પ્રવાસે – ગિરીશ ગણાત્રા

ઉનાળાની બપોરે રિસેસ ટાઈમમાં નાસ્તો કરતી વખતે એક સહકાર્યકરે વાતચીતમાં ઉનાળાને છેડતો હતો. એ કહે – તાપ અને ગરમીમાં બહુ ફરક હોય છે. તાપ બહાર પડે, ગરમી અંદર હોય. તાપ સહન કરી શકાય પણ ગરમી નહિ. એણે ‘ગરમી’નો ગુઢાર્થ સમજાવવાનું શરૂ કર્યું.
‘કઈ રીતે ?’ ખારી બિસ્કિટ મોમાં પધરાવીને ચાનો ઘૂંટ લેતાં બીજા મિત્રે પૂછ્યું.
‘તમે જોજો,’ ઉનાળાની ચર્ચા કરતાં મિત્રે કહ્યું, ‘અત્યારે તમે ઑફિસની બહાર જાઓ ત્યારે બેંતાળીસ-તેંતાળીસ ડિગ્રી તાપ હશે. સૂરજનાં કિરણો ચામડીને કોંચતાં હોય એવું લાગે પણ બહાર પવન હોય, થોડી થોડી હવા આવતી હોય, કોઈ કોઈ ઠેકાણે ઝાડ કે ઊંચા બિલ્ડિંગનો છાંયડો હોય, આછોઆછો પવન શરીરની આજુબાજુ ચકરાવો લેતો હોય, બહારના વાતાવરણમાં થોડો ભેજ હોય એટલે તાપ લાગે તોય સહન કરી શકાય. આપણે અત્યારે અહીં નાસ્તો કરતા બેઠા છીએ ને અચાનક વીજળી ગુલ થઈ જાય તો ? બિલ્ડિંગની અંદર એક ચોક્કસ હવાનું થર હોય. એના રજકણો એટલા ન હોય. ભેજનું પ્રમાણ પણ નહિવત. પરિણામે શરીરની અંદરની ગરમી બહાર નીકળવા માંડે. તમે જોજો, બે માણસો લડતા હોય ત્યારે એના શરીર ખૂબ જ ગરમ હોય…’

‘રાવળ, તમે ખોટા આ ઑફિસમાં આવી ચડ્યા’ એક મિત્રે હસીને કહ્યું, ‘તમારે તો હવામાન કચેરીમાં નોકરી લેવી જોઈએ.’
‘તમને મારી વાતમાં મજાક લાગતી હશે પણ જરા ગંભીરતાથી વિચાર કરશો તો તાપ અને ગરમીનો ફરક સમજાઈ જશે.’

રાવળની ઑફિસમાં જ કામ કરતાં ગુણવંતભાઈને આ તાપ અને ગરમીનો ફરક બરાબર સમજાયો હોવાથી અત્યારે એ પોતાના ફલેટનું બારણું ખૂલ્લું રાખી પતિ-પત્ની ટી.વી. જોતાં જતાં હતાં, વચ્ચે વચ્ચે વાતો કરતાં રહેતાં અને ગરમીની અકળામણથી બચવા ખૂલ્લા શરીર પર ભીનો ટુવાલ વીંટાળી પંખા નીચે બેઠાંબેઠાં રાતના નવ વાગ્યાના ટી.વી સમાચાર આવવાની રાહ જોતાં હતાં.
‘શું કરો છો, ગણુકાકા ?’
બારણા પાસે જ ચિરાગ-રેખા ડોકાયાં. ગુણવંતભાઈના ફલોર પર રહેતાં બન્ને એમના પાડોશી હતાં.
‘આવો, આવો’ ગુણવંતભાઈનાં પત્ની જયાબહેને આવકારતાં કહ્યું, ‘તમે તો દેખાતાં જ નથી. જ્યારે જુઓ ત્યારે દોડધામમાં જ હો. આવો, બેસો. ક્યાં કોઈ પાર્ટીમાં ગયાં હતાં ?’
‘પાર્ટીમાં નહિ, લગ્નના રિસેપ્શનમાં.’
‘કોણ પરણ્યું ?’
‘બહુ પૂછશો મા કાકી,’ રેખાએ ચિરાગ સામે હસીને કહ્યું, ‘આ ચિરાગને એનાં સગાંવહાલાંની જ ખબર નથી.’
ચિરાગે કહ્યું, ‘દેશમાંથી પપ્પા-મમ્મીનો કાગળ આવ્યો કે કોઈના છોકરાની કંકોતરી આવી છે એટલે અમારે બન્નેએ લગ્ન-રિસેપ્શનમાં જઈ આવવું અને કુટુંબવતી ચાંદલો કરતા આવવું. હવે તમે જ કહો, આ મારાં ફોઈ એટલે બીજી-ત્રીજી પેઢીએ પપ્પાની બહેન. હું તો એને ઓળખતો જ નથી છતાંય પપ્પાએ કહેવડાવ્યું એટલે જવું પડ્યું. તમે જમી પરવાર્યા ?’
‘હાઆઆઆ.’ ગુણવંતભાઈ બોલ્યા, ‘હુતો-હુતીને આ ઉંમરે જોઈએ કેટલું ? જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ ખાવાના ચટકા ઓછા થતા જાય. આ ઉંમરે બહુ ભારેખમ વાનગીઓ ખાઈને પેટ ન બગાડીએ એટલા માટે ઈશ્વર સમજી વિચારીને દાંત પાડી નાખતો હોય છે. અમે તો ખીચડી-કઢી, પાપડ, દહીં, અથાણાથી પેટપૂજા કરી લીધી. તમે શું જમ્યાં ?’

રેખાએ વાનગીઓનું વર્ણન કર્યું ત્યારે ચિરાગ ગુણુકાકા જોડે ટી.વી. જોવામાં પરોવાયો. રેખા અને ચિરાગ બિલ્ડિંગની લોબીના ખૂણાના ફલેટમાં રહેતાં. બન્ને સરખેસરખાં અને નોકરી કરે. દાદર ચડતા જ ગુણવંતભાઈના ફલેટનાં બારણાં ખૂલ્લાં જોયાં એટલે બન્નેએ હાઉકીયું કરી લીધું.

સમાચારમાં ઉનાળાના વેકેશનમાં રેલવે તરફથી દોડનારી વધુ ટ્રેનોની માહિતી આવી કે ચિરાગે પૂછી લીધું – ‘ગુણુકાકા, આ વેકેશનમાં ક્યાં જવાના ?’
‘એનો મેં અને તારી કાકીએ ભવ્ય પ્લાન બનાવી લીધો છે. ’
‘અચ્છા, તો કઈ બાજુ જવાના છો ?’
‘મારી વાત પછી. પહેલાં તું જ કહે કે તમે બન્ને ક્યાં જવાના છો ?’
‘અમે તો અગાઉથી ટિકિટો બુક કરાવી લીધી. અમે ચાર કપલ છીએ. ચારેય સરખેસરખા. બધાને ઑફિસમાંથી લીવ-ફેર કન્સેશન મળે એટલે આ વખતે ઉત્તર ભારતનાં બે-ત્રણ હિલ સ્ટેશનમાં જ ઉનાળો પસાર કરવાનો છે.’
‘ક્યાં ક્યાં જશો ?’
‘અહીંથી પહેલા ડેલહાઉસી જશું. ત્યાં ચાર-પાંચ દિવસ રોકાઈ પટણીટોપ. એ પછી કાશ્મીર અને વળતા સિમલા. બધે સ્થળે હોટેલ, હોલી-ડે રિસોર્ટ બુક કરાવી લીધાં છે અને ટ્રેનની ટિકિટો પણ આવી ગઈ છે. ફેબ્રુઆરી મહિનાથી જ આ બધું શરૂ કરી દીધેલું.’
‘હા ભાઈ, સરખેસરખાં એકલા છો ત્યાં સુધી મજા કરી લો, પછી છોકરાં-છૈયાં થશે એટલે ઝટ દઈને બહાર નહિ નીકળાય.’ જયાકાકી બોલ્યાં.
‘તમે ક્યાં ક્યાં જવાના છો, કાકી ?’ રેખાએ પૂછ્યું.
‘છોકરાઓને ઘેર જવાના હશો, નહિ ?’ ચિરાગે કહ્યું.

ગુણવંતભાઈના બન્ને પુત્રો એમનાથી દૂરના શહેરમાં રહેતા હતા. મોટો પુત્ર મામાની સાથે ધંધામાં જોડાઈ મદ્રાસ સ્થિર થયો હતો અને નાના પુત્રને અમદાવાદની કંપનીમાં નોકરી હતી.
‘ના રે ના’ ગુણુભાઈ બોલ્યા, ‘મોટાને ધંધામાંથી ક્યાં નવરાશ મળે છે તે બહાર જાય ? પણ આ વખતે એણે મામાની સાથે સિંગાપૂર જવાનું વિચાર્યું છે. મામો-ભાણેજ કુટુંબ સાથે સિંગાપુરની સફરે જવાના છે.’
‘તો અમદાવાદ જવાના હશો, નહિ ?’
‘મરવું છે ?’ જયાકાકીએ કહ્યું, ‘એક ઉનાળે નાની વહુની સુવાવડ કરવા અમદાવાદ ગઈ’તી. બાપ રે ! શું ગરમી પડે ત્યાં ! વગર કૂકરે બટેટા બફાઈ જાય એમ બફાઈ જવાય ત્યાં. એટલી ગરમી પડે છે ત્યાં તો.’ ‘નાનો પણ આ વખતે ઉનાળામાં ઊટી-કોડાઈકેનાલ જવાનો વિચાર કરે છે એમ ફોનમાં કહેતો હતો.’ ગુણુભાઈ બોલ્યા.
‘તો તમે બન્ને ક્યાં જવાના છો ?’
‘મેં કહ્યું ને કે આ ઉનાળામાં એક ભવ્ય કાર્યક્રમ બનાવ્યો છે.’ હસીને ગુણુભાઈ બોલ્યાં.
‘યુ.કે. અમેરિકા તો નથી જવાના ને ?’ ચિરાગે ઝીણી આંખ કરી પૂછ્યું. ‘આથી વિશેષ ભવ્ય પોગ્રામ કયો હોઈ શકે ?’
‘એ પછી તને કહીશ.’ ગુણુભાઈ હસીને બોલ્યા.
‘હવે કહી જ દો ને, કાકા’ રેખાએ લાડ કરતાં કહ્યું, ‘અમને ચટપટી ઓછી.’
‘તે એ ચટપટીનું ચાટણ ચાટતાં રહો. એક કામ કરીએ તમે ફરી આવો. ફરીને પાછા આવો એટલે તમારા પ્રવાસની ખટ્ટીમીઠ્ઠી સુણાવજો, હું અમારા વેકેશનની વાત કહીશ.’

જૂનના પહેલા અઠવાડિયામાં ચિરાગ-રેખા પર્યટનમાં જઈ પાછાં ફર્યા ત્યારે ગુણવંતભાઈના ઘરનું તાળું જોઈ રેખા બોલી : ‘લાગે છે ગુણુકાકા અને જયાકાકી લાંબા પ્રવાસે ગયાં લાગે છે.’
‘મને લાગે છે કે બન્ને ચારધામની યાત્રાએ ગયા હોવા જોઈએ. ગુણુકાકા સાઠે પહોંચવાની તૈયારીમાં છે. આ ઉંમરે યાત્રાનો વિચાર પહેલા આવે.’
‘એ ખરું.’ કહી બન્નેએ પોતાના ઘરનું તાળું ખોલ્યું.

બે દિવસ પછી આ વૃદ્ધ દંપતીનું બારણું ખૂલ્લું જોઈ, રેખા દાદરો ઊતરતાં ઊતરતાં ટહુકો કરી ગઈ – ‘પ્રસાદનું પડીકું તૈયાર રાખજો કાકી. આજે રાત્રે અમે લેવા આવીશું.’
જ્યાબહેન વિચારમાં પડી ગયાં. શેનો પ્રસાદ, કોનો પ્રસાદ ?
રાત્રે જમવાનું પતાવી રેખા-ચિરાગ પોતાના આલબમો લઈને ગુણવંતભાઈને ત્યાં આવ્યા. ચાના એક કપ પર એમણે ડેલહાઉસી, પટણીટોપ, પહેલગામ, ગુલમર્ગ, સિમલાના ફોટાઓ બતાવ્યા. સાથે આવેલાં ત્રણેય દંપતીઓની ફોટાઓ દ્વારા ઓળખાણ કરાવી અને વિસ્તૃત વર્ણન કરી, કાશ્મીરમાંથી ખરીદેલું મફલર, સ્કાર્ફ અને અખરોટની ટ્રે ભેટ ધરતાં કહ્યું – ‘હવે તમે તમારા પ્રવાસની વાત કહો. જો ફોટાઓ લીધા હોય તો એ બતાવો.’
‘ફોટાઓ તો ભાઈ, લીધા નથી પણ પ્રવાસની વાત અવશ્ય કહું. ખૂબ સરસ રહ્યો પ્રવાસ.’
‘અરે વાહ ! ત્યારે તો સાંભળવાની મજા આવશે. બોલો, ક્યાં ક્યાં જઈ આવ્યાં ?’
‘એ કહું ?’
‘જે દિવસે તમે વહેલી સવારે ઘેરથી નીકળી ગયાં એના બીજા જ દિવસે અમારું વેકેશન શરૂ થયું. હવે તમને તો ખબર કે આઠ-દસ વર્ષ પહેલાં આપણે આ સોસાયટીના નવા બંધાયેલા આ બિલ્ડિંગમાં રહેવા આવ્યાં તે પહેલાં અમે કાબલાદેવીની ડબલરૂમમાં રહેતાં હતાં. ઘણાં વર્ષોથી જૂના પાડોશીઓને મળાયું નહોતું એટલે થેલીમાં બે કપડાં નાખી અમે કાબલાદેવીના જૂના માળામાં ગયાં. અમને ખબર હતી કે બાજુના રૂમવાળાં સરલાબહેન અને ધનસુખભાઈ અમને રોકી પાડ્યાં વિના નહિ રહે. એમને સંતાનમાં બે દીકરીઓ અને બન્ને પરણીને સાસરે ગઈ હોવાથી ઘરમાં સગવડ સારી. એમાંય ખૂણાની ડબલરૂમમાં એક વધારાની રૂમ અને પેસેજ પણ હતાં. સરલા અને જ્યાને સારા બહેનપણાં, જાણે સગ્ગી બહેનો જોઈ લો. જે દિવસે અમે માળો છોડ્યો તે દિવસે સરલાબહેન જમ્યાં પણ નહોતાં.

આવા અમારા જૂના માળામાં અમે ફરી ગયાં ત્યારે બન્ને જણાં એટલાં ખુશખુશ થઈ ગયાં કે વાત ન પૂછો. ગયા હતા એક રાત રોકાવા પણ બન્નેએ પૂરાં પાંચ દિવસ રોકી પાડ્યા. સવારે ભુલેશ્વરમાં જઈ બધાં દર્શનો કરતા, ક્યારેક માધવબાગમાં ચાલતું પ્રવચન સાંભળવા બેસી જતાં અને વળતી વખતે સી.પી. ટેન્ક પર આવેલા ફરસાણવાળા હીરા કાશીનાં ભજિયા, પતરવેલિયા, ખાંડવી કે ઢોકળાં તો ખરાં જ. અરે, એક રવિવારે તો નાટકની ટિકિટો લઈ આવ્યા. ત્યાંથી એક રાત વિઠ્ઠલવાડી મામાને ત્યાં રોકાઈ આવ્યા. આમ તો અહીં પરામાં રહેતાં હો એટલે ચોપાટી જવાનું ઓછું બને પણ સૌની સાથે ઘણાં વર્ષે ચોપાટીની ભેળ ખાધી. આ છ દિવસ ક્યાં પસાર થઈ ગયાં એની ખબર જ ન રહી. ભારે મઝા આવી ગઈ.’
‘પણ પછી ક્યા પ્રવાસે ગયા ?’
‘મુલુંડ. ત્યાં મારા એક વિધવા ફઈ રહે છે. કેટલાય મહિનાઓથી એને રૂબરૂ મળ્યાં નહોતાં. એટલે બે-ત્રણ દિવસ એને ત્યાં રહી આવ્યાં. રાતના, દિવસના કે જાગતા હોઈએ ત્યારે અમે ગામની જૂની જૂની વાતો વાગોળતાં. ફઈ તો શું શું વાતો કાઢે, એવા એવા પ્રસંગોની યાદ દેવડાવે કે હસીહસીને લોટપોટ થઈ જઈએ. તમે માનશો ? એક રાતે તો ફઈ, એના છોકરાઓ, વહુઓ, જયા અને મેં – સૌએ સાથે બેસીને જૂનાંજૂનાં ગરબા, ભજનોને ગીતોની એવી રમઝટ બોલાવી કે રાતના અઢી થઈ ગયા ! જ્યાને તો એટલો બધો આનંદ આવ્યો કે મુલુંડથી નીકળ્યાં ત્યારે અમે સૌ રોઈ પડ્યાં હતાં.’
‘પણ ક્યાંય બહારગામ નહિ ગયેલા ?’ રેખાએ પૂછ્યું.

‘ગયાં હતાં ને ! અહીં મુંબઈમાં રહેતા જયાનાં માસીના છોકરાને ભારે સરખાઈ છે. વાલકેશ્વરમાં રહે છે. એને ત્યાં ચાર રાત રોકાયા એમાં એણે એક કાર્યક્રમ ઘડી કાઢ્યો. એક દિવસ એ એની ફેકટરીની મેટાડોર લઈ આવ્યો. એની ફેકટરી વાપીમાં છે. તે એની ફેકટરી જોઈ અને બધા તિથલ-ઉભરાટને દરિયે નાહી આવ્યા. તિથલમાં બંધુ ત્રિપુટીનો આશ્રમ જોયો. અને જાણે એક જાત્રા કરી આવ્યા હોય એમ લાગ્યું. વાપીના એક પ્લાન્ટમાં મારો જૂનો મિત્ર કામ કરે. એને કંપની તરફથી રહેવાનું કવાર્ટર મળ્યું છે. ત્રણેક દિવસ ત્યાં રોકાયા.’
‘વાપી તે કંઈ બહારગામ થોડું કહેવાય ? એ પણ હવે વિરાર-પાલઘર જેવું જ ગણાય.’
‘જો ભાઈ ચિરાગ’ ગુણવંતભાઈ બોલ્યા : ‘હવે શરીર પહેલાંની જેમ કામ કરતું નથી. રેલવે-બસના રિઝર્વેશન કરવા, હોલી-ડે હોમનું બુકિંગ કરવું જેવા કામો ઑફિસમાં કામ કરતા સાથીદારોની મદદથી થઈ શકે પણ દોડધામનું શું ? એમાં જયાને કમરનો દુ:ખાવો અને મને પગનો વા. બેગ-બેડિંગો સાચવવા, કલાકો સુધી ટ્રેન-બસમાં બેઠાં રહેવાનું ને પ્રવાસની હાડમારી ભોગવવાનું હવે અમારું ગજું નથી. એ બધું તમને જુવાનિયાઓને ફાવે. આ વખતે મેં જ્યાને કહ્યું કે મુંબઈમાં આપણા ઘણાં સગાંસંબંધીઓ રહે છે. કોઈને મળાતું નથી, સુખદુ:ખની વાતો પૂછાતી નથી. દિવાળીને દિવસે કાર્ડ લખી સંબંધ જાળવી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ પણ પછી રૂબરૂ તો વાતચીત થાય જ નહિ. કોણ જાણે કેમ, મનમાં ને મનમાં ગુનાહિત માનસ અનુભવતો હતો. બહુ નાનો હતો ત્યારે આ બધાએ ખૂબખૂબ મદદ કરેલી મુંબઈમાં પહેલવહેલી નોકરી મળી ત્યારે ગામના અમારા પાડોશી અને મારા પિતાના ખાસ મિત્રના દીકરાને ત્યાં પંદર દિવસ ઊતરેલો. પછી મારી બીજે રહેવાની વ્યવસ્થા થઈ ત્યાર પછી એ ઘરમાં પગ પણ નહોતો મૂક્યો. આ વેકેશનમાં બે દિવસ એને ત્યાં રહી આવ્યો ત્યારે મને તો ઠીક, એમને બધાને પણ સારું લાગ્યું.’

‘દિલનો ભાર હળવો થયો એ બધાને મળીને’ જયાબહેન બોલ્યાં, ‘જે સબંધો તૂટુંતૂટું થઈ રહ્યા હતા એ પાછા બાંધી આવ્યા. હવે એ બધા વારાફરતી અહીં આવતા રહેશે ને ગાંઠ મજબૂત બનતી જશે. કોઈને આ ઘેર આવવાનો સંકોચ નહિ રહે.’

‘આપણે વેકેશનમાં શું કામ બહાર જઈએ છીએ ?’ ગુણવંતભાઈએ પોતાની વેકેશનની વાતોનું સમાપન કરતાં કહ્યું કે, ‘રોજિંદા ઘસડબોરામાંથી થોડી મુક્તિ મેળવવા. વાત રહી ઉનાળાની ગરમીની. આ બધાં સગાંસંબંધીઓને મળ્યા પછી દિલમાં એટલી બધી ટાઢક થઈ કે બહારની ગરમી નડી જ નહિ. ખૂબ સંતોષ થયો, ખૂબ આનંદ થયો આ બધાને મળીને. મને અને જયાને આ વેકેશન તો જિંદગીભર યાદ રહી જશે. હા, એના ફોટા નથી પણ કેટલાક પ્રસંગો એવા હોય છે કે એને કેમેરાની જરૂર પડતી નથી. એ દશ્યો જ હૈયામાં જડી લેવા જેવા હોય છે, શું કહો છો ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રવેશદ્વાર : ઘરનું અને મનનું ! – પંકજ ત્રિવેદી
કાવ્ય સૂર – સુરેશ જાની Next »   

19 પ્રતિભાવો : પ્રવાસે – ગિરીશ ગણાત્રા

 1. JITENDRA TANNA says:

  સરસ વાર્તા.

 2. Dhaval Shah says:

  Nice one!!

 3. Manisha says:

  ગમી……

 4. Jitendra B. Jadeja says:

  Good Story!!! Now a days relationship with neighbours & relatives most requirement

 5. Udayan says:

  સરસ વાર્તા. બહુ થોઙા શબ્દોમાં ઘણું કહ્યુ.

 6. Trupti Trivedi says:

  ૧૦૦ % સાચુ.

 7. કલ્પેશ says:

  મને તો મારું ઘર યાદ આવી ગયુ (ભુલેશ્વર)
  કાલ્બાદેવી, સી.પી.ટેંક વગેરે વગેરે

  ખરેખર, વાર્તા પણ બહું જ ગમી

  આભાર

 8. Navneet Dangar says:

  કેટલાક પ્રસંગો એવા હોય છે કે એને કેમેરાની જરૂર પડતી નથી…… એકદમ સાચુ !

 9. hardik pandya says:

  વાહ વાહ શુ વાત કહિ છે !

 10. Rekha Iyer says:

  Very good story!!

 11. Brinda says:

  This is true.. in the race of our career aspirations and personal goals, we leave behind many precious relations. and like this story, realization comes very late… when there is little time left.

 12. urmila says:

  a human being is born to love and be loved – it is his birthright – we have forgotten this truth in our busy lives to collect wealth – which does give comfort but not happiness -one gets happiness only when one is given lot of love from another human being – writer has described the need of love and to be loved vwey well in this article

 13. Hiren Bhatt says:

  Smooth, simple & transparent. This is what we always get from Girish Ganatra.

 14. Sonal says:

  ખુબજ સરસ અને અર્થ સભર વાર્તા સમ્બન્ધ નુ મહ્ત્વ,એક્લતાપનુ, માતા પિતા અને સન્તાન ના સમ્બન્ધ.નાનિ વાર્તા અને too sensitive, i must say.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.