પર્યટન સ્થળ રાજગીર – હેતલ દવે

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.]

picture પટણાથી 101 કિ.મી દક્ષિણ પૂર્વમાં આવેલું પહાડીઓથી ઘેરાયેલું વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ છે રાજગીર. પોતાના પ્રાકૃતિક સૌંદર્યને કારણે વિદેશી પર્યટકો માટે એ સ્થળ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. મહાભારત કાળથી લઈને આજ સુધી રાજગીરનું મહત્વ રહેતું આવ્યું છે. પ્રાચીન કાળમાં રાજગીર અનેક નામે ઓળખાતું હતું. રામાયણ કાળમાં તેનું નામ વસુમતી હતું. બૌદ્ધગ્રંથોમાં તેને રાજગૃહ કહેવાયું છે જ્યારે જૈન ગ્રંથોમાં તેનું નામ કુશાગપુર છે.

picture જુદા જુદા કાળોમાં પણ તેની અલગ અલગ પ્રાસંગિકતા રહી છે. સમ્રાટ જરાસંઘે અનેક પ્રતિધ્વંદ્વી રાજાઓને યુદ્ધમાં પરાજય આપીને રાજગીરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા. મહાભારત અનુસાર કૃષ્ણ, અર્જુન અને ભીમ અહીં આવ્યા હતા અને 28 દિવસના અવિરત મલ્લયુદ્ધ બાદ ભીમે જરાસંધના બંને પગો ચીરીને તેની હત્યા કરી હતી. નિર્વાણ પ્રાપ્તિ બાદ બુદ્ધે બીજું અને ત્રીજું ચોમાસું વિતાવ્યું હતું. જૈન કાળસૂત્ર અનુસાર મહાવીરે 14 વર્ણકાળ અહીં વિતાવ્યા હતા. આ જ કારણે બધા ધર્મના લોકો માટે રાજગીરનું પોતીકું મહત્વ છે.

પટણના પ્રવાસ દરમિયાન જ રાજગીરનો કાર્યક્રમ બનાવી શકાય છે. તે પટણા, ‘ગયા’ તથા કોલકતા સાથે સડકમાર્ગે જોડાયેલું છે. પટણાથી રેલવે સેવા પણ છે. આ સિવાય અહીં ‘ગયા’ તથા મુગલસરાઈથી પણ પહોંચી શકાય છે. રાજગીરમાં જોવાલાયક સ્થળોની માહિતી નીચે મુજબ છે.

પંચપહાડી :
રાજગીર જે પાંચ પહાડીઓથી ઘેરાયેલું છે તેને જ પંચપહાડીના નામથી ઓળખવામાં આવે છે. આ પહાડીઓ આશરે 1000 ફૂટ ઊંચી છે. આ પહાડીઓ છે વૈભાર (મહાભારતનું બેહાર), વિપુલાચલ (મહાભારતનું ચેતક), ઉદયગીરી અને સોનારગિરી. આ પહાડીઓની ખૂબસૂરતી પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે.

picture ગરમ જળનાં ઝરણાં :
ગરમ પાણીનાં ઝરણાં પર્યટકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. તેનું મુખ્ય ઉદ્દગમ સ્થળ વિપુલાચલ અને વૈભારગિરી પહાડ છે. વૈભારગિરીના આંચલમાં તો ગરમ પાણીનો ખજાનો છે. પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યેનસાંગે રાજગૃહનું ભ્રમણ કર્યું હતું. તેમણે પણ તેમની યાત્રાના વિવરણમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે વૈભારગિરીની પૂર્વ દિશામાં ગરમ પાણીનાં ઝરણાં છે. હ્યેનસાંગ અનુસાર એ સમયે રાજગીરમાં લગભગ 500 ઝરણાં હતાં. આજે ગરમ પાણીના 22 કુંડ છે જેમાં સપ્તધારા, બ્રહ્મકુંડ તથા સૂર્યકુંડ સૌથી મહત્વપૂર્ણ છે. આ કુંડોમાં સ્નાન કરવાથી ઘણા પ્રકારની બીમારીઓ ખાસ કરીને ચામડીના રોગો સારા થઈ જવાની લોકોમાં માન્યતા છે. આ ગરમ પાણીના કુંડમાં કમસે કમ એકવાર પોતાના પ્રવાસ દરમ્યાન સ્નાન કરવાની પ્રવાસીઓ ઈચ્છા રાખે છે.

જરાસંઘનો અખાડો :
જરાસંઘનો અખાડો પોતાનું અલગ ઔતિહાસિક મહત્વ ધરાવે છે. એ વૈભાર પર્વતની ઉપર જવાના રસ્તા પર આવ્યું છે. જેનું ક્ષેત્રફળ 81 x 68 ચો. ફૂટ છે. બૌદ્ધ તેને ‘પિઘલ ગૃહા’ ને નામે ઓળખે છે. ઐતિહાસિક જાણકારી અનુસાર અહીં જરાસંઘ પોતાના દરબારીઓ સાથે બેસીને રાજનીતિક મંત્રણા કરતા હતા. ભૂતકાળમાં અહીં રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞ થતા હોવાનું પણ મનાય છે.

picture વિશ્વ શાંતિ સ્તુપ :
રાજગીરમાં વિશ્વ શાંતિનો સંદેશ આપનાર બુદ્ધનું સૌથી પ્રિય પ્રવાસ સ્થાન ગૃહ્યકૂટ પર્વતની સામે લગભગ 400 મીટર ઊંચા રત્નગિરી પર્વત પર વિશ્વ શાંતિ સ્તુપ આવેલું છે. સંગેમરમરથી સુસજ્જિત આ સ્તુપની ચારે બાજુ બુદ્ધની વિભિન્ન મુદ્રાઓમાં સોનેરી પ્રતિમાઓ છે. આ જાપાન બૌદ્ધ સંઘના અધ્યક્ષની કલ્પનાનો જીવતો જાગતો પૂરાવો છે. આ સ્તુપની ઊંચાઈ 120 ફૂટ તથા તેની ટોચ પર 10 ફૂટ ઊંચો કમળકલશ છે. સ્તુપનો વ્યાસ 103 ફૂટ છે.

બિંબિસારની જેલ :
આ જેલ સ્વર્ણભંડારથી લગભગ એક કિ.મી દક્ષિણ પૂર્વમાં આવેલી છે. ઐતિહાસીક સુત્રો અનુસાર અજાતશત્રુએ રાજા બન્યા બાદ અહિંયા તેના પિતા બિંબિસારને કેદ કર્યા હતા. આ જેલ 3 મીટર મોટા પથ્થરોની દીવાલોની બનેલી છે. તેના ચારે ખૂણા પર પથ્થરોની બુર્જ બની હતી. ખોદકામ કરતા અહીં પથ્થરની કોઠીઓ મળી હતી. એ સિવાય 1930માં આ કિલ્લાની સફાઈ દરમ્યાન લોખંડની વિશાળ જંજીરો મળી હતી જેના એક છેડા પર કડા લગાડેલાં હતાં. ઈતિહાસકારોનું માનવું છે કે આ સંભવત: હાથકડીનું કામ કરતા હશે.

મણિયાર મઠ :
તેને રાણી ચેલના અને શાલિભદ્રના નિર્માણ કૂપ કહેવામાં આવ્યું છે પરંતુ આજકાલ તેને મણિયાર મઠના નામે ઓળખવામાં આવે છે. ગરમ પાણીનાં ઝરણાંથી લગભગ એક કિ.મી દૂર આ મઠ આવેલો છે. 1941માં જનરલ કનિંઘમે આ સ્થળનું ખોદકામ કરાવ્યું હતું. 17 ફૂટની ઊંડાઈમાં 3 મૂર્તિઓ મળી હતી. જેમાં એક પ્રતિમા હતી જેના માથા પર સપ્તકણ હતો. ઈતિહાસકારોનું માનવું છે કે આ મૂર્તિઓ પહેલીથી છઠ્ઠી શતાબ્દી વચ્ચે બનાવી હશે.

સપ્તવર્ણી ગુફા :
વૈભાર પર્વતની ઉપર આ ગુફા આવેલી છે. બુદ્ધના મૃત્યુ બાદ અજાતશત્રુના પ્રયત્નોથી બૌદ્ધોની પહેલી સભા અહીં આયોજીત કરવામાં આવી હતી. સપ્તવર્ણી ગુફા પથ્થરોમાં બનેલી એક લાંબી માનવકૃતિ છે. આ માર્ગના થોડા ભાગોમાં પથ્થરો લગાડવામાં આવ્યા છે. તે છ ફૂટ પહોળા એક પારપથ જેવું લાગે છે.

વેણુવન વિહાર :
બુદ્ધના નિવાસ માટે રાજા બિંબિસારે આ મઠ બનાવીને બુદ્ધને ભેટ આપ્યો હતો. શિષ્યની આ ગુરૂ દક્ષિણા સ્વીકારીને બુદ્ધ થોડો સમય અહીં રોકાયા પણ હતા. હવે અહીં એક આધુનિક બૌદ્ધ મંદિર છે. કોઈક સમયે એ સુગંધિત વાંસોનો બગીચો હતો. ઐતિહાસિક ગ્રંથો અનુસાર બુદ્ધે અહીં શારીપુત્ર અને મહાભોગ દલાપનને ઘણા વર્ષો સુધી શિક્ષણ આપ્યું હતું.

વીરાયતન :
આ એક આકર્ષક સંગ્રહાલય છે. જ્યાં જૈન દર્શન સંબંધિત ચિત્ર, પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પૂ. ચંદનાજી મ.સા. દ્વારા અહીં સરસ સેવાકાર્ય ચાલુ કર્યું છે.

આમ્રવન :
મગધરાજાના ગૃહચિકિત્સક જીવકનું અહીં ઔષધાલય હતું. રાજગીરમાં આ સિવાય પણ ઘણાં જૈન, બૌદ્ધ તથા હિંદુ મંદિર તેમજ મઠ છે. આમ, એક ઉત્તમ પર્યટન સ્થળ તરીકે રાજગીર જોવા જેવું ખરું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એશિયાખંડની બાળવાર્તાઓ ભાગ-1 – હિંમતભાઈ પટેલ
સુખ નામના પ્રદેશની શોધમાં – જીતેન્દ્ર તન્ના Next »   

11 પ્રતિભાવો : પર્યટન સ્થળ રાજગીર – હેતલ દવે

 1. baboochak says:

  સુન્દર પર્યટન લેખ… અહીં બેઠા બેઠા જાણે રાજગીર ફરતાં હોય તેવું લાગ્યું.

  આભાર.

 2. Keyur Patel says:

  સરસ પ્રવાસ લેખ. વાંચવા ની મજા આવી.

 3. Dipika D Patel says:

  ખુબ સરસ. ઘણુ જાણવા મળ્યું. આભાર.

 4. Karan Shah says:

  પ્રભુ મહાવીર વિશે ની માહિતી રસપ્રદ છે

 5. manvantpatel says:

  સરસ માહિતેી મળી. આભાર !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.