લેખક બનવું છે ? – મૃગેશ શાહ

[ રીડગુજરાતીના માધ્યમ દ્વારા ઘણા યુવા વર્ગના સંપર્કમાં આવવાનું બન્યું. જે નવો વાચકવર્ગ સાહિત્યના સંપર્કમાં રહ્યો, તેમાંના કેટલાકને કંઈક લખવાની ઈચ્છા થઈ. અમુક વાચકોએ ‘ફીડબેક’ માં પૂછાવ્યું કે ‘લેખક કેવી રીતે બની શકાય ?’ વાચકોના આ પ્રશ્નોના ઉત્તરરૂપે અને જેટલું મારા અનુભવમાં આવ્યું, જોયું અને જાણ્યું તે પરથી લેખક બનવા માટેના કેટલાક મુદ્દાઓ એક લેખ સ્વરૂપે અહીં દર્શાવવાની કોશિશ કરું છું. આશા છે કે કોઈ નવોદિતને તે ઉપયોગી થઈ રહેશે. ]

સંગીત, નૃત્ય, ચિત્રકામ વગેરેની જેમ લેખનકળા પણ પોતાની આંતરિક સમૃદ્ધિને અભિવ્યકત કરવાનું એક સર્વોચ્ચ માધ્યમ છે. પોતાની માતૃભાષામાં પોતાના વિચારો રજૂ કરવાનો આનંદ કંઈ ઓર જ હોય ! મનુષ્ય માત્ર પર જો દુનિયામાં સૌથી વધારે કોઈ વસ્તુનો પ્રભાવ પડતો હોય તો તે છે ‘વિચારોનો’. એ વિચારોને બીજા સુધી પ્રવાહિત કરવાનું માધ્યમ એટલે લેખન ! લેખનકલા વિશાળ છે અને તેના અનેક પ્રકારો છે. આ કલા સૌથી સરળ ગણો તો સૌથી સરળ છે, અને સૌથી અઘરી ગણો તો તે સૌથી અઘરી પણ છે.

અત્યારે લોકો એવી વાતો કરતા સંભળાય છે કે ‘પહેલાના સમયમાં જેટલા લેખકો હતા એટલા અત્યારે કેમ નથી ? અત્યારે સમાજને એટલા નવા લેખકો કેમ મળતા નથી ?’ પ્રશ્ન ખૂબ વિશ્લેષણ માંગે એવો છે. આ સંદર્ભમાં સૌથી પહેલી બાબત મને એવી લાગી કે લેખન ત્યારે જ શક્ય બને છે જ્યારે વ્યક્તિની આંતરિક પ્રસન્નતા અને આંતરિક સમૃદ્ધિ સુદ્રઢ હોય. આજના જમાનામાં ભૌતિક સંપત્તિની પાછળ દોટ મૂકતો માણસ પોતાની ભીતર નજર ન કરી શકે તે સ્વાભાવિક છે ! આંતરિક વૈભવ દરેકને કુદરતે એક સરખો આપ્યો છે. એને અભિવ્યક્ત કરવાની પોતાની રીત દરેકની મૌલિક હોય છે. કોઈ તેને ગાઈને અભિવ્યક્ત કરે, કોઈ ચિત્રકામથી કરે છે તો કોઈ લેખન દ્વારા પોતાના વિચારોને અભિવ્યક્ત કરે છે, પરંતુ કોઈ પણ રીતે તેને બહાર લાવવા માટેની સૌ પ્રથમ જરૂરિયાત વ્યક્તિની પ્રસન્નતા અને પોતાને પ્રાપ્ત થયેલી આંતરિક સમૃદ્ધિ તરફ નજર નાખવાની છે.

ગુજરાતી સાહિત્યના એક સુપ્રસિદ્ધ સાહિત્યકાર ધીરુબહેન પટેલના એક લેખમાં વાંચેલી એક વાત ખૂબ યોગ્ય લાગી. એમણે એમ લખ્યું હતું કે “સાહિત્યકાર તરીકે આપણે એ વાત જાણવી જોઈએ કે આપણા લખેલા લેખો વાંચવા માટે વાચકવર્ગ પોતાના જીવનની દશ-પંદર મિનિટ જેટલો કિંમતી સમય આપે છે. એ દશ-પંદર મિનિટ માં જો આપણે એને પ્રસન્ન, પ્રફુલ્લિત અને તરોતાજા કરીને ન મોકલીએ તો આપણે આપણા લેખનમાં સફળ નીવડ્યા ન કહેવાઈએ. લખાણ મનોરંજન કરતા જીવનપ્રેરક બનવું જોઈએ. મનોરંજનનું કામ ચેનલો સારી રીતે કરી જ રહી છે. લેખકનું એ કામ નથી.”

જે વાંચીને બીજાનું મન પ્રસન્નતાથી ભરાઈ જાય અને તેના જીવનને એક દિશા મળે એવું લખાણ લખવાનું સામર્થ્ય તે જ કેળવી શકે જે લખનાર પોતે અંદરથી પ્રસન્ન અને સંતુષ્ટ હોય. સાહિત્યના નામે ઘણીવાર અમુક લેખકો પોતાના જીવનના દુ:ખો વર્ણવતા હોય છે જે વાંચીને કંઈક સ્વસ્થતા પ્રાપ્ત કરવા આવેલો વાચક વધારે અસ્વસ્થ બને છે. એક વાચક પાસેથી એમ સાંભળવા મળ્યું કે ‘અમુક લેખકો તો એવા લેખો લખે છે કે આપણને એમ થાય કે આ લેખક લેખ લખીને ગુજરાતી સાહિત્યની સેવા કરે છે, એના કરતાં એ લખવાનું બંધ કરે તો સાહિત્યની ખૂબ મોટી સેવા થઈ ગણાશે !’

પ્રત્યેક લેખક તેમજ લેખક બનવા ઈચ્છનાર વ્યક્તિએ એ સમજવું જોઈએ કે આજનો પ્રત્યેક વાચક ખૂબ કિંમતી છે. વાચક સહેલાઈથી નથી મળતો. આજનો યુગ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો યુગ છે. કોઈ વાચક પોતાનું ટીવી, આઈપોડ, મોબાઈલ, મ્યુઝિક સિસ્ટમ બંધ કરીને શાંતિથી કંઈક પ્રસન્નતા મેળવવા માટે એક પુસ્તક લઈને બેસે છે, તો એ પુસ્તક લખનારની જવાબદારી અનેક ગણી વધી જાય છે. ઉપકરણોમાંથી એને જે નથી મળ્યું એ પામવા માટે તો એ પુસ્તક લઈને બેસે છે ! આવા સંજોગો માં સ્વસ્થ અને પ્રસન્ન કરે એવા લખાણની જગ્યાએ ચીલાચાલુ લખાણ છપાયેલું હશે તો એનાથી ગુજરાતી સાહિત્યનું કેવું ચિત્ર વાચકના મનમાં બંધાશે ? લેખકોએ યાદ રાખવું કે આપણે પોતાના અને સમાજના દુ:ખો વાચકો સામે નથી મૂકવાના, બલ્કે વાચકના અંતરંગ વિશ્વમાં પ્રવેશ કરીને એના દુ:ખો હળવા કરવાના છે. સમાજમાં શું ચાલે છે એ દર્શાવાવાનું કામ ચોવીસ કલાક ન્યુઝ ચેનલો, અને અખબારો કરે જ છે, સાચા લેખક જેમણે બનવું હોય તેનું એ ક્ષેત્ર નથી.

કલાનો મૂળ અર્થ થાય છે ‘શુભત્વ’. જે કલા સામેની વ્યક્તિનું શુભત્વ ન વધારે એ કલા શું કામની ? એમ લાગે છે કે લેખનકળાને ત્રણ વિભાગમાં વહેંચી શકાય – આવું મારું એક અંગત વિશ્લેષણ છે.

(1) પહેલો પ્રકાર જે બુદ્ધિની દ્રષ્ટિએ લખતા હોય તેવા લેખકોનો છે. આ પ્રકારમાં મોટા ભાગનું લખાણ ‘બુદ્ધિગત’ હોય છે. એમાં વાર્તાઓના પ્લોટ હોય, નવલકથાઓના પ્લોટ હોય, જ્ઞાન-વિજ્ઞાનની વાતો હોય, રીસર્ચ વર્ક હોય. વગેરે વગેરે. આ પ્રકારમાં લેખકની બુદ્ધિ એ પ્રબળ પાસું છે. મોટેભાગે આવા લખાણો લખતા સમય ઘણો જતો હોય છે. આ પ્રકારના લખાણો લખવા માટે અગાઉ વાંચન ખૂબ જરૂરી હોય છે.

(2) બીજો પ્રકાર ‘અનુભવજન્ય’ લખાણ નો છે. મોટા ભાગના સાહિત્યકાર આ વિભાગમાં આવી જાય છે. લેખકને પોતાના જીવન દરમિયાન જે જે અનુભવો થયા હોય અથવા જે દ્રશ્યો જોયા હોય તે પ્રકારનું જ લખાણ તે લખી શકે છે. તેની વાર્તામાં અમુક પ્રકારની છાંટ વર્તાય છે. આસપાસના વાતાવરણમાં જે ઘટના ઘટે છે તે વાર્તા કે લેખ સ્વરૂપે રજૂ થાય છે. આ પ્રકારના લખાણો લખવા માટે ભાષા પર ખૂબ કાબૂ રાખવો પડે છે. ક્યાં વિસ્તાર કરવો અને ક્યાં વાર્તાને ટૂંકાવવી – એ બધી આવડતની જરૂર પડે છે.

ઉપરના બંને પ્રકાર મોટે ભાગે કોલમિસ્ટ (અખબારમાં કોલમ લખનાર) ના હોય છે. વાચકોને જાણીને નવાઈ લાગશે કે એક સંદર્બ પ્રમાણે એવું કહેવાય છે કે ‘કોલમિસ્ટ એ લેખક નથી !’ મોટેભાગે આપણે તો એમ જ જાણતા હોઈએ છીએ કે અખબારમાં કોલમ લખે એ લેખક. પણ વાસ્તવિકતા એમ નથી. અખબારમાં કોલમ લખે એ તો કોલમિસ્ટ છે. એમાં એણે નિરંતર લખવું પડે છે. અને સાચું સર્જન એ કુદરતી બક્ષિસ છે. સર્જન એ હેન્ડપંપ દબવો અને ડંકીમાંથી પાણી આવે એટલી સરળ વાત નથી ! અને તેથી જ તો પહેલા લખાતી અનેક કથાઓ, લેખો, નવલકથાઓ અમર બની ગયા છે જ્યારે અત્યારે આટલું વિપુલ પ્રમાણમાં લખાય છે તો પણ કોઈ વિશેષ છાપ સમાજ પર ઊભી થતી નથી. પરંતુ આમ છતાં એનો અર્થ એવો નથી કે કોલમિસ્ટ કોઈ ખોટું કાર્ય કરે છે. એ પણ એક અગત્યનું કાર્ય તો છે જ. ઘણી કોલમો સમાજ ઉપયોગી અને દિશાપ્રેરક બનતી હોય છે. ઉત્તમ લખાણો લખવાનો પ્રયાસ આ માર્ગે પણ થઈ શકે છે. કોલમ લખવી એ પણ સુંદર કાર્ય છે પરંતુ “કોલમ લખે તો જ એ લેખક”, એમ વાત નથી. ખરો સર્જક આ નીચેના ત્રીજા પ્રકારમાં આવે છે.

(3) ત્રીજો પ્રકાર છે ‘આંતરિક પ્રવાહનો’ અને એ જ સાચો સર્જક/લેખક કે સાહિત્યકાર છે. આંતરિક પ્રવાહ એટલે ‘નેચરલ ફ્લો’ આ પ્રકારના વ્યક્તિઓને કુદરતી બક્ષિસ હોય છે. અથવા એમ કહી શકાય કે કુદરતી બક્ષિસ તો દરેકને હોય છે પરંતુ આ પ્રકારના વ્યક્તિઓ તેને ઓળખી શકે છે અને તેને આત્મસાત કરી શકે છે.

આ પ્રકારના ખરા સર્જકોને વાંચન પર આધાર રાખવો પડતો નથી. ભાષા પર કાબૂ એમનો આપમેળે જ આવી જાય છે. તેમની લખાણમાં સહજ ગતિ હોય છે. તેમનું લખેલું આપમેળે ગોઠવાઈ જાય છે. જેમ જે ગાયક આંતરિક સમૃદ્ધ હોય એ પછી ગમે તે ગાય, એ સૂરમાં જ હોય – એવી રીતે આ પ્રકારના લેખકોમાં એક સહજ ગતિ હોય છે. સાહિત્ય તેમનો વ્યવસાય કે શોખ ન રહેતા તેમના જીવન સાથે એટલી હદ સુધી વણાઈ જાય છે કે તેમની ઉપસ્થિતિ જ વાતાવરણને સાહિત્યમય કરી દે છે.

આપણે ઘણા લોકોને એમ કહેતા સાંભળી એ છીએ કે ‘રોજની ઢગલો ચોપડીઓ, અખબાર, મેગેઝીન વાંચું છું પણ લખવા માટે હું પેન લઈને બેસું છું ત્યારે એક વાક્ય પણ લખી શકાતું નથી ?’ આવું શા માટે ? – આનું કારણ એ છે કે આપણી અંદર આપણું આંતરિક વિશ્વ દુષિત છે. પાત્રને વીછળવાની જરૂર છે. જેનું ચિત્ત શુદ્ધ ન હોય તે વ્યક્તિના વિચારોનું બંધારણ એક દિશામાં ન થાય, તેથી યાદ ઘણું બધું હોય પણ લખાય નહીં. વળી, લખાણ તો ત્યારે શક્ય બને જ્યારે જીવનને જુદા જુદા દષ્ટિકોણથી જોયું હોય, એમાં કલ્પનાના રંગો પૂર્યા હોય, ઘટના અને પાત્રો પાછળ મનન અને ચિંતન કર્યું હોય, જે લખવાનું હોય તેને આત્મસાત કર્યું હોય અને પછી કલમ હાથમાં લીધી હોય – પોતાના લખાણોની સમાજ પર જેને ઊંડી છાપ છોડવી હોય, એના માટે આ માર્ગ છે. બાકી તો રોજનું ઢગલો લખાય છે અને છપાય છે – વાંચે છે કોણ ? જે કોલમિસ્ટ હોય એ સમાજની અસરોને લેખન માં લાવે છે જ્યારે જે સાચો લેખક છે એના લેખની અસર સમાજ પર થાય છે ! ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ કોઈ સાહિત્યકાર નહોતા, પણ તેમના પત્રો પણ આજે સાહિત્ય લેખો બની ગયા છે ! જેને પોતાની આંતરિક સમૃદ્ધિ છે એ તો લખ્યા વગર રહી શકે નહીં. એના વિચારો એની કલમ કરતા પણ તેજ ગતિથી ચાલતા હોય. એ જે બોલે એ જ સાહિત્ય થઈ જાય ! જેમ સાચા સંગીતકારની પાછળ સૂરો દોડતા આવે એમ સાચા સાહિત્યકારની પાછળ ભાષા, અલંકારો વગેરે દોડતા આવે. સાચો લેખક લખવામાં પાનાની સંખ્યા, એને જમવાનો ટાઈમ, સમય સ્થળ બધું જ ભૂલી જાય. એ પોતાના કાર્ય સાથે ઓતપ્રોત થઈ જાય. એનું તાદાત્મય અને તેની એકાગ્રતા ગજબના હોય. એ બધું ગોઠવેલું કે બુદ્ધિપૂર્વકનું ના હોય, સહજ હોય. જે દેખાદેખી લેખક બનતો હોય એ લખતો જાય અને પાનાની સંખ્યા ગણતો જાય ! એને મન લેખનની ગુણવત્તા કરતા પાનાની સંખ્યા વધુ મહત્વની હોય !

જેમ ગાનારે પોતાના ગળાનો ખ્યાલ રાખવો પડે તેમ જેને ખરા અર્થમાં લેખક બનવું હોય એને પોતાનું આચરણ, ચરિત્ર અને આંતરિક શુદ્ધિનો ખ્યાલ રાખવો પડે. કોલમિસ્ટ બનવું આસાન છે, લેખક બનવું આસાન નથી. હોટલમાંથી પિઝા ખાઈને રાત્રે ઘરે આવીને પણ કોલમિસ્ટ ‘જંક ફૂડ ના ગેરફાયદા’ પર સારો એવો લેખ લખી શકે, કારણકે એને કોલમમાં છપાવવા માટે કંઈક રોજ લખીને આપવું પડે, સાચો લેખક એમ ન લખી શકે. ફરી ફરીને એટલું કહી શકાય કે વ્યક્તિની આંતરિક જાગૃતિ વગર લેખનકલા ખરા અર્થમાં ખીલે એ શક્ય નથી. અત્રે ફરી એકવાર નોંધવું જરૂરી છે કે કોલમ લખવી એ કોઈ ખોટું કાર્ય નથી, પરંતુ વ્યક્તિની વિકાસ યાત્રા ત્યાંથી પણ આગળ જઈ શકે છે.

જે ખરા અર્થમાં સાહિત્યકાર છે એ પોતાના નિજાનંદ માટે લખતો હોય. એ લખ્યાવગર રહી શકે નહિ માટે લખતો હોય. એ ન લખે તો એને બેચેની થાય. લખાણ પાછળ એનો ઉદ્દેશ આત્મસુખથી વિશેષ કંઈ ન હોય. એને પોતાની કલા ખીલવવી હોય, એનો આંતરિક આનંદ એને માણવો હોય – તેથી તેનું લેખનકાર્ય પ્રવાહી હોય. કોઈ વાંચે કે ન વાંચે એનો તેને ફર્ક ન પડતો હોય. અત્યારે નવોદિતોને સૌથી વધારે ઈચ્છા પોતાની કૃતિ પ્રકાશિત કરાવવાની હોય છે. પૈસો તો નહિ પણ પ્રસિદ્ધિની ઈચ્છા આજના જમાનામાં સવિશેષ રહેલી છે. ઘણીવાર તો અરધી વાર્તા થાય એટલે લોકો પ્રકાશકો, અખબારોનો સંપર્ક કરવા નીકળી પડે છે ! સાચું સર્જન એ તો લેખકને પ્રસવ થયેલું બાળક છે. શું બાળકને કોઈ પ્રસવ પછી તુરંત સ્કુલમાં મોકલી દે છે ? તો સર્જકે પોતાની કૃતિ પ્રકાશિત કરવા એટલી બધી ઉતાવળ શું કરવા કરવી ? લેખકે પોતાની કૃતિ માણવી, મમળાવવી, મઠારવી અને એનો યોગ્ય સમય આવે ત્યારે પ્રકાશિત કરાવવી. પ્રકાશનનો હેતુ કૃતિને પ્રવાહિત કરવાથી બીજો કોઈ હોવો ના જોઈએ. આનો અર્થ એમ નથી કે સાચા સર્જકને પ્રસિદ્ધિ ન મળે. જ્યારે તેમની કૃતિનો પરિચય વિશ્વને થાય છે ત્યારે તેમની કૃતિઓ અણમોલ મોતીની જેમ સચવાય છે અને સર્જક આપોઆપ પ્રસિદ્ધ બની જાય છે કારણકે એમાં નિર્મળતા, સત્ય, શુદ્ધ ચરિત્રથી લખાયેલી વાતો હૃદયસ્પર્શી હોય છે. એટલા માટે જ આપણે ત્યાં જૂના લેખકોની વાર્તાઓ અત્યારે આજે પણ એટલા જ રસથી વંચાય છે.

અત્યારે નવા લેખકો કેમ નથી બનતા ? – એનો જવાબ આ જ છે કે આજે પોતાની અંદર જોવાનો કેટલાને સમય છે ? અત્યારનું જગત બુદ્ધિવાદી છે. બધા જ પ્રોબલેમ બુદ્ધિથી ઉકેલી શકાય એમ માને છે. શિક્ષણ જીવનલક્ષી કરતા સ્પર્ધા અને પૈસા લક્ષી બન્યું છે. દેખાદેખી, ભૌતિક સંપત્તિ અને પૈસાની ખેંચાખેંચમાં માણસ સતત તાણ હેઠળ જીવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિનો આંતરિક વિકાસ કઈ રીતે થાય ? આંતરિક સમૃદ્ધિ વગરનો મનુષ્ય ખરા અર્થમાં મનુષ્ય જ નથી, એ તો પૈસા ભેગા કરવાનું મશીન છે ! વ્યક્તિના જીવનમાં આનંદ ક્યાં છે ? એક જમાનામાં આખો દિવસ પ્રસન્ન અને મોજમાં રહેનાર વ્યક્તિ આજે દિવસમાં કેટલીવાર હસે છે ? જ્યાં સુધી આંતરિક સમૃદ્ધિનો વિકાસ ન થાય ત્યાં સુધી સાચા અર્થમાં લેખક બની શકાય નહિ.

ટૂંકમાં, લેખક કોઈ પ્રકારના પુસ્તકો લખવાથી, ભાષાઓનો અભ્યાસ કરવાથી, અલંકારો ગોઠવવાથી, મોટામોટા એવોર્ડ મેળવવાથી, સમારંભો ગજાવવાથી નથી બનાતું. પોતાની આંતરિક જાગૃતિ, સમાજને સાચા માર્ગે વાળવાની દિશાથી લખાયેલી સત્યપૂત વાતોથી અને પ્રસન્નતાને વહેંચવાથી લેખક બનાય છે. એ સ્થિતિ પ્રસિદ્ધિની ઉપર હોય છે. એ તો જેણે માણી હોય એને જ ખબર પડે !

[અન્ય બાબતો : નવોદિતો માટે મેં એક બીજી વાત પણ નોંધી છે કે જેઓ થોડું લખવાની શરૂઆત કરે છે તેમને પ્રોત્સાહન આપે એવા કોઈ માધ્યમો પણ નથી. અખબારો, મેગેઝિનો જે સુપ્રસિદ્ધ હોય એનું જ લઈ શકે ! પ્રકાશકો અજાણ્યા નવોદિત માટે પુસ્તક છાપવાનું જોખમ શું કામ લે !?! પરિણામે હાલત એવી થાય કે કોઈ નવા સર્જકને સાહિત્ય ક્ષેત્રમાં આવવું હોય તો લોકોની ઓળખાણો કાઢવી પડે. સમર્થો ના પગ પકડવા પડે ! રેકમેન્ડેશન લેટર હોવો જોઈએ, ત્યારે કોઈ જગ્યાએ કોઈ લેખ છાપે ! એમાં પણ ઘણીવાર તો એવું સાંભળવા મળે છે કે છાપનાર વ્યક્તિ, કોઈ બીજા લેખકના નામે જ એ લેખ છાપી દે છે ! સર્જકને તેની કૃતિ બદલ પુરસ્કાર મળે એ તો બહુ દૂર ની વાત છે, અને મળે તો એની રકમ એટલી હોય કે જેનાથી એ પ્રેસથી રિક્ષા કરીને ઘર સુધી આવી શકે, બસ !! અને આ બધી બાબતો ગુજરાતી સાહિત્ય માટે ખૂબ દુ:ખદ છે.

નવું પાણી ન આવે તો તળાવમાં દુર્ગંધ આવે છે એમ સાહિત્યમાં નવા સર્જકો નહીં આવે તો ગુજરાતી સાહિત્ય ટૂંક સમયમાં ‘ગુજરાતી ફિલ્મો’ જેવું બની જશે ! ગુજરાતી સાહિત્ય પૂજ્ય નહીં, પ્રાપ્ય બનવું જોઈએ. સાહિત્યના પુસ્તકોને અગરબત્તી ની જરૂર નથી, એ લોકો સુધી પહોંચે અને ખાસ તો યુવા વર્ગ સુધી પહોંચે એની જરૂર છે. અત્યારે હાલત એવી છે કે ‘ઝવેરચંદ મેઘાણી’ , ‘જ્યોતિન્દ્ર દવે’ વગેરે જેવા સમર્થ સાહિત્યકારોના પુસ્તકોની 10 આવૃતિ થઈ હોય તો પણ 11મી, 12 મી આવૃતિ છપાય છે, કારણકે તેમાં છાપનારને નફો છે, પરંતુ એક નવો સર્જક જો એમની પાસે પોતાની કૃતિઓ લઈને જાય તો એનો અનાદર કરવામાં આવે છે ! આનો અર્થ એમ નથી કે આપણે સુપ્રસિદ્ધ સાહિત્યકારોના લખાણોને રીપ્રિન્ટ ન કરવા જોઈએ, પણ એટલું ધ્યાન રાખવું જોઈએ કે એ રીપ્રિન્ટ કરવામાં આપણે આંગણે ભવિષ્યના એક નવા સર્જકરૂપે ‘જ્યોતિન્દ્ર દવે’ કે ‘ઝવેરચંદ મેઘાણી’ ઊભા છે એ વિસરાઈ જવા ન જોઈએ. નવોદિતોને યોગ્ય સમયે પ્લેટફોર્મ મળવું જ જોઈએ. રીડગુજરાતી પર ઘણા વાચકો લખે છે કે પ્રખ્યાત સાહિત્યકારોના લેખો તમે આપો. એમ કરવામાં મને વાંધો નથી, ઘણા લેખો મેં મૂક્યા પણ છે, પરંતુ તેના અતિરેકમાં કોઈ નાના સર્જકો અને નવા સર્જકોને અન્યાય ન થાય તેની તકેદારી રાખવાનો શક્ય એટલી જાગૃતિથી પ્રયાસ કરું છું. જેમના લેખો અનેક માધ્યમો દ્વારા છપાય જ છે એ અહીં મૂકાય એ તો ઠીક છે, પરંતુ જેને ક્યાં જગ્યા નથી મળી એને અહીં જગ્યા મળે એવી મારી વિશેષ ઈચ્છા છે. મારે મન કર્તાના નામ કરતા કૃતિની ગુણવત્તાનું વિશેષ મહત્વ છે. આ રીતે ગુજરાતી સાહિત્ય રોજ નીતનૂતન અને તરોતાજા બની રહે તે ખૂબ જરૂરી છે. એ માટે નવા સર્જકોએ આગળ આવવું રહ્યું. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હાસ્યરંગ – સંકલિત
પ્રશુપ્રેમ – લિયાકત અંક્લેશ્વરીયા Next »   

28 પ્રતિભાવો : લેખક બનવું છે ? – મૃગેશ શાહ

 1. આ લેખ સાથે મારી સંપૂર્ણ સહમતી છે. પણ, હવે વેબ પર પણ તમારું લખાણ મૂકીને લોકો સુધી સરળતાથી પહોંચાડી શકાય છે..

  જોકે ગુજરાતી વાંચકો વેબ પરથી પીડીએફ ખરીદીને વાંચે એ કક્ષાએ પહોંચ્યાં નથી..

 2. Jigar says:

  Absolutely Correct!

 3. ;FZL DFCLTL VDG[ D/L K[ T[ AN, VF5GM VFEFZ SlJ
  AGJ]\ ;C[,] GYL
  VF ;\;FZ K[
  -M, DCL\ 5M, K[
  HLJM IF DZM
  LMG ARUNA WERADAOK

 4. gopal h parekh says:

  મા-ગુર્જરીને વધુ સશકત બનાવવા આ લેખ વાગોળવા પાત્ર

 5. Hiral Thaker says:

  ેYes you are right Mrugeshbhai…..

  I have one answer of this question……

  “When we shake a bottle of cold drink and it has flow of drink and when we pure it into the glass it will be take the shape of the glass….. This is the same case…… Hradaya no valopat, Laganiyo no Ubharo ane Ae laganiyo nu kagal par Dholai javu Etle ke Lekhak/ Kavi ni lagni…..”

  “When there is a pain in you, your pen can be with you “……

 6. chaitanya says:

  u hv written 100% true. i feel good innerside when i write something. will u tell me what is the diference between POEM/GAZAL/SONG

 7. Manan says:

  ખુબ સરસ…લેખ્…લેખક ને ખુબ ખુબ ધન્યવાદ…

 8. Lata Hirani says:

  વાચકની સઁવેદના જીવતી રાખે , ધબકતી કરે એ સાહિત્યકાર

 9. preeti hitesh tailor says:

  લેખન અને વાંચન બેઉ વસ્તુ માનવીને પોતાની જાત સાથે એકલો પાડે છે અને એ વખતે વ્યક્તિ તદરુપતા કેળવીને જે મેળવે છે તે તેના આત્માને સમૃધ્ધ કરે છે.કલ્પનાઓની દુનિયાને જીવંત કરે છે. આંતરિક વ્યક્તિત્વને નિખારે છે.આ બધા માટે જો આપણે આપણા રોજીંદા જીવન માંથી ચોરી શકીએ તો કશું અશક્ય નથી.

 10. preeti hitesh tailor says:

  લેખન અને વાંચન બેઉ વસ્તુ માનવીને પોતાની જાત સાથે એકલો પાડે છે અને એ વખતે વ્યક્તિ તદરુપતા કેળવીને જે મેળવે છે તે તેના આત્માને સમૃધ્ધ કરે છે.કલ્પનાઓની દુનિયાને જીવંત કરે છે. આંતરિક વ્યક્તિત્વને નિખારે છે.આ બધા માટે જો આપણે આપણા રોજીંદા જીવન માંથી સમય ચોરી શકીએ તો કશું અશક્ય નથી.

 11. prashant oza says:

  well bahu saras lakhan tamein lakhyu che.
  saache j swapna ni duniya kaik alag j hoi che. jeevan ma swapna ek mahtva nu bhag bhajve che.

 12. Mahida Bhupendra says:

  તમારો લેખ વાચ્યો . ખરેખર ખુબ સુન્દર લખ્યુ છે. ગુજરાતી વાનચન ની મજા જ કાઈ અલગ
  છે.

 13. Mahida Bhupendra says:

  I read your artical .
  Really i impress this artical. Gujarati lenguage is greate lenguage.

 14. pallavi says:

  ઘણો સરસ લેખ ……લેખક ને ઉપયોગી લેખ
  અભિનન્દન !

 15. hitu pandya says:

  ઘણો ઉપયોગી લેખ…ખાસ કરીને અન્ય બાબતો પર જે પ્રકાશ પાડવામા આવ્યો છે.તે સત્ય છે…

 16. smita kamdar says:

  ખુબજ જ સુન્દર લેખ . અભિનન્દન.

 17. Miheer shah says:

  મ્રુગેશ ભાઇ

  આપે જે કામ ગુજરાતી સાહિત્ય માટે કર્યુ છે તે દાદ મા ગી લૅ છે.
  આ રીતે લખ વાની ફાવટ નથી.

  આભાર સહ

  મિહિર શાહ

 18. Ramesh Sopan says:

  આ લેખ “લેખક બનવું છે ?” સાથે શુસંગત નથી. આતો થઈ લેખનકલાની વિશાળતા, લેખક ના પ્રકાર, ગુજરાતી સાહિત્યની વ્યથા, વગેરે. ક્દાચ આ લેખ ની પ્રસ્થાવના છે. મૃગેશ શાહ હ્જી ગણુ કહેવા માગે છે. મૃગેશભાઈ લેખ પુરો કરો.

 19. nayan panchal says:

  તમારી વાત સાથે સંપૂર્ણ સહમત. મારૂ સૂચન છે કે રીડગુજરાતી પાછળનો જે હેતુ છે તે homepage પર હોવો જોઇએ જેથી દરેક વાચક તેને આત્મસાત કરી શકે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.