સાવ અજાણ્યા ઑલિયા – ભારતી ર. દવે

[‘અખંડઆનંદ’ સામાયિકમાંથી સાભાર.]

કાજળઘેરી રાત્રિ ઊતરી આવી ન હોય એવું આકાશ કાળું ડિબાંગ ! ઘનઘોર વાદળાં છવાઈ ગયેલાં. સબાકા લેતી સાપોલિયા વીજળી વચ્ચે આકાશને અજવાળતી હતી. ધોધમાર, સાંબેલાધાર તડાપીટ કરતો વરસાદ અને સુસવાટા મારતો પવન ! રસ્તા પર પાણીની નદીઓનાં ધસમસતાં પાણી ધીરે ધીરે મહાનદીનું રૂપ લઈ રહ્યાં હતાં. આ હતો 27મી જુલાઈ, 2005નો દિવસ : મુંબઈનગરી અને મુંબઈવાસીઓની કપરી કસોટીનો કારમો દિવસ !

આવા સમયે રસ્તા પર વહેતાં જોરદાર પાણીના પ્રવાહમાં એક કાર પાણીની થપાટોમાંથી ધીરે ધીરે માર્ગ કરતી આગળ વધી રહી હતી. ત્રીસેક વર્ષની યુવાન સ્નેહલ અને તેનાં બે બાળકો – એક વર્ષનો વિવેક અને ચાર વર્ષનો નીરજ : એ બંનેનાં દાદા-દાદીનાં જુહુ-બીચના ઘરેથી પોતાના ઘર તરફ – પ્રભાદેવી જઈ રહ્યાં હતાં. ડ્રાઈવર કુશળ હતો. સાવચેતીથી આગળ વધતો હતો. રસ્તા પર પાણી ધસમસતાં વહેતાં હતાં. ઘરે પહોંચવા ઉતાવળા માણસો અને વાહનોની ભીડ વધતી જતી હતી. સૌને ઉતાવળ હતી પોતાના ઘરે પહોંચવાની. પાણીનો પ્રવાહ ક્રમશ: વધતો ઊંચે ચડી રહ્યો હતો. નીરજને તો વરસાદી પાણીની છાલકો, એનાં ઊછળતાં મોજાં, એન્જિનમાં પાણી ભરાતાં અટકી પડતાં વાહનો જોવામાં મજા પડતી હતી : ‘અરે. મોમ ! જો, પેલી રિક્ષાવાળો ધક્કા મારે છે; પણ રિક્ષા કેમ ચાલતી નથી ?’

પાણીનો પ્રવાહ વધતો ગયો. વરસાદ અટકવાનું નામ નથી લેતો. રસ્તા પરનાં પાણીની થપાટો કારની ગતિને અવરોધતી હતી. કારના દરવાજામાંથી વરસાદી પાણી કારમાં પ્રવેશવા લાગ્યું. હવે નીરજ મૂંઝાયો : ‘આપણે ઘેર ક્યારે પહોંચશું ? ડેડી કેમ લેવા નથી આવતા ?’ વિવેકનું રડવાનું ચાલ્યું. સ્નેહલ ગભરાઈ : ‘આ વરસાદી તાંડવમાં આ બંને બાળકોને કેમ કરીને સાચવીને ઘરે પહોંચીશું ?…. જો નીરજ – વિવેક ડેડીનો ફોન આવ્યો છે : અનીશ, બંને સાથે વાત કર.’
‘ડેડી, અમને અહીંથી જલદી લઈ જાવ…’
‘હા, દીકરા ! હમણાં ડ્રાઈવર અંકલ તમને અહીં લઈ આવશે.’
‘નીરજ, જો, બીચકવીનથી મમ્મીનો ફોન છે. મમ્મી સાથે વાત કરું. મમ્મી, અમે સલામત છીએ. ચિંતા ન કરશો.’

પાણી વધતું ગયું. ગોઠણ સમાણું પાણી સેલારા મારતું ઊછળી રહ્યું હતું. ડ્રાઈવર મૂંઝાયો : ‘બહેનજી, પાણી વધી રહ્યું છે. કાર અટકી પડે એ પહેલાં ક્યાંય ઊંચાણની જગ્યામાં ગાડી ઊભી રાખું ?’
ડાબી બાજુનાં બિલ્ડિંગનાં કમ્પાઉન્ડના દરવાજા આગળ પાણી વધુ ઊંડું હતું…. છેવટે એક બિલ્ડિંગનો દરવાજો થોડો ઊંચા ઢોળાવ પર હતો. દરવાજો ખુલ્લો હતો. ડ્રાઈવરે એકદમ ટર્ન મારી કાર અંદર લઈ લીધી અને એક બાજુ ઊભી રાખી દીધી. સ્નેહલને હાશકારો થયો; પણ ચિંતા હતી : ‘ધસમસતાં પાણીમાંથી બહાર તો આવ્યાં ! પણ… આ બિલ્ડિંગવાળા કોઈ અજાણ્યાની કારને અહીં પાર્ક કરવા દેશે ?’ અને બન્યું પણ એવું જ. બિલ્ડિંગનો ચોકીદાર આવી પહોંચ્યો. સ્નેહલનો ફફડાટ વધ્યો : ‘અહીં કાર નહીં ઊભી રહેવા દે તો ક્યાં જઈશું ?…. આ અફાટ ઘૂઘવાતા પાણીમાં…. ?’

‘અરે, ડ્રાઈવર ! યે ગાડી અંદર લાકર ક્યું ખડી કર દી ? સા’બ લોગ હમેં બોલેંગે !’ ચોકીદાર કાર પાસે આવ્યો. સ્નેહલે સાઈડ ગ્લાસ ઉતારી ચોકીદારને કહ્યું : ‘અરે, ભાઈસા’બ, થોડી દેર ઈધર ઠહરને દો. દો છોટે બચ્ચે સાથમેં હૈ. પાની કમ હોગા કિ તુરંત યહાં સે ચલે જાયેંગે.’
ત્યાં તો ઉપર ગૅલરીમાંથી ચોકીદારને બૂમ પાડી : ‘અરે, ચોકીદાર ! યે કિસકી ગાડી અંદર ખડી કર દી ? તુમ્હેં ના નહીં બોલા ?’ ચોકીદાર મૂંઝાયો : ‘હાંજી બડે સા’બ… મગર કાર મેં દો છોટે બચ્ચોં કે સાથ અકેલી બહેનજી હૈ. મૈંને ઉનસે બોલા મગર…’
સ્નેહલ ચોકીદાર સાથેનો સંવાદ સાંભળતી હતી. એના દિલમાં ધ્રાસકો પડ્યો : ‘અજાણ્યાની ગાડીને કમ્પાઉન્ડમાં ઊભી રાખવા ન જ દે ને ? હવે શું કરીશું ?…..

ત્યાં તો ઉપર ગૅલરીમાં ઊભેલા એ વૃદ્ધ સજ્જન ચોકીદારને સૂચના આપતા હતા : ‘ચોકીદાર, ઠહરો ! બહેનજી ઔર દો બચ્ચોંકો ઉપર લેકર આ જાઓ.’
સ્નેહલને થયું : ‘ઈશ્વરે એની પ્રાર્થના સાંભળી ! પણ…. અજાણ્યા ઘરમાં એમ શી રીતે જવાય ? લોકો કેવા હોય…. શું ખબર !’ એક તરફ સ્નેહલના મનમાં અવઢવ હતી. બીજી તરફ બંને બાળકો અરધાં ભીંજાયેલાં રડતાં હતાં : ‘મોમ, ઘરે ચાલ, જલદી ઘરે લઈ જા.’
ત્યાં ચોકીદાર ફરી પાસે આવી કહે : ‘બહેનજી બડે સા’બને ફિરસે આપકો ઉપર લેકર જાને કો બોલા હૈ.’
‘મગર અનજાન મેં કહાં…’
‘બહેનજી, આપ ઘબરાઈએ મત. બડે સા’બ ઔર માતાજી બહુત સજ્જ્ન હૈ. આપકો ચિંતાકી કોઈ કારણ નહી હૈ. ઔર યે દોનોં બચ્ચે ઘભરાયે હુએ રો રહે હૈ. આપ બિનાસંકોચ ચલિયે.’

દરમ્યાન સ્નેહલને તેના પતિ અનીશને અને મમ્મીને (સાસુ-સ્મિતા) ફોન પર તેઓ ક્યા બિલ્ડિંગમાં રોકાયાં છે તે જણાવી નચિંત કરી દીધાં હતાં. પછી સ્નેહલે પોતાના ડ્રાઈવર સામે જોયું. વર્ષો જૂનો ડ્રાઈવર. એણે પણ ઉપર જવામાં વાંધો નથી એમ સમજાવ્યું. કાર અટકી ગઈ હતી. છેવટે ડ્રાઈવર અને ચોકીદાર બંને બાળકો સાથે સ્નેહલને ઉપર લઈ ચાલ્યા : ‘કેવો આવકાર મળશે ? અજાણ્યા માણસો, અજાણ્યું ઘર ! કોઈની માથે જઈ પડવું ! આપણું પોતાનું ઘર તો નહીં ને !’ – આવી દ્વિધાભરી સ્થિતિમાં મૂંઝાતી, ગભરાતી ઘરના લોકોથી વિખૂટી પડી ગયેલી, બે નાનાં બાળકોને સાચવવાની જવાબદારી અને પોતાની જાતને સંભાળવાની…’ સ્નેહલે કદી જેમને જોયા નથી, મળી નથી, તેમના બારણે વિવેકને તેડીને અને નીરજની આંગળી પકડીને અનાથની જેમ ઊભી રહી… પણ ત્યાં તો…
‘અરે બેટા, આવ આવ. તું જરાય મૂંઝાતી નહીં. અંદર આવ.’ સફેદ ધોતી, પહેરણ અને બંડી પહેરેલા એ મરાઠી વૃદ્ધ સજ્જન એને પ્રેમાળ સ્વરે અને સ્નેહ નીતરતી આંખે આવકારી રહ્યા હતા. સ્નેહલની આંખોમાં ભીનાશ તરી આવી : ‘નમસ્તે દાદાજી. આપનો આભાર માનું એટલો ઓછો છે.’

‘અહીં આવ. ત્યાં ઊભી છે શું કામ ? અંદર આવી અહીં બેસ જો’, કહેતાં માંજરી આંખો અને રૂપાળાં આઈએ સ્નેહલનો હાથ પકડી, નીરજને પડખામાં લઈ અંદર દોરી લાવ્યાં. બંને છોકરાઓ રડતા હતા. તરત આઈ તેમની માટે બિસ્કિટ, નાસ્તો, દૂધ વગેરે લઈ આવ્યાં. આભારવશ, સંકોચશીલ સ્નેહલને અચકાતી જોઈને આઈ અને દાદાજી બંને બોલી ઊઠ્યાં : ‘જો બેટા, આ તારું જ ઘર છે એમ સમજીને તું રહે. જરાય મૂંઝાતી નહીં. જે જોઈએ તે કહેજે.’ આઈએ જોયું કે વિવેક એની મમ્મીની છાતીમાં માથું મારી રડતો હતો. એ તરત સમજી ગયા અને સ્નેહલને અંદરના રૂમમાં લઈ જતાં કહ્યું : ‘લે, તું એનું પેટ ભરાવી લે. એ ભૂખ્યો થયો છે; એટલે રડે છે.’

છોકરાઓ સ્વસ્થ થતાં સ્નેહલે બંને વૃદ્ધ વડીલોને પોતાનો પરિચય આપ્યો. ‘ચારેક વર્ષના અમેરિકા નિવાસ પછી છ મહિનાથી હું અને અનીશ બે બાળકો સાથે પ્રભાદેવીમાં રહીએ છીએ. શનિ-રવિ મમ્મી-ડેડીને ત્યાં – અનીશનાં મમ્મીપપ્પાને ત્યાં બીચકવીન એપાર્ટમેન્ટમાં રહેવા જઈએ. છોકરાંઓને ત્યાં બહુ ગમે. આજે અનીશને કામ હતું એટલે એ વહેલો નીકળી ગયેલો; અને અમે પાણીમાં – વરસાદમાં ફસાયાં !’
‘જો સ્નેહલ, તું હવે રસ્તામાં નથી. આ તારું ઘર માનીને રહે. પાણી ઊતરે પછી જવાનું છે ને ?’
સ્નેહલ અવાક્ ! આભારવશ, કૃતજ્ઞતાથી બંને વડીલોને જોઈ રહી.

સાંજ પડી હતી; પરંતુ વરસાદ તો એકધારો વરસતો હતો. પાણી ભરાવાના કારણે ફોન, ઈલેક્ટ્રિસિટી – બધું ઠપ્પ હતું. આ બિલ્ડિંગના ઉપરના મજલે દાદાજીનો મોટો દીકરો એનાં બે બાળકો સાથે રહે છે. એમનાં સગાં-સ્નેહીઓ આ જ બિલ્ડિંગમાં રહે છે. મોટો દીકરો વરસાદના કારણે એની અંધેરીની ઑફિસે રોકાઈ ગયો હતો. વિવેક અને નીરજ અકળાતા હતા. આથી દાદાજીએ કહ્યું : ‘સ્નેહલ મોટા દીકરાના બે બાળકો તારા બાળકોની ઉંમરનાં છે. એમની સાથે વિવેક-નીરજને રમવાનું ગમશે; ખરું ને ? તો તમને ત્રણેને ઉપર અંજુને ત્યાં લઈ જાઉં ?’

હજી આ વાત થાય છે ત્યાં ચોકીદારે બેલ માર્યો. ઘરનો દરવાજો ખોલ્યો ત્યાં સ્મિતા એના ડ્રાઈવરને લઈને સામે ઊભી હતી : આખી ભીંજાયેલી ! સ્નેહલે મમ્મીના બે હાથ પકડી લીધા. ચોકીદાર કંઈ કહે એ પહેલાં સ્નેહલ બોલી : ‘અરે મમ્મી ! તમે ? આ પાણીમાં કેવી રીતે અહીં પહોંચ્યા ?’ તેણે આઈ અને દાદાજીને પરિચય કરાવ્યો અને મમ્મીની ઓળખ આપી. છોકરાંઓ તો મમ્મીને વળગી જ પડ્યાં ! સ્મિતાએ એમના બે ડ્રાઈવરને ખભે છોકરાઓને બેસાડી ઘરે સૌને લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો; પરંતુ દાદાજીએ મમ્મીને રોક્યા : ‘પાણી કેટલાં ઊંડાં છે ? કમ્મર સુધીના પાણીમાં તમને અહીં પહોંચવામાં મુશ્કેલી ન પડી ?’ ‘હા, બે વાર પાણીમાં બેસી પડી ! અહીંથી અમારું ઘર બહુ દૂર નથી; તોયે અરધા કલાકે અહીં પહોંચી. ડ્રાઈવર મારું બાવડું પકડીને મને અહીં સુધી લઈ આવ્યા !
‘તો આ બે નાનાં બાળકોને લઈને જવામાં કેટલી તકલીફ પડશે ? જાણો છો ને ? સ્નેહલને કહ્યું છે કે એ પોતાનું ઘર ગણીને અહીં રોકાય. તમે ઉતાવળ ન કરો. અત્યારે અંધારું થવા લાગ્યું છે. વળી રસ્તા પર લાઈટો પણ નથી. કાલે સવારે પાણી ઊતરે એટલે સ્નેહલ-છોકરાંઓ આવશે.’
સ્મિતાએ દાદાજીની વાત સ્વીકારી. સૌનો હૃદયપૂર્વક આભાર માની એ બંને ડ્રાઈવરને લઈ પાછી વળી. એને ચિંતા હતી – યુવાન પુત્રવધૂની ! કોને ત્યાં કેમ રહેશે ? પરંતુ આઈ – દાદાજીનો ભાવ જોતાં નચિંત બની એ પાછી વળી.

બંને બાળકોને અને સ્નેહલને લઈ દાદાજી ઉપર પોતાના દીકરાને ત્યાં મૂકવા ગયા. સરખી ઉંમરના બાળકો, સાથે રમ્યાં અને લડ્યાં પણ ખરાં ! દાદાજીની પુત્રવધૂએ પણ સ્નેહલને પ્રેમથી બોલાવી વાતો કરી. ત્યાં એક બેડરૂમમાં એક મોટા પલંગમાં બંને બાળકો સાથે સ્નેહલે રાત વિતાવી; અરધા જાગતા; અરધી તંદ્રામાં ! અજાણ્યા લોકો વચ્ચે રહેવાનો અને પ્રેમ-ભાવથી સદાય મદદરૂપ થવા તત્પર એવા લોકોનો વિરલ અનુભવ સદાય સ્નેહલની સ્મૃતિમાં રહેશે….

આ પણ મુંબઈ છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રીમતીજીની વાનગી હરીફાઈ ! – હરેશ ધોળકિયા
પૈસાનો ઉપયોગ – મહોમ્મદ માંકડ Next »   

24 પ્રતિભાવો : સાવ અજાણ્યા ઑલિયા – ભારતી ર. દવે

 1. Jayshree says:

  ઘણો ગમ્યો આ લેખ.

 2. hitu pandya says:

  લેખ ગમ્યો,હજી વધુ સારો થઇ શકે.

 3. આ લેખ જીંદગીની સત્ય હકીકત છે. આ સમયે તો આવા કેટલાયે ઓલિયા હતાં મુંબઈમાં.

 4. NIKHIL says:

  સારો લેખ છે પન કશુક્ ખુટે છે.

 5. Keyur Patel says:

  જો આ સત્યઘટના પર આધારિત હોય તો આ એક લેખ ન રહેતા એક વાસ્તવિક ઘટના બની જાય છે. આને એક માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ગણવું જોઇએ. સરસ. ગમ્યું.

 6. hardik pandya says:

  if its a true story then its excellent, but if its jus a story then improvment is needed 🙂

 7. Niraj says:

  વાહ વાહ!!!

 8. ALKA says:

  ભારત દેશ હમકો જાન સે પ્યારા હે……
  ભારતીબેન બહુ જ સરસ
  આભાર સહ યાદ…….

 9. ALKA says:

  ભારત હમ કો જાન સે પ્યારા હે…..
  ભારતીબેન બહુ જ સરસ…
  આભાર સહ યાદ….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.