- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પ્રશુપ્રેમ – લિયાકત અંક્લેશ્વરીયા

[‘હસીખુશી’ સામાયિક (મુંબઈ) માંથી સાભાર.]

શું જંગલી સિંહ એક જ ઘાટ ઉપર બકરી કે ઘેટાં સાથે પાણી પી શકે ? તમારો જવાબ ‘ના’ માં જ હશે. પહેલાંના ઋષિમુનિના સમયમાં જ્યારે રામરાજ્ય હતું ત્યારે આ વાત કદાચ સાચી હોઈ શકે, પણ તે આપણે જોવા નથી ગયા તેથી આપણા ઋષિમુનિએ જે કહ્યું તે શ્રદ્ધાથી સ્વીકારી લઈએ. આજના સમયમાં આ વાત અશક્ય છે. સરકસમાં જે જાનવરો હોય છે તેને પાળવામાં આવે છે. તેમ છતાં તેનાં મોઢાં સીવવામાં આવે છે અને તેથી તેઓ પાળેલાં જાનવરો સાથે ખેલ કરે છે. જ્યાં એક જંગલી જનાવર પોતાનાથી શક્તિશાળી બીજા જંગલી જાનવરનો શિકાર બની જાય ત્યાં પાળેલાં મરધાં, બતકાં, બકરી, શિયાળ, સિંહ કે વાઘ સાથે કેવી રીતે રમી શકે ? ખાઈ શકે ? એક જ વાસણમાંથી પાણી પી શકે ? આ અજબગજબની વાત છે.

તો આવો તમને આવાં જંગલી તથા પાળેલાં પ્રાણીઓની દુનિયામાં લઈ જાઉં. આ વાત છે રશિયન નાગરિક નેટાલિયા ડ્યૂરોવાની, તેણે પોતાના ઘરમાં – ફાર્મહાઉસમાં પાળેલાં જંગલી અને પાળેલાં જાનવરોની. પોતે થિયેટર કરે છે, પણ પોતાનાં પ્રાણીઓ પાસેથી પણ અભિનય કરાવવાની ક્ષમતા ધરાવે છે. તે પોતાનાં જાનવરોને ખૂબ જ પ્રેમ કરે છે અને આ પ્રેમની ભાષા તેણે પોતાનાં પ્યારાં જાનવરોને શીખવાડી છે.

નેટાલિયા નામની રશિયન મહિલાએ પોતાના થિયેટરને કારણે માત્ર રશિયામાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. જંગલી જાનવરો માટે કહેવામાં આવે છે કે સરકસમાં કામ કરવા તેને રિંગમાસ્ટર પાસેથી કડક તાલીમ આપવામાં આવે છે અને તે રિંગમાસ્ટર માત્ર જંગલી જાનવરોને તાલીમ આપી શકે છે. સિંહના જૂથને કે વાઘના જૂથને એકસાથે ભેગાં કરવાં મુશ્કેલ છે. તેમાં ઘણી વખત જીવ જવાનો ડર પણ રહે છે. આ ઉપરાંતા આવાં જંગલી જાનવરોનો કદી પણ કોઈ ભરોસો નહીં. તે ગમે ત્યારે ગમે તેવો હુમલો કરી નાખે છે તેથી સરકસના માલિકો રિંગમાસ્ટરનો વીમો ઉતરાવે છે અને આવા રિંગમાસ્ટરને જંગલી જાનવરો ફાડી ખાય તો તેના કુટુંબને ભરણપોષણ આપવાની જવાબદારી સરકારની તથા સરકસના માલિકોની બની જાય છે, પરંતુ આપણી આ કથાની હીરોઈન નેટાલિયાએ જંગલી તેમ જ બકરી, મરધાં, કૂકડાં, બતકો, બિલાડી જેવાં પાલતું જાનવરોને તાલીમ આપી શિક્ષિત બનાવ્યાં છે. નેટાલિયાનું શિક્ષણ જે ગ્રહણ કરે તેને શિક્ષિત જ કહેવાય ને ! નેટાલિયાએ ધીમે ધીમે તાલીમ આપતાં આપતાં આ જાનવરોને એવાં તો કહ્યાગરાં બનાવી દીધાં છે કે આ પ્રાણીઓમાં ભાઈચારો જોવા મળે છે. આજે માનવ-માનવમાં ભાઈચારો જોવા નથી મળતો ત્યાં પ્રાણીઓની વાત જ ક્યાં કરવી ?

નેટાલિયાએ જંગલી જાનવરોને એવી રીતે તાલીમ આપી કે તેઓ નેટાલિયા કહે તેમ જ કરવા લાગે. શિયાળ દોરડા ઉપર ચાલીને દેખાડે, સંગીતના વાદ્યોને પણ સૂરમાં વગાડે અને તે સૂરમાં તેના સાથીઓ નાચ પણ કરે. તે સમયે બિલાડી, કૂતરાં, મરઘાં પણ નાચ કરે. બીજાં વાદ્યોને વગાડે, બીજાં અનેક કરતબો કરે. દર્શકોને રોમાંચસભર આનંદિત બનાવી દે. આજથી દસ વર્ષ પહેલાં ધીમેધીમે બે પ્રાણીઓની મદદથી ખેલ દેખાડતાં નેટાલિયા પાસે 20 જંગલી અને 50 પાળેલાં જાનવરો છે અને આ બધાંને સારી રીતે રાખવાનો ખર્ચ ઘણો બધો આવે છે, પરંતુ નેટાલિયા પોતાના થિયેટરમાંના રોજના શો રાખી લાખો કમાઈ લે છે.

નેટાલિયાએ શિક્ષણ કેવી રીતે આપ્યું તે સંદર્ભે જણાવે છે કે, ‘મેં બધાં જ પ્રાણીઓનો બારીકાઈથી અભ્યાસ કર્યો. ધીમે ધીમે મને ખ્યાલ આવી ગયો કે દરેક પ્રાણીઓને પોતાની શક્તિ અને નબળાઈ છે. મેં તે શક્તિને ખીલવવાનો પ્રયાસ કરવાની સાથોસાથ તે પ્રાણીઓની નબળાઈને દૂર કરી તે પ્રાણીઓ પાસેથી પોતાના મનપસંદ કામ કરાવવાની તાલીમ આપી. રોજરોજ તાલીમ આપતાં આપતાં પોતે અને પ્રાણીઓ એકમેકને ઓળખવા લાગ્યાં. એકમેકને પ્યાર, પ્રેમ કરવા લાગ્યાં અને સમજણને ખીલવવાના પ્રયાસમાં સફળતા પ્રાપ્ત થતાં આ જાનવરો મારી ભાષા સમજવા લાગ્યાં. મેં દરેકને સાથે હળીમળીને રહેતાં શીખવ્યું. તેઓ દરેક સામે શરૂઆતમાં ઘૂરકતાં, ગુસ્સો કરતાં, પણ ધીમેધીમે એકમેકને પ્રેમ કરતાં કર્યાં, એકમેકનો ખ્યાલ રાખતાં કર્યાં. દરેક પ્રાણીની કુદરતી ક્ષમતાને ખીલવવામાં આવી.

નેટાલિયાએ પોતાનો એક પ્રસંગ વર્ણવતાં જણાવ્યું કે, એક દિવસ પોતાના નાનકડા થિયેટરમાં એક જંગલી રાક્ષસીકાય ચિમ્પાન્ઝી આવી ચડ્યો. આ ચિમ્પાન્ઝી સમુદ્રી જહાજમાં ક્યાંકથી આવ્યો હશે તે ધમાલ કરતો કરતો પોતાના થિયેટરમાં આવી ગયો. પાળેલાં બતકાં, મરઘાં, બિલાડા જોઈને તેની ભૂખ ખીલી ગઈ. તે આવાં પાળેલાં જાનવરો તરફ વળે કે સામે મારા જ થિયેટરનાં જંગલી શિયાળ, વાઘ, હાથી ઊભાં રહી ગયાં. આ ગેરિલો ભાગવા જતો હતો પણ તેને ભાગવા ન દીધો. ધીમેધીમે હું ત્યાં પહોંચી ગઈ અને ડરતાડરતા તેના ખભે હાથ ફેરવવા લાગી. હું પાંચ ફૂટની અને તે સાત ફૂટથી વધુ ઊંચો. તે ઝૂક્યો. જમીન પર સૂઈ ગયો. મારી પ્રેમ કરવાની પદ્ધતિ તેને પસંદ આવી. લગભગ એકાદ કલાક તેને પંપાળ્યો. પછી કેળાં, ભાત અને જે જે જોઈએ અને આપી શકાય તેવું હતું તે ખાવાનું આપ્યું. તે બધું જ ખાવાનું ચટ કરી ગયો. તે હજી ભૂખ્યો હતો. ફરીથી ભાત બનાવી તેમાં દાળ નાખી આપ્યા. તેને તે ભાવ્યું. બધું ખાઈ ગયો. ધીમેધીમે મેં તેને તાલીમ આપી. આજે તે પણ થિયેટરનો મહત્વનો કલાકાર છે.

નેટાલિયાને જાનવરો સાતે કરતબ કરવાની તાલીમ વારસામાં પ્રાપ્ત થઈ છે. તેના દાદા વ્લાદિમીર ડ્યૂરોવાએ આજથી 70 વર્ષ પહેલાં પાળેલાં પશુ-પક્ષીઓને પાળવાનું શરૂ કર્યું હતું. ધીમેધીમે તે પશુ-પક્ષીઓને તાલીમ આપવા માટે ખાસ શિક્ષકો રાખવામાં આવ્યા હતા. આ શિક્ષકો પશુ-પક્ષીઓને મારતા અને ભૂખ્યા રાખતા તે તેના દાદાને પસંદ નહોતું તેથી તેઓ જ પોતે શિક્ષક બન્યા. પ્રેમથી દરેકને વશ કરી તેઓને તાલીમ આપી પોતે જે કરવા માગે છે તે કરવા પ્રેમથી સમજાવ્યાં.

વ્લાદિમીરે પોતાનો આ વારસો પોતાની દીકરી યુરીને આપ્યો. યુરીએ પોતાની દીકરી નેટાલિયાને આપ્યો. નેટાલિયા જ્યારે ચાર વર્ષની હતી ત્યારથી તેને પ્રાણીઓની ભાષા સમજાવા લાગી. ધીમેધીમે તેના હાવભાવ, તેને કેવી રીતે પ્રેમથી કાબૂમાં લેવાં તેની તાલીમ પિતા પાસેથી મેળવી. 1987માં નેટાલિયાની પાસે બધું મળીને 270 પ્રાણીઓની ટીમ બની ગઈ. આટલાં બધાં જાનવરોને એકસાથે નિયંત્રણમાં રાખવાં અઘરાં હતાં. તેમ છતાં નેટાલિયા દરેકને પોતપોતાનાં નામ સાથે ઓળખતી અને તેને આદેશ આપતી તો તેઓ તેને માન આપતાં.

ધીમેધીમે નેટાલિયાએ 17 જેટલા તાલીમી શિક્ષકોને નોકરી ઉપર રાખ્યા અને દરેકને ખાસ સૂચના આપવામાં આવી કે ગમે તે થાય, પણ પ્રાણી કે પક્ષીને મારવા નહીં. પ્રેમથી સમજાવવા અને તેમને ભૂખ્યાં પણ રાખવાં નહીં. આ ઉપરાંત નેટાલિયાએ બે ડૉકટરોને કાયમ માટે થિયેટરમાં નોકરી ઉપર રાખી લીધાં. જાનવરો માણસની ભાષા ખૂબ જ સારી રીતે સમજી શકે છે. માનવીઓના પ્રમાણમાં પ્રાણીઓ તથા પક્ષીઓ વધુ સંવેદનશીલ હોય છે. પ્રાણીઓની કુદરતી ગતિ-વિધિઓને ધ્યાનમાં રાખી નેટાલિયાએ પ્રાણીઓ પાસેથી કપડાં ધોવડાવવાનું, વાસણો સાફ કરાવવાનું કામ પણ લેવા લાગી. શિયાળ, બિલાડી, વાંદરાઓને સંગીતની તાલીમ આપી. શિયાળ અને મરધાને હંમેશાં દુશ્મની હોય છે. વાસ્તવમાં શિયાળ મરઘાને જોતાવેંત જ તેને મારીને ખાઈ જાય છે. પણ નેટાલિયાએ શિયાળ અને મરઘાને એવાં મિત્ર બનાવી દીધાં કે તેઓ ખાઈ-પીએ તો સાથે જ છે, પણ કામ પણ સાથે મળીને કરે છે.

નેટાલિયામાં તાકાત છે કે માનવીમાંથી લુચ્ચાઈ, સ્વાર્થ કાઢી તેને પ્રેમથી સાથે રાખવાની તાલીમ આપી શકે ? માનવી માનવી સાથે રહી શકે તેવી શક્યતા છે ખરી ? જવાબમાં નેટાલિયા ના પાડે છે. માનવી લુચ્ચામાં લુચ્ચું પ્રાણી છે, સ્વાર્થી છે ! જ્યારે આ જંગલી પ્રાણીઓ સ્વાર્થી નથી, લુચ્ચાં નથી. તેઓ સંગ્રહ કરતાં નથી, પૈસાને ભગવાન માનતા નથી. પ્રેમ ને પ્રેમ જ છે તેઓની પાસે. તેથી જ જંગલીઓને પાળેલાં બનાવી શકાય, માનવીને નહીં.