આવર્તન – માલિની શાહ

[ રીડગુજરાતી પર અગાઉ ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે મુંબઈ સ્થિત લેખિની નામની સંસ્થામાં માત્ર મહિલાઓ દ્વારા ‘લેખિની’ નામનું ત્રૈમાસિક ચલાવવામાં આવે છે જેમાં ખૂબ જ સુંદર સાહિત્યનું રસપાન વાચકોને કરવા મળે છે. તો પ્રસ્તુત છે તેના દિવાળી અંકમાંથી એક જીવનપ્રેરક લેખ સાભાર. આ સંસ્થા અંગેની માહિતી માટે વાચકો તેના સંપાદક શ્રીમતી મીનળબહેન દીક્ષિતનો +91 22 6605332 પર સંપર્ક કરી શકે છે. ]

નાની નેહાને દરિયો બહુ ગમે. સવારના કૂમળાં કિરણો હજી ધરતી પર પથરાય, ન પથરાય તે પહેલાં તે વહેલા જલદીથી ઊઠી હાથ મોઢું ધોઈ દરિયે પહોંચી જાય. દરરોજ એને દરિયો જુદો જુદો લાગે. કોઈવાર સાન્ટાકલોઝની દાઢીના વાળ જેવો સફેદ, તો કોઈવાર પરીના ચમકતા ડ્રેસ જેવો એકદમ તેજથી ભરેલો. તેનું નાનકડું મન કલ્પનાનાં મહાસાગરમાં ખોવાઈ જતું, જેની આગળ ભગવાને બનાવેલો દરિયો નાનો બિંદુ જેવો ભાસતો. તેની ચમકતી આંખમાં દરિયાને સમગ્રતાથી પી જવાની આતુરતા દેખાતી, તો એના સુંવાળા વાળની લટોમાં દરિયાની લહેરોને એના સમગ્ર વળાંકથી બાંધી દેવાની મક્કમતા વર્તાતી.

નાના નાના હાથોથી રેતીના ઢગલા બનાવી, એને જુદો જુદો આકાર આપતી, તો કેટલીક વાર એ આકારોને હાથ વીંઝી વીખેરી નાંખી, પાછી રેતીમાં ફેરવી નાખતી, વળી ક્યારેક ક્યાંકથી છીપલાં, લાકડી, શંખ લાવી એ ઢગોની આસપાસ ગોઠવી એને શોભાયમાન બનાવી, મનોમન નાચી ઊઠતી, ત્યારે એનું નિર્દોષ મુખ હાસ્યથી ભરાઈ જતું. એની ગરીબાઈ ઢંકાઈ જતી અને જાણે રાજાની કુંવરી હોય એવી પ્રભાવશાળી લાગતી.

આ નેહાનો નિત્યક્રમ હતો. સવાર સાંજ દરિયે ઘુમવું, જાતજાતના રંગોના આકારોના કોડી, છીપલાં ભેગાં કરવા, ખૂબ જતનથી એને ધોઈ ચોખ્ખાં કરી, પોતાના ફાટેલા કટકામાં બાંધી ઘેર લઈ જવા. મા એને વારંવાર વઢતી, ચીઢાતી, ગુસ્સો કરતી. ઘણીવાર નેહાની ગેરહાજરીમાં બધા છીપલાંઓ, કોડીઓ બારી વાટે બહાર ફેંકી દઈ, ઘર ચોખ્ખું કર્યાનો સંતોષ માનતી, પણ નેહાને તે રાત વિતાવવી બહુ જ ભારી પડતી. તેને મન આ છીપલાં, કોડી, શંખ મૂલ્યહીન જંતુઓના ઘર કે દરિયાની નીપજ ન રહેતાં, ખૂબ જ મૂલ્યવાન – જેની કિંમત આંકી ન શકાય એટલા બધા કિંમતી અને પ્રિય રહેતા.

તે ખાતી નહીં, પીતી નહીં, બોલતી નહીં, મા નો બહિષ્કાર કરી, રિસાઈને એક ખૂણે હિબકાં ભરી ભરીને રડી, થાકીને સૂઈ જતી. મા ને પણ પસ્તાવો થતો, પણ વળી બીજે દિવસે નેહા ફરીથી દરિયે જઈ બીજાં છીપલાં, કોડી ને શંખ ઉપાડી લાવતી. એટલું જ નહીં, નેહા ઘણીવાર પાછી ફરતી વખતે એક રમકડાંની દુકાનમાં અચૂક ઊભી રહેતી. રમકડાંની દુકાનના કાચના શો-કેસમાં એક ગુલાબી ફ્રોકવાળી, વાંકડિયા વાળવાળી, અને ભૂરી ઝાંયની આંખો ધરાવતી એક રૂપાળી ઢીંગલી હતી. જાણે નેહાની પ્રતિકૃતિ જોઈ લો ! અને એ એકદમ તરસી આંખે નીરખ્યા કરતી. થોડો વખત ત્યાં ઊભી રહી ઢીંગલીને જોઈ એ પાછી પોતાની કલ્પનાસૃષ્ટિમાં ખોવાઈ જતી. ત્યાંથી ખસી જતી. ઉંમરે નાની હોવા છતાં આ ઢીંગલી મારાથી ખરીદી શકાય તેમ નથી, એવું તીવ્ર ભાન આવતાં તે નિરાશ વદને ત્યાંથી ચાલી આવતી.

એકવાર પોતે ભેગા કરેલા એક એકથી ચઢિયાતા રંગોવાળાં છીપલાં, જાતજાતની કોડી અને શંખોથી ગજવાં ભરી સીધી એ દુકાને પહોંચી. એની ચાલમાં ગજબનો આત્મવિશ્વાસ ટપકતો હતો. સીધી કાઉન્ટર પાસે ઊભી રહી. એણે સેલ્સમેનને કહ્યું : ‘મને પેલી ગુલાબી ફ્રોકવાળી ઢીંગલી બતાવો ને !’ સેલ્સમેન ભલો હતો. નાની ઢીંગલી જેવી છોકરીને ઢીંગલી માંગતી જોઈ એણે ઢીંગલી તો શો-કેસમાંથી કાઢી પણ નેહાના ફાટેલા ફ્રોક અને ગંદા માટીવાળા હાથ-પગ જોઈ એણે કહ્યું : ‘બેટા ! તને જોવી હોય તો હું ઢીંગલી શો-કેસમાંથી કાઢું છું, પણ તું તારી ગંદા હાથોથી એને અડકતી નહીં !’ નેહાએ આમતેમ ડોકું ધુણાવ્યું. એને ખૂબ પાસેથી ઢીંગલીને જોવી હતી. એને ગુલાબી ફ્રોકની સુંવાળાશને હાથના સ્પર્શથી પારખવી હતી. એની પટપટ થતી પાંપણોને આંગળીના ટેરવે ઝીલવી હતી પણ એવી કોઈ માગણી ન કરતાં એણે કહ્યું : ‘એ કેવી રીતે ચાલે છે તે તો બતાવો !’

સેલ્સમેને બેટરી નાખી એક બટન દબાવ્યું કે ઢીંગલી પહેલું પહેલું ડગલું માંડતા બાળકની માફક ચાલવા લાગી. એણે બીજું બટન દબાવ્યું તો અરે વાહ ! એ ઢીંગલી અંગ્રેજી કવિતા બોલવા લાગી. નેહા તો ખુશીની મારી તાળીઓ પાડી પાડીને નાચી રહી. ઢીંગલીને આટલું બધું આવડતું હશે એની તો એને કલ્પના જ નહોતી. એકદમ એણે પૂછ્યું, ‘કેમ આપી આ ઢીંગલી ?’
સેલ્સમેને જવાબ આપ્યો : ‘ત્રણસો રૂપિયામાં.’
પણ એ ત્રણસોના ગણિતાના આંકડા સાવ તુચ્છ હોય એમ એણે કહ્યું, ‘બસ ! ત્રણસો રૂપિયા !’ અને એમ કહી એણે છટાથી પોતાના ગજવામાં હાથ નાખ્યો અને જે અત્યાર સુધી એણે કોઈને બતાવ્યા નહોતા એવા રંગબેરંગી છીપલાં કાઢી એણે સેલ્સમેનના હાથ પકડી એની હથેળીઓના ખોબાને ભરી દીધો ! પોતે જાણે ખૂબ બધી કિંમત ચૂકવતી હોય એવો મગરૂબીનો ભાવ એના મોં પર ફરી વળ્યો. પેલો સેલ્સમેન જાણે સ્વપ્ન જોતો હોય તેમ ઘડિક ઢીંગલી તરફ, ઘડીક નેહા તરફ, તો ઘડીક પોતાના હાથોને જોવા લાગ્યો. એક મિનિટ તો શું બોલવું, ન બોલવું એને કંઈ સૂઝ્યું નહીં. પછી જાણે વાસ્તવિકતાનું ભાન થતાં તે બરાડ્યો : ‘એ બેબી ! મેં આ ઢીંગલીની કિંમત ત્રણસો રૂપિયા કહી છે, ત્રણસો છીપલાં નહીં સમજી ?’
હજી એ આગળ કંઈ બોલવા જાય એ પહેલાં ખૂણામાંથી માલિકનો સત્તાવાહી અવાજ આવ્યો. ‘મોહન, આ ઢીંગલી બેબીને બાંધી આપ. અને એનાં છીપલાં, કોડી લઈ લે જોઉં !’
મોહનની તો બુદ્ધિ જ બહેર મારી ગઈ. ક્યાં આ છીપલાં ને ક્યાં ત્રણસો રૂપિયા ! અને તે પણ આવા કંજુસ માલિકનો હુકમ કે બેબીને ઢીંગલી બાંધી આપ ! ઠીક ! મારા જીવ, મારી ક્યાં દુકાન છે કે હું પૂછવા જાઉં કે શેઠ આજે આમ કેમ ? એ એમની મરજીના માલિક !

એમ વિચારીને એ શો-કેસમાંથી કાઢેલી ઢીંગલીને સરસ મઝાના કાગળમાં બાંધી, ઉપર રીબીન લગાવી, નેહાના હાથમાં મૂકી દીધી અને નેહા પણ આ ખૂબ જ સ્વાભાવિક બન્યું હોય તેમ આનંદમય ચહેરે દુકાનના પગથિયાં ઊતરી ગઈ.

આ બાજુ, દુકાનના કર્મચારીઓ શેઠને એક પ્રશ્નાર્થ ચિન્હથી જોવા લાગ્યા. કોઈનામાં હિંમત નહોતી કે શેઠને પૂછે કે ત્રણસો રૂપિયાની ઢીંગલી આમ સાવ મફત તમે એ છોકરીને કેમ આપી દીધી ! શું શેઠ એ છોકરીને જાણતા હતા ? શું એ છોકરી શેઠની કોઈ સગી થતી હતી ? શેઠે પણ પોતાના માણસના મોં પર રમતો પ્રશ્નાર્થ વાંચી લીધો હોય એમ મરમાળું હસી બોલ્યા : ‘મિત્રો, તમને આશ્ચર્ય થતું હશે કે મેં એ છોકરીને એ ઢીંગલી કેમ આપી દીધી ? શું હું એને ઓળખું છું કે, શું એ મારી સગી થાય છે ! પણ ના, એ છોકરી કોણ છે ? ક્યાં રહે છે ? શું કરે છે એ હું બિલકુલ જાણતો નથી. પણ જે સ્વાભાવિક છટાથી એણે ગજવામાંથી કોડી અને છીપલાંનો ઢગલો બહાર કાઢી, ઢીંગલીની – માગણી કરી ત્યારે એના મુખ પરના નિર્દોષ ભાવોને જોઈ મને મારા બાળપણનો પ્રસંગ યાદ આવ્યો.

હું પણ જ્યારે નાનો હતો ત્યારે ગરીબ હતો, મને રમકડાની મોટરનો બહુ શોખ હતો. હું પણ રોજ રમકડાંની દુકાનની બહાર ઊભો રહી, મને ગમતી એક એક મોટરોને ધારી ધારીને જોયા કરતો. પણ એની કિંમત પૂછવાની હિંમત કરતો નહીં. મને મનમાં ખાતરી હતી કે આ મોટર ખૂબ જ મોંઘી હશે. અને એટલા પૈસા મારા દારુડિયા બાપ અને માંદલી મા પાસે સામટા ક્યારેય નહીં આવી શકે. એટલે બસ એ મારી જ હોય એવી લાગણીથી ધરાઈ ધરાઈને હું રોજ એ દુકાનની બહાર ઊભો રહી એ રમકડાની મોટરોને જોયા કરતો પણ એક દિવસે મેં શું જોયું ? એક સુંદર મહિલા એક નાનકડાં મારા જેટલા જ છોકરાને લઈ એ રમકડાંની દુકાને ચડી, એ છોકરાએ મારી ગમતી મોટર તરફ આંગળી ચીંધી. એ મોટર બહાર કાઢવાનું સેલ્સમેનને કહ્યું. સેલ્સમેને કાચ ખોલીને જ્યારે મોટર કાઢી ત્યારે બહાર ઊભા ઊભા મને લાગ્યું કે મારા હૃદયના ધબકારા જાણે એકદમ વધી ગયા છે. એકી શ્વાસે હું જોવા લાગ્યો કે મારી એ મોટરને પેલો છોકરો શું કરે છે ? એણે એને હાથમાં લીધી, આમ તેમ ફેરવી, પછી એણે મમ્મી સામે જોઈ કહ્યું, ‘આ ચાલશે !’ મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એની મમ્મીએ પેલા સેલ્સમેનને બાંધી આપવાનું કહ્યું અને સરસ રંગીન કાગળમાં વીંટાળી, સેલ્સમેને એ બોક્સ પેલા બાળકને પકડાવી, એની કિંમત પેલી મહિલાએ ચૂકવી દીધી. ‘થેંક્યું’ કહી એ હસી રહ્યો. અને પોતાનું એક મોટું કામ પતી ગયું હોય એવા સંતોષથી પેલી મહિલા અને તે છોકરો જવા લાગ્યા. મારા મનમાં ઉથલપાથલ થવા લાગી. મારી એ મોટર, પેલો છોકરો લઈ જ કેવી રીતે જાય ! એ મારી છે, એ મારી છે – એમ ચિત્કાર કરી લોકોને ભેગા કરવાનું સૂઝ્યું. પણ શું ખરેખર મારી એ હતી ખરી ? શું મેં ને ખરીદી હતી ? હું મહિનાઓથી જોતો હતો, તેથી શું એ મારી થઈ જાય ? પણ ના, ના, આવી સરસ ગાડી જવા દેવાય જ કેમ ?

હજુ હું કંઈ વિચારું એ પહેલાં મારા પગોએ ગતિ પકડવા માંડી અને એ બાળકની લગોલગ હું પહોંચી ગયો. એક ઝાટકે એના હાથમાંથી બોક્સ ઝુંટવી હું ભાગ્યો – ચોર ચોર ની બૂમ પડી, લોકોએ મને પકડ્યો, મને ખૂબ માર્યો, મારા હાથમાંથી મોટરનું બોક્સ ઝુંટવી એના માલિક, પેલા બાળકને સોંપી દેવામાં આવ્યું. મારી નાની ઉંમર જોઈને કોઈએ મને પોલીસને ન સોંપ્યો, પણ જિંદગી આખાની સમજણ મને આ પ્રસંગે આપી દીધી. એ પછી તો મા-બાપ મૃત્યુ પામ્યા, ખૂબ મહેનતથી નોકરી કરતાં કરતાં ભણી આજે આ સ્તર પર આવ્યો છું અને આજે જ્યારે આ નાનકડી બાલિકાને જોઈ ત્યારે મારા શૈશવના પ્રસંગનું પુનરાવર્તન થતું મને લાગ્યું. આ આવર્તનને આજે એ ઢીંગલી આપી મેં અટકાવી દીધું, નહીં તો વળી પાછું પુનરાવર્તનનું આવર્તન શરૂ થઈ જતે અને હું મારી જાતને કદી માફ નહી કરી શકત.’

શેઠના જીવનનો પ્રસંગ સાંભળી કર્મચારીઓને પણ સંતોષ થયો અને પ્રશંસામુગ્ધ નજરે તેઓ માલિકને જોવા લાગ્યા. એક નવી સમજણે ગર્તામાં ડુબતી વ્યક્તિ બચી ગઈ, એવા અનુભવનો અહેસાસ દરેકને થયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું ક્યાં છું ? – જયન્ત પાઠક
એશિયાખંડની બાળવાર્તાઓ ભાગ-1 – હિંમતભાઈ પટેલ Next »   

17 પ્રતિભાવો : આવર્તન – માલિની શાહ

 1. Nilesh Gajariya of Rajkot says:

  ખુબ જ લાગણીસભર તેમજ સંવેદંનશીલ વાર્તા.

 2. Rekha Iyer says:

  people of this world will become very happy and satisfied, if everybody will start thinking and doing like this.

 3. Lata Hirani says:

  ખૂબ સર સ… અભિનન્દન……

 4. Deval says:

  very very nice story.
  Congratulations Ms, Malini

 5. Rupa says:

  Very good & emotional story.

 6. preeti hitesh tailor says:

  આવી વાર્તાઓ માનવીને હ્યદય હોવાનો અને લોહી સાથે લાગણીઓ પણ જીવંત બની વહેતી હોવાનો અહેસાસ કરાવે છે

 7. Ritesh says:

  ખરેખર સરસ….

 8. JITENDRA TANNA says:

  ખુબ જ સરસ તેમજ હદયસ્પર્શી વાર્તા.

 9. Ashish says:

  આપણી દરેક લાગણિની સમ્ભાળ લેવી જૉઈએ.

 10. ashalata says:

  ખૂબ જ સરસ !!!

 11. alpa says:

  સરસ,

 12. Ami says:

  ખુબ જ સરસ વાર્તા .. એકદમ લાગણીભીની ..

 13. Gautam Patel says:

  ખુબ જ સરસ વાર્તા .. એકદમ લાગણીભીની

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.