અડધી દાઢી ઑપ્શનમાં ! – બકુલ ત્રિપાઠી

ધારો કે….

ધારો કે આપણી યુનિવર્સિટીઓમાં ત્રણ વર્ષના ભણતર દ્વારા જેમની બુદ્ધિ અને ચારિત્ર્યનું ઘડતર થયું છે, એ ગ્રેજ્યુએટ યુવાનો જો કેશવપનના વ્યવસાયમાં જાય તો ? ધારો કે એમણે હેર કટિંગ સલૂન કાઢ્યું ! તો ?

તો કદાચ… આવું કંઈક… થાય !
***

‘આવો સાહેબ, અહીં આ ખુરશી પર… હા જી, આ લૂગડું આપને ગળે બાંધવાનું છે.’
‘અરે ઓ ઓ…’
‘અરે ! શું થયું સાહેબ ? બૂમો કેમ પાડો છો ?’
‘આ ગળા પરની ગાંઠ… ઓ….’
‘સોરી સાહેબ, ગાંઠ જરા મજબૂત બંધાઈ ગઈ ! સૉરી… અમને હેરકટિંગનું ટીચિંગ કરાવવામાં આવ્યું ને, ત્યારે ગ્રાહકને ગળે લૂગડું બાંધવાનો પિરિયડ મેં ડ્રોપ કરેલો ને ? એટલે !’
‘સારું, સારું, કામ શરૂ કરો.’

‘યસ સર ! બાલ કે દાઢી સાહેબ ?’
‘બન્ને’
‘બન્ને ન થાય સાહેબ…. એ તો ડબલ કોર્સ કહેવાય…. અમે કૉલેજમાં હતા ત્યારે કોર્સ ઘટાડવા તો અમે હડતાળ પાડેલી ! એકલા બાલ કરું કે એકલી દાઢી કરું….?’
‘તમે ગ્રેજ્યુઍટ થયા છો ?’
‘હા જી, ગ્રેજ્યુએટ થઈને આ ધંધો શરૂ કર્યો છે…’
‘ભગવાન બચાવે !…. સારું, એકલી દાઢી કરો…’
‘માથું આમ રાખો સાહેબ…હં…. બરાબર…. સાબુ બરાબર ઘસવા દો…. હં….. બરાબર… હવે સાહેબ, એક જૉક કહો !’
‘જોક ?’
‘હા જી.’
‘જોક શેની ? કામ કરવાનું છે કે જોકો કહેવાની છે ?’
‘જોક સાંભળ્યા વિના અમારાથી કામ નથી થતું સાહેબ ! અમારી હેર કટિંગ કૉલેજમાં તો રિવાજ જ કે પ્રોફેસર પહેલાં એક જૉક કરીને પછી જ નોટ્સ આપવાનું શરૂ કરે… ને પિરિયડને અંતે છેલ્લી દસ મિનિટ પાછી જૉક્સ !’
‘અરે પણ…’
‘ત્રણ વર્ષ અમે એવી રીતે જ ભણ્યા, સાહેબ !’
‘તમારે… ભાઈસા’બ… સીધી રીતે હજામત કરવી છે કે નહીં ?’
‘ગુસ્સે ન થશો સાહેબ…. સાબુ બરાબર લગાવવા દો… હં…. હવે ?’
‘હવે ?’
‘હવે શું ?’
‘હવે વળી શું ? સાબુ લગાડાઈ ગયો, કામ આગળ ચલાવો….’
‘પણ આગળ શું કરવાનું ? ઊભા રહો…. ગાઈડ જોઈ લઉં ! આ રહી ટેબલના ખાનામાં…’
‘ગાઈડ ?’
‘જી, પંડ્યા અને પટેલની સક્સેસફૂલ શેવિંગ ઈન ટુ મિનિટ્સ ! સારી છે. બધું ક્વેશ્ચન-આન્સરમાં છે… આ જુઓ પેજ થર્ટી…. કવેશ્ચન ફોર્ટીન…. સાબુ લગાડ્યા પછી શું કરવાનું ? અસ્ત્રો ફેરવવાનો ! યસ… ચાલો સાહેબ…’

‘અરે પણ તમે આમ એક હાથમાં અસ્ત્રો અને એક હાથમાં ગાઈડ લઈને…’
‘અમારા સેન્ટરમાં એકઝામમાં એની છૂટ હતી ! આમ જો કે ઑફિશિયલી છૂટ નહીં, પણ અમે સુપરવાઈઝરોને ધમકાવેલા એટલે ઘણુંખરું એક્ઝામમાં ગાઈડ ઓપન રાખીને જ…’
‘સારું, સારું, ભઈ ! હવે હજામત પૂરી કરો તો મહેરબાની….’
‘જી હા, જી… ઑફ કૉર્સ…. આ અસ્ત્રો ચાલ્યો સમજો ને !’
‘તમે યુનિવર્સિટીના ગ્રેજ્યુએટો આ ધંધામાં પડ્યા એ ઠીક કર્યું…’
‘ડિગ્નિટી ઑફ લેબર !’
‘અરે, આ શું ? દાઢી પર સાબુ લગાવ્યો છે ને મૂછો પર નહીં ?’
‘આઉટ ઑફ કોર્સ !’
‘શું કહ્યું ?’
‘આઉટ ઑફ કોર્સ ! … દાઢી કરવાનું કોર્સમાં હતું, એમાં મૂછોની વાત ક્યાં આવી ? મૂછો કોર્સ બહારની કહેવાય. કોર્સ બહારનું આન્સર કરવા અમે બંધાયેલા નથી….’
‘અલ્યા, પણ આ કૉલેજ નથી, ધંધો છે…’
‘એટલે શું થઈ ગયું ? અમે કંઈ પરચૂરણ અણઘડ હજામો નથી, વી આર યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સ…. લો સાહેબ, આ કામ પૂરું….! લાવો પાંચ રૂપિયા.’
‘અરે પણ !’
‘શું છે ? કંઈ પણ કમ્પ્લેઈન હોય તો રીએકઝામ ફી દસ રૂપિયા….’
‘અરે રીએકઝામ ફીની એસીતેસી ! આ મારી દાઢી તમે જમણી બાજુની કરી… અને ડાબી બાજુ તો એવી ને એવી રાખી !’
‘એ તો ઑપ્શનમાં છોડી દીધી !’
‘ઑપ્શનમાં ?’
‘ફિફ્ટી પર્સેન્ટ ઑપ્શનનો તો અમારો બર્થરાઈટ છે ! એકાએક યુનિવર્સિટી એકઝામમાં અમે હાફ ધ કવેશ્ચન ઑપ્શનમાં છોડી દેતા.’
‘અને અહીં અડધી દાઢી ઑપ્શનમાં છોડી દીધી, એમ જ ને ?’
‘યસ સર !’
‘ઓ ભગવાન !’
‘પાંચ રૂપિયા સાહેબ…’
‘પાંચ રૂપિયા ?… બધે તો દાઢીના અઢી રૂપિયા લે છે.’
‘જી, પણ આ સલૂનમાં તો અમે યુનિવર્સિટી ગ્રેજ્યુએટ વર્કસ છીએ ને ! એટલે ગ્રેજ્યુએટ સ્કેલ પર કામ કરીએ છીએ !’
‘ઓ ભગવાન ! આ અડધી દાઢી સાથે મારે ક્યાં જવું ?’
‘સામે જ. ગ્રેજ્યુએટસનું બીજું સલૂન છે…. એ લોકો બાકીની દાઢી કરી આપશે ! આઈ મીન…. બાકીની દાઢીની અડધી જ…’
‘હેં ?’
‘હા, કારણ અડધાની અડધી તો એમને પણ ઑપ્શનમાં છોડી દેવાનો અધિકાર ખરો ને સાહેબ ?’
‘!’
‘!!’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હોલી હૈ ! – સંકલિત
હું ક્યાં છું ? – જયન્ત પાઠક Next »   

11 પ્રતિભાવો : અડધી દાઢી ઑપ્શનમાં ! – બકુલ ત્રિપાઠી

 1. preeti hitesh tailor says:

  મજાનો લેખ! આધુનિક શિક્ષણ પર સરસ મજાનો વ્યંગ!

 2. ભાઇરે કરી હો આ ગ્રેજ્યુએટ હજામે…

 3. Manisha says:

  બકુલ ભાઈ……તમારો અદાજ જાળવી રાખ્યો ખરો… મજા આઈ………….

 4. Jayant Thacker says:

  Pothi pandit aane kahevay. aajna bhantar upar katakha, khub kahi.

 5. payal says:

  bakul bhai tame to aaj ni saachi j vaat lakhi che aaje chopadiya gyan ane gokhela gyan sivay kai j rahyu nathi College na bhantar ane saachi zindagi ma aabh jamin no pharak ane kehway.

  keep it up

 6. Keyur Patel says:

  દાઢી કરાવું કે નહી??? જવા દો ને યાર – દઢી કરાવવાનું ઓપ્શન માં છોડી દઇએ…..

 7. pranav says:

  હુ તો રૂપિયા આપવાનુ ઓપ્શન માં છોડી દઉ.

 8. vanraj -Bangalore says:

  Excellent work….!!!! enjoyed a lot..!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.