- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જોયેલું ને જાણેલું – સંકલિત

[‘અખંડ આનંદ’ જૂન-2006 માંથી સાભાર.]

[1] મનનું સુખ – ભાનુલાલ પીપલિયા

મારાં એક દૂરનાં સગાં ફોઈબા છે. એમને સામાન્ય સ્થિતિવાળા એક ઘેર પરણાવવામાં આવ્યાં, ત્યારે મારા ફુઆ વતનમાં સાધારણ ધંધો કરી ઘરખર્ચ પૂરતું કમાતા. ધીરે ધીરે ફુઆની સ્થિતિ બદલાઈ અને પોતાની કમાણી ઓછી થતી ગઈ. અનેક સ્થળોએ પ્રયત્ન કરવા છતાં ધંધા યા નોકરીમાં ફાવટ આવી નહિ. અને આજ સુધી એ જ સ્થિતિ રહી છે.

તેમના વીસથી વધુ વર્ષના પરિણીત જીવનમાં એ ફોઈબાએ દુ:ખ સિવાય બીજું કશું જોયું નથી; છતાં અછત, માંદગી અને આર્થિક મૂંઝવણો વચ્ચે પણ એમણે પોતાના ચહેરા પરની ખુશનુમા ક્રાંતિ કદી ચીમળાવા દીધી નથી. હું જ્યારે જ્યારે વતન જાઉં છું ત્યારે ત્યારે એમને મળું છું. મેં સાંભળ્યું છે : ટંકટંકનું લાવીને ખાય એવી એમની સ્થિતિ છે, છતાં ‘કંઈ જરૂરિયાત હોય તો કહેતાં કેમ નથી ?’ એવા મારા આગ્રહનો જવાબ, તેઓ હંમેશાથી આ પ્રમાણે જ આપતા આવ્યા છે.

‘ભાઈ ! જરૂરિયાતો સામાન્યત: વધાર્યે વધારી અને ઘડાડ્યે ઘટાડી શકાય છે. આ દેહને જેટલું આપો એટલું ઓછું જ પડવાનું અને મન-માંકડાનું તો પૂછવું જ શું ? એની મહત્વાકાંક્ષાઓને મર્યાદા જ ક્યાં છે ? આટલાં વર્ષો આ ગૃહસંસાર અછતમાં ચલાવ્યો છે, એમ તમે બધા માનતા હશો, પરંતુ મને આમાં અછત જેવું કંઈ નથી લાગતું. અમને ઉપલબ્ધ સાધનોમાંથી જ પૂરું કરવાનું હોય એટલે બીજી કોઈ વસ્તુ પરત્વે લક્ષ કેમ જાય ? બીજા આપવાવાળા આપે પણ ખરા, પરંતુ એમ લઉં તો તારા ફુઆની મર્દાનગીનું અપમાન થાય ને ? એ કરતાં જે છે એમાંથી જ સંતોષ માની, અમારી જાતને આ પરિસ્થિતિ સાથે એવી અનુકૂળ બનાવી દીધી છે કે અસંતોષ જીવનમાં ક્યાંય ઢૂંકી શકતો નથી, અને અસંતોષ નહિ ત્યાં મનને દુ:ખ હોય જ શાનું ?’

સ્ત્રીત્વના આ સાચા પ્રતિનિધિને અંતરથી હજારો વંદન કરીને એમનાથી છૂટા પડતી વેળા મને એક વિચાર આવ્યા કરે છે :
‘મારી આધુનિક બહેનો, આ ફોઈબાને પોતાની પ્રેરણા બનાવી પોતાની સામાન્ય સ્થિતિના પતિના જીવનયુદ્ધમાં સાથ આપવાનું શરૂ કરે તો ?’


[2] …લઈ શકાય નહી ! – રસિકભાઈ ચંદારાણા

પચાસેક વર્ષો પહેલાંનો વિદ્યાર્થીજીવનનો આ પ્રસંગ એવી ઘેરી છાપ મૂકી કોતરાઈ ગયો છે. જ્યારે શિક્ષણ ક્ષેત્રે અવનવા અનુભવો થાય છે ત્યારે વિચાર કરતા કરી મૂકે છે !

ગુજરાતી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા ત્યારે શાળાના વર્ગ-શિક્ષક શાળાના અભ્યાસકાળ સિવાય જે વિષયમાં જરૂર જણાય તેવા વિદ્યાર્થીઓને ઘેર બોલાવી શિક્ષણ આપતા. એ વખતે બધા જ વિષયો માટે એક જ શિક્ષક !

આવા ચાળીસ ઉપરાંત વિદ્યાર્થીઓ પૈકી આઠ-દસ, દસ-દસને જુદા જુદા સમયે ઘેર બોલાવતા ! ઘેર તૈયાર કરવાનું કાર્ય (હોમવર્ક) પણ અપાતું. અને તે સમયે ગામમાં સામા મળી જાય તો પૃચ્છા પણ થતી કે આ પૂર્ણ કરાયું છે ને ?!

માથે સફેદ ટોપી, લાંબો આછો પીળો કોટ, ધોતી સારી, પ્રેમાળ-નિર્દોષ, હસું-હસું ગોળિયું મુખારવિંદ, ભાવભરી ચમકતી આંખો – આવા ઉપાચાર્ય જ્યારે મીઠી હલકથી દલપતરામ, પ્રેમાનંદ કે મેઘાણીને ગાતા ત્યારે બધું જ જીવંત બની જતું ! ઈતિહાસ, ભૂગોળ, ભૂમિતિ, ગણિત જેવા શુષ્ક ગણતા વિષયો પણ હળવી રીતે – સહજ રમત ભાવે ભણાવતા !

એક દિવસ મારાં બાએ વાડીએથી આવેલા તાજાં શાકભાજી ભરેલી થેલી ગુરુજીને આપવા આપી ત્યારે ‘ટ્યૂશન’ શબ્દ હજુ અસ્તિત્વમાં કે જાણમાં પણ ન હતો તો રકમ લેવાનો સવાલ જ ક્યાં ? અને…. વિનમ્રતાપૂર્વક પરત આપતા, ‘મારાથી આ લઈ શકાય નહીં, બાને કહેશો કે આવું – કંઈ ક્યારેય મોકલે નહીં !’ – આને શું કહેવાય – અયાચક – વ્રત !?

પાયાની શિક્ષા આપનાર આ ગુરુજન ઉમિયાશંકરભાઈ સંતોષરામ ભટ્ટને પૂજ્યભાવે વંદના થઈ જ જાય, તેમાં શું નવાઈ ?