એશિયાખંડની બાળવાર્તાઓ ભાગ-2 – હિંમતભાઈ પટેલ

[ગત સપ્તાહે આપણે તિબેટની બાળવાર્તા માણી, આ સપ્તાહે માણીએ ભારતની એક બાળવાર્તા.]

પતિંગ ભાટ – ભારતની બાળવાર્તા

એક ગામમાં એક ભાટ રહેતો હતો. તેનું નામ હતું ‘પતિંગ’. લોકોમાં તે ‘પતિંગ ભાટ’ ને નામે ઓળખાતો હતો.

પતિંગ ભાટની પત્ની કાફર હતી. તે રોજ આઠ રોટલી કરતી. તેમાંથી પોતાના પતિને માત્ર બે જ રોટલી આપતી અને બાકીની છ પોતે ખાઈ જતી. કુલ ત્રણ જ રોટલી કરતી હતી એમ જણાવતી. અને એમાંથી બે પતિને આપીને પોતે એક રોટલીભેર રહે છે, એમ સૌને કહેતી હતી. તે પોતાના પાડોશમાં સ્ત્રીઓને કહેતી : ‘આપણે બૈરાં માણસને ક્યાં રળવા જવું છે ? મારે તો એક રોટલી બહુ !’

પરંતુ એક રોટલી ખાવા છતાં પતિંગભાટની સ્ત્રી શરીરે જાડીતગડી રહેતી હતી. એટલે સૌને તેની વાતમાં વહેમ પડતો. સૌને થતું : ‘માનો ન માનો, પણ આ ભાટણ જૂઠું બોલે છે ! આપણને કહે છે કે પોતે એક જ રોટલી ખાય છે; પરંતુ ઓછામાં ઓછી પાંચ-છ રોટલી તો એ ઝાપટતી હોવી જોઈએ. એનું શરીર જ આ વાત કહી આપે છે !’

માત્ર એક રોટલીથી પેટ ભરવાની ભાટણની વાત ધીરે ધીરે પતિંગ ભાટના કાને આવી. પતિંગ ભાટ આમ ચકોર હતો. એટલે તેણે ભાટણનું પારખું લેવાનું નક્કી કર્યું. એક દિવસ એ પોતાની બે રોટલીઓ ખાઈને ઘરમાં ક્યાંક સંતાઈ ગયો અને પોતાના પછી ભાટણ કેટલી રોટલી ખાય છે એ જોવા લાગ્યો. તે દિવસે ભાટણે પોતે સંતાડેલી પાંચ રોટલી છાનામાના ખાઈ લીધી અને ચોરીની બધી વાત પતિંગ ભાટને સમજાઈ ગઈ !

બીજે દિવસે રોજના નિયમ પ્રમાણે ભાટ ને ભાટણ જમવા બેઠાં. ભાટના ભાણામાં બે રોટલી મૂકવામાં આવી; જ્યારે ભાટણે, પતિને દેખાડવા પૂરતી પોતાના ભાણામાં એક જ રોટલી મૂકી હતી. બાકીની પાંચ રોટલી ભાટણે સંતાડી દીધી હતી.

આજે જમવાની શરૂઆત કરતાં જ પતિંગ ભાટે પોતાની બંને આંખો મીંચી દીધી અને જાણે ધ્યાનમાં બેસી ગયો ! પછી ધ્યાનમાં તેને કંઈક ભવિષ્યવાણીનું જ્ઞાન થયું હોય તેમ બોલવા લાગ્યો; સામાન્ય રીતે ભાટ-ચારણોની જીભે સરસ્વતી વસેલી હોય છે; એટલે તેઓ કાવ્યો-જોડકણાં તરત જોડી શકે છે. આ રીતે પતિંગ ભાટે પોતાની વાત જોડકણામાં જ આ પ્રમાણે બોલી બતાવી :

કરી છે રોટલી આઠ કુલ
પીરસી છે ત્રણ અહીંના ભૂલ;
પરંતુ બાકીની ક્યાં પાંચ ?
શું એમાં બૂડે મારી ચાંચ….?

આટલું જોડકણું બોલીને હાટિયામાં ભાટણે જે પાંચ રોટલી સંતાડી હતી તેના ઉપર નજર ચોંટાડી. પોતાની ચોરીની વાત આમ ઓચિંતી ઉઘાડી પડી ગયેલી જાણીને ભાટણ એકદમ છોભીલી પડી ગઈ. તેને થયું : ‘માન ન માન, પણ મારો પતિ મોટો ભવિષ્યવેત્તા છે; ભારે ત્રિકાળજ્ઞાની છે !’ એટલે ભાટણ લાકડી પડે તેમ ભાટના પગમાં પડી ગઈ. પછી હાટિયામાં છાની રીતે સંતાડેલી પાંચે રોટલી પતિની સમક્ષ મૂકી દઈને ખૂબ માફી માગી. પછી તો ભાટણ કૂવે ગામની સ્ત્રીઓને વાત કરતાં કહેવા લાગી : ‘મારા પતિએ તો કોઈ ભારે સિદ્ધિ મેળવી છે. અરે, એ સિદ્ધિના બળે આપણું છાનુંછપનું કોઈ પણ કામ તેઓ જાણી શકે છે ! કોઈને પારખું કરવું હોય તો ચોક્કસ કરજો !’

ધીરે ધીરે ભાટણની વાત આખા ગામમાં પ્રસરી ગઈ. એવામાં કોઈ એક ખેડૂતનો બળદ ખોવાયો. જોગાનુજોગ એક શેરડીના ખેતરમાં ખેડૂતના બળદને પતિંગ ભાટે જોયો હતો; એટલે ધ્યાન ધરવાનો ઢોંગ કરીને પતિંગ ભાટે તેને કહ્યું : ‘જાવ, તમારો બળદ પેલા શેરડીના ખેતરમાં તમને મળશે…!’ ખેડૂત દોડતો દોડતો શેરડીના ખેતરમાં પહોંચ્યો, અને ત્યાં પોતાનો બળદ મળતાં તે ખુશખુશ થઈ ગયો.

આમ કરતાં કરતાં પતિંગ ભાટની કીર્તિની વાત છેક રાજાના કાને પહોંચી. એવું થયું કે રાજાની કુંવરીનો હીરાનો હાર ક્યાંક ખોવાઈ ગયો હતો અને ઘણી શોધ કરવા છતાં તેનો પત્તો લાગતો નહોતો. એટલે છેવટે રાજાએ પતિંગ ભાટને તેડું મોકલ્યું. હવે તો પતિંગ ભાટને ગભરામણ થવા લાગી. તેના શરીરે પરસેવો વળવા લાગ્યો. આમ છતાં રાજાનું તેડું પાછું શી રીતે ઠેલાય ? જેમતેમ હિંમત કરીને પતિંગ ભાટ રાજાની હજૂરમાં જઈને ઊભો રહ્યો. રાજાએ પતિંગ ભાટને કુંવરીના ખોવાયેલા હારની શોધનું કામ સોંપ્યું. પતિંગ ભાટે કહ્યું : ‘મહારાજા, એ માટે આવતીકાલે સવારે ન્હાઈ-ધોઈને ધ્યાન ધરીશ; પછી જે તે વાત કરીશ.’

એમ કહીને પતિંગ ભાટ પોતાના ઉતારે ગયો. તેને રાજ્ય તરફથી રાજાના મહેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ઉતારામાં પતિંગ ભાટને ઊંઘ શેની આવે ? તેને તો બરાબર ચિંતા પેઠી હતી. તેને થતું હતું : ‘રાજા આગળ મારું પોલ પકડાઈ જશે તો ? તો તો નક્કી મને તે મારી નાખશે !’

પતિંગ ભાટ મોઢેથી ગણગણતો પડ્યો હતો :
આવ રે ઊંઘ, તું આવ રે !
મારી આગળ તું નહિ ફાવ રે !

જોગાનુજોગ જે દાસીએ કુંવરીનો હાર ચોર્યો હતો તેને સૌ ‘ઊંઘ’ નામથી જ બોલાવતું હતું; કેમ કે તેની ઊંઘ બહુ હતી. એક બાજુથી પતિંગ ભાટનું પોતાનું આ જોડકણું ગાવું અને બીજી બાજુથી તેના ખંડ આગળથી આ હારની ચોરી કરનાર ‘ઊંઘ’ દાસીનું પસાર થવું ! ‘ઊંઘ’ દાસીએ પણ પતિંગ ભાટની સિદ્ધિઓ વિશે ઘણું સાંભળ્યું હતું. એટલે તેને નક્કી થઈ ગયું કે પોતાની વાત પતિંગ ભાટ જાણી ગયો ! એટલે તે તો ઝટપટ સંતાડેલો હાર લઈ આવી અને પતિંગ ભાટના ખંડમાં છાનામાના આવીને એક બાજુ ઊભી રહી. પછી પતિંગ ભાટના હાથમાં સોંપતાં ધ્રુસકે ધ્રુસકે રોતાં કહેવા લાગી : ‘પતિંગ ભાટજી તમારા પગે પડું છું ! મને બચાવો; આ રહ્યો કુંવરીબાનો હાર ! મારી દયા ખાઈને મને બચાવો ! તમારી ગાય છું ! તમારો ગુણ કદી નહિ ભૂલું !’
પતિંગ ભાટને તો આટલું જોઈતું હતું ને ?
મૂછો પર તાવ દેતો તે બોલ્યો : ‘અરે, દાસી તું તારા મનમાં સમજે છે શું ? પતિંગ ભાટે કામ હાથમાં લીધું તો થઈ રહ્યું ! મારી આંખો તો અહીં બેઠે બેઠે પાતાળમાં જોઈ શકે છે. આમ છતાં હું તારી દયા ખાઉં છું. જા, છાનીમાની આ હાર કુંવરીના ઓશીકા નીચે સંતાડી આવ. તું મારે શરણે આવી છે, એટલે ગમે તેમ કરીને તને ઊની આંચ નહિ આવવા દઉં, જા !’ દાસીએ જઈને હાર કુંવરીના ઓશીકા નીચે સંતાડી દીધો.

બીજે દિવસે સવારે પતિંગ ભાટ ન્હાઈ-ધોઈને રાજાના દરબારમાં પહોંચ્યો. નાકે હાથ મૂકીને તેણે ધ્યાન કર્યું ને બોલ્યો : ‘કુંવરીબાના ઓશીકા નીચે હારની તપાસ કરો !’

તરત જ રાજાએ પોતાના માણસો કુંવરીના મહેલમાં દોડાવ્યા; અને એ જગાએ તપાસ કરાવી. પતિંગ ભાટના કહેવાથી દાસીએ હાર તો ત્યાં મૂકેલો હતો જ; એટલે એ તરત જ હાથમાં આવી ગયો. હવે પતિંગ ભાટની કારકિર્દીનું પૂછવું જ શું ? બસ, તેને તો હવે રાજદરબારમાં ઘીકેળાં જ હતાં. રાજા હમેશાં પતિંગ ભાટને પોતાની સાથે ને સાથે રાખતા. પતિંગ ભાટ રાજાનો એવો માનીતો થઈ પડ્યો, એટલે પ્રધાને તેની બહુ ઈર્ષ્યા કરવા માંડી. પ્રધાનને થયું હતું : ‘આ ભાટ મહાશય કાગનું બેસવું ને ડાળનું પડવું એ ન્યાયે આટલા આગળ વધી ગયા છે. લાવો, તેને જરા હેઠા પાડીએ.’

એક વખત રાજા પતિંગ ભાટ જોડે જતા હતા. પ્રધાન પણ તેમની સાથે હતો. એટલામાં છાનામાના એક ઊડતું પતંગિયું પ્રધાને મુઠ્ઠીમાં છુપાવી દીધું અને એ મુઠ્ઠી પતિંગ ભાટને બતાવતાં કહ્યું :
‘બોલો બારોટજી, મારી આ મુઠ્ઠીમાં શું હશે ?’

પતિંગ ભાટને ઘડીભર તો થઈ ગયું કે હવે પોતાનું પોલ ખુલ્લું પડી જશે…! આમ છતાં, પોતાના સ્વભાવ મુજબ તેણે પોતાની મન:સ્થિતિ વર્ણવતું એક જોડકણું જોડી કાઢ્યું અને ગાવા લાગ્યો :

ગણી રોટલી બન્યો હું ગણિતી,
બળદ બતાવીને બન્યો હું જ્યોતિષી;
હાર મળ્યો મને ઓશીકા નીચેથી,
હે પતિંગા, તારું મરણ હવે નિશ્ચેથી !

પતિંગા શબ્દ તો પતિંગ ભાટ પોતાની જાતને ઉદ્દેશીને બોલ્યો હતો, પરંતુ પ્રધાન તેને પોતાની મુઠ્ઠીમાનું પતંગિયું સમજ્યો ! પોતાની વાત પતિંગ ભાટ કળી ગયો છે એમ માની તેણે મુઠ્ઠી ખોલી નાખી, તો અંદરથી મરી ગયેલું પતંગિયું નીકળ્યું ! હવે તો પ્રધાન પણ પતિંગ ભાટની સિદ્ધિમાં માનતો થઈ ગયો; અને તે પોતે પણ તેનો પરમ ભક્ત બની ગયો.

રાજા તો પહેલેથી પતિંગ ભાટનો ભક્ત હતો જ.
એટલે પ્રભુની દયાથી પતિંગ ભાટનું ટટ્ટુ છેક સુધી નભ્યું.
સૌએ ખાધું, પીધું ને મોજ કરી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરીક્ષાઓમાં હોમાતી યુવા પેઢી – મફત ઓઝા
આપણું કર્તવ્ય – મૃગેશ શાહ Next »   

16 પ્રતિભાવો : એશિયાખંડની બાળવાર્તાઓ ભાગ-2 – હિંમતભાઈ પટેલ

 1. suresh says:

  લોભિયા હોય ત્યા ધુતારા ભુખે મરે ખરા ?અન્ધસ્રદ્ધા પણ કેતલી ?

 2. Brinda says:

  Good story, children would love to listen to such stories.

  Can i know the publication and other details of the book?

 3. સુરેશ જાની says:

  આપણા જીવરામ જોશીની છકા મકાની વાતો યાદ આવી ગઇ.

 4. કલ્પેશ says:

  “સૌએ ખાધું, પીધું ને મોજ કરી”

  બાળપણની વાર્તાઓમા આ છેલ્લી લીટી હોય છે જીવનમા આવુ બને તો કેટલુ સારુ

 5. અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું થયું! 🙂

  સરસ બાળવાર્તા… નાનપણમાં વાંચેલી ચંદનની વાર્તાઓ યાદ આવી ગઇ…

 6. Kanan says:

  કોઇ ને ગિજુભાઈ ને “કાઁ રાજા તિડા ને માર યાદ ન આવ્યુઁ? આ તો તિડા ભટ્ટ્નેી જ વાત!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.