વધુ ને વધુ સુંદર – કુન્દનિકા કાપડીઆ

બીજાં જુવાનોની જેમ તેમને એકલાં જુદાં રહેવાનો તો વિચાર પણ નહીં આવ્યો હોય. ઊલટાનું તે લોકો તો મકાન મળતાં જ ખુશ થઈને દોડતાં આવશે ને કહેશે : ‘મમ્મી, સરસ ઘર મળ્યું છે. તારે માટે એક જુદો જ મોટો રૂમ. તને ગમશે ને ?

કેટલું સારું હતું કે તેનો પુત્ર ચંચળ, ઊર્મિલ, પોતાના ખ્યાલોમાં ડૂબી રહેનાર માણસ નહોતો. બીજી માઓની જેમ તે, પુત્ર પોતાને પાળે એવી અપેક્ષા નહોતી રાખતી. તો પણ, પુત્ર સ્નેહાળ, મુક્ત વિચારવાળો અને પત્ની અને મા બન્નેનો આદર કરનાર હતો, તે વાતથી તે ગર્વ અનુભવતી.

જોકે, એક વાર તેણે તીવ્રતાપૂર્વક ઈચ્છેલું કે પોતાને સંતાન ન હોય. તે જીવનને મોકળી રીતે જીવવા માગતી હતી. કશી ફરજિયાત જવાબદારીથી જીવનભર બંધાઈ જવું પડે તે તેને મંજૂર નહોતું. લગ્ન કર્યાં ત્યારે તેણે મનમાં નક્કી કરેલું કે પોતે નોકરી કરીને જાતે જ કમાશે; આર્થિક રીતે સ્વાવલંબી જ રહેશે. અનિલ સાથે લગ્ન કરતાં પહેલાં તેણે આ વસ્તુ સ્પષ્ટ કરી હતી. અનિલ નોકરી કરવાની ના પાડે તો એની સાથે લગ્ન ન કરવાં, તેમ પણે એણે વિચારેલું. પણ અનિલે કશો વાંધો લીધો નહોતો. ઊલટાનું તે ઉત્સાહથી નોકરી શોધી લાવ્યો હતો. તેને ખબર હતી, અનિલ સાંજે ઘેર આવે ત્યારે પોતે ઘેર હોય અને ગરમ ચાનો એક સરસ કપ આપે તો અનિલ બહુ જ પ્રસન્ન થાય. પણ આવા નાના આનંદો કરતાં, સ્ત્રીમાં અસ્મિતાનું ભાન જાગ્રત થાય તે વસ્તુ તેને વધારે મહત્વની લાગતી. અનિલે પોતે કદી કોઈ પ્રકારનો આગ્રહ રાખ્યો નહોતો. તે ભલો, સારો માણસ હતો. પોતાની ઈચ્છાઓ અને રુચિઓ વ્યકત કરવાની તેને બહુ આદત નહોતી. જીવન વિશેના તેના કેટલાક ચોક્કસ ખ્યાલો હતા, પણ એને મૂર્ત કરવા માટેની ક્રિયાશક્તિ તેનામાં ઓછી હતી. એક મર્યાદિત માનસિક ભૂમિકા પર તે સરળપણે જીવતો અને તેની પત્નીને બહુ જ ચાહતો.

પણ પુષ્પાનો સ્વભાવ તો એકદમ તેજ, ચંચળ, ગતિશીલ હતો. તે જલદી રાજી ને જલદી નારાજ થઈ જતી, મનના ભાવ તીક્ષ્ણ રીતે વ્યકત કરતી અને જેને ચાહે તેના પર અષાઢના મેઘની જેમ વરસી પડવા ઈચ્છતી. અનિલ તેને એટલો વેગપૂર્ણ ઉત્તર આપી શકતો નહીં, પણ તે તેને ચાહતો અને બધી રીતે સંભાળી લેતો. સાંજે પુષ્પા નોકરી પરથી ઘેર આવે ત્યારે, અનિલ તેની પહેલાં આવી ગયો હોય તો કૉફી કે ચા બનાવી રાખતો; અને પછી તે પીતાં પીતાં બન્ને મોડી સાંજ સુધી રૂમના જમણી તરફના ખૂણામાં બેસી રહેતાં. ત્યાંથી પશ્ચિમનું આકાશ અને ડૂબતા સૂરજનો આલોક દેખતાં. અનિલને વાંચવાનો શોખ હતો – તે વાંચતો ને પુષ્પા સાંભળતી – જુદાં જુદાં પુસ્તકો.

“રોજરોજ, ક્ષણેક્ષણે હું પ્રકૃતિમાં વધુ ને વધુ ડૂબતો જાઉં છું. ‘કંઈ ન હોવાનો’ આનંદ અનુભવી શકવાની અમૂલ્ય ભેટ મને મળી છે. કવિની શક્તિ તે તો નિરંતર કશુંક નવું શોધી કાઢવાની શક્તિ છે. કોઈક વાર મારો આનંદ એટલો તીવ્ર બની જાય છે કે હું તે વિશે બીજાઓને કહેવા તલસું છું. મારા આનંદને હું શી રીતે સદા હરિયાળો રાખી શકું છું તે કહેવા તલસું છું…’ અનિલનો અવાજ અને બીજા કોઈ લેખકના શબ્દોનો એક અદ્દભુત મેળ થતો. સમય વીતી જતો તેની ખબર પડતી નહીં. માત્ર આકાશ સોનેરી, ગાઢ લાલ ને પછી જાંબલી રંગોમાં સરતું સરતું શ્યામ બની જતું.

કોઈક વાર સાંભળતાં સાંભળતાં પુષ્પાની આંખો બંધ થઈ જતી. અનિલ વાંચવાનું બંધ કરીને પૂછતો, ‘ઊંઘી ગઈ પુષ્પવેણી ?’ તે પુષ્પાને ઘણી વાર પુષ્પવેણી કહેતો, કદીક પુષ્પ અને ક્યારેક માત્ર ફૂલ. તેના પ્રેમની અભિવ્યક્તિ મંદ છતાં સ્નિગ્ધ હતી અને પુષ્પાને થતું કે પોતાના તે જ વ્યક્તિત્વને આ સ્નિગ્ધતા એક રક્ષણાત્મકતામાં લપેટી લે છે. તેનું હૃદય ભીનું થઈ જતું અને પરસ્પર સ્વભાવનો મેળ ઓછો હોવા છતાં તેનું સહજીવન આટલું સ્નેહપૂર્ણ હતું તે માટે તે ઈશ્વરનો આભાર માનતી.

અને હવે આ….. દીપ અને વાસવી. તેમના સહજીવનની રીતે તદ્દન જુદી હતી અથવા એક પેઢી પછી આવતાં પરિવર્તનોને તે સ્વાભાવિક રીતે ઝીલી રહ્યાં હતાં. તેઓ હજુ ઊગતા પ્રભાત જેવાં તરુણ હતાં ને ઘણી વાર, છત્રી હોવા છતાં જાણીને ભીંજાઈને તેઓ તોફાન કરતાં ઘરમાં દોડી આવતાં ને વાસવી લાડથી પુષ્પાને વળગી પડીને કહેતી : ‘કૉફી નહીં પિવડાવો ?’ પુષ્પાને તે મા કે મમ્મી કહેતી નહીં. તે એને પુષ્પાબહેન જ કહેતી. દીપને તેણે કહેલું : ‘મારાં તારી સાથે લગ્ન ન થયાં હોત ને પુષ્પાબહેન સાથે મારે ઓળખાણ થઈ હોત તો તે મારાં વડીલ મિત્ર બનત.’ ઘણી વાર તે પુષ્પાને કહેતી : ‘તમારી સાથે મારો કાંઈ સાસુવહુનો સંબંધ નથી. દીપ વગર પણ આપણો સંબંધ છે. મને તમે ગમો છો.’

પણ જુવાન અને રમતિયાળ તેમજ આનંદી આ લોકો ગંભીર પણ હતાં. તેઓ ઊંડા વિષયોમાં પરોવાયેલાં હતાં ને પોતાના કામ પ્રત્યે તેમને નિષ્ઠા હતી. દીપ ‘ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ’ માં વૈજ્ઞાનિક હતો. વાસવી મૅથેમેટિક્સમાં પી.એચ.ડી કરે છે. વાસવીના ટેબલ પર પુષ્પા ઘણી વાર વીખરાયેલાં કાગળિયાંમાં તરેહ તરેહની ફૉર્મ્યુલા અને સમીકરણો જુએ છે, તેને એમાંનું કશું જ સમજાતું નથી – તે બી.એ. સુધી ભણી છે તો પણ. તેના વખતમાં એ તો ઘણું કહેવાતું. અનિલ એને પરણીને પોતાને ગામ લઈ ગયો ત્યારે પાડોશીઓ બી.એ. ભણેલી વહુને જોવા આવેલા અને તે નોકરી કરે છે જાણી ઘણાં સગાંઓ નારાજ પણ થયેલાં.

પણ દીપ ને વાસવીની વાત જુદી છે. તેમની જીવવાની રીત પણ જુદી છે. પોતે ને અનિલ તો હંમેશા બધે સાથે જ જતાં. તેને ફિલ્મ જોવાનું મન હોય ને અનિલ ન આવે તો તે પણ જતી નહીં. બધા જ કાર્યક્રમોમાં, બધા જ સંબંધીઓને ઘેર તેઓ સાથે જતાં. પણ દીપ તો ઘણી વાર વેસ્ટર્ન કલાસિકલ મ્યુઝિક સાંભળવા જાય છે ત્યારે વાસવી ઘેર હોય છે અને વાસવી હાઈકર્સ કલબના સભ્યો સાથે પહાડ ચડવા જાય છે ત્યારે દીપ તેની સાથે નથી હોતો. પહેલાં પહેલાં તો પુષ્પાને મનમાં શંકા થયેલી કે તેઓ શું એકબીજાને ઊંડાણથી ચાહતાં નહીં હોય ? પણ તે જોતી કે બન્ને સાથે હોય ત્યારે તેમનાં નાનાં બાલિશ તોફાનોમાં પ્રેમની પ્રસન્નતાનો એક ધોધ ફૂટી પડતો. પછી પુષ્પા સમજી હતી કે દાંપત્યજીવનના પોતાના ખ્યાલ કરતાં જુદા ખ્યાલો દુનિયામાં હોય છે, પોતાની જીવનરીતિ કરતાં જુદી જીવનરીતિ હોય છે. પોતાના આનંદ કરતાં જુદા પ્રકારનો આનંદ હોય છે.

ઘણીવાર તે દીપ ને વાસવીના ખંડ પાસેથી પસાર થતાં તેમને સાંભળતી. વાસવી કહેતી : ‘દીપ, તું મને ખૂબ ગમે છે !’
દીપ કહેતો : ‘તું મને જરા પણ ગમતી નથી.’
વાસવી બોલતી : ‘ઓ દીપ, તું તદ્દન મૂરખ છે.’
‘મારા કરતાં તું વધારે.’
પછી આનંદના અસ્ફુટ અવાજો સંભળાતા. તેઓ એકબીજાં સાથે કેવી રીતે લડતાં હશે ને એકબીજાને કેમ મનાવતાં હશે તેની કલ્પના તે કરી શકતી. તેને એ ગમતું. તેણે પોતે પણ નાની વસ્તુઓમાં રહેલા માધુર્યની એ પ્યાલી પીધી હતી. નાનાં નાનાં તોફાનો, રુદન વચ્ચે અચાનક જ ફૂટી પડતું હાસ્ય, મનામણાં… હજારો વાર ઉચ્ચારાતું ને છતાં સદાયે તાજી આકર્ષતાથી ફોરતું વાક્ય : ‘તું મને બહુ જ વહાલી છો, ફૂલ !’

તો પણ દીપ-વાસવીની વાત જરા જુદી હતી. તેઓ વધારે ખુલ્લાં હતાં. બહારથી આવતાં ત્યારે જાણે વંટોળથી ઘરને ભરી મૂકતાં. પોતાની સામે જ એકબીજાંને નેહથી નવડાવી રહેતાં. અને કદીક બે વચ્ચે ઝઘડો થાય ત્યારે વાસવી લાડથી પોતાને પૂછવા આવતી. પોતે આર્થિક રીતે સ્વાવલંબી બની હતી. પણ વાસવીમાં કશુંક વધારે હતું, તે આત્મનિર્ભર હતી. તે સ્વતંત્રપણે સંબંધ બાંધી શકતી. પોતે અનિલનાં કોઈ સગાં સાથે સ્વતંત્ર રીતે આત્મીયતાનો સંબંધ બાંધ્યો નહોતો. અનિલની મા તેને માટે માત્ર સાસુ જ બની રહી હતી.

સાસુની યાદ ઘણી વાર આવે છે. દેહે દુર્બળ, સદાયે ખાંસતી રહેતી અત્યંત જર્જર એ વૃદ્ધ સ્ત્રી મોટા ભાગનો વખત પથારીમાં સૂઈ રહેતી. પહેલાં તો તે એકલી તેમના નાના ગામમાં રહેતી, પણ તબિયત બગડવા માંડી ત્યારે અનિલ તેને લઈ આવેલો. પુષ્પાને એ જરા પણ ગમેલું નહીં. વૃદ્ધ માંદા લોકો સહાનુભૂતિને પાત્ર છે, તેમ તેની બુદ્ધિ કહેતી. પણ તેને હંમેશાં પોતાને માથે લદાયેલી વધુ જવાબદારીનો જ ખ્યાલ આવતો. વૃદ્ધ ને બીમાર માણસ ! સ્વભાવ કેવોયે ચીડિયો થઈ ગયેલો. જમવામાં કેટલી આળપંપાળ ! હવે પોતાથી મોકળી રીતે હરીફરી શકાય નહીં. રાતના અગિયાર વાગ્યે અચાનક જ તરંગ ઊઠે તો દરિયાકિનારે ફરવા જઈ શકાય નહીં. કાચુંકોરું ખાઈને ચલાવી લેવાય નહીં. સાસુને વળી આ ઉંમરેય કેટલાં વ્રત-ધરમ ! એમને માટે જુદી રસોઈ બનાવવી પડે; કાંદા-લસણ ચાલે નહીં.

નાનકડા એ ઘરમાં મુખ્ય ખંડમાં જ સાસુની પથારી પાથરેલી રહે. ઉપર ઊપટી ગયેલા લીલા રંગની મેલી ચાદર. ઘરમાં પ્રવેશ કરતાં દર વેળા પુષ્પાને થતું : કેટલું ખરાબ લાગે છે ! દીવાલ પરના સુંદર ‘ડવ ગ્રે’ રંગ સાથે ગંદી ચાદરનો કેમે કરી મેળ મળતો નથી. તેને ઘર સજાવવું ગમતું, પણ સાસુની એ મેલી પથારી, નજીકમાં પડેલી દવાની શીશીઓ, થૂંકવાનો વાટકો બધું જોઈને તેનું મન કડવું થઈ જતું. તેની સખીઓ તેને બહાર જવા માટે બોલાવવા આવે ત્યારે કદીક કટાક્ષથી, તો ક્યારેક નિશ્વાસ નાખીને તે કહેતી : ‘શી રીતે આવું ? આખો દિવસ નોકરીમાં ગયો, હવે બા પાસે બેસવું જોઈએ ને ?’

તેનો આ તીવ્ર અણગમો અનિલ સમજતો, પણ તે કશું બોલતો નહીં. હવે ઘણી વાર સાંજે પુષ્પાને પુસ્તક વાંચીને સંભળાવવાને બદલે તે મા પાસે બેસતો, અલકમલકની વાતો કરતો ને તેના અસંખ્ય કરચલી પડેલા સાવ સુક્કા લાકડા જેવા હાથ પર વહાલથી હાથ ફેરવતો. લાકડા જેવા આ હાથ કોઈક વાર કોમળ હશે. એ નાનકડા હાથોએ પાટીમાં કક્કો ઘૂંટ્યો હશે, ઢીંગલીનું ઘર સજાવ્યું હશે, યુવાન થયે કોઈક પુરુષના હૃદયને વિશ્વાસ આપ્યો હશે. મોટા થયેલા, ઘણું કામ કરતા, એ ભરાવદાર નરમ હાથોએ સ્નેહપૂર્વક રસોઈ બનાવી પતિને જમાડી હશે, પતિ અસ્વસ્થ હોય ત્યારે તેણે એના કપાળ પર, વાળમાં આંગળાં ફેરવ્યાં હશે, તે વખતે એમાંથી અસીમ સ્નેહ ટપકતો હશે. પોતાનાં બાળકોને હાથમાં લેતી ને હુલાવતી વખતે તે હાથ માખણ જેવા સ્નિગ્ધ રહ્યા હશે. પણ હવે એ હાથ બરછટ, શક્તિહીન, કાળા પડી ગયેલા છે. પુષ્પાને શું એ હાથના ઈતિહાસની ખબર હતી ? તે તો એટલું જ જાણતી કે – ‘માના હાથ ધ્રૂજ્યા કરે છે. વાસણ બરોબર પકડી શકતાં નથી. આજે કાચનો વાટકો તેમના હાથમાંથી પડીને ફૂટી ગયો.’

અનિલ પુષ્પાને કશું કહેતો નહીં. એનામાં કોઈ દિવસ કોઈને ઠપકો આપવાની વૃત્તિ જ નહોતી. માત્ર એકવાર તેણે પુષ્પાને કહેલું : ‘આપણે એમ માનીએ છીએ કે સ્વતંત્ર રીતે હરીફરી શકવું, મિત્રો સાથે મોજમજામાં ભાગ લેવો, મનમાં જે ઈચ્છા ઊઠે તે પ્રમાણે કરવું – તે આપણી સમૃદ્ધિ છે. પણ જેઓ દુ:ખી, ઉપેક્ષિત, નિરાધાર છે, તેમના પ્રત્યે હૃદયમાં સ્નેહ ને અનુકંપા હોવાં એ આપણી વધારે સાચી સમૃદ્ધિ છે.’ પુષ્પા આ સમજતી, પણ તેનાથી તેની અણગમાની લાગણી પર કાબૂ મેળવી શકાતો નહીં. સાસુનો જ શા માટે, નાનકડા દીપનોયે તેને બોજ લાગતો. માતૃત્વને આટલું બધું ગૌરવ કેમ અર્પવામાં આવ્યું હશે, તેની તેને નવાઈ લાગતી. માતા બનવામાં પોતાની ભૂલ થઈ છે તેમ લાગતું. તેના હૃદયને બીજા પ્રકારની તૃપ્તિ જોઈતી હતી. નિર્બંધ રીતે દેશદેશાવર ઘૂમવાની ઝંખનાથી તેનું રોમરોમ તલસતું. એકાંત, મુક્તિ, નીરવતા માટે તેનું મન ઝંખ્યા કરતું. નાના દીપની ચીસો ને રુદનથી તે અતિશય અકળાઈ જતી.

પછી એકદમ જ પરિવર્તન આવ્યું. તેના પર એક વજ્રઘાત થયો.

શનિવારે અડધો દિવસ કામ કરી તે ઘેર આવી ગઈ હતી ને અનિલની રાહ જોતી હતી. તેઓ બન્ને એક ફિલ્મ જોવા જવાનાં હતાં. તેમને જતાં જોઈને દીપ રડે નહીં તે સારું થઈને તે એને પાડોશીને ઘેર મૂકી આવી હતી.
અનિલ બે વાગ્યે આવવાનું કહી ગયો હતો પણ ચાર વાગ્યા સુધી આવ્યો નહીં. પુષ્પાનું મન વ્યગ્ર થઈ ઊઠ્યું. તેણે મન પરોવવા એક પુસ્તક હાથમાં લીધું. તે વખતે અનિલના એક મિત્રે આવીને કહ્યું : ‘અનિલને અકસ્માત થયો છે. એક મિત્રની સાથે તે સ્કૂટર પર આવતો હતો ને ઝડપથી વળાંક વળવા જતાં સ્કૂટર ઊથલી પડ્યું.’
પુષ્પાનું હૃદય જાણે ધડકતું અટકી ગયું. ‘અકસ્માત ? અનિલને ? પણ તેને બહુ તો નહીં જ વાગ્યું હોય. નથી જ વાગ્યું ને ?’ તેણે પૂછ્યું.
એના મિત્રે ડોકું ધુણાવ્યું : ‘ના, ના, ખોટું બોલવાનો કાંઈ અર્થ નથી. અનિલ મૃત્યુ પામ્યો છે.’

જે દુર્ભાગ્ય માટે પુષ્પા જરાય તૈયાર નહોતી, તે તેના પર અચાનક જ તૂટી પડ્યું હતું. દિવસો ને રાતો અંતહીન રુદનમાં એકાકાર બની ગયાં. આકાશમાંથી બધા તારા જાણે એકી સાથે આથમી ગયા. અનિલનો મૃતદેહ ઘેર આવ્યો ત્યારે એ માની જ શકી નહોતી કે સેંકડો વાર જેણે પોતાના હળવા-શા સ્પર્શનો પણ સજીવ પ્રત્યુત્તર વાળ્યો હતો તેનું આજે, ગાઢપણે વળગી પડવા છતાં, રોમ સુદ્ધાં નહીં ફરકે.
‘એવું શી રીતે બને ? એવું બને જ શી રીતે ?’ દિવસો સુધી તેણે આ પ્રશ્ન નિયતિને પૂછ્યા કર્યો હતો.

અનિલના મૃત્યુ પછી એક મહિને તેની મા પણ મૃત્યુ પામી, ત્યારે પુષ્પા વળી વધુ એકલવાઈ બની ગઈ. તેને ખ્યાલ આવ્યો કે પોતે જેને હાડમાસનું માળખું કહીને અવગણતી હતી તેની હાજરીમાં પણ એક પ્રકારનું આશ્વાસન રહેલું હતું. હવે દીવાનખંડની દીવાલોના સુંદર રંગની પડછે ગંદી લાગતી, ઊપટી ગયેલા લીલા રંગની ચાદરવાળી પથારી નહોતી. વાતાવરણને ભરી દેતો ખોં ખોંનો અવાજ નહોતો. દવાની બાટલીઓ અને થૂંકવાનો વાટકો નહોતાં. કશું જ બંધન હવે તેને નહોતું. હવે તે ઠીક લાગે ત્યાં ફરી શકે, મન પડે તે પ્રવૃત્તિ કરી શકે, દૂર સુધી પ્રવાસે જઈ શકે, ઈચ્છે તેટલાં પુસ્તકો વાંચી શકે. હવે બધી જ સ્વતંત્રતા હતી.

પણ હવે તેને કશું કરવાનું મન થતું નહીં. અનિલના પ્રેમની યાદમાં તે જીવ્યા કરતી. તેણે દીપને મોટો કરવા પાછળ પોતાનું સર્વસ્વ રેડી દીધું. આ આઘાતે કદાચ તેને સમજાવ્યું હતું કે પોતે જેને સ્વતંત્રતા માનતી હતી તેના કરતાં બીજી એક વસ્તુ ઘણી મોટી હતી – અને તે સ્નેહ; જેમને ચાહતાં હોઈએ તેની હયાતીની એક હૂંફ. તે હવે આ વસ્તુ સમજી હતી, પણ એ સમજણ પ્રાપ્ત કરવા તેને ઘણો મોટો ભોગ આપવો પડ્યો હતો. તે હવે પ્રૌઢ થઈ હતી. યુવાવસ્થામાં ઉદ્દામ આંદોલનો અનુભવતું તેનું હૃદય શાંત અને આવેગરહિત બન્યું હતું. દુ:ખના તીવ્રતમ ઝાટકાઓ હવે શમી ગયા હતા. જીવન વિશે તેને એક ઊંડી સમજ મળી હતી. તેણે જાણ્યું હતું કે દેહ તો જીવનની એક અભિવ્યક્તિ છે અને બધા સંજોગોમાં શ્રેષ્ઠ રીતે જીવવું તે જ જીવનનો સાચો અર્થ છે. લોકો દુ:ખી થાય છે, કારણકે જુદી જુદી દિશાએથી તેઓ એક જ કેન્દ્ર ભણી દોડે છે – આત્મસંતોષના કેન્દ્ર ભણી. આ કેન્દ્રમાંથી જો બહાર નીકળી શકાય, સ્નેહ વડે પોતાનો વિસ્તાર કરી શકાય, તો જીવન એકાકી ન બની શકે.

રાતોની રાત જાગીને તે આકાશ સામે જોઈ રહેતી. સપ્ટેમ્બર મહિનામાં સાંજ આથમતાં જ પશ્ચિમના આકાશમાં જે તારો સૌથી વધુ ઝળકી ઊઠે છે તે સ્વાતિનો તારો છે. તેણે ને અનિલે આ તારાઓ ઘણી વાર સાથે જોયાં હતાં. લગ્ન પછી શરૂના દિવસોમાં તેઓ રૂમની બત્તી બુઝાવી મોડે સુધી જાગીને વાતો કર્યા કરતાં અને તારાઓથી ભરેલું સુંદર આકાશ અંધારા ખંડમાં ઊતરી આવતું, ત્યારે પોતે સ્વર્ગમાં છે એમ લાગતું.

હવે તારાઓ એ જ હતા અને આકાશ પણ એ જ હતું, પણ પોતાના જીવનનો એક અધ્યાય પૂરો થયો હતો. છતાં બીજી સ્વરૂપે, દીપ અને વાસવીના સ્વરૂપે એ જ જીવન ચાલુ રહેશે. તે જોઈ શકતી હતી કે વાસવી પોતાના કરતાં વધારે સારી હતી. પોતે અનિલની મા માટે અણગમો સેવ્યો હતો, પણ વાસવી પોતાનો એવો અનાદર નહીં કરે. આમ જ થવું જોઈએ. જીવન ચાલુ રહેવું જોઈએ – વધારે સારા રૂપે ચાલુ રહેવું જોઈએ. એકાએક તેને માતૃત્વના ગૌરવનો અર્થ સમજાયો. એ માત્ર માના બાળક માટેના નિ:સ્વાર્થ કહેવાતા સ્નેહનું ગૌરવ નહોતું. પોતાના કરતા વધુ સારા જીવનના સર્જન માટેના પ્રયત્નનું ગૌરવ હતું. હવે કોઈ પણ દિવસે દીપ ને વાસવી આવીને કહેશે : ‘મકાન મળી ગયું છે, મોટું છે, આપણે તેમાં રહેવા જઈશું ને ?’

ના, જૂના લોકોએ નવા લોકોના માર્ગ પર ઘસડાઈને નહીં ચાલવું જોઈએ, તેના પર માત્ર વૃક્ષની છાયા પાથરવી જોઈએ. કોઈક દિવસ પોતાની સ્થિતિ પોતાની સાસુ જેવી કદાચ થશે. હાથ નિર્જીવ અને લાકડા જેવા સખ્ત બની જશે. આંગળાં કદાચ આખો વખત ધ્રૂજ્યા કરશે. એક ક્ષણ પુષ્પા કંપી ગઈ. પછી તે હસી. તેની સાસુ કરતાં તેનામાં વધારે સ્વસ્થતા હતી, એકલાં ને આનંદથી કેમ રહી શકાય એ તેને આવડ્યું હતું. પોતાના કરતાં વાસવીમાં વધુ માનવભાવ છે. બુઢ્ઢાં બીમાર લોકો સાથે સહજ સ્નેહભાવથી કેમ રહી શકવું એ તે જાણે છે.

વળી વળીને તે આ જ વાત પર પહોંચતી હતી. દરેક પેઢીએ જીવન વધુ ને વધુ સુંદર બનતું જવું જોઈએ. એ જ માનવજાતની દિશા છે, એ જ એની ગતિ છે. વિશ્વાત્માનો આ નિગૂઢ સત્ય સંકલ્પ જાગ્રત થાઓ, ક્રિયાવાન થાઓ, પૂર્ણ થાઓ. ગાઢ દુ:ખ વેઠીને તે આ સમજ પર પહોંચી હતી. દીપ અને વાસવી તેમના સહજ ઉલ્લાસમાં આ સમજને પામો – એથી વધુ હવે પુષ્પાને કશી જ ઈચ્છા નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખ નામના પ્રદેશની શોધમાં – જીતેન્દ્ર તન્ના
વાચકોની લેખન સૃષ્ટિ – સંકલિત Next »   

36 પ્રતિભાવો : વધુ ને વધુ સુંદર – કુન્દનિકા કાપડીઆ

 1. Navneet Dangar says:

  દરેક પેઢીએ જીવન વધુ ને વધુ સુંદર બનતું જવું જોઈએ. એ જ માનવજાતની દિશા છે.

  The Best Line.

  કુન્દનિકા બહેન…..આભાર !

 2. Pankita says:

  Gud story kundankiabahen…
  I am really like to read short stories of kundanika bahen.. its nice to read such gud stories on web when we are far from gujarat..

 3. Ashesh says:

  Really a soul touching story.
  How beautifully the different colors of life has been narrated.

 4. Hiral Thaker says:

  Very nice story……

 5. धर्मस्य मूलं अर्थं, अर्थस्य मूलं राज्यं
  राज्यस्य मूलं इन्द्रियनिग्रह :
  इन्द्रियनिग्रहस्य मूलं वृद्धस्य सेवा ।

  નવી આવૃત્તિ સારી હોય તેમ નવી પેઢી પણ વધુ સારી થતી જ રહેવી જોઇએ. મૂલ્યો પણ વધુ દ્દઢતા થી સ્થાપિત થવા જોઇએ.

 6. Vikram Bhatt says:

  GRRRRREAT!!!!!!!!!!!!!
  Therefore she(KK) is she is.

 7. JITENDRA TANNA says:

  ખુબ સરસ વાર્તા.

 8. keyur vyas says:

  nice one

 9. Brinda says:

  આમાંથી કંઈ પ્રેરણા અમારી પેઢિ લે તો ઘણા કૌટુંબિક ઝઘડા નીવારી શકાય્..

  Thank you for this eye opening story.

 10. Bhakti Eslavath says:

  bahuj Saras varta.. Ghani vato aape varta ma samjavi .. Navi pedhhi mate salukai thi karelu margdarshan .. thank u so much ..

 11. ashalata says:

  નવી પેઢીની સાથે સાથે વર્તમાનમા જીવનના મધ્ય
  મા જીવી રહેલી પેઢીએ પણ શીખ લેવા જેવી ——–
  અભિનન્દન !

 12. riddhi says:

  very appealing story! i can visualize myself to some extent in Pushpa and Vashvi’s characeters. It gave me a very beautiful message… Thnaks a lot to everyone who contributed to bring this article up…

 13. preeti hitesh tailor says:

  આ વાર્તાને આંખોથી નહિ હ્યદયથી વાંચો,દિમાગથી નહિ દિલથી વિચારો તો સુખ્ અને દુઃખ વચ્ચે પસંદગી કરવાની ચાવી મળી જશે.

 14. drashti says:

  good story

 15. meeta soni says:

  એમ લાગ્યુ કે સાત પગલા આકાશમા ચાલવા નીક્ળેલી સ્ત્રી ને પોતાનુ આકાશ મળી ગયુ છે. Nice Story…..thanks kundankabahen

 16. Hiral says:

  I have never ever read such story!
  I really salute this lady!
  bas badha mota aava thy jay to badko ne biju su joiae!
  kundanikabehen vishe sambhdyu j che pan madvani iccha che have!

 17. સુરેશ જાની says:

  બહુ જ હકારાત્મક વાર્તા. આવી વાતો આપતા રહો .
  કુઁદનિકા બેનના જેીવન વિશે વાચો-
  http://sureshbjani.wordpress.com/2006/11/14/kundanika_kapadia/

 18. કલ્પેશ says:

  ‘આપણે એમ માનીએ છીએ કે સ્વતંત્ર રીતે હરીફરી શકવું, મિત્રો સાથે મોજમજામાં ભાગ લેવો, મનમાં જે ઈચ્છા ઊઠે તે પ્રમાણે કરવું – તે આપણી સમૃદ્ધિ છે. પણ જેઓ દુ:ખી, ઉપેક્ષિત, નિરાધાર છે, તેમના પ્રત્યે હૃદયમાં સ્નેહ ને અનુકંપા હોવાં એ આપણી વધારે સાચી સમૃદ્ધિ છે.’

  ખરેખર જો આપણે બધા મહાપુરુષોના જીવનમા ડોકિયુ કરીએ તો આ સાચું લાગશે.

 19. paras says:

  excellent story.. keep it up

 20. Alpesh says:

  Excellent Story!!!
  Thanks Kundanikabahen.

 21. nilu says:

  આભાર કુન્દનિકા કાપડિયાજી, ઘણા સમય પછી ટુંકી વાર્તા વાચવાનો સંતોષ મળ્યો. જીવન ના મુલ્યો ખુબ સરસ રીતે વર્ણવ્યા. સમજાતુ નથી કઈ રીતે વર્ણવુ શું સંતોષ મળ્યો.

  Keep it up Kapadiyaji

 22. kalpesh vekariya - કલ્પેશ વેકરીયા says:

  વાહ! વાહ! કહેવા માટે શબ્દ ખુટે છે હો!

 23. deven says:

  when i was reading this artical,i though kind of picture is going on in front of my eyes which i found wet at the end of this picture.

 24. maurvi says:

  GREAT!!!!!!!!!!!! be pethi ne jodti sankal ne khub saras rite gothavi chhe.
  Thanks for sucha wonerful experience.
  just kundanika ben type story…

 25. farzana says:

  I LIKE THIS ARTICAL A LOT..
  REALLY LIFE GOES AHEAD IN DIFFERENT FORM WITH EVERY NEW GENERATION..

  EXCELLENT…

 26. farzana asif bha says:

  I like this story a lot..
  Really life goes ahead with every new generation in a different form…

  exellent……story from kundanikaji

 27. saurabh desai says:

  ultimate,very few people can write this kind of story

 28. Aspirin. says:

  Ninhydrin uv vis aspirin….

  Aspirin. Types of aspirin. Find st. joseph s aspirin on a day heart dose. Aspirin regime….

 29. Bhavesh says:

  એક દમ સુન્દર વાર્તા.ખુબજ મજા આવિ ગઇ.

 30. Rajan says:

  greattttttttttttt storyyyyyyyyyyyy !!!!!!!!!!!!!

 31. DARSHANA DESAI says:

  સરસ વાર્તા. દરેક પેઢી ઍ આ બોધપાઠ લેવા જેવો છે. વડીલો નું સન્માન જાળવવું ઍ દરેક સન્તાનની ફરજ છે, એ કેમ ભુલાય?

 32. Hiral Shah says:

  ek nvi ja drashti mli jivan ne atli samajskati thi jovani!!

 33. Tanvi says:

  દરેક એ યાદ રાખવુ જોઇયે ક ક્યારેક એ જ પરિસ્થિતિ માથેી પસાર થવાનુ છએ. એ આ વાર્તા પર થેી શેીખવા નુ છએ. Its really too good.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.