- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સર્જનકર્મ એટલે ઉપનિષદયાત્રા – દિનકર જોષી

પ્રત્યેક માણસની પ્રવૃત્તિઓનું નાભિકેન્દ્ર આનંદની પ્રાપ્તિ છે. આ આનંદના ભિન્ન ભિન્ન રૂપો છે. કોઈવાર આ આનંદ મનોરંજન તરીકે ઓળખાય છે. કોઈવાર એને મઝા તરીકે ઓળખી કાઢવામાં આવે છે. નાટક, સિનેમા કે ટેલિવિઝનના પડદા ઉપર કોઈ સિરિયલ જોઈને મનોરંજન મળે છે એમ માણસ માને છે. બુલ-ફાઈટિંગથી માંડીને ક્રિકેટ કે ફૂટબોલની રમતોમાં એને મઝા પડે છે એમ એ કહે છે. સમુદ્રની ભરતીના ઉછળતા મોજાં કે ઊગતા સૂર્યની પીળચટ્ટી રંગોળી જોવામાં એને આનંદ આવે છે. આખરે આ તમામ પ્રવૃત્તિઓ એના ચિત્તના કોઈક ખૂણે એને સંતોષ આપે છે. સવાલ એ થાય છે કે આ ત્રણેય પ્રકારના સંતોષ એકસરખા છે ખરા ? જવાબ જો હા માં હોય તો સત્વર પૂર્ણવિરામ પ્રાપ્ત થઈ જાય છે અને વિશેષ ચર્ચાને કોઈ અવકાશ નથી. જવાબ જો ‘ના’ માં હોય તો અહીંથી અજાણ્યા પણ રસપ્રદ પ્રદેશનો આરંભ થાય છે ! શો તફાવત છે આ ત્રણેયમાં ?

શરદબાબુએ આ વાત સહેજ જૂદી રીતે સમજાવી છે એમણે લખ્યું છે : ‘મન અને રંજન આ બે શબ્દો મળીને એક શબ્દ બને છે. કોઈ પણ બે માણસના મન એકસરખા નથી હોતા અને એટલે રંજન માટેની એની સમજણ પણ સદાય જુદી જુદી રહેવાની.’ ટેલિવિઝનના પડદા પરથી જે રંજન પ્રાપ્ત થાય છે એને યુ.આર.અનંતમૂર્તિની નવલકથા ‘સંસ્કાર’ કે ઉમાશંકર જોશીના પદ્યકાવ્યો ‘પ્રાચીના’ ના કાવ્યો વાંચતા જે અનુભૂતિ થાય છે એની સાથે સરખાવી શકાય નહીં. ટેલિવિઝનનો કાર્યક્રમ, પડદા પર જોયેલી ફિલ્મ, ઉત્તેજનાથી ભરપૂર ક્રિકેટ મેચ આ બધું એકવાર એનું રંજન કે ઉત્તેજના માણી લીધા પછી એનું મહત્વ ખોઈ નાંખે છે. અથવા ઠીક ઠીક પ્રમાણમાં એનું મહત્વ ભજવાઈ ગયેલા નાટક જેવું જ થઈ જાય છે. મનોરંજનના આ સાધનો તત્પૂરતા મઝા, રંજન કે ઉત્તેજનાથી ભલે ભરપૂર હોય પણ એના એ સાધનને એની એ જ રીતે વારંવાર ઉપયોગમાં લઈ શકાતાં નથી ! આથી ઊલટું ‘સંસ્કાર’ કે ‘પ્રાચીના’ માટે એમ ન કહી શકાય. ‘પ્રાચીના’ ના કાવ્યો કૉલેજ કાળમાં ત્રીસ કે ચાલીસ વરસ પહેલાં વાંચ્યા હોય તોય આજે ફરી ફરીને વાચકોને એનો એ જ આનંદ આપવાનું કામ પુન: પુન: કરી શકે છે !

સમુદ્રદર્શન કે સૂર્યોદયના દર્શનથી ય આ સાહિત્યનો આનંદ આમ જૂદો જ પડે છે. સમુદ્રદર્શન કે સૂર્યોદય માણસને યુગોથી આકર્ષે છે એમાં કોઈ શક નથી પણ આ આકર્ષણ ઉકેલવા એ પ્રયત્ન કરી શકે છે અને ત્યારે ખગોળશાસ્ત્ર કે ભૂગોળ કે વિજ્ઞાનના થોડા નિયમો એના હાથમાં આવી જાય છે. આ નિયમોને આધારે માણસ આ કુદરતી દશ્યો દ્વારા મળતા આનંદને તાર્કિક રીતે સમજી શકે છે કે સમજાવી શકે છે ! આ પ્રકારનો આનંદ પેલા ઉપલા બે-ત્રણ કામચલાઉ રંજનોથી એક ખાસ રીતે ય જુદો પડે છે. રહસ્ય ઉકેલ્યા પછી ય એનું આકર્ષણ ઘટતું નથી. આજે એક સૂર્યોદય જોયો એટલે આવતીકાલે પુન: એ જ સૂર્યોદય જોવાનું આકર્ષણ ઘટી જશે એવું બનતું નથી ! એ દર્શન દ્વારા પ્રાપ્ત થતાં આહલાદની અનુભૂતિ રોજેરોજના દર્શન પછીય એવીને એવી જ રહે છે ! એની ઉપયોગિતા જોવાઈ ગયેલી ફિલ્મ કે રમાઈ ગયેલી રમતની જેમ ઘટી નથી જતી !

સાહિત્યનો આનંદ આનાથીય એક ડગલું આગળ વધે છે. કોઈ પણ સર્જક એના સાહિત્યનું સર્જન શા માટે કરે છે એ સર્જન જેટલો જ પુરાણો પ્રશ્ન છે ! સ્વાન્ત: સુખાય એનું સર્જન કદાચ લેખકના આરંભકાળે થતું હશે પણ અંતે તો જો એ સમાનધર્મા સાહિત્ય સેવી કે સહૃદય ભાવકના ચિત્ત સુધી પહોંચે નહીં તો એ સર્જન રસોડામાં રંધાતી મનગમતી, ભાવતી, સ્વાદિષ્ટ વાનગી જેટલું જ સ્થાન ધરાવે છે. સમાનધર્મા કે સહૃદયનું ચિત્ત એ જ એનું ગંતવ્ય સ્થાન છે. આ ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલાં એ કેટલીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયાઓમાં પ્રકાશન મુખ્ય છે. આ પ્રકાશનને પણ અખબારી પ્રકાશન અને ગ્રંથરૂપ પ્રકાશન એમ બે ભાગમાં વહેંચી શકાય. આ ક્ષણે વિવેચનાની એક નાકાબંધી પણ એને નડતી હોય છે, પણ આ વિવેચના એટલે અંતે તો વાચકની જ પ્રક્રિયા અને પ્રતિભાવ છે એટલે એનો સમાવેશ અંતિમ ગંતવ્ય સ્થાનમાં કરી શકાય ! જો કે આ નાકાબંધી ક્યારેક વિરમગામની લાઈનદોરી જેવી બનતી જાય છે એ દુ:ખદ સત્ય છે. (પચાસ વર્ષથી ઓછી વયના આ લેખના વાચકો ક્ષમા કરે કેમકે વીરમગામની લાઈનદોરીનું દશ્ય એમને કદાચ નહીં સમજાય. આવા લોકોએ સાડાચાર દાયકા પહેલાં મુંબઈ-કાઠિયાવાડ વચ્ચે આવ-જા કરતાં કોઈક વડીલને પૂછી લેવું !)

સમર્થ સાહિત્ય કૃતિમાં આવો આનંદ શી રીતે પ્રગટે છે ? કોઈ પણ સર્જક જ્યારે કલમ હાથમાં પકડે છે ત્યારે પહેલો અક્ષર કાગળ ઉપર આકારબદ્ધ થાય એ ક્ષણે એની સત્યના સાક્ષાત્કારની યાત્રા આરંભાય છે. આ વાત આપણે માત્ર સાહિત્યના સર્જન પૂરતી જ કરીએ છીએ એ યાદ રાખવું રહ્યું ! પ્રત્યેક લખાણ પછી એ પ્રસિદ્ધ હોય કે અપ્રસિદ્ધ એ જ્યાં સુધી આ યાત્રાની કેડી પર પગ નથી મૂકતું ત્યાં સુધી એ લખાણ છે – એનાથી કદાચ મનોરંજન પણ મળે, ઉત્તેજના પણ મળે, મઝાય આવી જાય, પણ આમ છતાં સત્યના સાક્ષાત્કાર માટેની યાત્રા વિના એ સાહિત્ય નથી બનતું. સત્યના સાક્ષાત્કારની આ યાત્રા શું છે ?

લેખકનું કામ શબ્દોને અર્થ આપવાનું છે. આ અર્થ મારફતે એ જે હજુ અપ્રગટ છે એ સત્યને પામવા મથે છે. માણસનું મન ઈશ્વરની સૃષ્ટિ જેવું જ અગમ્ય છે. એ ઉકેલી શકાયું નથી. લેખક એને ઉકેલવા કોશિશ કરે છે. મન જ્યાં સુધી અગમ્ય છે ત્યાં સુધી આ સત્યના સાક્ષાત્કારની યાત્રા અવિરત ચાલુ રહેશે. મનના બધા જ રહસ્યો, શરીરશાસ્ત્રના કોઈ નિયમોને આધારે જે ક્ષણે ઉકેલાઈ જશે એ ક્ષણે સાહિત્ય સદગત થઈ જશે. એ પછી એની કોઈ જરૂર જ નહીં પડે ! આમ સત્યની પ્રાપ્તિ કરતાં સત્યને પામવા માટેની મથામણ વધુ મહત્વની છે. આ મથામણ સાહિત્ય છે.

નજર સામે દેખાતું વિશાળ વૃક્ષ એક સાવ નાનકડા બીજમાંથી જ પાંગર્યું છે એ નરી આંખે દેખાતું વનસ્પતિશાસ્ત્રનું વૈજ્ઞાનિક સત્ય છે. ઉપનિષદનો ઋષિ જ્ઞાન પ્રાપ્તિની એની ઝંખનામાં આ બીજ તોડીને એના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરે છે. આખુંય બીજ તો વૃક્ષ નથી જ બન્યું. બીજમાં છુપાયેલા કોઈક સુક્ષ્મ તત્વે એને વૃક્ષ બનાવ્યું છે. આ સુક્ષ્મ તત્વને પામવા એણે બીજ તોડ્યું પણ અંદર રહેલા એકાદ બારીક રેષા સિવાય એને કંઈ મળ્યું નહીં. આ રેષાની વચ્ચે એવું તે કયું તત્વ છે એ વૃક્ષ બનાવે છે. એવી તિતિક્ષા સાથે એણે આ રેષાને વધુને વધુ તોડ્યા કર્યા. અંદર રહેલું સૂક્ષ્માતિસૂક્ષ્મ એને હાથ ન લાગ્યું તે ન જ લાગ્યું ! આ તત્વની પ્રાપ્તિ એ ઉપનિષદ યાત્રા છે ! જે હાથ નથી લાગ્યું એ જ તત્વ આ વિરાટ વૃક્ષનો પ્રાણ છે એ જ સત્ય છે. સાહિત્ય એને શોધે છે. પ્રત્યેક સાચા સાહિત્યકારની સર્જનયાત્રા ઉપનિષદયાત્રા હોવી જોઈએ ! જ્યાં સુધી એ આવી ઉપનિષદયાત્રા છે ત્યાં સુધી જ એ સાહિત્યયાત્રા છે અન્યથા ઝાડ-પાન ઉછેરવાનું માળી કામ છે !