હાસ્યરંગ – સંકલિત

[રીડગુજરાતી પર સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન મૂકવામાં આવેલા જૉક્સનો સંગ્રહ.]

છગન : ‘કાળા રંગનો બલ્બ આપો.’
દુકાનવાળો : ‘કાળા રંગનો ? ક્યાં લગાવવો છે ?’
છગન : ‘બપોરે અંધારું કરીને સૂવા માટે લગાવવો છે.’
*************

નટુ : ‘અલ્યા ગટુ, લેન્ડલાઈન અને મોબાઈલ વચ્ચે ફરક શો ?’
ગટુ : ‘એ તો બહુ સરળ છે. લેન્ડલાઈનનો નંબર આપણે આંગળીથી ઘુમાવીએ છીએ, જ્યારે મોબાઈલનો અંગૂઠાથી.’
*************

મૂંઝાયેલા રમણીકને ગિરીશે ચિંતાનું કારણ પૂછ્યું.
રમણીક : ‘મારી પત્ની બજારમાં ગઈ છે, અને વરસાદ શરૂ થઈ ગયો છે.’
ગિરીશ : ‘એમાં મૂંઝાય છે શું, કોઈ સ્ટોરમાં ઘુસી જશે.’
રમણીક : ‘એ જ તકલીફ છે ને. એ રૂ. 500 લઈને નીકળી છે.’
*************

બાપુ : ‘અરે છગન, આ ડૉક્ટરો ઑપરેશન કરતી વખતે દર્દીને બેભાન કેમ કરી દેતા હશે ?
છગન : ‘ઈ તો બાપુ, દર્દી ઑપરેશન શીખી ન જાય ને એટલે.’
*************

ગ્રાહક સ્ત્રી (પુસ્તક વિક્રેતાને) : 50 વર્ષ સુધી દાંપત્ય ભોગવેલા દંપતીને ભેટ આપવા લાયક કોઈ પુસ્તક હોય તો આપો.
પુસ્તક વિક્રેતાએ પુસ્તક આપ્યું. પુસ્તકનું નામ હતું : ‘અર્ધી સદીનો સંઘર્ષ’
*************

બસ ચાલુ થઈ ને તરત જ બ્રેક વાગી. ચીમન એક છોકરી પર પડ્યો. છોકરી ગુસ્સે થઈને તાડૂકી : ‘નાલાયક, શું કરે છે ?’
ચીમન : ‘જી બેન, હું બી.એ. ના બીજા વર્ષમાં છું.’
*************

બટુક : ‘મમ્મી, પરી ઊડી શકે ?’
મમ્મી : ‘હા બટુક, પણ તું શા માટે પૂછે છે ?’
બટુક : ‘આપણી નવી કામવાળી ઊડી શકે ? પપ્પા તેને પરી કહેતા હતા.’
મમ્મી : ‘એ પરી કાલે ઊડી સમજ !’
*************

પતિ બેહોશીમાંથી ધીરે ધીરે ભાનમાં આવતા બબડવા લાગ્યો :
‘હું ક્યાં છું ? સ્વર્ગમાં આવી ગયો કે શું ?’
પત્ની : ના, ના. તમે હજુ મારી પાસે જ છો !’
*************

‘મારા પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે, બતાવશો ?’ મહિલાએ સૅલ્સમૅનને કહ્યું.
સૅલ્સમૅને મહિલાને પૂછ્યું : ‘લગ્ન થયે કેટલો સમય થયો છે ?’
’20 વર્ષ ! કેમ ?’ પ્રોત્સાહિત મહિલાએ પૂછ્યું.
‘બહેન, સસ્તી ચીજોનું કાઉન્ટર નીચે ભોંયરામાં છે.’
*************

પપ્પુના ઘરમાં ચોર ચોરી કરવા આવ્યા. બધા ઊંઘતા હતા. પણ આઠ વર્ષનો પપ્પુ ચોરને જોઈ ગયો. ચોર ભાગવા માંડ્યા. પપ્પુએ બૂમ પાડી : ‘મારું દફતર ચોરી જા. નહીં ચોરી જાય તો હું બૂમો પાડીને તને પકડાવી દઈશ.’
*************

છગન : ‘હું જન્મયો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં.’
મગન : ‘તો તો તારે નિશાળે આવવા-જવામાં કેટલી બધી વાર લાગતી હશે નહીં ?’
*************

બે મુર્ખાઓ બેન્ક લૂંટવા ગયા પણ બંદૂક લઈ જવાનું જ ભૂલી ગયા. તોય બેંક તો લૂંટી જ. બોલો કેવી રીતે ? બૅન્ક મેનેજર પણ મુર્ખો જ હતો. એણે કહ્યું : ‘અરે કશો વાંધો નહિ, બંદૂક કાલે બતાવી જજો.’
*************

નરેશ : ‘મારે પત્નીની આંખો ખૂબ મારકણી છે.’
પરેશ : ‘મારી પત્નીની રસોઈ એવી છે ! બોલ, શું કરું !’
*************

વાળંદની દુકાનમાં એનો દીકરો આવ્યો હતો. ગ્રાહક વધ્યા એટલે દીકરાએ પૂછ્યું : ‘હું હજામત કરતો થાઉં ?’
ખચકાટ સાથે વાળંદ : ‘ફાવશે ? જો ક્યાંક અસ્ત્રો લાગી ન જાય, તને !’
*************

ન્યાયાધીશ : ‘બોલો શી ફરિયાદ છે.’
અરજદાર : ‘સાહેબ, મેં કોર્ટમાં લગ્ન કર્યા હતાં !’
ન્યાયાધીશ : ‘તો એનું શું છે ?’
અરજદાર : ‘મારે જાણવું છે કે મારો ગુનો શું હતો અને સજા કેટલી લાંબી ચાલશે ?’
*************

પત્ની : ‘તમારી સાથે લગ્ન કર્યા ત્યારે હું મૂરખ હતી.’
પતિ : ‘હું પણ ત્યારે પ્રેમમાં હતો એટલે મને ખ્યાલ ન આવ્યો.’
*************

છોટુ : ‘મારા દાદાનું ઘર એટલું વિશાળ હતું કે જગતના બધા જ લોકો તેમાં સમાઈ શકતા.’
મોટું : ‘પણ મારા દાદા પાસે એટલો ઊંચો વાંસ હતો કે તેઓ ઈચ્છતા ત્યારે વાદળોમાં કાણું પાડી વરસાદ વરસાવતા.’
છોટુ : ‘તારા દાદા એ વાંસને રાખતા ક્યાં ?’
મોટું : ‘કેમ વળી, તારા દાદાના મકાનમાં જ તો.’
*************

પત્ની પતિને હંમેશા ફરિયાદ કરતી કે તમે મારી માટે ભેટસોગાદ નથી લાવતા, મને ફરવા નથી લઈ જતા. એક દિવસ પતિ એની માટે સાડીનું પેકેટ લઈને આવ્યો અને કહ્યું : ‘વ્હાલી, ચાલ આ સાડી પહેરી લે. આપણે આજે સાંજે ફરવા જઈએ.’
પત્ની : ‘હાય, હાય. મુન્નો દાદરેથી પડી ગયો, બેબી દાઝી ગઈ છે. એટલું ઓછું હતું તે તમે પીને આવ્યા છો !’
*************

ઑફિસર : ‘તારા હાથમાં આ શેનો કાગળ છે ?’
પટાવાળો : ‘સાહેબ, એ મારું ટી.એ. બિલ છે.’
ઑફિસર : ‘પણ તું ટૂર પર તો ગયો નથી.’
પટાવાળો : ‘આપે તો, સાહેબ ! ગઈ કાલે આપના ગુમ થઈ ગયેલા કૂતરાને શોધવા મને જંગલમાં મોકલ્યો હતો, એટલામાં ભૂલી ગયા ?’
*************

‘બોલો, પ્રોફેસર ભોલારામ. આજકાલ શું ચાલી રહ્યું છે ?’
‘એક સંશોધનમાં ગૂંથાયો હતો. હમણાં જ એ કામ પૂરું થયું.’
‘શેનું સંશોધન કરતા હતા ?’
‘ઍરોપ્લેનમાં આગ લાગે ત્યારે મુસાફરોને કેવી રીતે બચાવી લેવા ?’
‘તો તમે કયા તારણ પર આવ્યા ?’
‘એ જ કે વિમાનમાં આગ લાગે તેમાં કોઈએ બેસવું નહિ. અને જો તેમાં પ્રવાસીઓ બેઠા હોય તો આગ લાગે ત્યારે વિમાનને રોકીને પ્રવાસીઓને ઊતારી દેવા.’
*************

છગન-મગન ઘણાં વર્ષે મળ્યાં.
છગન : ‘તારી પત્ની હજુયે એવી ને એવી સુંદર દેખાય છે ?’
મગન : ‘હા, પણ એ માટે હવે એને ઘણો સમય લાગે છે !’
*************

દર્દી : આ ઑપરેશન પછી હું વાયોલિન વગાડી શકીશ ?
ડૉકટર: ઑફ કોર્સ, યસ.
દર્દી : હાશ. પહેલાં હું કદી નો’તો વગાડી શકતો.
*************

‘તારે તારી પત્ની સાથે મતભેદ થતા નથી ?’
‘થાય છે ને ! ઘણી વાર તો મોટા મતભેદ થાય છે. પણ તે બધા ઉકલી જાય છે.’
‘એ કેવી રીતે ?’ મિત્રે આશ્ચર્યથી પૂછ્યું.
‘મારો મત હું ખાનગી રાખું છું – મારી પત્નીને જણાવતો નથી.’
*************

પતિ : મને એ સમજાતું નથી કે આટલી આવકમાં આપણે બચત કેમ કરી શકતા નથી.
પત્ની : આપણા પાડોશીઓને કારણે. તેઓ એવી વસ્તુઓ ખરીદે છે કે જે આપણને ન પોષાય.
*************

પતિ : ‘તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.’
પત્ની : ‘તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?’
પતિ : ‘હા, પણ નકલી મોટરકાર મળી નહીં.’
*************

STD PCO ઉપરના ઑપરેટરે કહ્યું : ‘મુંબઈ વાત કરવાના ત્રણ મિનિટના રૂ. 20 થશે.’
‘મારે વાત નથી કરવાની ફક્ત સાંભળવાનું છે. મારે મારી પત્નીને કૉલ જોડવાનો છે. કંઈ ઓછું કરો ને ભાવમાં ?’
*************

પતિ : ‘તેં નવીન વાનગી બનાવી છે, તે કાચી કેમ લાગે છે ?’
પત્ની : ‘મેં તો બરાબર બુકમાં જોઈને બનાવી છે. ફકત તેમાં 4 વ્યક્તિ માટે સામગ્રી અને સમય હતો. તે મેં અર્ધું કરી નાખ્યું, કારણ કે આપણે તો બે જ છીએ !’
*************

હારેલા નેતાને એક જણે પૂછ્યું : ‘વડીલ, આપ દર વર્ષે જીતો છો પરંતુ આ વખતે હાર્યા એનું શું કારણ ?’
નેતા સખેદ બોલ્યા : ‘આ વખતે મત ગણતરી કરનારાઓએ સાચી જ ગણતરી કરી તેથી જ મારે પરાજીત થવું પડ્યું છે.’
*************

સત્તારૂઢ થયેલા પ્રધાન મનોમન બબડ્યા : ‘આ લોકો તે કેવા છે ! આખો દિવસ મળવા જ આવતા રહે છે !’
પણ થોડા વર્ષો બાદ સત્તા ગયા પછી એક દિવસ તે પ્રધાન ફરીથી બબડ્યા : ‘આ લોકો તે કેવા છે ! કોઈ મળવા પણ આવતા નથી !’
*************

એકવાર એક નેતાનું મૃત્યુ થયું. એમના આત્માને યમદૂત લેવા આવ્યા તો એ આત્મા એકપણ ડગલું ચાલ્યો નહિ. છેવટે કંટાળીને યમદૂત બોલ્યો : ‘હે જીવાત્મા ! તને હું આટલો આગ્રહ કરું છું છતાં તું કેમ એક ડગલું પણ ચાલતો નથી ?’
નેતાના તે મહાન આત્માએ સંપૂર્ણ ગૌરવથી કહ્યું : ‘હું જીપની રાહ જોઈ રહ્યો છું.’
*************

‘મારા અને મારી પત્નીના વિચારો મળતા હોય છે.’
‘એ કેવી રીતે ? ટેલિપથી ?’
‘ના. પહેલા એ વિચારે છે, પછી હું પણ એ જ રીતે વિચારું છું.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નજરેં બદલ ગઈ… – શાહબુદ્દીન રાઠોડ
લેખક બનવું છે ? – મૃગેશ શાહ Next »   

11 પ્રતિભાવો : હાસ્યરંગ – સંકલિત

 1. Narendra Shah says:

  This jokes are really very nice. I m impressed that this much of good site is online. I am thank ful to yo\\ you for publishing this type of website.

 2. Sona says:

  બહૂ સ્રરસ.

 3. hitisha says:

  very nice joke

 4. Mehul says:

  ખુબ જ સરસ છે આવા જ જોક્સ વાંચવાની બહુ જ મજા આવે છે…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.