પ્રવેશદ્વાર : ઘરનું અને મનનું ! – પંકજ ત્રિવેદી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી પંકજભાઈનો (સુરેન્દ્રનગર, ગુજરાત) ખૂબ ખૂબ આભાર.]

સફળતા મુખ્ય બારણેથી આવે છે અને નિષ્ફળતાને પાછલું બારણું કે બારી જ ફાવે છે. જીવનમાં આ બંને દ્વારોનું ખૂબ જ મહત્વ છે. મનને પણ એક બારણું છે ને એક બારી ! આ પાછલી બારીનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એનાં પર બધો મદાર હોય છે. આપણે ત્યાં મુખ્ય બારણાના ઉંબરાની પૂજા કરવામાં આવે છે. શક્ય હોય તો પૂર્વ તરફ કે પશ્ચિમ કે છેવટે ઉત્તર દિશા તરફના બારણાની પસંદગી કરવામાં આવે છે. બારણું કહો કે પ્રવેશદ્વાર ! આ પ્રવેશદ્વારમાં રહેલો ‘પ્રવેશ’ શબ્દ આપણને ઘણુંબધું કહી જાય છે. જ્યાંથી તમે પ્રવેશી શકો તે પ્રવેશદ્વાર. એનો અર્થ એમ કે ત્યાં તમારો આદર-સત્કાર છે અને અમુક અંશે ત્યાં પ્રવેશ કરવાનો તમારો અધિકાર પણ ખરો. જ્યાં સંબંધની સુવાસ ફેલાયેલી હોય, હૂંફનો અહેસાસ મનને પ્રફુલ્લિત કરીને હિંમત આપે એવું વાતાવરણ હોય અને સમાજમાં સ્વીકૃત હોય એવો ખૂલ્લો સંબંધ હોય, એવી જગ્યાએ પ્રવેશવાનું બારણું સાચા અર્થમાં ‘પ્રવેશદ્વાર’ બની જાય છે.

પ્રવેશ કરવો એ માત્ર ઘરની વાત નથી. એક મનથી બીજા મન સુધી પહોંચીને એમાં પ્રવેશવાની વાત છે. પ્રેમ અને સહાનુભૂતિની વાત છે. માણસ કોઈપણ સ્વરૂપે પ્રવેશદ્વારનો ઉપયોગ કરે ત્યારે માનવું કે એ નખશિખ માણસ છે અને એટલે જ પવિત્ર પણ છે. પ્રવેશદ્વાર જે કાર્ય કરવા સક્ષમ છે, પ્રતિબદ્ધ છે તે કાર્ય પાછલા બારણા કે બારીના ગજા બહારની વાત છે. પ્રવેશ બીજાના ઘરમાં કરો કે પોતાના, પ્રવેશ કરવો એ તો જવાબદારીનું પ્રતીક છે. માણસ અન્યના ઘરમાં પ્રવેશે ત્યારે સામાજિક વ્યક્તિ તરીકે કેટલીક ફરજો એણે નિભાવવાની હોય છે. જેના ઘરમાં પ્રવેશીએ ત્યાં એ માણસનું વ્યક્તિત્વ, એનો સ્વભાવ અને સામાજિકતા મુજબ આદર આપવો, જે કામથી ગયા હોય તે મૂળ વાતને સહજ રીતે કહેવી અને નિખાલસતા સાથે નજરની પવિત્રતાને જાળવવી. આ વાત કહેવા જેટલી સહેલી ક્યાં છે પણ આપણે તો પ્રયત્નોમાંય પાછા પડીએ છીએ એટલે પ્રવેશદ્વારથી પ્રવેશવા છતાંયે સફળતા હાથવેંત છેટી રહે છે. કોઈના ઘરમાં પ્રવેશીને ગમે તે જગ્યા પર બેસવું એ પણ અપરાધ છે. દરેક ઘરમાં એક મુખ્ય માણસ હોય છે. તે પિતા, પતિ કે ભાઈ સ્વરૂપે હોઈ શકે. કોઈના ઘરમાં પ્રવેશતાં જ આપણે કોઈને પૂછતા નથી કે હું ક્યાં બેસું ? આવી ટેવ આપણને પાડવામાં જ નથી આવતી. ઘણીવાર એવું બને કે ઘરના મુખ્ય માણસને બેસવાની, ગમતી કે અનુકૂળ એવી ચોક્ક્સ જગ્યા હોય છે. એમાં એક તર્ક પણ છે. ઘરમાં રૂમ, રસોડું, પ્રવેશદ્વાર કે મુખ્ય ડેલી તરફ જોવાની બારી કે ટી.વીની વ્યવસ્થા ચોક્કસ ખ્યાલ રાખીને ગોઠવાયેલી હોય છે. એવામાં આપણે જ ઘરના મુખ્ય માણસની મૂળ જગ્યાએ બેસી જઈએ તો એને કંઈક જુદું લાગશે. એ માણસ તમારી સાથે મુક્ત મનથી વાત નહીં કરી શકે. એ કદાચ શરમમાં નહીં બોલે તો તમે જે વાત કરવા કે કોઈ કામથી ગયા હશો એમાં એ માણસ હકારાત્મક રીતે ન વર્તી શકે !

આ બાબત માત્ર ઘરમાં પ્રવેશવા પૂરતી સીમિત પણ નથી. મનમાં પણ કેટલીક માન્યતાઓ પ્રવેશી જાય છે. જે વિચાર સ્વરૂપે હોવા છતાંયે ક્યારેક એનાં પરિણામો ઉત્તમ મળે અને વિપરિત પણ મળે. આવા સમયે આપણી બુદ્ધિ વિચારપ્રવેશનું ફિલ્ટર (ગળણી) બનવું જોઈએ. મન અને બુદ્ધિ વચ્ચેનો ભેદ આટલો સરળ છે, જેનો ઉપયોગ આપણે નિયમિત કરતાં પણ નથી. ઈશ્વરની આપેલી તમામ ચીજો, વિચારો કે અંગોનો યોગ્ય સમયે, ઉત્તમ ઉપયોગ કરીએ તો જ આપણે માણસ !

જે માણસ મહેનતનું કાર્ય કરી, પ્રામાણિક રીતે નોકરી કરી અને હાથ નીચેના માણસો સાથે પ્રેમ-સમરસથી ધન કમાયો હશે તો એનું ધન યોગ્ય માર્ગે વપરાશે. એનાં બાળકો સુખી થશે, ભણશે અને પરિવાર-સમાજનું ગૌરવ વધારશે. જે ધન પાછલા બારણેથી આવ્યું હશે એના માટે શું કહેવું ? કોઈ કહેશે કે ધન તો પ્રવેશદ્વારેથી જ લાવ્યો હતો. અરે ભાઈ ! તમારી દલીલ સાચી લાગે છે પણ ધન લાવવા માટે તમે જે બુદ્ધિનો ઉપયોગ કર્યો એ બુદ્ધિ ખોટી છે. કારણકે ધન કમાવા માટે મનના પાછલા બારણાનો ઉપયોગ કર્યો હશે ત્યારે બુદ્ધિ ફિલ્ટર તરીકે નિષ્ફળ થઈ જાય. બુદ્ધિએ તો ખોટા માર્ગેથી આવતા ધન માટે મનને વારવું જોઈએ ને ? આપણે તો ફિલ્ટરમાં જ કાણું હોય છે !

માણસને જ્યારે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મળે છે ત્યારે સૌથી પહેલી બુદ્ધિ બગડે છે અને પછી મન. સફળતા આલ્કોહોલ જેમ નશીલું દ્રવ્ય છે. માણસને જેમજેમ સફળતા મળે એમ એનાં મનની તમામ ચેતનામાં પરીવર્તન આવે છે. ક્યારેક મનને શાંત કરી, બુદ્ધિને બાંધીને વિચારીએ તો ચેતનાના પરીવર્તનની અનુભૂતિ કરી શકાય છે. આ કક્ષાએ પહોંચવા માટે ધીરજ જોઈએ. આપણી દષ્ટિમાં સમષ્ટિનો સમભાવ જોઈએ. પ્રેમ અને નિજ સંસ્કારોનું ભાથું હશે તો સિદ્ધિ-પ્રસિદ્ધિ અને ધન-દોલતનો કેફ નહી ચડે. અન્યથા એ સફળતાના બોજ નીચે આપણી સાથે હિતેચ્છુઓ પણ દટાઈ મરવાના !

સફળતાનો ગ્રાફ વધે એમ સાવધાની માટેની સતર્કતા પણ વધવી જોઈએ. આ સાવધાની જ જીવનના મર્મને સમજવામાં ઉપયોગી થશે. સમજાઈ ગયેલો આ મર્મ આપણા હૃદયના ધબકાર ગતિને જાળવી રાખશે. જીવનમાં પ્રવેશદ્વારનું મહત્વ વિશેષ છે, ચાહે એ ઘરનું હોય કે મનનું….!!!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ક્ષુબ્ધ તરંગ – મોહનલાલ પટેલ
પ્રવાસે – ગિરીશ ગણાત્રા Next »   

5 પ્રતિભાવો : પ્રવેશદ્વાર : ઘરનું અને મનનું ! – પંકજ ત્રિવેદી

  1. Jigar says:

    absolutely amazing article…… Keep it up

  2. Trupti Trivedi says:

    મને તો સાવ સાચુ લાગે છે. પણ પાળવો અઘરો લાગે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.