.
  Very Good Article. Narration of Comic situation is equally good as your philosophical matter.
  regards
  Vikram Bhatt
  vikramjbhatt@yahoo.com

 6. GALA PRAVINA says:

  i like the combination of tregedy & comedy really wonderful

 7. hardik pandya says:

  😀 wah wah 😀

 8. હસ્યમાં છુપાઈ કરુણતા
  આ સંસારની છે સચોટતા

 9. Juzer Hajiwala says:

  હરેશભાઈ, મઝા નુ લખ્યુ. હુ ભુજ મા ચ્હુ. તમારી રસોઈ ચાખવા આવીશ.

 10. Hiral says:

  Are bapre!!!!!!!
  hasvanu haji pan rokatu nathi!…

 11. ભાવના શુક્લ says:

  અમેઝીંગ!!!! કટાક્ષ અને હાસ્યનુ હુલ્લડ છે આતો…
  ……………………………………
  બ્યુટીફૂલ ! સાચું ડિસ્ટીંકશન છે હોમ સાયન્સમાં ! પી.એચ.ડી. થઈ હોત તો હજી વધારે શ્રેષ્ઠ થાત રસોઈ…’ મનમાં થયું કે તેના પ્રેક્ટિકલના બીજા દિવસની મરણનોંધો છાપામાં જોવી પડશે. કદાચ તેના પરીક્ષકનું નામ હશે, પણ મૂંગો રહ્યો. શ્રીમતીજીને સંતોષ થયો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.