જનરેશન ગેપ – ‘વી ટીમ’

[‘મુંબઈ સમાચાર’ માંથી સાભાર.]

મુંબઈની નાઈટ કલબોમાં દારૂ પીવા માટે ડાન્સ કરવા આવતાં યુવાનો અને યુવતીઓની સરેરાશ ઉંમર 20 થી 28 જ વર્ષની હોય છે. શહેરોમાં પથરાયેલી હજારો સાયબર કાફેમાં હવે સ્કૂલમાં ભણતાં ટાબરીયાંઓ પણ નેટ સર્ફિંગ કરતાં થઈ ગયા છે. આજની કોલેજોમાં ભાગ્યે જ એવા કોઈ વિદ્યાર્થીઓ જોવા મળશે, જેમની પાસે પોતાનો સેલફોન ન હોય ! સ્કૂલમાં ભણતાં હોય પણ ઘરે પોતાનું લેપટોપ હોય તેવાં બાળકોની સંખ્યા પણ વધી રહી છે. મુંબઈના પોશ એરિયામાં રહેતાં ટીનએજરોને માબાપો મહિને દસ હજાર રૂપિયા અથવા તેથી વધુ રકમ પોકેટમની તરીકે આપે છે !

આજના યંગ જનરેશનની સમસ્યા એ છે કે તેઓ જે માંગે એ તમને મળે છે. તેમની ઉંમર કરતાં વહેલું મળે છે અને તેમની પચાવી શકવાની ક્ષમતા કરતાં પણ વધુ મળે છે. આ કારણે તેમને જે મળે છે તેનો સદુપયોગ નથી થતો પણ બહુધા દુરુપયોગ જ થાય છે. આજના કોલેજિયનો પાસે વાપરવા માટે અમર્યાદિત ફંડ હોય છે. તેમનાં માબાપો પોતાના ધંધાઓમાં, લફરાંઓમાં, પાર્ટીઓ અને પિકનિકોમાં એટલા ગળાડૂબ હોય છે કે તેમની પાસે પોતાનાં સંતાનો માટે બિલકુલ સમય હોતો નથી. તેઓ બાળકોને કોઈ સારા સંસ્કારો નથી આપી શકતાં, જિંદગી જીવવાની તાલીમ નથી આપી શકતા અને અનુભવોનું ભાથું પણ આપી શકતા નથી. તેને બદલે તેઓ બાળકોને પૈસાથી જે કાંઈ ખરીદી શકાય તે બધું જ અપાવે છે. તેમાં મોંઘીદાટ મોટરકાર, ઈમ્પોર્ટેડ જિન્સ, લેટેસ્ટ મોડલના કેમેરાફોન, આઈપોડ, લેપટોપ, પોકેટમની, ક્રેડિટ કાર્ડ અને ડિઝાઈનર સનગ્લાસ જેવી ચીજોનો સમાવેશ થાય છે. સાથે સાથે તેઓ પોતાનાં બાળકોને આ બધી ચીજોનો બેફામ ઉપયોગ કરવાની સ્વતંત્રતા પણ આપે છે.

આ વાત સાથે વેલિંગર કોલેજના સાયકોલોજિસ્ટ અને સાયકોથેરપિસ્ટ સ્નેહા શાહ સંપૂર્ણપણે સંમત થતા જણાવે છે કે “કલાકો સુધી મિત્રો સાથે સમય પસાર કરતાં આજકાલના કોલેજિયનો ઘણીવાર ‘પિયર પ્રેશર’ ને કારણે મા-બાપને ઈમોશનલી બ્લેકમેઈલ કરવાનું શરૂ કરી દે છે. માતા-પિતા પાસે પોતાના સંતાનો સાથે વિતાવવાનો બિલકુલ સમય નથી મળતો એટલે તેઓ બાળકોને જોઈતા પૈસા આપીને પોતાની લાગણી વ્યક્ત કરે છે. આવા સમયે માતા-પિતાને સમજાવવું જરૂરી છે કે પૈસા આપીને જવાબદારીથી દૂર ભાગી શકાતું નથી. આથી માતા-પિતા અને સંતાન બંનેનું કાઉન્સિલીંગ કરવું જરૂરી છે. પહેલાં તો તરુણોને સતાવતાં વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવો જરૂરી છે. આ ઉંમરે તેમના સંતાનો કઈ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, એ વિશે માતા-પિતામાં જાગૃતિ લાવવાની જરૂર છે. ઉપરાંત તરુણો પૈસા ક્યાં વાપરે છે, શા માટે વાપરે છે એ વાત પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

આ ઉંમરે વિદ્યાર્થી અને માતા-પિતા વચ્ચે સારો કમ્યુનિકેશન રેપો હોય એ ખૂબ જ આવશ્યક છે. કોલેજ સ્તરે જે વિદ્યાર્થીઓમાં કાઉન્સેલર બનવાની આવડત હોય, એવા વિદ્યાર્થીઓને આ વિષયમાં વધુ શિક્ષણ આપી સારા કાઉન્સેલર બનાવવા જોઈએ. વિદ્યાર્થીઓ તેમની જ વયના મિત્રો કે અન્ય કોઈ સભ્ય સાથે સારી રીતે ભળી શકે છે, આથી સમાન વયના કાઉન્સેલરને વિદ્યાર્થીઓ તેમની સમસ્યા સરળતાથી જણાવી શકશે. હકીકતમાં સ્કૂલની લાઈફ પૂર્ણ કરીને કોલેજમાં પ્રવેશ કરતી વખતે અને કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને બહાર નીકળતાં વિદ્યાર્થીઓને કાઉન્સેલરની સૌથી વધુ જરૂર પડે છે.” – એમ તેમણે જણાવ્યું હતું.

આજનાં બાળકો પાસે ટીવી, વિડિયો, સેલફોન, ઈન્ટરનેટ, આઈ-પોડ જેવાં સંદેશાવ્યવહારનાં અત્યાધુનિક સાધનો આવી ગયાં છે પણ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કેમ કરવો એ તેમને કોઈ શીખવતું નથી. પરિણામે બાળકો આ સાધનોનાં શિકાર બની જાય છે. આજના બાળકો પોતાનાં મા-બાપને પાર્ટીઓમાં મહાલતાં અને દારુઓની ચુસકીઓ લેતાં જુએ છે અને તેઓ પણ એવું માનતાં થઈ જાય છે કે દારૂ પીવો એ ફેશન છે. સ્કૂલોમાં અને કૉલેજમાં આજે ચારે તરફ ફ્રી સેક્સની આબોહવા ફેલાયેલી છે. દારૂ, ડ્રગ્સ અને દુરાચારના રવાડે ચડી ગયેલા આ નબીરાઓ માટે તેમના માતાપિતાની સંપત્તિ જ તેમના પતનનું કારણ બની જાય છે.

આજના પપ્પાઓ ભલે ને સંઘર્ષ કરીને આગળ આવ્યા હોય, પોતાનાં સંતાનો માટે તેઓ એવું ઈચ્છે છે કે તેમને સંઘર્ષ કર્યા વિના જ બધું મળી જવું જોઈએ. તેઓ પોતાના પુત્રને કહેતાં હોય છે કે અમે નાના હતા ત્યારે અમને પોકેટમની તરીકે મહિને માંડ ત્રીસ રૂપિયા મળતા હતા. આમ કહીને તેઓ પોતાના દીકરાને મહિને ત્રણ હજાર રૂપિયા આસાનીથી આપી દે છે. આ ત્રણ હજાર કે ત્રીસ હજાર રૂપિયાનો દીકરો શું ઉપયોગ કરે છે, તેનો હિસાબ તેઓ ક્યારેય માંગતા નથી. આજની મમ્મીઓ માને છે કે તેઓ પોતાની યુવાનીમાં સામાજિક મર્યાદાને કારણે જે મોજમજા નહોતા કરી શકતા તે બધી જ મોજમજા કરવાની તેમની દીકરીઓને સ્વતંત્રતા મળવી જોઈએ. આ કારણે કોલેજ જતી દીકરીને પંજાબી ડ્રેસ જ પહેરવો હોય તો પણ તેઓ તેને આગ્રહ કરીને જિન્સનું પેન્ટ અને ટી-શર્ટ પહેરાવે છે. પોતાની દીકરીને ‘બોયફ્રેન્ડ’ રાખવા તેઓ સામે ચાલીને પ્રોત્સાહન આપે છે. દીકરી પોતાના સેલફોન ઉપર પોતાના બોયફ્રેન્ડ સાથે કલાકો સુધી વાતો કરે તેમાં તેમને કાંઈ ખોટું નથી લાગતું. આજના માતા-પિતાઓનો બીજો ક્રેઝ તેમનાં સંતાનો બધાંથી આગળ નીકળી જાય તે બાબતમાં છે. આ કારણે સંતાનોની ઉંમર કરતાં તેમને બધી ચીજો વહેલા મળી જાય છે. 16 વર્ષના છોકરાઓ કાર ડ્રાઈવ કરતાં થઈ જાય છે અને 18 વર્ષના છોકરાઓ પાર્ટીઓનું આયોજન કરતા થઈ જાય છે ! આ બાળકો નાની ઉંમરે જ ગુનાખોરીના રવાડે ચડી જતાં હોય તો તેની સંપૂર્ણ જવાબદારી તેમનાં માતાપિતાની જ છે.

આજે બાળકો એવું માનવા લાગ્યાં છે કે તેમના મા-બાપ ઝાડ ઉપર રૂપિયા ઉગાડે છે. બાળકો જ્યારે આ ઝાડ ખંખેરે ત્યારે તેમને સહેલાઈથી રૂપિયા મળી જાય છે. જુના જમાનામાં બાળકોને ભણાવવામાં આવતું હતું કે ‘ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એમના એ કદી વિસરશો નહીં’ આ બાળકો માતાપિતા તરફથી મળેલી નાની પણ સગવડ બદલ તેમનો ઉપકાર માનતાં હતાં. આજના કોન્વેન્ટમાં ભણતાં બાળકો આવું કાંઈ સમજતા જ નથી (જો કે આ વાતો બધા બાળકોને લાગુ નથી પડતી, પણ જે આવા પ્રકારના બાળકો છે તેમનો ચેપ સમાજમાં વધારે ના ફેલાય તે માટે લોકજાગૃતિ ને અનુલક્ષી આ પાસું વિચારવું પડે છે.) તેઓ તો એવું માને છે કે માબાપ તરફથી તમામ આધુનિક સગવડો અને જોઈએ એટલા રૂપિયા મેળવવાનો તેમનો જન્મસિદ્ધ અધિકાર છે અને તે આપવાની માબાપની ફરજ છે અને આ કારણે માબાપ તરફથી ગમે એટલું મળે તો પણ મા-બાપનો કોઈ ઉપકાર તેઓ માનતા નથી. આ ઉપકાર બદલ તેમણે માબાપની સેવા કરવી જોઈએ અને તેમની ઈચ્છાને આજ્ઞા માનીને તેનો અમલ કરવો જોઈએ, એવું તેમને કોઈ શીખવતું નથી. જો કોઈ માબાપ પોતાની મર્યાદિત આવકને કારણે સંતાનની કોઈ ઊંચી અપેક્ષા પુરી ન કરે તો સંતાનો માબાપને એવું ફીલ કરાવે છે કે તેઓ જાણે કોઈ ગુનો કરી રહ્યા છે. ઘણા માબાપો આવી ગુનાહિત લાગણી અનુભવવી ન પડે તેટલા ખાતર પણ સંતાનોની ગેરવાજબી માગણીઓને પણ તાબે થઈ જતાં હોય છે. ઘણીવાર પોતાની શક્તિની ઉપરવટ જઈને સંતાનો પાછળ ખર્ચ કરતા હોય છે. સંતાનો પોતાના મિત્રોની વૈભવશાળી લાઈફસ્ટાઈલ જોઈને પોતે પણ તેની નકલ કરવા દોડે છે પણ આ લાઈફસ્ટાઈલ પોતાનાં મા-બાપને પરવડશે નહીં તેનો વિચાર કરતાં નથી. આ પેઢીને જિંદગીમાં શું કરવું અને શું ન કરવું જોઈએ તેનું માર્ગદર્શન કોઈ આપતું નથી.

બોરીવલીમાં રહેતા કાઉન્સિલીંગ સાયકોલોજિસ્ટ શુચિ ઠાકર જણાવે છે કે આજના યુગમાં દરેક માટે પૈસો અને કારકિર્દી મહત્વપૂર્ણ બની ગયા છે. માબાપ પણ પોતાના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે સંતાનની ભાવનાત્મક જરૂરિયાત તરફ ધ્યાન આપવાનો તેમને સમય જ નથી મળતો. તેઓ પોતાના સંતાનને મોટી પોકેટમની આપી જવાબદારીમાંથી છૂટા થઈ જાય છે. ઘરમાં લાગણી અને પ્રેમના અભાવે બાળક ભાવનાત્મક જરૂરત પૂર્ણ કરવા બહાર મિત્રો પાસે જાય છે અને ખોટી આદત અપનાવે છે.

ઘણીવાર મમ્મી અને પપ્પા બંને નોકરી ધંધો કરતા હોય ત્યારે બાળકોનો ઉછેર નોકરો અથવા બેબીસીટરો કરે છે. બાળકો ઘેર આવે છે ત્યારે ઘર ખાલી હોય છે અને તેઓ કલાકો સુધી એકલાં હોય છે. ઘરમાં ટી.વી. હોય છે, ડીવીડી પ્લેયર હોય છે અને ઈન્ટરનેટ પણ હોય છે. પોતાનાં સંતાનો કેટલા કલાક સુધી ટીવીઉપર કયા કાર્યક્રમો જુએ છે, તેનો વિચાર કરવાની માબાપને ફુરસદ નથી હોતી. એમના માટે તો ટીવી પણ બેબીસીટરની ગરજ સારે છે ! ઘણી વાર માબાપની ગેરહાજરીમાં સંતાનો એડલ્ટ ફિલ્મો જોતા થઈ જાય છે.

સમજદાર માતાપિતાઓ એ વિચારવું જોઈએ કે તેમનાથી જેટલો સમય આપી શકાય તેટલો શ્રેષ્ઠ સમય સંતાનો પાછળ આપે. પોતાની પાસે ગમે એટલી સંપત્તિ અને સગવડો હોય તો તેનો અર્થ એવો નથી થતો કે બધી સંપત્તિ બાળકો પાછળ લુટાવી દેવી. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. ફ્રેઝર માસ્કલીનસે જણાવે છે કે ‘માતા પિતા પાસે ગમે એટલી સંપત્તી અને સુખ સગવડો હોય તો પણ બાળકને ક્યારેય એવું લાગવા દેવું ન જોઈએ કે તેઓ જે કાંઈ માગશે તે તેમને સહેલાઈથી મળી જશે. પોતાના બાળકને સમજાવવું જોઈએ કે દેશમાં કરોડો બાળકો એવા છે જેમને પીવા માટે દુધ પણ નથી મળતું’

વાલીઓએ હાથમાં આવેલા રૂપિયા બેફામ ઉડાવી ન દેવા જોઈએ પણ તેનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ. અને આ વાત દરેક શ્રીમંત મા-બાપે પોતાના સંતાનોને સમજાવવી જોઈએ. બાળકોની જે ખરેખરી જરૂરિયાત હોય તેના પાછળ જ ખર્ચ કરવો જોઈએ. તેમના માટે જે ચીજો બિનજરૂરી હોય પણ દેખાદેખીથી જે ચીજો માંગતા હોય તેની પાછળ તો બિલકુલ ખર્ચ કરવો જોઈએ નહીં. બાળકોને જે કોઈ ચીજવસ્તુઓ ખરીદી આપીએ તેનાં ભયસ્થાનો માબાપોને ખબર હોવાં જોઈએ અને તે ભયસ્થાનોનો ભોગ પોતાનું બાળક ન બને તેની સતત કાળજી જવાબદાર માબાપોએ રાખવી જોઈએ. જે માતા-પિતા આવી કાળજી રાખ્યા વિના બાળકોને સેલફોન અને ઈન્ટરનેટ જેવાં સાધનો અપાવે છે તેઓ તેના વાલી નથી પણ દુશ્મન છે. આ બાળકો ભવિષ્યમાં એવા પરાક્રમો કરે છે કે તેમનાં માબાપનું માથું શરમથી ઝૂકી જાય છે. સંતાનોનું સાચું ઘડતર રૂપિયાથી નથી થતું પણ સારા સંસ્કારથી થાય છે, એ વાત શ્રીમંત માબાપોએ ખાસ યાદ રાખવા જેવી છે. બાળકને સારા સંસ્કાર મળે તે માટે આજનાં માબાપો કેટલો અને કેવો પુરુષાર્થ કરે છે ? શું આજની નવી પેઢીને રઝળતી મૂકી દેવામાં નથી આવી ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્વાસનળીમાં ટ્રેન – વીનેશ અંતાણી
જોયેલું ને જાણેલું – સંકલિત Next »   

14 પ્રતિભાવો : જનરેશન ગેપ – ‘વી ટીમ’

 1. Dhaval says:

  This is a true story of our new jenration & parents.

 2. jasama gandhi says:

  આ સાચુ છે.માબાપોએ વિચારવા જેવુ .

 3. Mihika says:

  This is really true. When childrens have all facilities when they are not really mature, they starts abusing them. I know alot of people who are like that and then it starts affecting their ability to know what is moral and what is immoral.

 4. gopal h parekh says:

  મા-બાપોની ઊંઘ આ વાંચીને ઊઘડે એવી આશા રાખીએ.

 5. ઇન્ટરનેટ પર તમને જે જોઇએ એ મળે છે, ટીવી પર તમને જે આપે છે તે લેવું પડે છે. ટીવીને તો ખરેખર ઉપાડીને બહાર ફેંકી દેવું જોઇએ.

  લેપટોપ/કમ્પ્યુટર તો હવે જીવનનો ભાગ છે. મને યાદ છે કે આજ વસ્તુ થોડા વર્ષ પહેલાં લોકો રેડિયા અને ટીવી માટે કહેતા હતા..

 6. સુરેશ જાની says:

  આનો ઇલાજ શો?

 7. urmila says:

  we need to make parents aware of the disadvantages of the modern equipment and also to make parents aware of the correct use of the equipment – it is parent’s ignorence on the subject that is causing the problem in our society – all parents have goodwill of their children at heart on;y if they are made aware they will definitely keep an eye on their childrens activities – we need to have a well thought of and structered programme for parents reg computers and clubs where parents can ask questions and then relate to their children with ease

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.