- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

કિટી પાર્ટી- નિપુણ ચોકસી

રવિવારની સુંદર સાંજ હતી અને શ્રીમતીજીએ ટહુકો કર્યો. શ્રીમતીજી જ્યારે જ્યારે ટહુકો કરે ત્યારે અચાનક હું ગભરાઈ જાઉં છું. મારા કાનમાં ખતરાની ઘંટી વાગવી શરૂ થઈ જાય છે. હવે પછી કાંઈક અવનવું કે અજુગતું કે પછી ન બનવાનું બનશે. એવું વિચારતા જ મારું નાજુક હૃદય ફફડી ઊઠે છે અને ધબકારા અનિયમિત થઈ જાય છે. એમના તરફથી સામાન્ય રીતે મને ટહુકાની આશા હોતી નથી. ટહુકો કરે, એટલે કે મીઠાશથી વાત કરે એટલે સમજી જવાનુ કે કાંઇક માંગણી છે કે પછી એમને ક્યાંય સિધાવવું છે. આપણે જો ટહુકાનો મનગમતો પ્રત્યુત્તર ન આપીએ તો ટહુકામાંથી ક્યારે કા…કા..કા… કરતો કર્કશ અવાજ પ્રસારિત થાય એ કાંઇ કહેવાય નહીં. એટલે આવનારી આફતના એંધાણ પારખી હું બરાબર સતેજ થઈ ગયો.

આખું અઠવાડિયું ઓફિસમાં બોસ અને કર્મચારીઓ સાથે માથાકૂટ કર્યા પછી રવિવારનો દિવસ મારા માટે તહેવાર જેવો હોય છે. એટલે આ તહેવારના દિવસે મારી જાત સાથે વ્યવહાર કરવા સિવાય બીજા કોઇ સાથે તું-તું-મૈં-મૈં કરવાનું સામાન્ય રીતે મને પસંદ પડતું નથી, પરંતુ પરણ્યા પછી પસંદગી કે નાપસંદગી જેવુ કાંઈ રહેતું જ નથી. એક વાર કોઇને કાયમ માટે પસંદ કરો એટલે મોટે ભાગે નાપસંદ કામો જ જિંદગીભર કરવા પડતાં હોય છે. જો કે આ પ્રથાની વ્યથા કુંવારા સિવાય બધાની હોય જ છે અને એનું નામ જ દાંપત્યજીવન.

હા, તો એક રવિવારની સાંજે શ્રીમતીજીએ ટહુકો કર્યો, એ સાંભળો છો ?…
જગતની મોટાભાગની પત્નીઓને ખબર હોય છે કે, પતિઓ સાથે વાત કરતાં પહેલાં એમનું શ્રવણયંત્ર એટલે કે કાનની સ્વીચ ચાલુ છે કે બંધ એ ચકાસી લીધા પછી જ વાત મંડાય. કારણકે પત્નીઓની વાતમાં ડાહ્યાડમરાં થઇ સંમતિસૂચક ડોકું હલાવનારાં પતિદેવો વાત સાંભળતા જ નથી હોતા એની પત્નીઓને ખાતરી હોય છે. આમ, બે કાનનો સાચો ઉપયોગ પુરુષો પરણ્યાં પછી જ કરતાં શીખે છે. એના માટે પત્નીઓને ધન્યવાદ ઘટે છે.
એટલે બે-ચાર વાર સાંભળો છો ? સાંભળો છો ? એમ કહી, હું ખરેખર સાંભળું છું અને માત્ર એને જ સાંભળું છું. એની પાકી ખાતરી કરી એણે શરૂ કર્યું.
‘હું કિટી પાર્ટીમાં જાઉં છું. ’
‘શું કહ્યું ? કિટ્ટા પાર્ટી.’
‘તમને જ્યારે હોય ત્યારે મારી બાબતમાં આડું જ બોલવા જોઇએ છે. કિટ્ટા પાર્ટી નહીં, પણ કિટી પાર્ટી… જરાં કાન સાફ રાખતાં હોય તો !’ શ્રીમતીજી વદ્યા.
‘તું કાનભંભેરણી કરીને મારા કાન ના પકવતી હોય તો ! આમ વારેઘડીએ કાન સાફ તો ના કરવા પડે ને ?’ જો કે કાનભંભેરણી તું મારી સાસુ વિરુદ્ધ ક્યારેય કરતી નથી એટલો તો મારો જરૂર ખ્યાલ રાખે છે. ‘હું કિટ્ટાપાર્ટી એટલા માટે કહુ છું કે, બાળકોને એક્બીજા સાથે ન બને એટલે કિટ્ટા કરતા હોય છે તેમ આવી કિટ્ટી પાર્ટીઓને અંતે સ્ત્રીઓ પણ એક બીજાની કિટ્ટા કરતી હોય છે.’
પત્ની : ‘જાવ જાવ હવે ! તમને કોણે કહ્યું ? તમે કોઇ દિવસ ગયા છો કિટીપાર્ટીમાં ?’

હું : ‘કિટી પાર્ટીમાં પુરુષો માટે પ્રતિબંધ હોય છે. કારણ કે આવી બધી પાર્ટીઓમાં પુરુષો વિરુદ્ધની વાતો થાય છે. પુરુષો સામે મોરચા કેમ માંડવા, રણચંડી કેમ થવું એવું બધું શીખવવામાં આવે છે. અમે તો લાયન્સ, રોટરી તથા જેસીસ જેવી સંસ્થાઓમાં જઈએ અને સમાજની સેવા કરીએ.’
પત્ની : “રહેવા દો, રહેવા દો હવે ! મોટા સેવા કરવાવાળા ના જોયા હોય તો ? (પત્નીના શરીરમાં જાણે જોગમાયા પ્રવેશ્યા.) હમણાં જ છાપામાં મોટા હેડિંગમાં સમાચાર હતા કે, લાયન્સ ક્લબના એક કાર્યક્રમમાં ભોજન માટે સિંહો અને સિંહણો બાખડ્યા. થાળી-વાડકા ઉછળ્યા અને આ બધી તમારી સંસ્થાઓમાં સમાજસેવા તો નામની જ હોય છે. મુખ્ય પ્રવૃતિ તો રાજકારણ, ચાપલૂસી અને ટાંટિયાખેંચ જ હોય છે ને ? સ્ટેજ પર બેસવા મળે અને છાપામાં નામ આવે એટલે પત્યું.’
હું : “હોય એ તો વળી ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ ને. સેવાની સાથે મેવા હોય તો જ આ બધું ચાલે, પણ આ બધી વાત તું છોડ. તારે કિટીપાર્ટીમાં કેમ જવું છે? એનો ઉદ્દેશ શું છે ?’

પત્ની : ‘કેમ, તમે બહાર બધે સમારંભોમા, સંસ્થાઓમાં, સજી ધજીને જતાં હો એવો અમનેય શોખ હોય કે, નહીં ? અમે સ્ત્રીઓએ શું ગુનો કર્યો છે ? અમારે આખી જિંદગી રસોડામાં જ કાઢી નાખવી એવું કોણે કહ્યું ? અમે પણ એકવીસમી સદીની જાગૃત અને આધુનિક નારીઓ છીએ. તમારાથી કાંઈ કમ નથી હા ! પુરુષ સમોવડી છીએ. પુરુષોનું આધિપત્ય, પુરુષોની દાદાગીરી હવે નહીં ચલાવવામાં આવે. અમે સોસાયટીની જાગૃત મહિલાઓએ ભેગા થઈને નક્કી કર્યું છે કે, દર મહિનાના ચોથા રવિવારે જે બહેન આમંત્રણ આપે તેમનાં ઘરે ભેગા થવું. સ્ત્રીઓની સમસ્યાઓ ઉપર વિચાર કરવો, મંત્રણાઓ કરવી, કોઈ મહિલાને તકલીફ હોય તો એને મદદ કરવી વગેરે…વગેરે..’
આ સાંભળીને મારી તો બોલતી જ બંધ થઈ ગઈ. મને લાગ્યુ કે, અત્યારે માર શ્રીમતીજીના તનમાં માયાવતી, મમતા બેનર્જી અને જયલલિતા આ ત્રણે રાજરાણીઓ એકીસાથે પ્રગટ્યા છે. આમ તો એને ઓછું બોલવા જોઈએ છે, પણ આખો દિવસ ટી.વી. જોઈને ભાષણ ને રવાડે ચઢી છે.

આ શ્રીમતી શબ્દની શોધ કોણે કરી હશે અને એ પત્ની માટે જ શા માટે વપરાય છે એની મને સમજ ના પડી. કારણ કે પુરુષ માટે “શ્રીમાન” શબ્દ એટલે કે સારું માન-પાન ધરાવનાર વ્યકિત, એ તો જાણે સમજ્યા. પણ શ્રીમતીનો અર્થ થાય ‘શ્રી’ એટલે સારી અને ‘મતિ’ એટલે બુદ્ધિ. આમ શ્રીમતી એટલે જેની સારી મતિ હોય છે તે સ્ત્રી. હવે આવી પરિસ્થિતિ કે પછી આવી અવસ્થા પત્નીમાં ક્યારેક જ જોવા મળે છે. મોટે ભાગે અ-મતિ, અર્ધ-મતિ, કુ-મતિ અને ન-મતિ જેવી અવસ્થા વધારે હોય.
અમતિ એટલે બુદ્ધિ સાથે બાપ જનમનું વેર હોવું.
અર્ધમતિ એટલે અડધી મતિ. ધ્વજ અડધી કાઠીએ ફરકતો હોય છે તેમ, બુદ્ધિ પણ અડધીએ જ ચાલે.
કુમતિથી તો ભગવાન જ બચાવે. આપણુ ધનોતપનોત કાઢી નાખે.
નમતિ એટલે બુદ્ધિ સાથે બારમો ચંદ્રમા.
આમ પત્નીને માત્ર શ્રીમતી જ કહેવી એવું જરૂરી ન હોવું જોઇએ, પણ મતિના પ્રમાણ અનુસાર અમતિ, અર્ધમતિ, કુમતિ કે પછી નમતિ કહેવાની, લખવાની છૂટ હોવી જોઇએ.
વ્યવહારમાં આ બધા શબ્દો છૂટથી વપરાય તો કોઈ પતિ કહેશે.
‘મારી અમતિ તો મોટે ભાગે પિયર જ રહેતી હોય છે.’
‘મારી કુમતિ આજે રિસાઈ છે અને રસોઈ બનાવતી નથી.’
‘મારી નમતિ હંમેશા તેની સાસુ સાથે ઝઘડે છે.’

હું આ બધા વિચાર કરતો હતો ત્યાં જ પત્ની બોલી, “ક્યારનાય વિચાર્યા શું કરો છો ? મૂંગામંતર થઈને ? તમારી આ કુટેવનો કોઈ ઈલાજ જ નથી કે શું ? હું કાંઈક પૂછું એટલે જાણે ગંભીર સમસ્યા ઊભી થવાની હોય એમ તમને વિચારવાયુ થઈ જાય છે. હું કિટીપાર્ટીમાં જાઉં ને ?’
‘જાવ જાવ જલદી જાવ. આજની નારી જ્યારે દેશની, સમાજની સેવા કરવા માટે જાગૃત બની છે ત્યારે એને અટકાવનાર પામર મનુષ્ય હું કોણ ? હું ના કહું તો તું સોસાયટીની મહિલાનો વેલણ-મોરચો સીધો મારી ઉપર જ લઈ આવે ને ? નારી અને નાગણ ને છંછેડાય નહીં. સ્ત્રી છે આ તો. ઈસ્ત્રીની જેમ ગરમ થતા વાર ના લાગે. આ એકવીસમી સદી સ્ત્રીઓની સદી છે…..”નારીશક્તિ ઝિંદાબાદ… નર બિચારો મુર્દાબાદ…”
‘બસ, બસ. હવે આવુ તેવું બોલવાનું રહેવા દો તો સારું. હું ક્યાંય બહાર જઉં એ તમને પસંદ જ નથી પડતું.’ એમ બોલી શ્રીમતી તૈયાર થવા ગયા.
‘તું બહાર જાય છે એ નહી, પણ કાયમ બહાર જઈને પાછી જ આવે છે એ પસંદ નથી પડતું’ મેં મનમાં કહ્યું.

આ સ્ત્રીઓને તૈયાર થવાની બાબતમ આં જાણે સ્વર્ગનું સુખ મળતું હોય તેમ લાગે છે. તૈયાર થતી સ્ત્રીને જોવી એ એક લહાવો હોય છે. (અલબત્ત પોતાની !) શણગાર એ સ્ત્રીઓનો જાતિસિદ્ધ, અબાધિત અધિકાર છે. (પુરુષ હોવાનો ગેરફાયદો આ છે.) આ બાબતમાં જગતની બધી સ્ત્રીઓ નાત-જાત, કાળા-ગોરા, ઊંચ-નીચના ભેદભાવ વગર સમાન છે. અરીસા સામે ઊભા રહેતા જ ગમે તેવી કદરૂપી સ્ત્રી પણ પોતાને વિશ્વસુંદરી સમજવા લાગે છે. આવા સમયે કોઈ ખલેલ પહોંચાડે તો વાઘણની જેમ ઘૂરકિયાં કરતી હોય છે. જેમ સ્ત્રીની ઉંમર વધારે એમ મેકઅપના થર અને શણગાર પણ વધારે. અને આજે તો સોસાયટીની બધી સ્ત્રીઓ આગળ વટ પાડવાનો હોય પછી કસર રખાય કે ?
જાત જાતના ક્રીમ, પાવડર અને સ્પ્રેથી મારો નાનો એવો બેડરૂમ મઘમઘી ઊઠ્યો. બે કલાક તૈયાર થવામાં વિતાવી, ખભે પર્સ લટકાવી, ચાલતાં પડી જવાય એવી ઊંચી એડીના સેન્ડલ પહેરી શ્રીમતીજી કિટીપાર્ટી માટે રવાનાં થયાં. જતાં જતાં સૂચના આપતાં ગયાં :
‘જુઓ ચિંતા ના કરતાં, અડધી રસોઈ તો બનાવી જ છે. બાકીની હું આવું પછી બનાવી દઈશ. રસોડામાં જઈ અધીરા થઈ આડું-અવળું કે તોડફોડ ન કરતાં. થોડી ધીરજ ધરજો શું કીધું ?’
‘હા ભાઈ હા… તારી સાથે લગ્ન કર્યા પછી ધીર અને સહનશીલતા આ બે ગુણો તો મારામાં ઉત્તરોત્તર વિકસતાં જ જાય છે અને એમાં તારો સિંહણ ફાળો જરૂર રહેલ છે.’ મેં અકળાઈને કહ્યું.

પત્નીના ગયા પછી હું કિટીપાર્ટી વિશે વિચાર કરવા લાગ્યો. આજકાલ ટી.વી. માં કિટીપાર્ટી નામની સિરિયલ પણ આવે છે. ટી.વી. પર આવતી ‘ક’થી શરૂ થતી ગાંડાઘેલા જેવી વિચિત્ર સિરિયલો જોઈને આજની સ્ત્રીઓને પણ એ મુજબ વર્તવાનું મન થાય છે. સરસ મજાનાં કપડાં અને શરીર પર રંગબેરંગી ડેકોરેશન તથા અવાસ્તવિક કહાનીઓ પર આજની બધી સિરિયલ ચાલે છે. વળી આજની આધુનિક નારીઓ બધા કામ પડતા મૂકી હોંશે હોંશે એ બધું જોવે છે.
આમ તો જૂની કહેવત છે કે, ‘ચાર મળે ચોટલા અને ભાંગે કોઈના ઓટલા’ પણ આ કિટીપાર્ટીમાં ચાર નહીં, પણ કોણ જાણે કેટલાંય ચોટલાઓ ભેગા થવાના છે અને માત્ર ચોટલાંઓ જ નહી પણ અંબોડાઓ, બોબ્ડકટો, બ્લેકકટો, સ્ટેપકટો, વગેરે આધુનિક જમાના પ્રમાણે ભેગા થવાના છે. આ બધા ભેગા થઈને કોણ જાણે કેટલાના ઓટલા ભાંગશે ? એ કલ્પનાથી જ હું ધ્રૂજી ઊઠ્યો. અરે જાતજાતના ફતવા કાઢશે જેવા કે… પુરુષોની જોહુકમી નહીં ચલાવવામાં આવે.
મહિનામાં અડધા દિવસ રસોઈ પુરુષોએ બનાવવી પડશે.
જેમ સ્ત્રીઓ પોતાની સાસુની સેવા કરે છે એમ પુરુષોએ પણ પોતાની સાસુની સેવા કરવી પડશે અને જમાઈઓએ સાસુના કહ્યામાં રહેવું પડશે.
જેમ સ્ત્રીઓ બહારના બધાં જ કામ સક્ષમ રીતે કરી શકે છે તેમ પુરુષોએ પણ ઘરના બધાં જ કામ રસોઈઆઓ અને રામલાઓની જેમ કરવા પડશે.
બાળઉછેરમાં પણ પુરુષોએ પોતાનો સક્રિય ફાળો આપવો પડશે. બાળોતિયાં બદલવા, બાળકોને નવડાવવાં, તૈયાર કરવા વગેરે… વગેરે…

હું નવરો બેઠો આ બધા વિચારો કરતો હતો ત્યાં જ શ્રીમતીજીનું આગમન થયું. યુદ્ધભૂમિમાંથી ઘાયલ થઈને, હારીને પરત આવેલા યોદ્ધા જેવા એમના હાવભાવ હતા.
મેં પૂછ્યું, ‘શું થયું કિટીપાર્ટીમાં ?’
‘અરે જવા દો ને એ વાત જ.’
‘પણ કહે તો ખરી ?’
‘હું એક કલાક મોડી ગઈ તોય જેમના પ્રમુખપદે કિટીપાર્ટી રાખી હતી એ બહેન હજુ તૈયાર થતા હતાં’. મને કહે, ‘જો આ સાડી મેં કલાનિકેતનમાંથી લીધી. બે હજારમાં આવી.’
‘જાણે એ જ કલાનિકેતનમાંથી સાડી લાવતાં હશે અને અમે તો જાણે ઢાલગરવાડમાંથી સાડી લાવતા હોઈશું… ચીબાવલિ નહીં તો ! પોતાની જાતને માધુરી સમજતી હશે. કચરા જેવી સાડી હતી.’ શ્રીમતીજી વદ્યા.
‘હવે આ બધું તો ઠીક છે. પોતાનાં ઘરે બોલાવે એટલે કાંઈક તો પ્રદર્શન કરે જ ને ? પણ નારી સમસ્યાની, નારી ઉદ્ધારની શી વાત થઈ એ તો કહે ?’
‘આ તો કેવી વળી ? ત્યાં તો બધી બનીઠનીને જણે ફેશન પરેડમાં ભાગ લેવા આવી હોય એ રીતે બધીઓ આવી હતી. પોતે રોજ કઈ ટી.વી. સિરિયલ જુએ છે, એમાં બધી હિરોઈન શું શું પહેરે છે, કોનું લફરું કોની સાથે છે… આ બધી ચર્ચાઓ ચાલતી હતી. અમુક સ્ત્રીઓ તો પોતે કેવી ગુણસુંદરી છે અને પોતાને કેવી વઢકણી સાસુ, નણંદ, દેરાણી, જેઠાણી વગેરે મળ્યા છે અને એના લીધે ઘરમાં રોજ કેવું રામાયણ અને મહાભારત ચાલે છે એની વાતો શૌર્યરસથી બીજી સ્ત્રીઓને કરતી હતી.’
મેં કહ્યું, ‘યુદ્ધો મોટા મેદાનોમાં જ થાય એવું જરૂરી થોડું છે. એના માટે ઘરની નાની જગ્યા પણ પર્યાપ્ત છે અને આ નાની જગ્યામાં થતા મોટા યુદ્ધની કથા લખાય તો રામાયણ, મહાભારતથી કમ ન હોય. હવે હું તારી કિટીપાર્ટીની કચકચ વાતોથી કંટાળ્યો. પછી શું થયું એ કહે.’
‘પછી ચા-નાસ્તો થયો. જેના કેટલાકે વખાણ કર્યા. કેટલાકે મસાલો બરાબર નથી એમ કહ્યું. કેટલીક સ્ત્રીઓએ એને વખોડી નાખ્યા અને અમે આનાથી સારું બનાવીએ છીએ એમ જાહેર કર્યું. જે યજમાન બહેનને ગમ્યું નહીં. હવેથી જે નાસ્તા સારા બનાવે અથવા બહારથી મંગાવે તેને ત્યાં જ પાર્ટી રાખવી એવું નક્કી કર્યું. જેનો થોડાકે સ્વીકાર કર્યોં અને ઘણાએ વિરોધ કર્યો. આમ નાસ્તાપુરાણ પૂરું થતાં જ કિટીપાર્ટીનું વિસર્જન થયું.’

પછીના એક રવિવારે સાંજે શ્રીમતીજીને મેં સામેથી યાદ કરાવ્યું.
‘કેમ તારે કિટીપાર્ટીમાં નથી જવું ?’
‘ના, આજે મારે બહુ કામ છે.’
‘આખરે કિટીપાર્ટીની કિટ્ટાપાર્ટી થઈને જ રહી કેમ ?’ જવાબમાં શ્રીમતીજીએ હંમેશની જેમ મોંઢુ મચકોડ્યું.