એશિયાખંડની બાળવાર્તાઓ ભાગ-1 – હિંમતભાઈ પટેલ

story

[ ગુજરાતી સાહિત્યની બાળવાર્તાઓમાં ગુજરાત સરકાર, ગુજરાતી સાહિત્ય પરિષદ તેમજ ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી જેને શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે તેવી ‘એશિયાખંડની લોકકથાઓ’ નું લખાણ શ્રી હિંમતભાઈ ‘શિવમ સુંદરમ’ તરફથી કરવામાં આવેલ છે જેને શબ્દલોક પ્રકાશને પ્રકાશિત કરેલ છે. આ પુસ્તકમાંથી બે-ત્રણ વાર્તાઓ આપણે સમયાંતરે માણીશું, આજે માણીએ તિબેટની એક બાળવાર્તા.]

નવમો સૂર્ય – તિબેટની બાળવાર્તા

તિબેટની આ વાત છે.
વાતને વર્ષોનાં વર્ષો વીતી ગયાં છે.
એ દિવસોમાં આકાશમાં અત્યારની જેમ માત્ર એક સૂર્ય પ્રકાશતો નહોતો, પરંતુ એકી સાથે નવ સૂર્ય પ્રકાશતા હતા !
એક સૂર્યના તાપથી આપણે કેવા તપી જઈએ છીએ ? તો પછી નવ નવ સૂર્યોની ગરમી પડે ત્યારે શું થતું હશે ? પૃથ્વી તપીને લાલચોળ લોઢા જેવી થઈ જતી હતી. પછી પૃથ્વી પર ઊગે શું ? ઘાસ તો શું, તણખલું પણ ઊગતું નહોતું. લોકો તો નવ સૂર્યોની પ્રખર ગરમીથી ત્રાહ્ય ત્રાહ્ય પોકારી ગયા.

કંટાળીને લોકો એક વખત ભેગા થયા. સૌ સમક્ષ એક જ સવાલ હતો : ‘નવ સૂર્યોની ગરમીથી કેવી રીતે બચવું ? આનો કંઈ ઉપાય ?’
એક બુદ્ધિશાળી માણસે પ્રસ્તાવ મૂક્યો : ‘એમ કરો, એક મોટો ટોપલો ગૂંથીને તૈયાર કરાવો. એ ટોપલો નવે સૂર્યો પર ઢાંકી દેવો ! પછી આપણને આટલી ગરમી નહિ લાગે !’ પરંતુ ઘણીવાર શું બને છે કે ઉપાયને વ્યવહારમાં ઉતારવો સહેલો હોતો નથી. આવું જ કંઈક આમાં બન્યું. આવો મોટો ટોપલો ક્યાંથી તૈયાર કરવો ? ને સમજો કે આવો વિશાળ ટોપલો ગમે તેમ કરી તૈયાર કર્યો તો પછી તેને સૂર્યો પર કેવી રીતે ઢાંકવો ? ને કોણ એ ઢાંકવા જાય ?

પછી વ્યવહારમાં આ ઉપાય ચાલે તેવો ન જણાતાં બીજા માણસે બીજો પ્રસ્તાવ મૂકતા કહ્યું : ‘આપણી વચ્ચે એક બાણાવળી વસે છે, તેને કેમ ભૂલી જાઓ છો ? તેનું નામ ‘આપાપોલો’ એ જેવો બાળાવળી છે તેવો બળવાન પણ છે. ચાલો, આપણે તેની પાસે જઈએ. જઈને તેને કહીએ, નવ સૂર્યો આકાશમાં લટકી રહ્યા છે ! કોઈના આધારે જ એ લટકી રહ્યા હશે ને ? પોતાનું નિશાન તાકીને આપાપોલો એ આધારને જ તોડી નાખે ! એટલે એ સૂર્યો આપોઆપ પૃથ્વી પર તૂટી પડશે…!’ આ પ્રસ્તાવને સૌએ વધાવી લીધો; સૌને વાત ઠીક લાગી.

નિશાનબાજ આપાપોલો એક ઊંચા પહાડ પર એક વિશાળ ગુફામાં રહેતો હતો. પહોળો-પહોંચતો પડછંદ પુરુષ હતો. કમર પર પોતે શિકાર કરેલા વન્ય પશુની ચામડીનો પટ્ટો પહેરતો હતો. તેની કેડ ખૂબ મજબૂત હતી – ઝાડના થડ જેવી. તેના માથા પર ઘુંઘરાળા વાળ જાણે માથા પર પરાળ પાથર્યું હોય તેવા લાગતા હતા. તેની કાળી ભમ્મરો અત્યંત ઘટ્ટ હતી, ને એ ઘટ્ટ કાળી ભમ્મરો નીચે તેની વિશાળ ને તીણી આંખો ચમકતી હતી.

પછી બધા બાળાવળી પાસે ગયા; ને તેને બધી વાત કરી. આ વાત સાંભળ્યા પછી આપાપોલો પહેલાં તો ખડખડાટ હસ્યો, પરંતુ પછી કહ્યું : ‘લોકોના હિતની વાત છે, એટલે આ કઠિન કામ પણ કરવા હું કોશિશ તો કરીશ.’ પછી આપાપોલોએ પોતાનું વિશાળ ધનુષ્ય ઉઠાવ્યું. વળી તેના પર તીર પણ ચઢાવ્યું અને બરાબર નિશાન તાકીને માર્યું, એથી કરીને એક સૂર્ય તો જઈને પડ્યો પૃથ્વી પર… ! અને પછી તો આપાપોલોને પોતાની નિશાનબાજીમાં વિશ્વાસ બેઠો, ને એમ કરતાં બીજા સાત સૂર્યને પણ તેણે નિશાન તાકીને પાડ્યા નીચે. હવે નવમો સૂર્ય જાય નાઠો ! જલદી તે પશ્ચિમના પહાડો પાછળ જઈને સંતાઈ ગયો ને પછી અદશ્ય થઈ ગયો, અને આ રીતે તે આપાપોલોની અચૂક નિશાનબાજીમાંથી બચી જવા પામ્યો…!

આ બધો તાલ જોઈ પૃથ્વીવાસીઓ ખુશ ખુશ થઈ ગયા. તેઓ બોલી ઊઠ્યા : ‘આપણો આપાપોલો એટલે કહેવું પડે ! તેનું નિશાન અચૂક છે ! તેનું નિશાન ખાલી જાય જ નહિ ને !’ આમ લોકો ખુશ હતાં, ખુશીથી નાચગાન કરી રહ્યાં હતાં. પોતાના મહાન બાળાવળીનાં આ લોકો મોંફાટ વખાણ કરતાં હતાં. ત્યાં એકાએક શું થયું ? જાણે એમની હસીખુશી શોકમાં પલટાઈ ગઈ. કેમકે, આકાશ એકદમ શ્યામ પડી ગયું; હૂંફાળી હવાના ઠેકાણે એકદમ શીતળ વાયુ વાવા લાગ્યો. એકાએક હવામાનમાં પલટો આવ્યો; રોશનીનું સ્થાન અંધકારે લીધું. ધોળે દિવસે આમ બન્યું. એટલે પછી લોકો મૂંઝાવા લાગ્યા.

કેટલાક ડાહ્યા માણસોને ચિંતા પેઠી; તેમને થયું : ‘સૂર્યના તાપથી તો અનાજ પાકતું હતું ! હવે અનાજ શી રીતે પાકશે ? લોકો શું ખાશે ? ભૂખે મરવાનો વખત આવશે કે શું ?’ તેમણે પોતાની આ ચિંતા લોકો સમક્ષ વ્યકત કરી. આ ડાહ્યા લોકોની શાણપણભરી વાતે સૌને ખરેખર ચિંતામાં ગરકાવ કરી દીધાં. લોકો એકી અવાજે બોલી ઊઠ્યાં : ‘નવમા સૂર્યને હજી બાળાવળીએ ક્યાં હેઠો પાડ્યો છે ? એટલે ગમે તેમ કરીને તેને બોલાવી લાવો ! નહિતર, અનાજ નહિ પાકે, ને પછી આપણે જીવીશું કેવી રીતે ?’ પરંતુ નવમા સૂર્યને બોલાવીને લાવવો શી રીતે ?
આ એક મોટો કોયડો થઈ પડ્યો !

ત્યાં વળી એક શાણો માણસ આગળ આવ્યો. તેણે કહ્યું : ‘આપણે એમ કરીએ તો ? મધુર કલરવ કરીને નવમા સૂર્યને રીઝવી શકે એવા કોઈ પંખીને આપણે તૈયાર કરવું પડશે. એ પક્ષીના મધુર કૂંજનથી નવમો સૂર્ય રીઝશે, ને મને શ્રદ્ધા છે એ નવમો સૂર્ય ફરી પાછો આકાશમાં દેખા દેશે !’ હવે આ માટે કયું પંખી સૌથી વધુ યોગ્ય છે તેની શોધ ચાલી.
કોઈએ કહ્યું : ‘મધુર કૂંજન માટે તો બુલબુલ પક્ષીને જ પહેલો નંબર આપવો પડે ! બુલબુલનો કંઠ અત્યંત સુમધુર હોય છે ! એટલે બધા પહોંચ્યા – બુલબુલ પાસે. તેને આ કામ હાથ ધરવા વિનંતી કરી. પરંતુ બુલબુલ હતું અભિમાની પંખી. પોતાના માળે આટલાં બધાં લોકોને એકઠાં થયેલાં જોઈને તેને થયું : ‘બંદાનો કેવો વટ છે ! બધાંને મારી કેવી જરૂર પડે છે ! દુનિયામાં સર્વશ્રેષ્ઠ ગાયક તરીકે મારી ગણના થાય છે !’ એટલે બુલબુલ ગાવા તૈયાર તો થયું, પરંતુ પહાડ ભણી મોં રાખીને ગર્વભર્યા સ્વરે તેણે કલરવ કરવા માંડ્યો !
પરંતુ ગમે તેવું સરસ ગીત હોય, પણ ગાયક અભિમાની હોય, તો એ ગીત શ્રોતાઓને પસંદ પડતું નથી; શ્રોતાઓ એ સાંભળીને મોં મચકોડે છે. એ રીતે નવમા સૂર્યને બુલબુલનું અભિમાનભર્યું ગાણું રીઝવી ન શક્યું; અને એ પહાડ પાછળથી બહાર ન નીકળ્યો. પછી લોકોએ કોયલને સંભારી, લોકોએ કહ્યું :
‘કોયલ ભલે કાળી રહી, પરંતુ કામણગારી છે ! તેનો કંઠ કામણગારો છે ! તેનો મધુર કંઠ નવમા સૂર્ય પર જરૂર કામણ કરશે, ને પછી તે પહાડ પાછળથી બહાર નીકળી આવશે…!’
આ ગણતરીએ લોકો પહોંચ્યા – કોયલના માળે ! આટલાં લોકોને પોતાના માળે જોઈ કોયલ ફૂલી ન સમાઈ. તેને પણ પોતાના કંઠનું અભિમાન આવ્યું. એટલે પોતાના મધુર કંઠે તેણે ગાયું તો ખરું, પણ તેના ગીતમાં અભિમાનની ભારોભાર છાંટ હતી. એટલે પછી એ અભિમાનભર્યું કૂંજન પણ નવમા સૂર્યને રીઝવી ન શક્યું, ને તે પહાડ પાછળથી બહાર ન જ નીકળ્યો !

પછી લોકોએ પપૈયાને સંભાર્યો; કોઈએ કહ્યું : ‘પપૈયો પક્ષી પોતાની માદાને કેવો ઝૂરી ઝૂરીને બોલાવે છે ! કેવા આતુર સાદે પોતાની માદા પપૈયાને બોલાવે છે ! માટે સૂર્યને બોલાવવાનું કામ તેને જ સોંપીએ તો કેમ ? આમ પપૈયાને પણ અજમાવવામાં આવ્યો, પરંતુ તેમાં યે કંઈ ભલીવાર આવ્યો નહિ. પછી તો લોકોએ પોપટને પકડ્યો. લોકો કહે : ‘મધુર બોલી માટે આપણે પોપટને પાળીએ છીએ.’ માટે પોપટ પોતાના મધુર બોલથી તેને રીઝવી શકશે !’ માણસને તો પોપટના કાલા કાલા બોલથી રીઝવી શકાય, અહીં પોપટે પોતાનો પૂરો પ્રયત્ન કર્યો; પરંતુ એ બિચારો પણ નિષ્ફળ ગયો. પછી તો પોપટે પોતાની પત્ની મેનાને આ કામ સુપ્રત કર્યું. પરંતુ મેનાના બોલ પણ કારગત ન નીવડ્યા.

આખા તિબેટમાં મળી આવતાં બીજાં પણ કેટલાંય મધુર કંઠવાળા પંખીઓની અજમાયેશ કરવામાં આવી, છતાં કોઈ પંખીને તેમાં સફળતા સાંપડી નહિ. છેવટે બધાંની નજર પહોંચી કૂકડા ઉપર. ઘણાંને થયું : ‘આ કૂકડો કેટલે મોટેથી ‘કૂકડે કૂક’ ‘કૂકડે કૂક’ બોલે છે ! નવમો સૂર્ય જરા ઓછું સાંભળતો લાગે છે ! એથી તેના કાન સરવા બનશે અને કદાચ પહાડ પાછળથી બહાર નીકળી આવશે !’

અને બધાં કૂકડા પાસે જઈને ખડાં થઈ ગયાં. કૂકડો કહે : ‘મારું ગળું એટલું સારું નથી; મારો કંઠ એટલો મધુર નથી…. છતાં તમે મને આ કામ સોંપો છો, એ માટે હું તમારા સૌનો આભારી છું. જગતનું ભલું થતું હોય તો ‘નવમા સૂરજનો છડીદાર’ બનવામાં મને કંઈ વાંધો નથી….!’
અને કૂકડો તો આ કામ માટે તૈયાર થઈ ગયો.
એ તો વહેલો વહેલો પહાડની ટોચ પર ચડી ગયો, ને ઊંચી ડોક કરીને બાંગ પોકારવા લાગ્યો.
એકવાર કૂકડે કૂક… !
બીજી વાર….
અને જ્યાં ત્રીજી વાર ‘કૂકડે કૂક’ કર્યું કે તરત જ નવમા સૂર્યના કાન ઊઘડ્યા.

કૂકડાના કૂકડે કૂક અવાજમાં સૂર્યને કાકલૂદીનો સ્વર સંભળાયો. કોઈ રાજાને પોતાનો છડીદાર પોકારે એ રીતે સૂરજરાણાનો છડીદાર બનીને કૂકડો જાણે છડી પોકારતો હતો. તેને થયું : ‘હવે મારો છડીદાર આવી પહોંચ્યો…!’ તેણે ત્રણ વાર મારી છડી પોકારી છે, હવે મારે જવું જ જોઈએ !’ વળી કૂકડાના ત્રીજી વારના કૂકડે કૂક પછી ચકલીઓ અને તેનાં જેવાં બીજાં પક્ષીઓએ ચક ચક કરી મૂકી. કૂકડાના ‘કૂકડે કૂક’ માં તેમણે પોતાનો સૂર પુરાવ્યો. એટલે પછી એ નવમા સૂરજરાણા તૈયાર થઈ ગયા. પહાડ પાછળથી પાછા પૃથ્વી પર નીકળી આવ્યા !

મિત્રો, એ નવમો સૂર્ય એ જ આપણો અત્યારનો સૂર્ય. સૂરજરાણાના છડીદાર તરીકે કૂકડો એ વખતથી સેવા બજાવતો આવ્યો છે. સવારના પહોરમાં ત્રણ વાર તે છડી પોકારે છે, ત્યારે સૂરજરાણા બહાર નીકળી આવે છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આવર્તન – માલિની શાહ
પર્યટન સ્થળ રાજગીર – હેતલ દવે Next »   

14 પ્રતિભાવો : એશિયાખંડની બાળવાર્તાઓ ભાગ-1 – હિંમતભાઈ પટેલ

 1. Rekha Iyer says:

  very good story. this kind of stories will increase the imagination and creativity in children.

 2. Rashmita lad says:

  સરસ બાલ્વાર્તા.

 3. manish shukla says:

  ઍક્ષલન્ટ્

 4. smruti shroff says:

  aavi sunder varta balako ne ghanu shikhavi shake che.aavi vartao vachine phari balak thavanu man thai che.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.